શ્રી કૌશિક અમીન —એક બહુમુખી પ્રતિભા નો પરિચય
વ્યવસાયે પત્રકાર તથા સામાજિક કાર્યકર શ્રી કૌશિક અમીન કોલેજ કાળથી જ લેખન કાર્ય અને સામાજિક પ્રવૃત્તિમાં સક્રિય રહ્યા છે. ગુજરાતમાં ચિત્રલેખા. નયા પડકાર તથા મુંબઈ સમાચાર સાથે સક્રિય પત્રકારત્વથી સંકળાયલા રહ્યા હતા. વિહાર, કેપિટલ સાપ્તાહિક તથા સાંજના સમાચાર પત્રનું પણ તેમણે પ્રકાશન કર્યું હતું.
અમેરિકામાં આવ્યા પછી નયા પડકાર, માનવ માસિક, ગુજરાત સાપ્તાહિક, ટી.વી એશિયા વગેરેમાં પણ એમનું મહત્વનું યોગદાન હતું. હાલમાં તેઓ ‘ગુજરાત ફાઉન્ડેશન’ નામની સંસ્થાના સ્થાપક અને ચેરમેન છે. જે ગુજરાત અને ભારત લક્ષી સાહિત્ય પ્રકાશન તથા સમાજિક પ્રવૃત્તિને સંકલિત કરતું રહ્યું છે. એઓ હાલમાં ન્યુ જર્સીના ‘ગુજરાત દર્પણ’માં પરામર્શ તરીકેની સેવા આપી રહ્યા છે. અનેક સાહિત્ય સભાનું કુશળતાથી સંચાલન કરી રહ્યા છે. ગુજરાત દર્પણમાં પ્રગટ થતી એમની ત્રણ વિભિન્ન કોલમ ‘જાગૃત જીવન’ ચિંતન્, ‘અનંતની ખોજમાં’ ખગોળ વિજ્ઞાન ‘દેશ અને દુનિયા’ પત્રકારત્વની એમની નિપુણતાનું દર્શન કરાવે છે.
મિત્રદાવે મિત્ર પ્રસાદી તરીકે ગુજરાત દર્પણમાં પ્રગટ થયેલી કોલમ મારા દેશ વિદેશના મિત્રો માટે
….આપને માટે રજુ કરું છું .
—- પ્રવીણ શાસ્ત્રી
————————-
જાગૃતજીવન
જૂન 2014
– કૌશિક અમીન
સુખ અને દુઃખ જીવનયાત્રાના એક સિક્કાની બે બાજુ જેવા છે. સાચા સુખ કે દુઃખની અનુભૂતિ સામાન્ય માનવી જ કરી શકે, અને જીવનયાત્રાના એ અનુભવો જ જીવનની સાર્થકતા પણ છે.
બાળકનું ઉદાહરણ આ સંદર્ભમાં જોવા જેવું છે.બાળક હંમેશા નિર્દોષ હોય છે, એ તેને ગમતી બધી જ વાતોમાં ઓતપ્રોત થઇ જાય છે. ભય કે દુઃખની એને કલ્પના પણ નથી. રમકડું રમવામાં ઓતપ્રોત થઈને આનંદ માણતું બાળક રમકડું તૂટતાં આક્રંદ કરીને ગામ ગજવવાની જરૂર નથી, પણ બાળક આ નીતિ રીતી ક્યાં સમજે છે?
સંબંધો, વૈભવ, સફળતા, સુખ કે દુઃખ આ બધા જીવનયાત્રાના મુકામો છે. યાત્રા આગળ વધે તેમ તે પાછળ રહેતા જાય છે.
પરિવાર, નામ, મોટાઈ, ગામ, ગોળ, જાત, રાજ્ય કે પ્રદેશ, દેશ પ્રત્યેનો તીવ્ર લગાવ અને એ માટે કંઈ પણ કરી છુટવાની મથામણમાં વ્યસ્ત રહેવું, એક તબક્કે આ બધું જ નિરર્થક સાબિત થઈને રહે છે. પરિણામે જે તબક્કામાં જીવનને, જે તે સમયમાં માનવું જોઈએ તે માણી નથી શકાતું. બિલકુલ પેલા બાળકની જેમ ભેંકડો તાણી રડવાનો વસવસો પણ નથી કરી શકતો. પરિણામે ત્રિશંકુ જેવી વેદનાઓમાં સરેરાશ માનવી અટવાયેલો રહે છે.
બધી વાર્તાઓના અંત કલ્પના કથાની જેમ ખાધું, પીધું ને રાજ કર્યું જેવા નથી હોતા. સફળતા તો મધ્યાંતર જ બની રહે છે. સુખ સફળતાની મથામણ જીવનયાત્રાના ઉત્તરાર્ધમાં જીવનથી ઉબાઈ જવાની પરિસ્થિતિમાં અનેકવાર ધકેલી મુકે છે, અને પછી સાર્થક જીવન, શાંતિ અને સ્વસ્થતાની તરસ મન મસ્તક ઉપર કબજો જમાવવા લાગે છે, અને સફળ મધ્યાંતરની એ કથા આગળ વધે છે. જીવનયાત્રાની વાર્તા નવી ઉચાઇઓએ પહોચે છે.
રામનો રાવણ વિજય કે પછી કુરુક્ષેત્રમાં કૌરવો સામેના વિજય સાથે તે કથાઓ સમાપ્ત નથી થઇ. આપણી જેમ જ તે જીવનયાત્રાઓ પણ આગળ વધી છે. રામ અને કૃષ્ણનાં જીવન પણ વેદનામય મથામણો સાથે જ સમાપ્ત થયા હતા.
જીવનયાત્રા એ ચડતા ગ્રાફ જેવી નથી.
—-શ્રી કૌશિક અમીન
————————————
સૌજન્ય : પ્રવીણ શાસ્ત્રીની વાર્તાઓ અને મિત્રોની પ્રકીર્ણ પ્રસાદી
વાચકોના પ્રતિભાવ