વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

( 500 ) જેને રામ રાખે …..(સત્ય ઘટના)….. લેખિકા : જયશ્રી, પૉંડિચેરી. ભારત

૧૧મી જુલાઈ ૨૦૦૬ ના રોજ આતંકવાદીઓએ  ફક્ત ૧૧ મીનીટોમાં જ મુંબઈના સાત પરાઓની ટ્રેઇનોમાં હારબંધ બોમ્બ બ્લાસ્ટ કરીને મોટો આતંક ફેલાવી દીધો હતો .આ આતંકી હુમલામાં ૨૦૯ નિર્દોષ કમનશીબ લોકોએ પોતાના જાન ગુમાવ્યા હતા અને ૭૦૦ લોકોને નાની મોટી ઈજાઓ થઇ હતી .

આજની પોસ્ટમાં મુકેલ પાંડીચેરીનાં સુ.શ્રી જયશ્રીબેનના લેખમાં ઉપરની મુંબઈની આતંકી હુમલાની કરુણ ઘટનામાં એક  સિદ્ધિબેનનો કેવી રીતે ચમત્કારીક બચાવ થયો એનું એમના પત્રમાં વર્ણન કર્યું છે એ પત્ર વાંચવા જેવો છે.

એમના આ અદ્ભુત બચાવ માટે ગાયત્રી મંત્ર ઉપરની એમની અપાર ભક્તિ અને શ્રધા કારણભૂત છે એમ સિદ્ધિબેન માને છે .પત્રમાં તેઓ લખે છે:

“આવા કપરા સંજોગોમાં અમારા ઘરમાં નાનપણથી ગાયત્રીમંત્ર નો જાપ કરવાનું શીખવવામાં આવ્યું છે. એટલે મેં આંખો મીંચી દીધી અને મંત્રજાપ કરવાનું શરૂ કરી દીધું.


‘ૐ ભૂર્ભુવ: સ્વ: | તત્ સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ | ધિયો યો ન: પ્રચોદયાત્ |’


દાદાજીએ આ મંત્રનો અર્થ મને સ્પષ્ટપણે સમજાવ્યો હતો.

‘ગાયેન ત્રાયતે ઈતિ ગાયત્રી’ (જેનું ગાન કરવાથી રક્ષણ પ્રાપ્ત થાય છે તે ગાયત્રી.)

ઘણા લોકોના જીવનમાં આવા અણીને સમયે બચાવ થયાના બનાવો બનતા હોય છે. માણસના જીવનમાં બનતા આવા બનાવોમાંથી માણસ વિચારમાં પડી જાય છે અને એના અંતરમાં પડેલી ભગવાન પ્રત્યેની શ્રધા બળવત્તર બનતી હોય છે .

વિનોદ પટેલ

====================================

 

જેને રામ રાખે …..સત્ય ઘટના. લેખિકા : જયશ્રી, પૉંડિચેરી. ભારત
 

સિદ્ધિ, મારી ભત્રીજી, મુંબઈના ઝેવિયર ઈન્સ્ટિટ્યૂટ ઑફ કૉમ્પ્યુનિકેશન [Xavier Institute of Communication ] માં બ્રોડકાસ્ટ અને ફોટો જર્નાલીઝમ [broadcast and photo journalism] નો કોર્સ કરી રહી છે. અમારું સંયુક્ત કુટુંબ હોઈ હું પણ ભાઈ-ભાભી સાથે જ રહું છું. ભાઈની દીકરીઓ રિદ્ધિ, સિદ્ધિ મારી દેખરેખમાં જ મોટી થઈ. ભાઈ, ભત્રીજીઓ સાથે તો મને ફાવે જ પણ મારી ભાભી સાથેય મને બહેનપણાં. કોઈ કહી જ ન શકે કે આ નણંદ-ભોજાઈ છે. બધાં જ અમારી બેલડીનાં વખાણ કરે અને ઉદાહરણ આપે કે નણંદ-ભોજાઈ હો તો આવાં હોજો. ભાઈ, ભાભી, બંને મારાથી નાના પણ અમારો ઉંમરભેદ બહુ વરતાય નહીં.

પાંચ વર્ષ પહેલાં રિદ્ધિ પરણીને મલાડમાં (મુંબઈ) સેટલ થઈ. સુખી સંસારમાં એના દિવસો આનંદથી પસાર થાય છે. ત્રણ વર્ષનો એનો દીકરો યશ, કે.જીમાં ભણે છે અને આખા ઘરને આનંદ-કિલ્લોલથી ભર્યું ભર્યું રાખે છે. સિદ્ધિને અહીંનું ભણવાનું પૂરું થયું અને હવે એણે મુંબઈની ઝેવિયર કૉલેજમાં એડમિશન લીધું. વળી ઈશ્વરકૃપાથી કૉલેજની પાસેના જ કોલાબા વિસ્તારમાં એને સ્ટુડન્ટ પેઈંગગેસ્ટ તરીકે રહેવાનું ઠેકાણું પણ મળી ગયું.

તે દિવસે, એટલે કે 11મી જુલાઈના દિવસે રાબેતા મુજબ સિદ્ધિ કૉલેજ ગઈ હતી. ત્યાંથી સાંજના એ રિદ્ધિને ત્યાં યશનો જન્મદિવસ ઊજવવા મલાડ જવાની હતી એ અમને ખબર હતી.

સાંજના સાડા સાતના સુમારે મેં સમાચાર સાંભળવા ટી.વી. ચાલુ કર્યું અને ‘આજ તક’ ની ચેનલ પર મુંબઈના ટ્રેનોમાં બૉમ્બ બ્લાસ્ટ થયા છે એ સાંભળ્યું. એમાં એક ટ્રેનમાં મલાડ સ્ટેશન પર બ્લાસ્ટ થયાનું સાંભળ્યું એટલે અમને ફાળ પડી. તરત જ રિદ્ધિને મલાડ ફોન જોડ્યો. એણે કહ્યું : ‘રિદ્ધિ મારે ત્યાં નહીં આવી શકે કારણકે ઘણી ટ્રેનોમાં બ્લાસ્ટ થયું છે. એક બ્લાસ્ટ મલાડ સ્ટેશન પર પણ થયું છે. મેં સિદ્ધિને થોડીવાર પહેલાં એના મોબાઈલ પર કૉન્ટેક્ટ કર્યો ત્યારે એ ટૅક્સીમાં બેસીને કોલાબા પાછી જઈ રહી હતી. ઈશ્વરકૃપાથી એ સહીસલામત છે, માટે તમે એની ચિંતા ના કરતાં.’ અમે કૃતજ્ઞતાપૂર્વક પ્રભુનો પાડ માન્યો. રાતના મોડેથી સિદ્ધિનો ફોન આવ્યો. બે-ત્રણ કલાક સુધી મોબાઈલની લાઈનો બંધ કરી દેવામાં આવી હતી એટલે એ અમને કોન્ટેક્ટ નહોતી કરી શકી. એણે કહ્યું, ‘ફોઈ, મમ્મી, પપ્પા, હું ‘ગાયત્રી’ કૃપાથી તદ્દન હેમખેમ છું. આજે શું શું બન્યું અને કેવી કેવી ઘટનાઓ ઘટી એ વિષે હું તમને સવિસ્તર પત્ર લખીને કાલે સવારે સ્પીડ પોસ્ટમાં મોકલી દઈશ.’ અમને હાશ થઈ.

ત્રીજે દિવસે સવારના, એટલે કે 13મી એ સ્પીડ પોસ્ટમાં એનો પત્ર આવ્યો જે અમે બધાંએ રોમાંચિત થઈને ફરી ફરી વાંચ્યો. આ રહ્યો એનો પત્ર :

પૂજ્ય ફોઈ તથા ડીયર મમ્મી, પપ્પા,

રાતના તમને કહ્યું તે પ્રમાણે હું તરત જ તમને પત્ર લખવા બેસી ગઈ.

આજે સવારે, એટલે કે 11મી જુલાઈના દિવસે હંમેશની જેમ હું બપોરના કૉલેજ ગઈ હતી. સાંજના દીદીને ત્યાં યશનો જન્મદિવસ ઊજવવા મલાડ જવાનું હતું એટલે જરા એકસાઈટેડ હતી. કૉલેજમાં પ્રોફેસરનું લૅકચર એટલું બોરિંગ હતું કે ન પૂછો વાત. નૉર્મલી અમારો કલાસ ઘણો જ એક્ટિવ અને પ્રશ્નો પૂછી પૂછીને પ્રોફેસરનો દમ કાઢી નાખે એવો છે. તે દિવસે બધા જ જાણે ઘેનમાં હતા. કોઈ સવાલ-જવાબ કરતું ન હતું અને પ્રોફેસરનો મોનોટોનસ અવાજ એકસરખો કાન પર અથડાયા કરતો હતો.

મેં ઘડિયાળમાં જોયું-નાની સોય ચાર પર અને મોટી સોય ત્રણ પર જાણે સ્થિર થઈ ગઈ હતી. ત્રણ પરથી ખસતી જ ન હતી. અમારી કૉલેજ એની અંગ્રેજી ઢબની બાંધણી માટે પ્રચલિત છે. એની મોટી મોટી બારીઓમાંથી આસપાસની લીલોતરી દેખાય છે અને આંખોને અત્યંત રાહત આપે છે. મને દોડીને ખુલ્લા આકાશમાં, લીલાં લીલાં ઝાડોની વચ્ચે જઈને ખુલ્લામાં શ્વાસ લેવાની અદમ્ય ઈચ્છા થઈ આવી. છેવટે મારી સોય છ પર આવી અને સાડાચારનો બેલ વાગ્યો. હું કોઈની પણ રાહ જોયા વગર સડસડાટ બહાર નીકળી ગઈ. મોટે ભાગે લેકચર પછી અમે બહેનપણીઓ મળીને શું શું અસાઈમેન્ટ છે, કૉમ્પ્યુટર પર શું ટાઈપ કરવાનું છે, શું ફીડ કરવાનું છે, કેટલી પ્રિન્ટઆઉટ કાઢવાની છે એની ચર્ચા કરતાં બીજો અડધો પોણો કલાક કાઢી નાખતાં. પણ આજે મને કોઈની સાથે પણ વાત કરવાની ઈચ્છા ન થઈ.

હું તરત જ મારી કોલાબાની રૂમ તરફ ચાલવા માંડી. તમે તો જાણો છો કે મારું રહેઠાણ તાજ હોટલની પછવાડે છે. આમ તો હું કૉલેજથી રૂમ પર જાઉં ત્યારે આંખો અને કાન ખુલ્લા રાખીને જોઉં, જાતજાતના અવાજ સાંભળું, ભાતભાતના લોકોને જોઉં, અહીં નિરીક્ષણ કરું, ત્યાં કંઈ સારું દેખાય તો ઊભી રહું, કદી કદી નાની નાની દુકાનોમાંથી ઉપયોગી કે બિનઉપયોગી વસ્તુઓ પણ ખરીદું. ફૂટપાથ પર વેચવાવાળાઓની ભીડને ચીરતી આનંદથી ઘેર પહોંચું અને કૉફી બનાવીને પીઉં. પણ તે દિવસે મને કશું જ જોવાનું ગમતું ન હતું, જરાય મજા પડતી ન હતી. મારા આખા શરીરમાં એક જાતની અસ્વસ્થતા પ્રસરી રહી હતી. મને થયું કે આ પેલા કંટાળાજનક લેક્ચરની અસર હશે. ચાલ, જરા ગેટવે ઑફ ઈન્ડિયા પાસે જાઉં, ત્યાંની સમુદ્રની તાજી હવામાં મને સારું લાગશે. પણ ત્યાંય મને ચેન ન પડ્યું. જાણે કોઈ માથામાં હથોડાના ઘા કરી રહ્યું હતું, અકળામણ તો એવી થતી હતી કે જાણે હમણાં ઊલટી થઈ જશે.

આવા કપરા સંજોગોમાં આપણા ઘરમાં નાનપણથી ગાયત્રીમંત્ર નો જાપ કરવાનું શીખવવામાં આવ્યું છે. એટલે મેં આંખો મીંચી દીધી અને મંત્રજાપ કરવાનું શરૂ કરી દીધું.


‘ૐ ભૂર્ભુવ: સ્વ: | તત્ સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ | ધિયો યો ન: પ્રચોદયાત્ |’


દાદાજીએ આ મંત્રનો અર્થ મને સ્પષ્ટપણે સમજાવ્યો હતો.

‘ગાયેન ત્રાયતે ઈતિ ગાયત્રી’ (જેનું ગાન કરવાથી રક્ષણ પ્રાપ્ત થાય છે તે ગાયત્રી.)

મને જરા ઠીક લાગ્યું. વિચાર આવ્યો કે મને આટલું અસુખ લાગે છે તો ચાલને દીદીને ત્યાં મલાડ જલદી પહોંચી જાઉં. આજે યશનો જન્મદિવસ પણ છે. દીદીના આલીશાન બંગલામાં, એની પ્રેમભરી કાળજીથી તથા યશની નિર્દોષ કિલકિલાટીથી મને આનંદ મળશે. એટલે મેં એક સ્ટોરમાંથી યશને ભાવતી કીટકેટની ચૉકલેટનો ડબ્બો લીધો અને ચર્ચગેટ સ્ટેશન તરફ ચાલવા માંડી.

સાંજના પાંચ વાગીને પાંચ મિનિટ થઈ હતી. તે તો ઑફિસો અને સ્કૂલો છૂટવાનો સમય. ભીડનું તો પૂછવું જ શું ? એ માનવમહેરામણમાંથી જેમતેમ કરીને ટિકિટબારીએ પહોંચી અને મલાડની ફર્સ્ટ કલાસની ટિકિટ લઈને પ્લૅટફોર્મ પર આવી. દૂરથી મને ઈન્ડિકેટર વંચાતું ન હતું એટલે મેં કોઈને પૂછ્યું, ‘બોરીવલી સ્લો ક્યા પ્લેટફોર્મ પરથી જશે ?’ જવાબ મળ્યો : ‘પ્લેટફોર્મ નંબર ત્રણ.’ હું ત્યાં પહોંચી. મારા હાથમાં બહુ સમય ન હતો. ટ્રેન ભરચક હતી. આમેય આ સમયે ટ્રેનો એટલી ચિક્કાર હોય છે કે લોકો બારણાંના સળિયા પકડીને ફૂટબોર્ડ પર લટકતા લટકતા મુસાફરી કરતા હોય છે. હું લેડિઝ કમ્પાર્ટમેન્ટના ફર્સ્ટકલાસના ડબ્બા પાસે આવી. આખો ડબ્બો ચિક્કાર ભરાયેલો હતો. કેટલીય બહેનો ઊભી ઊભી સફર કરવાની તૈયારીમાં હતી. –

ફર્સ્ટકલાસની ટિકિટ હોવા છતાં પણ ! હું જરા આગળ વધી. બાજુનો જેન્ટસ કમ્પાર્ટમેન્ટ પ્રમાણમાં ઘણો ખાલી હતો. હું એમાં ચઢી ગઈ અને બારી પાસેની એક સીટ પર ગોઠવાઈ ગઈ. ત્યાં તો મોટી ઉંમરના એક ભાઈ આવ્યા અને કહ્યું, ‘દીકરી, અત્યારે આ કમ્પાર્ટમેન્ટમાં ભલે તને જગ્યા મળી ગઈ પણ આગળ જતાં આ ડબ્બો પુરુષોથી એટલો ચિક્કાર ભરાઈ જશે કે તને ઈચ્છિત સ્ટેશને ઊતરવા માટે ધક્કામુક્કી કરીને બારણા સુધી પહોંચવું પડશે. કદી કદી તો લોકો પોતાને જ્યાં ઊતરવાનું હોય છે ત્યાં ઊતરી જ શકતા નથી. માટે મારું માન અને બાજુના લેડીઝ કમ્પાર્ટમેન્ટમાં જા. એટલીસ્ટ તને પુરુષોના હડદોલા નહીં ખાવા પડે.’ એક તો મને આમેય સારું નહોતું લાગતું ત્યાં વળી આ સજ્જનની કાળજીભરી સલાહ સાંભળીને મને અંદરથી ગુસ્સો આવ્યો છતાંય કમને ઊઠીને જલદી જલદી બાજુવાળા લેડીઝ કંપાર્ટમેન્ટમાં જઈને જેમ તેમ કરીને એક ખૂણામાં ઊભી રહી.

સવા પાંચ થયા અને ટ્રેન ઊપડી. મેં મનમાં ગણતરી કરવા માંડી કે મલાડ પહોંચતાં મને કેટલો સમય લાગશે. એક પછી એક સ્ટેશનો પસાર થવા લાગ્યાં. લોકલ ટ્રેન હતી એટલે દરેક સ્ટેશને લોકો ઊતરતા હતા અને એનાથી બમણા લોકો ટ્રેનમાં ચઢવાની કોશિશ કરતા હતા. દાદર સ્ટેશન ગયું અને મારા માથામાં જાણે શૂળ ઊપડ્યું. મેં પાછો ગાયત્રી મંત્રનો જાપ શરૂ કરી દીધો. મોબાઈલ ફોન પર દીદી સાથે વાત કરવાની કોશિશ કરી પણ ‘નેટવર્ક બીઝી’ જોઈને ફોન મૂકી દીધો. લગભગ પોણા છ થયા હતા. મારા મનમાં દ્વિવિધા થવા લાગી, ‘હું શું કરું, આગળના સ્ટેશને ઊતરી જાઉં ? મલાડ પહોંચવાને હજુ બીજો અડધો કલાક લાગશે. ત્યાં જવાથી મને કેટલું સારું લાગશે. યશનો જન્મદિવસ પણ છે. બીજે દિવસે કૉલેજ પણ મોડી છે, વળી મારે દીદી પાસેથી પૈસા પણ લેવાના છે. ભગવાન મને માર્ગદર્શન આપ અને મેં પાછો મંત્ર-જાપ શરૂ કર્યો. આમને આમ બીજાં બે-ત્રણ સ્ટેશનો પસાર થઈ ગયાં. ટ્રેન બાંદ્રા સ્ટેશન પસાર કરી ચૂકી હતી અને ખાર સ્ટેશનના પ્લેટફોર્મ પહોંચવાની તૈયારીમાં હતી. મને પોતાના પર ચીઢ ચઢી. આમ તો હું મક્કમ સ્વભાવની અને જે ધાર્યું હોય તે કરીને જ જંપવાવાળી, મને સમજ ન પડી કે આવું કેમ થાય છે ? મંત્રજાપથી પણ મને કેમ શાંતિ મળતી નથી ? આવી ડામકડોળ સ્થિતિમાં કેમ આવી પડી છું ?

ત્યાં તો ખાર સ્ટેશન આવ્યું અને ટ્રેન થોભતાં જ હું એમાંથી કૂદી પડી, જાણે કોઈ ભૂત પાછળ ન પડ્યું હોય ! મને પોતાને જ પોતાના આવા વર્તન માટે નવાઈ લાગી. આવી અસ્વસ્થ હાલતમાં હું કેટલીય વાર દીદીને ત્યાં મલાડ ગઈ હતી અને સાજી થઈને પાછી આવી હતી. આજે કેમ આમ ? મને કોઈ કારણ જડતું ન હતું પણ અંદરથી એવી સ્ફુરણા થતી હતી કે પાછી ઘર ભેગી થઈ જા. હું સ્ટેશનેથી બહાર નીકળી અને પસાર થતી એક ખાલી ટૅક્સીમાં બેસી ગઈ.

સાંજના 6.25 થયા હતા. ટૅક્સીમાં મારો મોબાઈલ રણકવા લાગ્યો. દીદીને ખબર હતી કે હું એને ત્યાં જવાની હતી અને તે પણ ટ્રેનમાં જ. મેં મોબાઈલ કાને માંડ્યો ત્યાં તો દીદીનો ચિંતાતુર અવાજ સાંભળ્યો, ‘સિદ્ધિ, તું ક્યાં છો ? ટ્રેનમાં તો નથી ને ?’ એના અવાજમાં ભય અને ચિંતા ભારોભાર ભર્યાં હતાં. મેં તરત જ જવાબ આપ્યો, ‘ના દીદી, હું ટૅક્સીમાં છું. કોલાબા પાછી જઈ રહી છું.’

‘સારું થયું, હમણાં જ સમાચાર સાંભળ્યા કે મલાડ સ્ટેશન પર ટ્રેનમાં બોમ્બ વિસ્ફોટ થયો છે.’ એનો અવાજ તરડાઈ ગયો અને સંભળાતો બંધ થઈ ગયો. હું ડઘાઈ ગઈ. મારી આંખે અંધારાં આવ્યાં. મને કંઈ જ સમજ નહોતી પડતી. એક ઠેકાણે સિગ્નલ આગળ ટૅક્સી ઊભી રહી અને મેં કોઈને જોરજોરથી કહેતાં સાંભળ્યો, ‘બોરીવલી લોકલના ફર્સ્ટકલાસના કંપાર્ટમેન્ટમાં મલાડ સ્ટેશન પર બૉમ્બ બ્લાસ્ટ થયો.’ તે વખતે સાંજના 6.40 થયા હતા. હું હતપ્રભ થઈ ગઈ. મેં તમને કોન્ટેક્ટ કરવાની કોશિશ કરી પણ લાઈન જ મળતી નહોતી. બધા મોબાઈલ રુટ્સ બંધ કરી દેવામાં આવ્યા હતા. બધે અંધાધૂંધીનું વાતાવરણ છાઈ ગયું હતું.

મારા મનમાં વિચાર આવ્યો કે ઈશ્વરની મારા પર કેટલી કૃપા ! જે ફર્સ્ટકલાસના ડબ્બામાં હું બેસવાની હતી તેમાંથી પેલા સજ્જને મને બીજે મોકલી અને તે છતાં મને એટલો અજંપો અને અકળામણ આપ્યાં કે મને ટ્રેન છોડીને ઊતરી જ જવું પડ્યું ! અને એ જ ટ્રેનમાં ફર્સ્ટકલાસના ડબ્બામાં બૉમ્બ વિસ્ફોટ થયો. મને પેલા સજ્જનનો વિચાર આવ્યો. શું થયું હશે એમનું ? હૃદયમાંથી એક પ્રાર્થના એમના માટે ફૂટી નીકળી. ‘હે ઈશ્વર, તેઓ જ્યાં હોય ત્યાં એમને સલામત રાખજે.’ બીજો વિચાર એય આવ્યો કે સજ્જનના રૂપમાં સાક્ષાત ભગવાન પોતે પધાર્યા હતા કે શું ? એ જે હોય તે. મારું હૃદય કૃતજ્ઞતાથી ગદગદિત થઈ ઊઠ્યું.

ફોઈ, હું રૂમ પર પહોંચી અને પહેલું કામ અગરબત્તીઓ સળગાવીને ઈશ્વરનો ઉપકાર માનવાનું કર્યું. કેવી અદ્દભુત એમની લીલા ! ગાયત્રીમંત્રનું કવચ મારી સતત રક્ષા કરી રહ્યું હતું તે મને હવે સમજાયું.

આ અનુભવે મને અંદરથી હચમચાવી મૂકી છતાં એક જાતની શક્તિ અને સમજણ આપ્યાં. હવે મને ખાતરી થઈ ગઈ કે ગાયત્રી જાપમાં કેટલી શક્તિ છે ! માટે જ તો કહ્યું છે ‘ગાયેન ત્રાયતે ઈતિ ગાયત્રી’ અને કૃતજ્ઞતાપૂર્વક મેં પાછો મંત્ર જાપ શરૂ કર્યો : ‘ૐ ભૂર્ભુવ: સ્વ:| તત્ સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ| ધિયો યો ન: પ્રચોદયાત્|’

તા. ક. : આ પત્ર છેક રાતના બાર વાગે પૂરો કર્યો. સવારે તમને સ્પીડ પોસ્ટથી મોકલી આપીશ. જેથી તમને સત્વરે બીજે દિવસે મળી જાય. અસ્તુ સૌને ખૂબ ખૂબ વ્હાલ.  

તમારી સિદ્ધિનાં
વંદન.

——————————————-

શ્રી ભુપેન્દ્ર જસ્રાનીના ઈ-મેલમાંથી સાભાર

=========================================

આપણા જાણીતા અને માનીતા ૯૩ વર્ષના આતાવાણી બ્લોગના બ્લોગર અને સૌના માનીતા મિત્ર, ફીનીક્સ, એરીજોનાના સાવજ શ્રી હિંમતલાલ જોશી-આતાજીને મને ઈ-મેલમાં મળેલ કોઈ લેખ ,કાવ્ય કે વાર્તા જે મને ગમ્યો હોય એ એમને વાંચવા માટે ફોરવર્ડ કરતો હોઉં છું અને દરેક ઉપર એમના મજાના જવાબો તેઓ લખતા હોય છે .

એ રીતે ઉપરની મુંબઈની બોમ્બ બ્લાસ્ટની સત્ય ઘટના પણ એમને વાંચવા મોકલી હતી .

એના જવાબમાં એમણે એમની એક ઈ-મેલમાં એમના જીવનમાં બનેલ આવો એક જાત અનુભવ એમની આગવી નીખાલસ શૈલીમાં મને લખી મોકલ્યો હતો .આ સત્ય ઘટના અન્ય મિત્રોને પણ વાંચવા  માટે ,આતાજીના આભાર સાથે નીચે રજુ કરેલ છે .

પ્રિય વિનોદભાઈ

 

સિદ્ધિનો કાગળ વાંચ્યો  .આ વાંચીને મને એક મારો એક અનુભવ યાદ આવ્યો  .એમાં પણ પરમેશ્વરે  કેવી  કૃપા વરસાવી  હતી !

 

પહેલા હું મારા ઘર નજીકના સીનીયર સેન્ટરમાં જતો .  ‘ નજીક હોવાથી ચાલીને આવજા કરતો  . એ વખતે મારી પત્ની  અશક્ત ખુબ હતી  . જમીન ઉપર પડી જાય તો પણ પોતાની જાતે કદાપી  બેઠી ન થઇ શકે  .મૂળ એનો બહુ ઉત્પાતિયો જીવ .  મારી ના પાડવા છતાં  કંઈ ને કઈ  કામ કરતી રહે  . 

 લોન્ડ્રી મશીનમાં કપડા નાખી  હું સીનીયર સેન્ટરમાં જતો અને સેન્ટરમાંથી  સીધો  ખરીદી કરવા બસમાં બેસીને જાઉં  . બધું કામ પતાવતાં  મને  છ કલાક જેટલો સમય થઇ જાય  .

 

સેન્ટરમાંથી જયારે હું બસમાં બેસવા આવતો હતો ત્યારે  અચાનક મને બેચેની વર્તાવા લાગી  .એટલે મેં નક્કી કર્યું કે ખરીદી કરવા નથી જવું પણ ઘરે જતા રહેવું છે  અને આરામ કરવો છે  .

 

જોકે  ખરીદી કરવાનું બહુ જરૂરી હતું છતાં  હું ખરીદી કરવા ના ગયો  .આરામ કરવાના હેતુથી  ઘરે આવ્યો  .ઘેર આવી પથારીમાં મારી વાઈફને ન જોઈ એટલે હું આકુળ વ્યાકુળ થઇ ગયો   . હું બેક યાર્ડમાં ગયો  અને ત્યાં જોયું તો મારી વાઈફ   કાંકરાવાળી જમીન ઉપર પડી હતી  .કપડાં સૂકવવા માટે  ગએલી  અને પડી ગએલી .જો હું મોડો પહોંચ્યો હોત તો  મને કદાચ મારી વાઈફનો મૃત દેહ જોવા મળત  .

 

પરમેશ્વરે મને પ્રેરણા કરી અને ખરીદી કરવાને બદલે હું ઘરે આવ્યો   .

જેને રામ રાખે એને કોણે મારી શકે !

Ataai

પરિચય – આતાઈ નો અને એમના સાહિત્યનો

૯૩ વર્ષના સદા બહાર મારા મિત્ર શ્રી હિમતલાલ જોશી- આતાઈ

૯૩ વર્ષના સદા બહાર મારા મિત્ર શ્રી હિમતલાલ જોશી- આતાઈ

આતાજીનો પરિચયઅતાઈ કથા માટે અહીં ક્લિક કરો.

આતાજીના લેખો વી. નો આસ્વાદ આતાજીના આતાવાણી બ્લોગની આ લીંક ઉપર માણો.

તેમની રચનાઓ ‘ હાસ્ય દરબાર’ પર , તેમના બીજા પોઝ સાથે અહીં ક્લિક કરી માણો. 

૯૨ વર્ષીય બ્લૉગર શ્રી હિંમતલાલ જોશી-આતાજી નું વેબ ગુજરાતી દ્વારા સન્માન

અહીં ક્લિક કરી વાંચો..

આતાજીનો જીવન મંત્ર


sacha hai dost hagiz juta ho nahi sakta
jal jaega sona firbhi kaalaa ho nahi sakta 

Teachers open door, But you must enter by yourself.
વિનોદ વિહારની આજની ૫૦૦ મી પોસ્ટ મારા આવા  અનોખા મિત્ર
આદરણીય આતાજીને સપ્રેમ અર્પણ છે .

==================================================================

જેને રામ રાખે રે, તેને કોણ મારી શકે? એ નામનું ધીરા ભગતનું
આ રહ્યું આખું એ સરસ ભજન

“જેને રામ રાખે રે” 

જેને રામ રાખે રે, તેને કોણ મારી શકે?

અવર નહિ દેખું રે, બીજો કોઈ પ્રભુ પખે.

ચાહે અમીરને ભીખ મગાવે, ને રંકને કરે રાય,

થળને થાનક જળ ચલાવે, જળ થાનક થળ થાય;

તરણાંનો તો મેરુ રે, મેરુંનું તરણું કરી દાખવે.

નીંભાડાથી બળતાં રાખ્યાં માંજારીનાં બાળ,

ટીંટોડીનાં ઈંડા ઉગાર્યા, એવા છો રાજન રખવાળ;

અંત વેળા આવો રે, પ્રભુ તમે તેની તકે.

બાણ તાણીને ઊભો પારધી, સીંચાણો કરે તકાવ,

પારધીને પગે સર્પ ડસિયો, સીંચાણા શિર મહીં ઘાવ;

બાજ પડ્યો હેઠો રે, પંખી ઊડી ગયા સુખે.

ગજ કાતરણી લઈને બેઠા દરજી તો દીનદયાલ,

વધે ઘટે તેને કરે બરાબર, સૌની લે સંભાળ;

ધણી તો ધીરાનો રે, હરિ તો મારો હીંડે હકે.

ધીરા ભગત

===================================

ઉપરની બે સત્ય ઘટનાઓ જેવી કોઈ તમારા જીવનમાં પણ જો બની હોય તો આપના પ્રતિભાવમાં એને જરૂર જણાવશો

વિનોદ પટેલ

 

7 responses to “( 500 ) જેને રામ રાખે …..(સત્ય ઘટના)….. લેખિકા : જયશ્રી, પૉંડિચેરી. ભારત

 1. mdgandhi21, U.S.A. ઓગસ્ટ 6, 2014 પર 7:53 પી એમ(PM)

  સાવ સાચી વાત છે, “રામ રાખે તેને કોણ (ચાખે) મારે…” આવી સત્ય ઘટનાઓ બનતી હોય છે અને તેથીજ લોકો ભગવાનમાં શ્રધ્ધા-આસ્થા રાખતાં હોય છે..ભગવાનને પુજતાં હોય છે…

  Like

 2. pravinshastri ઓગસ્ટ 7, 2014 પર 2:12 એ એમ (AM)

  મારા જીવનની એક સત્ય ઘટના. થોડા શબ્દોમાં હું તો બચી ગયો અને મારા મિત્રએ પ્રાણ ખોયો. એ દુઃખદ ઘટના આટલા વર્ષ પછી પણ કંપાવી મુકે છે. હું દશમા ધોરણમાં ભણતો હતો. સુરતથી શાળાના પ્રવાસમાં ગયો હતો. અલ્હાબાદ, બનારસ, બુદ્ધ ગયા, જમશેદપુર-ટાટાનગર અને કલકત્તા. કલક્ત્તાથી નાગપુર ભુસાવળ થઈને સુરત આવવાનું હતું.
  તે સમયે અમે જડસુ અને તોફાની છોકરાઓ
  સાથે આવેલા શિક્ષકોને પણ ઘોળીને પી જતાં. કેટલીક વાર ટ્રેઈનમાં લટકતાં લટકતાં ડબ્બા પણ બદલતા.
  નાગપુર નજીક ના ગોંદિયા સ્ટેશન નજીક હું બારણાં બહાર લટકતો હતો. મારા સિક્ષક નરસિંહરાવ ઉપાધ્યાય કે જેઓ મારા દાદા પાસે સંસ્કૃત શીખ્યા હતા તેમણે મને હાથ પકડીને ખેંચી લીધો. “મરશે તો તારા બાપ-દાદાને શું જવાબ આપીશ.” હું જગ્યા પર બેસી ગયો.
  તે જ મિનિટે મારો એક મિત્ર ઈશ્વર પટેલ મારી જેમ જ લટક્યો. તે સમયે આજની જેમ આધુનિક ટ્રેઈન ન હતી. એન્જીનમાં પાણી ભરાંતું. મોટા ડબલાઓ પાટાની પાસે લટકતાં, મિત્ર મારી જેમ જ ખુબ બહાર બે હાથે સળીયો પકદીને લટકતો હવા માણ્તો હતો. મારા શિક્ષક એને પણ ખેંચીને બેસાડે તે પહેલા પાણીની ડોલ એના માથામાં થોકાઈ. હાથ છૂટી ગયા, માથું ફાટી ગયું. અમારી નજર સામે…
  વધુ નથી લખી શકતો. જો માત્ર બે મિનિટ પહેલા ઉપાધ્યાય સાહેબે મને ખેંચી ન લીધો હોત તો પ્રવીણ શાસ્ત્રીનું આ લખાણ આપને વાંચવા ન મળત. મિત્રને ફરી એક વાર સ્મર્ણાંજલી. અસ્તુ,

  Like

  • Vinod R. Patel ઓગસ્ટ 7, 2014 પર 5:22 એ એમ (AM)

   સ્નેહી શ્રી પ્રવીણભાઈ ,
   વાચકો માટે આપના જીવનની અદ્ભુત બચાવની સત્ય ઘટના જણાવવા માટે આપનો ખુબ આભાર .
   કહેવાય છે અણી ચુક્યો ,સો વર્ષ જીવે , તમારા જીવનમાં પણ એમ બને એવી પ્રાર્થના .શતમ જીવ.
   આપના કમનશીબ મિત્ર ઈશ્વરભાઈ પટેલ માટે મારી પણ શ્રધાંજલિ .

   Like

   • pravinshastri ઓગસ્ટ 7, 2014 પર 6:44 એ એમ (AM)

    વડીલ મિત્રના આશીર્વાદ મળ્યા એને મારું સદભાગ્ય સમજું છું. અને પ્રભુને મારી એજ પ્રાર્થના કે મને જીવનપર્યંત આપ જેવા સ્નેહાળ વડીલના આશિષ મળતા રહે.

    Like

 3. pragnaju ઓગસ્ટ 7, 2014 પર 11:42 એ એમ (AM)

  રામ રાખે તેને કોણ મારે ? પૂ શ્રી યોગેશ્વરજીનો અનુભવ

  ઉત્તરાખંડમાં પ્રસિદ્ધ તીર્થસ્થાન ઋષિકેશથી નરેન્દ્રનગર જવાનો મોટર રસ્તો છે. ખંડની વચ્ચે લગભગ દસેક માઈલનું અંતર છે. ઋષિકેશ પર્વતની તળેટીમાં છે તો નરેન્દ્રનગર છેક પર્વત પર વસેલું છે. રોજ રોજ નરેન્દ્રનગરની ઝગમગતી બત્તીઓ ઠેઠ ઋષિકેશના બજારમાંથી જોઈ શકાય છે. ત્યારે નરેન્દ્રનગર અત્યંત રળિયામણું લાગે છે.

  થોડાંક વરસો પહેલાં ઋષિકેશ અને નરેન્દ્રનગરના એ પર્વતીય મોટર માર્ગ પર એક અજબ પ્રકારનો યાદગાર બનાવ બનેલો. એ બનાવ મારી આંખ આગળ તાજો થાય છે.

  વાત એમ બની કે ઋષિકેશથી મુસાફરોને લઈને એક મોટરબસ વહેલી સવારે નરેન્દ્રનગર જવા ઉપડી. ઋષિકેશથી ઉપડેલી એ બસ લગભગ પોણે રસ્તે પહોંચી ત્યાં ડ્રાઈવર તથા પેસેન્જરોની નજર થોડેક દૂર પર્વતની ખીણમાં પડી.

  ત્યાં એક વાછરડી લીલુંછમ ઘાસ ચરી રહી હતી, એ તો જાણે ઠીક, પણ એનાથી થોડેક છેટે, ઉપરના ભાગમાં, એક વાઘ એની ઉપર તરાપ મારવાની તૈયારી કરતો’તો.

  ડ્રાઈવરે એ અસાધારણ, અદ્ ભૂત અનુકંપા ભરેલું દૃશ્ય જોઈને મોટર ઉભી રાખી.

  મુસાફરો નીચે ઉતરી ગયા અને આખુંયે દૃશ્ય જોવા લાગ્યાં.

  વાઘ થોડેક દૂર હતો છતાં પણ પર્વતના માર્ગ પરથી એ આખુંયે દૃશ્ય બરાબર જોઈ શકાતું હતું.

  એટલામાં તો વાઘે વાછરડી પર તરાપ મારી, પરંતુ વાછરડીને વાઘની ખબર ના હોવા છતાં, કોઈક કુદરતી પ્રેરણાથી બરાબર એ જ વખતે એ નીચે બેસી ગઈ, એને લીધે વાઘ પોતાનું માપ ચૂકી ગયો, શરીરનો સંયમ ખોઈ બેઠો, ને વાછરડીના શરીરના ઉપરના ભાગમાંથી જ પસાર થઈને એકદમ નીચે, ઠેઠ ખીણમાં નાના સરખા તળાવ જેવું હતું તેમાં ભરાઈ પડ્યો.

  વાછરડીએ વાઘને પોતાના શરીર પરથી એકાએક કૂદકો મારીને પસાર થતો જોયો એથી એ તો સડક જ બની ગઈ ને ગભરાઈ ગઈ.

  ગભરાટમાં ને ગભરાટમાં એ પોતાના ઘર તરફ ચાલી નીકળી.

  વાઘે પાણીમાંથી બહાર નીકળવાના બનતા બધા જ પ્રયાસો કરી જોયા, પરંતુ એ ફાવ્યો નહિ. પાણી થોડું ઊંડું હતું ને પથ્થર પણ ચીકણાં હોવાથી એ બહાર ના નીકળી શક્યો. થોડોક વખત વ્યર્થ પરિશ્રમ કર્યા પછી એણે બહાર નીકળવાની આશા પણ છોડી દીધી.

  મોટરના ડ્રાઈવર નરેન્દ્રનગર જઈને પોલીસને વાઘની માહિતી આપી, તે પ્રમાણે વાઘને પકડવા માટે નરેન્દ્રનગરથી કેટલાક પોલીસો આવી પહોંચ્યા.

  વાઘ પણ કાંઈ ઓછો ચતુર હતો ? પોલીસને જોઈને એણે પોતાને મરી ગયેલા બતાવવા માટે આંખ મીંચી દીધી.

  પરંતુ પોલીસ પણ ક્યાં પાછા પડે તેવા હતા ? પરિસ્થિતિને પામી જઈને એમણે પાણીમાં ઉપરા ઉપરી પથ્થર નાંખ્યા. એથી વાઘે આંખ ઉઘાડી. એની હિંમત પકડાઈ ગઈ.

  પછી તો પોલીસે નીચે પડેલા વાઘને ગોળીઓથી વીંધી નાખ્યો, અને મજબૂત દોરડાથી બાંધેલા ખાટલામાં નીચે ઉતરીને વાઘને ઉપર આણ્યો.

  નરેન્દ્રનગર લઈ જઈને એની ચામડી ઉતારવામાં આવી.

  નિર્દોષ વાછરડી બચી ગઈ ને એનો નાશ કરવાનો પ્રયાસ કરનાર વાઘ પોતે જ નાશ પામ્યો.

  રામ રાખે તેને કોણ મારી શકે ? એ વાત એ પ્રસંગ પરથી સાચી ઠરી. નિર્બળનું બળ રામ છે એ સાચું છે. એ રામ સૌની રક્ષા કરે છે. કદાચ થોડા વખતને માટે ભક્ષક સફળ થાય તો પણ આખરે તો તેનો નાશ જ થાય છે. એ વાતને સમજીને જે ઈશ્વરનું શરણ લેશે ને ન્યાય તથા નીતિના પંથે પ્રયાણ કરશે તેને આરંભમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડશે તો પણ, છેવટે તો તેનો વિજય જ થશે એમાં સંદેહ નથી.

  Like

  • Vinod R. Patel ઓગસ્ટ 7, 2014 પર 12:48 પી એમ(PM)

   સુ.શ્રી પ્રજ્ઞાબેન ,

   પૂ શ્રી યોગેશ્વરજીનો આ પોસ્ટના સંદેશની પૂર્તિ કરતો જાત અનુભવ- સત્ય ઘટના – આપના પ્રતિભાવમાં
   પ્રસ્તુત કરવા માટે આપનો ખુબ આભાર .

   આપના નેટ ભ્રમણ , રીસર્ચ અને વાચનની અજોડ શક્તિને સલામ .

   Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: