વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

( 499 ) મળવા જેવા માણસ ….શ્રી જુગલકિશોર વ્યાસ….પરિચય….શ્રી પી.કે.દાવડા

 ગુજરાતી બ્લોગ વિશ્વમાં શ્રી જુગલકિશોરભાઈ વ્યાસનું નામ એક ભાષા પ્રેમી કુશળ બ્લોગર તરીકે ખુબ જાણીતું છે .

જુ’ભાઈની એમના બ્લોગ નેટ-ગુર્જરી તેમ જ સહ સંપાદિત બ્લોગ વેબ ગુર્જરી તથા ફેસ બુક દ્વારા એમની સંપાદન કળા અને સાહિત્ય પ્રીતિની મને જાણ હતી જ .

શ્રી પી.કે.દાવડાજી એ એમની મળવા જેવા માણસની પરિચય શ્રેણીમાં લખેલ એમના જીવન વિશેના પરિચય લેખથી જુગલકિશોરભાઈ ના જીવન સંઘર્ષના વર્ષો વિષેની નવી વિગતો  જાણવા મળતાં એમના માટે વિશેષ માન ઉત્પન્ન થયું .

શ્રી જુ’ભાઈ ના આજ સુધીના વ્યક્તિત્વના ઘડતરમાં સામાજિક ઉત્થાન અને સર્વોદયને વરેલી લોકભારતી  જેવી આદર્શ સંસ્થાઓ  તથા  ન.પ્ર.બુચ ,દર્શક જેવા આદર્શ ગુરોઓએ અગત્યનો ફાળો આપ્યો.છે .

જુ’ભાઈને ખુબ જ ભૌતિક સંપતિ સંપાદન નહી કરવાનો કોઈ અફ્સોસ નથી પણ સામાજિક સેવાઓ દ્વારા એમણે  જે અંતરની -આંતરિક  સંપતિ સંપાદન કરી છે એની એમને ખુશી અને સંતોષ છે .નિવૃતીના સમયમાં પણ ગુજરાતી બ્લોગોના માધ્યમથી ભાષાની સેવામાં ગળાડૂબ રહીને ખુબ જ પ્રવૃત રહે છે .

શ્રી જુગલકીશોરભાઈ વ્યાસ ખરેખર એક જાણવા , માણવા અને મળવા જેવા માણસ છે એમાં કોઈ શંકા નથી .

વિનોદ પટેલ

======================================================

 JU'BHAI-1

મળવા જેવા માણસ ….શ્રી જુગલકિશોર વ્યાસ….પરિચય….શ્રી પી.કે.દાવડા

જુગલકિશોરભાઈનો જન્મ ૧૯૪૪માં ભાવનગર જિલ્લાના ઉમરાળા ગામમાં થયો હતો. પ્રાથમિક શિક્ષણ ઉમરાળામાં અને રંધોળા ગામોમાં થયું. આ Formative વર્ષોમાં ધર્મમૂર્તિ માતા અને જ્ઞાનમાર્ગી પિતાજી, અને ઉમરાળા પંથકના ગાંધી કહેવાયેલા એમના ફૈબાના દીકરા વનમાળીભાઈ વ્યાસ, જે ‘મોટાભાઈ’ ના નામે જાણીતા હતા, તેમની એમના ઉછેરમાં બહુ મોટી અસર થઈ.

જુગલકિશોરભાઈ માધ્યમિક શાળાના શિક્ષણ માટે જૂનાગઢ જીલ્લાના શાપુર ગામે ગયા. અહીં ૧૯૫૫થી ૧૯૬૦ સુધી સર્વોદય આશ્રમ લોકશાળામાં રહી, S.S.C. સુધીનો અભ્યાસ પૂરો કર્યો. આ સમય દરમ્યાન એમણે ૧૯૫૬થી ૧૯૫૯ દરમ્યાન ગુજરાતના પ્રખર હવેલી સંગીતકાર શ્રી વિઠ્ઠલદાસ બાપોદરાજી પાસેથી શાસ્ત્રીય સંગીતમાં તાલીમ મેળવી. આ સમયગાળાને યાદ કરી જુગલકિશોરભાઈ કહે છે:

“શાપુર સર્વોદય આશ્રમ લોકશાળામાં ૧૧–૧૨ વરસની ઉંમરે (૧૯૫૫) દાખલ થઈને ત્યાં છ વરસ ગાળ્યાં, તે મારા જીવનનો પાયો નાખનારાં બન્યાં. શાપુરનું વાતાવરણ કાચી ઉંમરને કારણે આકરું લાગતું. વતનથી દૂર, કુટુંબની ઓછી આવક, અને લોકશાળાના નિયમોને લઈને શાપુર કસોટી કરનારું બનેલું. પણ એ જ લોકશાળા મને કસનારી બની. શરીર અને મન કસાયાં. ત્યાંનું મુક્ત વાતાવરણ અને બુનિયાદી તાલીમનાં બહુ ગમતા અભ્યાસક્રમો અને પદ્ધતિઓએ મને તૈયાર કર્યો.”

શાળાનો અભ્યાસ પૂરો કરી, જુગલકિશોરભાઈ વધુ અભ્યાસ માટે ભાવનગર જિલ્લામાં આવેલી, ગુજરાતના પ્રથમ કક્ષાના કેળવણીકાર નાનાભાઈ ભટ્ટ દ્વારા સ્થાપિત લોકભારતી ગ્રામ વિદ્યાપીઠમાં કૃષિ વિજ્ઞાન વિષય લઈ જોડાયા. અહીં ૧૯૬૨થી ૧૯૬૬ દરમ્યાન અભ્યાસ કરી, કૃષિ વિજ્ઞાનમાં પ્રથમ વર્ગમાં સ્નાતકની પદવી મેળવી. આ સમયગાળા વિષે જુગલકિશોરભાઈ કહે છે કે:

 “લોકભારતીમાં આવવાનું મોડું થતાં લોકશિક્ષણ (આર્ટસ)માં જગ્યા ન મળી. કૃષિ ગમતો વિષય ન હતો. પરંતુ આર. આઈ.ના બે વરસના કોર્સમાં દિલ્હીની શિષ્યવૃત્તી (રૂ. ૨૫૦/– વાર્ષિક) મળવાની શક્યતા હોઈ કૃષિમાં જ દાખલ થયેલો. એમ એક બાજુ અણગમતા વિષય સાથે પનારો પડ્યો અને બીજી બાજુ સમગ્ર જીવનને પલટાવી નાખનારો લોકભારતીનો ખોળો મળી ગયો….ત્યાર પછીનાં સાડા ત્રણ વરસ મારાં આવનારાં જીવન માટે ખાતર–પાણી ને હવામાન–શાં બની રહ્યાં. પછીનો જે કાંઈ સારો પાક મારે જીવન–ખેતરે પાક્યો તે બધો જ લોકભારતી–માડીના પ્રતાપે.”

ગુજરાતના શિક્ષણાચાર્યો: સૌ પ્રાત:સ્મરણીય ન.પ્ર.બુચ, દર્શક, મૂ.મો.ભટ્ટ પાછળ એમના શિષ્યો ડાબેથી રવીન્દ્ર અંધારિયા, પ્રવીણ ડાભી, જુગલકિશોર.

ગુજરાતના શિક્ષણાચાર્યો: સૌ પ્રાત:સ્મરણીય ન.પ્ર.બુચ, દર્શક, મૂ.મો.ભટ્ટ
પાછળ એમના શિષ્યો ડાબેથી રવીન્દ્ર અંધારિયા, પ્રવીણ ડાભી, જુગલકિશોર.

(Net-ગુર્જરી માં મુકેલ લોકભારતી–સ્નાતકો (૧૯૬૫) સાથેનો ફોટોઅહીં ક્લિક કરીને જુઓ .)

સ્નાતક થયા બાદ તરત જ એમણે બાવળા હાઈસ્કૂલમાં કૃષિ વિષય શીખવવા શિક્ષક તરીકે નોકરી શરૂ કરી પણ થોડા સમય બાદ જીવન જરૂરિયાતોને પહોંચી વળવા એક કાપડની મિલમાં રોજના રૂપિયા પાંચના પગારવાળી નોકરી સ્વીકારી. આ નોકરી કરતાં કરતાં જ એમણે ગુજરાતી વિષય લઈ, અમદાવાદની ગુજરાત વિદ્યાપીઠમાં M.A.ની ડિગ્રી પ્રથમ વર્ગ સાથે મેળવી. આ સમયગાળા અને ત્યાર બાદના વ્યાવસાયિક જીવન અંગે એમના જ શબ્દોમાં કહું તો,

“ગુજરાત વિદ્યાપીઠમાંથી અનુસ્નાતક થવા માટે મારે નોકરી કરવી પડે તેવી ઘરની સ્થિતિ હતી. તેથી ત્રણ વરસ મેં મીલમાં પટાવાળાની કક્ષાની – સેમી ક્લાર્ક તરીકેની – નોકરી કરેલી. અનુસ્નાતક થયા બાદ ઈડર કૉલેજમાં એક વરસ ગુજરાતી વિષયના લેકચરરની નોકરી કરી. સમોડા ગ્રામ વિદ્યાપીઠમાં ત્રણ વરસ ગુજરાતી ભાષામાં લેક્ચરર ઉપરાંત છાત્રાલયનું તથા સંસ્થા–સંચાલનમાં પણ મદદરૂપ કાર્ય કર્યું. ગાંધીજીએ સ્થાપેલા મજૂર મહાજનમાં ચારેક વરસ વર્કર્સ એજ્યુકેશન વિભાગમાં ઇન્ચાર્જ તરીકે અને ત્યાંના મુખપત્ર ‘મજૂર સંદેશ’ના સંપાદનમાં મદદનીશ તરીકે પણ કામ કર્યું. છેલ્લે ૨૪ વરસ ભારત સરકારના પ્રૌઢશિક્ષણ વિભાગના શ્રમિક વિદ્યાપીઠ, અમદાવાદમાં ગુજરાત યુનિવર્સીટીના નેજા નીચે ૧૨ વરસ કાર્યક્રમ અધીકારીરૂપે અને પછી નિવૃત્તી સુધીનાં ૧૨ વરસ નિયામક તરીકે કામગીરી કરી.”

ચાર વર્ષની મજૂર મહાજનની કામગીરી વિષે જુગલકિશોરભાઈ કહે છે,

“મજૂર મહાજનમાં પગારને નામે મશ્કરી જ હતી, છતાં ઝુંપડપટ્ટીમાં કામ કરવામાં જે સંતોષ મળ્યો એણે આર્થિક વેદનાને શીતળ લેપ કરી આપ્યો. દિવસરાત જોયા વિના મજૂરો સાથે કામ કરવા મળ્યું. આંગણવાડી માટે આધારસાહિત્ય અને અભ્યાસક્રમ તૈયાર કરીને સંચાલન કર્યું. ઉપરાંત, મજૂરોનાં બાળકો માટેની સાવ સસ્તી એવી એક સાથે ૧૫૦ જગ્યાએ ચાલી શકે તેવી ટ્યુશન–યોજના તથા કેટલીય જાતના વ્યાવસાયિક તાલીમ વર્ગોનું આયોજન અને તેનું સંચાલન કર્યું. આ કામનો બદલો ભારત સરકારમાંના શ્રમિક–શિક્ષણક્ષેત્રનું કામ સોંપાતાં મળી ગયો. અહીં મારા જીવનમાંના લોકભારતી અને મજૂર મહાજન બન્નેના વારસાનું સુંદર સંકલન હું કરી શક્યો.”

યુનેસ્કોના સહકારથી ભારતમાં સૌથી પહેલી શ્રમિક વિદ્યાપીઠ મુંબઈમાં ૧૯૬૭માં સ્થપાઈ હતી. બીજી વિદ્યાપીઠ અમદાવાદમાં ૧૯૭૬માં સ્થપાઈ જેમાં એમને સૌથી સીનિયર અધિકારી તરીકે નિમવામાં આવ્યા. અહીં એમને નવો ઢાંચો અને નવી પ્રણાલીઓ પાડવાની તક મળી. અહીં એમનું કાર્ય, એમના શબ્દોમાં,

“સાવ ઓછું ભણેલાં અનેક બહેનો–ભાઈઓને, સારા અને સફળ શિક્ષકો તરીકે તૈયાર કર્યા; આ જ શિક્ષકોએ, પછી તો ચાર્ટ વગેરે જેવાં શિક્ષણસાધનો તૈયાર કર્યાં; કેટલીક સાવ ઓછું ભણેલી બહેનોએ બચતમંડળો બનાવીને હજારો રૂપિયાનો વહીવટ કર્યો; કેટલાય લોકોનાં વ્યસનો છોડાવી શકાયાં; અનેક લોકો પોતાના સ્વતંત્ર વ્યવસાયો કરીને પગભર થયાં….”

૧૯૯૮માં જુગલકિશોરભાઈએ લોકભારતીના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનાં ૧૩૦ જેટલાં કુટુંબોને એકત્ર કરી ‘નૉળવેલ’ નામથી એક મંડળ ઊભું કર્યું.

બધાં કામો વચ્ચે પણ તેમનામાં રહેલી લેખન શક્તિ અને સંપાદન ક્ષમતા ખીલતી રહી જે આજે પણ લોકભારતીના મુખપત્ર “કોડિયું”ના સહતંત્રી તેમજ ગુજરાતી ભાષા પરિષદના જોડણી વિષયક પ્રચાર-પ્રસાર કાર્ય સુધી સક્રીય રહેવા પામી છે.

“શ્રમિક શિક્ષણની દિશામા”, “એક ચણીબોરની ખટમીઠી”, “ઔષધીય ગાન ભાગ ૧-૨”, “સ્વ. શોભન સ્મૄતિ ગ્રંથ” અને “મારા વિષે હું અને એક વી.આઈ.પી. ની આત્મકથા” જેવા પુસ્તકોનું લેખન-સંપાદન તેઓએ કર્યું છે. એટલું જ નહિ, “શ્રમિક શિક્ષણ”, “નૉળવેલ”, “આયુક્રાંતિ” જેવાં સામયિકોનું સંપાદન પણ તેમણે કર્યું છે.

બ્લૉગ-જગતમાં જુગલકિશોર વ્યાસ નામ ન જાણતા હોય એવા બહુ ઓછા લોકો હશે. શરૂઆતમાં “ગાંધીદર્શન” અને “મારા ગુરુવર્યો” નામના બ્લૉગ્સનું સંચાલન કર્યા બાદ આજે પોતાનું આગવું “નેટ ગુર્જરી” અને સહિયારી સાઇટ “વેબ-ગુર્જરી” નામના બે ખૂબ જાણીતા બ્લૉગમાં તેઓ સક્રિય છે.

વિશ્વભરમાંના ગુજરાતી બ્લૉગમાંથી પોતાની પસંદગીના બ્લૉગ અંગેનો સર્વે થયો ત્યારે સેંકડો ગુજરાતી બ્લૉગમાં પ્રથમ ૧૦ બ્લૉગમાં તેમનો બ્લૉગ ‘નેટગુર્જરી’ પસંદગી પામ્યો હતો જ્યારે ઇન્ડિબ્લૉગર દ્વારા થયેલી પસંદગીમાં ગુજરાતી બ્લૉગ્સમાં તેમનો ઉપરોક્ત બ્લૉગ પ્રથમ આવ્યો હતો.

The Indian Blogger AWARDS 2013 Winner GUJARATI : JUGALKISHOR (NET-ગુર્જરી)

The Indian Blogger AWARDS 2013 Winner GUJARATI : JUGALKISHOR (NET-ગુર્જરી)

 

જુગલકિશોરભાઈના જીવનનાં અનેક પાસાં આ નાનકડા લેખમાં આવરી લેવાનું શક્ય નથી. સાહિત્ય ક્ષેત્રમાં એમનું યોગદાન, ગુજરાતી ભાષાની જોડણી, વ્યાકરણ અને કવિતાઓના બંધારણ શીખવતું પિંગળશાસ્ત્ર વગેરેનો ઉલ્લેખ કરવા બેસું તો બીજાં બે પાનાં ઉમેરવા પડે. એમના વધારે પરિચય માટે તો તમારે માત્ર ગુગલની મદદ જ લેવી રહી.

-પી. કે. દાવડા

===================================

જેમની નિશ્રામાં શ્રી જુ’ભાઈને શિક્ષણ અને કાર્યની તક મળી એ આદર્શ ગુરુ

ન.પ્ર.બુચની એક સુંદર કાવ્ય રચના
 
પંચાશીમે પડાવે   (સોરઠા)

ચાર  વીહું ને  ચાર  વરહું ઘોડો હાંકિયો,

“જીવાજી” અસવાર ! અવ ઘોડેથી ઊતરો.

થનગનતો તોખાર ગધ્ધાપચ્ચીસી તણો

ખેંચી ખેંચી  ભાર  હવે  થયો  છે ટારડુ.

હવે લાગતો થાક ઇંદરિયું  મોળી  પડી,

ઘોડાનો શો વાંક ? ચોરાશી પૂરાં કર્યાં.

લીધો–દીધો પ્રેમ વાટ વટ્યા હળવે મને,

પ્રેમ જ આપણ ક્ષેમ, એના ધરવ ન સાંભળ્યા.

આમ કહો તો એકલા દુનિયાને વહેવાર

પણ છૈયેં અન–એકલા સ્નેહાવરણ વચાળ.

જીવન સૌરભસાર “પુષ્પ” જમા મૂકી ગયું

સમરી વારંવાર ભર્યાં ભર્યાં મન રાખીએ.

જાવાને  તૈયાર,  રે’વામાં  વાંધો  નથી,

“જીવાજી”  અસવાર, હળવે હૈયે  હાલશું.

લગામ  રાખી  હાથ  હાંક્યે  રાખું ટારડું

નટનાગરના નાથ ! ઈશારે અટકી જશું.

–    ન.પ્ર.બુચ. તા. ૨૧–૧૦–૯૦.

————————–

તેમની નીચેની આજના રાજ નેતાઓ -હવામાં ઉડતા રાજ પક્ષીઓ  

વિશેની આ કાવ્યપંક્તીઓ પણ માણો :

રાજપક્ષી (સ્રગ્ધરા)

પ્હોંચે ઉદઘાટનાર્થે નિત નિત સઘળે દેશને કોણકોણે,

માસે માસે ઊડન્તા મિષ લવ મળતાં પ્લેનપંથે વિદેશે;

રાજ્યે પ્રાધાન્યધારી કદીય ન નવરા ભારતી રાજપક્ષી

ઝાઝું આકાશમાર્ગે, ક્વચિત ન છૂટકે ભૂમિમાર્ગે ફરન્તા.

(તા. ૧૬,૯,’૬૯ની ટપાલમાંથી)

ન.પ્ર.બુચ

ન.પ્ર. બુચ અને એમની રચનાઓ વિષે વધુ જાણો નેટ ગુર્જરીની નીચેની લીંક ઉપર ક્લિક કરીને

મારા ગુરુવર્યો…… જુગલકિશોર વ્યાસ 

===================================

શ્રી સુરેશ જાનીના બ્લોગ ગુજરાતી પ્રતિભા પરિચય માં શ્રી જુગલકીશોરભાઈ નો પરિચય

અહીં ક્લિક કરીને વાંચો .

 

 

 

 

 

 

 

 

10 responses to “( 499 ) મળવા જેવા માણસ ….શ્રી જુગલકિશોર વ્યાસ….પરિચય….શ્રી પી.કે.દાવડા

  1. pragnaju ઓગસ્ટ 4, 2014 પર 4:28 એ એમ (AM)

    સંપૂર્ણ સંમત….Valibhai Musa
    To pkdavdajjugalkishor VyasAshok M Vaishnav and 3 More…
    પુરુષોત્તમભાઈ,

    ખરે જ તમારા પરિચયલેખમાં જુગલભાઈને સંક્ષિપ્તમાં પણ બહુ જ સરસ રીતે ઓળખાવવાનો પ્રયત્ન કર્યો છે. બહુમુખી પ્રતિભા ધરાવતા આ જણ સાથે ‘વેબગુર્જરી’ માટે કામ કરવાની મજા આવે છે. તેમની સંપાદકીય નોંધોને એમનાં મૌલિક સર્જનો જ ગણવાં રહ્યાં. તેમની દીર્ઘદૃષ્ટિ (Far-seeingness) કાબિલે દાદ છે. વેબગુર્જરીએ દોઢેક વર્ષમાં જે આયામો સર કર્યા છે, તે તેમના નેતૃત્વકૌશલ્યને આભારી છે. જુગલભાઈ વિષે હું જ્યારે લખી રહ્યો છું ત્યારે અન્ય કેટલાય સાથીઓની ‘વેગુ’ માટેની દિવસરાતની મહેનતને પણ બિરદાવું છું. સૌએ યથાશક્તિએ ‘વેગુ’ બ્લોગ રૂપી દેહનાં વિવિધ અંગો તરીકે કામ કરીને તેને ચેતનવંતો જાળવી રાખ્યો છે.

    આ તો થઈ ‘વેગુ’ની વાત, પણ સમસ્ત ગુજરાતી સાહિત્ય અને ભાષામાં તેમનું યોગદાન પ્રશસ્ય રહ્યું છે. જુજ જ સાહિત્યપ્રકારોને બાદ કરતાં તેમણે મોટા ભાગના સાહિત્યપ્રકારોમાં પોતાની આગવી અને ગુણવત્તાયુક્ત સર્જનશક્તિનો આપણને પરિચય આપ્યો છે. અમને સતત એ ચિંતા થયા કરે છે કે અમે અમારી ઢળતી ઉંમરે અમારામાં જ્યાં સુધી શક્તિ અને ઉત્સાહ હશે ત્યાં સુધી અમે ‘વેગુ’ને અમારી સેવાઓ આપતાં રહીશું, પણ આ કામને યથાવત્ ચાલુ રાખવા માટે યુવકો જોડાય તો તેમની સેવાઓ આપણને લાંબા સમય સુધી મળતી રહે.

    મારી અંગત વાત જણાવું તો હું એમને પ્રત્યક્ષ કે પરોક્ષ ક્યારેય પણ મળ્યો ન હોવા છતાં તેમણે મેઈલ થકીની મારી વિનંતીને માન આપીને મારી એક ઈ-બુક ‘હળવા મિજાજે’ માટે પ્રસ્તાવના લખી આપી હતી. એને માત્ર પ્રસ્તાવના જ ન કહેતાં એને વિવેચન પણ ગણી શકાય. એમણે તટસ્થભાવે મારી કેટલીક ક્ષતિઓ તરફ જે નિર્દેશ કર્યો છે, તેના અમલીકરણથી મારા લખાણમાં નોંધપાત્ર પ્રગતિ પણ થઈ છે.

    અફસોસ માત્ર એટલો જ રહે છે કે તેમનું ગુજરાતી ભાષા અને સાહિત્ય અંગેનું સાતસોથી વધારે લેખોનું ભગીરથ કાર્ય હોવા છતાં તેમણે નગણ્ય કહી શકાય તેટલું જ મુદ્રિત પુસ્તક સ્વરૂપે આપણને આપ્યું છે. જો કે હવે મુદ્રિત સાહિત્ય અસ્તાચળ તરફ ગતિ કરી રહ્યું છે અને તે સંજોગોમાં ઓછામાં ઓછું તેઓ મારી જેમ ઈ-બુક્સમાં તેમના સમગ્ર લખાણને રૂપાંતરિત કરે તો એ ખજાનો જળવાઈ રહે અને ભવિષ્યની ગુજરાતી પેઢીઓ તેનો લાભ લઈ શકે. જો કે મારે અંગત રીતે તેમની સાથે આ વાત થઈ પણ છે, પણ તેમનું એવું કહેવું રહ્યું છે કે દિવસરાતમાં પચીસમો કલાક મળે તો જ એ શક્ય બની શકે; કેમ કે તેમણે અન્યોનાં કામોને હંમેશાં પ્રાધાન્ય આપ્યું છે. કેટલાય બ્લોગરોને મદદરૂપ થવા માટે તેમનો રોજિંદો એકાદ તો શું પણ તેથીય વધારે કલાકનો સમય મેઈલની આપલેમાં વપરાતો હશે. કેટલાય બ્લોગ ઉપર પોતાના વિદ્વતાપૂર્ણ પ્રતિભાવો આપવા તેને પણ વળી જુદી જ કામગીરી ગણવી ઘટે.

    આપણે સૌ ઈશ્વરને એમના તંદુરસ્તીપૂર્ણ દીર્ઘાયુષ્ય માટે પ્રાર્થીએ કે જેથી આપણને તેમની વધુ ને વધુ સેવાઓ મળતી રહે.

    સસ્નેહ,
    વલીભાઈ

    Like

  2. Ramesh Patel ઓગસ્ટ 5, 2014 પર 7:49 એ એમ (AM)

    એક આદર્શ પેઢીના ગુણો થકી, વતન સદા મહેક્યું છે ને તેમનો આનંદ એ જનહિતાય કાર્યોની સૌરભ છે.આદરણીયશ્રી જુગલકિશોરજી, સુશ્રી પ્રજ્ઞાબેન ,શ્રી વલિભાઈ મુસા જેવા વ્યકતિત્ત્વની મધુરતા આજે સાત ખંડે હિલોળા લે છે.

    શ્રી દાવડાજીની આ શ્રેણીએ જે ‘વતનની રસધારા’ વહાવી છે, તે માટે નેટ જગત સાચે જ ગૌરવ ધરશે.શ્રી સુરેશભાઈ જાની ને ગોવિંદભાઈએ પરદેશમાં છીએ એવું જ ભૂલાવી દીધું ને ગાતા ગવડાવતા ને માણતા કરી દીધા. કોની લીલા કહેવી?..આદરણીયશ્રી વિનોદભાઈ.

    રમેશ પટેલ(આકાશદીપ)

    Like

  3. chandravadan ઓગસ્ટ 5, 2014 પર 4:58 પી એમ(PM)

    Read about Jugalkisorbhai 1st on Rameshbhai’s Blog.
    Now I read it on this Blog.
    A PORTION of my Comment is here>>>

    જુગલકિશોરભાઈ,

    તમોને નમસ્તે !

    બ્લોગ જગતની સફરે મેં તમોને જાણ્યા છે.

    આજે રમેશભાઈના બ્લોગ પર દાવડાજીનો તમારા વિષેનો લેખ વાંચી તમોને વધુ જાણ્યા.

    જેમ કહેવાય કે “એક ડોકટર હંમેશા ડોકટર” તે પ્રમાણે “એક શિક્ષક જીવનભર શિક્ષક”.

    તમોએ ગ્લોગજગત પર આવી “ગુજરાતી ભાષા જોડણી” અન્ય લેખો દ્વારા તમારી વિચારધારાથી અન્યને આનંદ આપ્યો.

    અહીં, તમારા શિક્ષકભાવના દર્શન થતા હતા.

    તમારો ગુજરાતી ભાષા પ્રત્યેનો પ્રેમ ઉંડો છે.

    Wishing all the Best of the HEALTH to Jugalkishorbhai.
    Dr. Chandravadan Mistry
    http://www.chandrapukar.wordpress.com
    Vinodbhai…Hope to see you @ Chandrapukar !
    Avjo !

    Like

  4. kalpana desai ઓગસ્ટ 5, 2014 પર 5:53 પી એમ(PM)

    બહુ સરસ ઓળખાણ કરાવી. આભાર.

    Like

  5. પરાર્થે સમર્પણ ઓગસ્ટ 9, 2014 પર 10:37 પી એમ(PM)

    આદરણીય વડિલ .શ્રી વિનોદકાકા

    આદરણીય વડિલ શ્રી જુગલકિશોરકાકા એટ્લે નેટ જગત્નો ઘેઘુર વડ્લો

    કે જેની વડ્વાઇમાંથી અનેક જાતના લેખો પ્રગટે.

    Like

    • Vinod R. Patel ઓગસ્ટ 10, 2014 પર 10:48 એ એમ (AM)

      ગોવિંદભાઈ ,તમારી વાત બિલકુલ સાચી છે .તમે એક વાક્યમાં ઘણું કહી દીધું છે . તેઓ એટલા જ નિરાભિમાની અને સાચા સર્વોદયી છે . ગુરુઓ પાસેથી એમણે જે સંસ્કારો મેળવ્યા એના સહારે એમણે એમનો જીવન માર્ગ સેવાના રસ્તે જે રીતે કંડાર્યો છે એ અનુકરણીય છે . આપના પ્રતિભાવ માટે આભાર.

      Like

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.