ફ્રીમોન્ટ, કેલીફોર્નીયા નિવાસી મારા મિત્ર ૭૯ વર્ષના શ્રી પી.કે.દાવડા બ્લોગ જગતમાં આજે જાણીતું નામ છે .અવાર નવાર તેઓ મિત્રોને એમની નિવૃત્તિની સાહિત્ય પ્રવૃતિની પેદાશ સમા લેખો ,કાવ્યો વિગેરે વાચવા મોકલતા હોય છે . સત્તરમી સદીમાં થઇ ગયેલા ગુજરાતી કવિ અખા ભગત ની માફક તેઓએ પણ છપ્પા અને દોહા ઉપર સફળતાથી પોતાનો હાથ અજમાવ્યો છે .
એમની ઈ-મેલમાં તેઓ લખે છે :
“મને ગમતા સાહિત્યના પ્રકારો….
આમ તો મને દરેક પ્રકારનું સાહિત્ય ગમે છે પણ ભોજા ભગતના ચાબખા, અખા ભગતના છપ્પા, કબીર-રહીમ અને તુલસીદાસના દોહરા, કચ્છી સંગર, અને દુલા કાગની રચનાઓ વિષેશ પ્રિય છે. મેં આ સર્જકોની નકલ નહી કરવાનો પ્રયત્ન કર્યો છે. “
એમના આવા પ્રયત્નના પરિપાક રૂપે એમણે આજ સુધીમાં ઘણા છપ્પા અને દોહા લખ્યા છે જેને ઘણા મિત્રોએ અન્ય બ્લોગમાં પણ વાંચ્યા હશે .
એમની આ છપ્પા અને દોહાની પ્રસાદીના આસ્વાદ માટે આજની ઈ-મેલમાં મળેલ એક દોહો અને અગાઉ મળેલ ભારતમાં પ્રવર્તતા ભ્રષ્ટાચાર વિશેનો મને ગમેલો એક છપ્પો વી.વી. ની આજની પોસ્ટમાં દાવડાજીના આભાર સાથે નીચે સાનંદ પ્રસ્તુત છે .
વિનોદ પટેલ
==========================

P.K.DAVDA
દાવડાના દોહા…
દાવડા ઈજનેર શે થયો, થાતે બાપુ સશક્ત,
રૂપિયાનો વરસાદ થતે, ને સો ઈજનેરો ભક્ત.
પ્રેમમાં નિષ્ફળ થયો, દાવડા થઈ ગયો બાવો,
ભક્તાણીની ભીડ થઈ, થઈ ગયો પ્રેમપિયાવો.
દાવડા જૂતા સિવીએ, જૂતે બાટા થાય,
દાવડા લોઢું ટીપીએ, લોઢે ટાટા થાય.
બ્લોગે બ્લોગે એ ફરે, દાવડા નામ અજાણ,
ગોવિંદની કૃપા થતાં,થઈ દાવડાની પહેચાણ.
દાવડા ગુગલ સૌ કરે, કારણ કાંઈપણ હોય,
સેકંડમાં શોધી શકે, એ કચરામાંથી સોઈ.
દાવડા ચારો ખાઈને નેતા થાય શશક્ત,
ગાયો છો ભૂખે મરે, ક્યાં ગયા ગૌ ભક્ત?
પરદા પર ખેડૂત બને, પામે સંપત્તિ અપાર,
ખરો ખેડૂત ભૂખે મરે, દાવડા કરે વિચાર.
નવરા બેઠાં કંઇક જણ, બ્લોગ બનાવે અનેક,
દાવડા સાચો બ્લોગ એ, જેમા હોય વિવેક.
દાવડા આ સંસારમાં સૌ ને મળજો ગલે,
ના જાણે કયા રૂપમા નારાયણ આવી મલે.
પણ વાત મારી આ એક, યાદ રાખજો ભલે,
સુંદર નારીના રૂપમા નારાયણ નહિં મલે.
દાવડા જીભને બાવરી કહી ગઈ સરગ પાતાળ
તે બોલીને અંદર ગઈ, પછી જોડા ખાય કપાળ.
બ્લોગર બ્લોગમા પેશીને, સમય કરીશના વેસ્ટ,
સાથી તારા ત્રણ છે, માઉસ, કોપી ને પેસ્ટ.
મન મેલું, તન ઊજળું, ઉપરથી અભિમાન,
આવી નારીથી દુર રહે, નહિંતર થઈશ હેરાન.
દાવડા દાવડા સૌ કોઈ કહે, દાવડા એક ઈજનેર,
બ્લોગોમાં લખતો થયો, ત્યાં થ્યો કચરાનો ઢેર.
-પી.કે.દાવડા
==================================
ભ્રષ્ટાચારના છપ્પા
જોજો રે ભારતના હાલ, દેશમાં નેતા માલા માલ,
દેશના નેતા ચારો ચરે, જાનવરો છો ભૂખે મરે,
સાચા નેતા ગયા મરી, બાકી રહ્યા તે રહ્યા ચરી.
રક્ષા કાજ ખરીદી થાય તેમા નેતા કટકી ખાય
સરહદ પર સૈનિકો મરે, દેશમા નેતા ખિસ્સા ભરે,
કફનમાં કટકી લેવાય, એ દેશની શી હાલત થાય?
સ્પેક્ટ્રમ વેંચે બારોબાર, રાજાનો થયો કારોબાર,
દેશના ખવાયા કેટલા કરોડ, દાવડા એનું ગણિત છોડ,
દેશના કાયદા કેવી મજા, થાશે નહિં કોઈને પણ સજા.
રમે ખેલાડી કોમન્વેલ્થ, નેતા ગણે પોતાની વેલ્થ,
વહેતી ગંગામા ધોયા હાથ, સૌએ આપ્યો સૌને સાથ;
દાવડા આતે કેવી રમત? વિચારવાની તું છોડ મમત.
કૈરોન, મહેતાબે કરી શરૂઆત, ભ્રષ્ટ જનોની થઈગઈ નાત,
મુંદડા ને તેજાએ મળી, લાંચ રૂશ્વતની શરૂઆત કરી,
દાવડા મેનને કરી કમાલ, વગર જીપે દઈ દીધો માલ.
સાકરના ગોટાળા થયા, કૈકના મોઢાં કાળા થયા,
રાશન શોપથી શેર બજાર, ગોટાળાની લાગી હાર,
દાવડા ટેક્ષનો રૂપિયો જાય, દસ પૈસાના કામો થાય.
-પી.કે. દાવડા
શ્રી .પી..કે.દાવડાના આવા બીજા ઘણા છપ્પા વાંચવા માટે નીચેની લીંક ઉપર ક્લિક કરીને
સુ.શ્રી પ્રજ્ઞાબેનના બ્લોગ શબ્દોનું સર્જનમાં પહોંચી જાઓ .
શબ્દોનું સર્જન- દાવડાના છપ્પા .
દાવડાજીએ એમના ઉપરના ભ્રષ્ટાચારના છપ્પામાં ભારતના સાંપ્રત રાજકીય માહોલમાં ભ્રષ્ટાચારી નેતાઓ ઉપર અખાની જેમ કટાક્ષ કર્યો છે –ચાબખા મારી જગાડવાનો પ્રયત્ન કર્યો છે . પરંતુ આ નેતાઓની ઊંઘ ક્યારે ઉડવાની છે , એ એક મોટો સવાલ છે.
જો કે બધાજ નેતાઓ ભ્રષ્ટાચારી હોય છે એવું પણ નથી . હાલના દેશના સુકાની શ્રી મોદી જેવા કેટલાક સ્વચ્છ છાપ વાળા નેતાઓ પણ છે .પરંતુ જેમ થોડી બગડેલી કેરીઓ આખા ટોપલાને વગોવે છે એવું ભારત દેશમાં પ્રવર્તતા ભ્રષ્ટાચાર બાબતમાં પણ એટલું જ સાચું છે .
પૂજ્ય મહાત્મા ગાંધીજીએ એક વખત જે સાત મહાપાતકો આ પ્રમાણે ગણાવ્યાં હતાં :
૧. કાર્ય વગરની કમાણી ૨. વિવેક વગરનું સુખ ૩ ચારિત્ર્ય વગરનું જ્ઞાન ૪. નીતિ વગરનો વહેવાર ૫. માનવતા વગરનું વિજ્ઞાન ૬. ત્યાગ વગરનો ધર્મ અને ૭. મૂલ્યો વગરનું રાજકારણ.
શ્રી દાવડાજી ના ભ્રષ્ટાચાર ઉપરના છાપ્પાના સંદર્ભમાં વિનોદ વિહારમાં તારીખ ૧૬મી સપ્ટેમ્બર,૨૦૧૧ ની પોસ્ટમાં મુકેલો મારો એક લેખ “ભારતમાં વકરી રહેલો ભ્રષ્ટાચાર, ભૂલાતાં જતાં ગાંધી મૂલ્યો “ અને એક સ્વ-રચિત કાવ્ય રચના “ફરી જન્મ લઇ ક્યારે આવશો, પ્રભુ ? “ નીચેની લીંક ઉપર ક્લિક કરીને વાંચશો .
ભારતમાં વકરી રહેલો ભ્રષ્ટાચાર, ભૂલાતાં જતાં ગાંધી મૂલ્યો.
નવી મોદી સરકારના વહીવટમાં પ્રવર્તમાન પરિસ્થિતિમાં કૈક સુધારો થશે એવી આશા રાખીએ .
દેખતે હૈ , આગે આગે હોતા હૈ ક્યા ? કે પછી ચોરના ભાઈ ઘંટી ચોર જેવું તો નહી થાય ને !
વિનોદ પટેલ

વાચકોના પ્રતિભાવ