વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Daily Archives: ઓગસ્ટ 24, 2014

( 514 ) દેવિકા રાહુલ ધ્રુવ………પરિચય ……….શ્રી. પી.કે.દાવડા

શ્રી . પી .કે. દાવડા એ એમની  “મળવા જેવા માણસ”ની લેખમાળામાં ૨૯ મો પરિચય હ્યુસ્ટન નિવાસી કવિયિત્રી સુ.શ્રી .દેવિકાબેન ધ્રુવ નો કરાવ્યો છે. શ્રી દાવડાજી એ મને મોકલેલ  એમના આ સરસ પરિચય લેખને આજની પોસ્ટમાં પ્રસ્તુત કરતાં આનંદ થાય છે.

દેવિકાબેન હ્યુસ્ટન નિવાસી મારા સાહિત્ય પ્રિય મિત્ર શ્રી નવીનભાઈ બેન્કરનાં નાનાં બહેન છે . નવીનભાઈ વિષે દેવિકાબેન લિખિત એક સુંદર પરિચય લેખ અગાઉ વિનોદ વિહારમાં પોસ્ટ થયો છે.

સુ.શ્રી .દેવિકાબેન ના કાવ્યોમાં ભાષાની મીઠાસ,પ્રાસ અને લયની તાકાત તરત જ આપણું ધ્યાન ખેંચે છે. 

કોઈ પણ કવિના કાવ્યની તાકાત એના શબ્દ ,ભાષાની મીઠાસ, અર્થ, લય અને ભાવથી મપાતી હોય છે .જેવું શીલ એવી શૈલી.

સુ.શ્રી દેવીકાબેનના નીચેના ” શતદલ ” ગીતમાં જ જુઓને ,એમાં શબ્દોની પસંદગી અને  લય કેટલો મનમોહક છે !

શતદલ

શતદલ પંખ ખીલત પંકજ પર,
હસત નયન જ્યમ શ્યામ વદન પર.
શત શત બુંદ સરક દલ વાદળ,
ભીંજત બદન નર નાર નવલ પર.
ઘનન ઘનન ગરજત નભમંડળ,
કરત ક્યાંક કલરવ ખગ તરુવર.
છલ છલ છલકત જલ સરવર પર,
નાચત મંગલ મયૂર મનોહર.
સર સર સૂર સજત દિલ મોહક,
ભૂલત ભાન વનરાવન ગોપક.
પલપલ શબદ લખત  મનભાવન,
ઝરત પ્રીત મન કરત પાવન.
લીલ રંગ ધરા ધરત અંગ પર,
સોહત સુંદર સદ્યસ્નાત સમ.
મસ્ત મસ્ત  બરસત અવિરત ઝર,
ઝુલત ઝુમત શતદલ મધુવન પર.

– દેવિકા ધ્રુવ

ddhruva1948@yahoo.com

દેવીકાબેનના કાવ્યોનો આસ્વાદ માણવા માટે અને એમના શબ્દોની તાકાત  જાણવા માટે તો

તમારે એમના બ્લોગ શબ્દોને પાલવડે  ની મુલાકાત લેવી જ રહી .

દેવિકાબેને એમના બ્લોગમાં  જે પરિચય આપ્યો છે એમાં અંતે તેઓ લખે છે….

શબ્દોને પાલવડે રમતી આવી છું,
ભાવોની સંતાકુકડી ખેલતી આવી છું;
અર્થોના ઝોલે ખુબ ઝુલતા ઝુલતા,
સાહિત્યના આકાશમાં વિહરતી આવી છું.

આવાં  શબદ, ભાવ અને અર્થનાં મરમી દેવિકાબેના પરિચય લેખમાં દાવડાજી એ સરસ માહિતી એકઠી કરીને આપી છે એ માટે એમને ધન્યવાદ ઘટે છે .

વિનોદ પટેલ

====================================  

દેવિકા રાહુલ ધ્રુવ………પરિચય ……….શ્રી. પી.કે.દાવડા

Devika-1

દેવિકા રાહુલ ધ્રુવ.      

દેવિકાબહેનનો જ્ન્મ ગુજરાતના એક ખુબ નાના ગામ ભૂડાસણમાં ૧૯૪૮ માં એક મધ્યમવર્ગી કુટુંબમાં થયો હતો. પિતા મેટ્રીક પાસ થયેલા જ્યારે માતા પાંચ ધોરણ સુધી ભણેલા હતા.  

દેવિકાબહેનનો પ્રાથમિક અને માધ્યમિક શાળાનો અભ્યાસ ૧૯૫૪ થી ૧૯૬૪ સુધી અમદાવાદની મ્યુનિસિપાલિટિ કન્યાશાળામાં થયો. નબળી આર્થિક પરિસ્થિતિને લઈ પરીક્ષા વખતે એમને મ્યુનિસિપાલિટિના દીવા નીચે બેસીને અભ્યાસ કરવો પડતો. અભ્યાસમાં તેજસ્વી હોવાથી હંમેશાં પહેલો નંબર આવતો. શાળામાં શિક્ષણ ફ્રી હતું, નોટબુક અને પુસ્તકો કોઈને કોઈ સહાયક પાસેથી મળી રહેતા. અભ્યાસ ઉપરાંત વકતૃત્વ સ્પર્ધા, નૃત્ય-નાટક વગેરેમાં ઉત્સાહપૂર્વક ભાગ લેતા. વાંચનનો શોખ ખૂબ નાની ઉંમરથી જ હતો અને ખૂબ નાની વયે શેર શાયરીનો શોખ પણ કેળવેલો. પંદર વર્ષની વયે એમણે પહેલી કવિતા લખીને એમના શિક્ષકને આપી હતી. 

૧૯૬૪ માં S.S.C. ની પરીક્ષામાં પ્રથમ વર્ગમાં ઉત્તીર્ણ થઈ અમદાવાદની એચ. કે. આર્ટસ કોલેજમાં એડમીશન લીધું. સંસ્કૃત અને ગુજરાતીને મુખ્ય વિષય લઈ, ૧૯૬૮ માં B.A. ની ડીગ્રી પ્રાપ્ત કરી. B.A. પરીક્ષામાં પ્રથમ વર્ગમાં પ્રથમ નંબરે પાસ થયેલા અને સોમૈયા ગોલ્ડ મેડલ ઉપરાંત અન્ય ચાર ઈનામો પ્રાપ્ત કરેલા. નગીનદાસ પારેખ, મધુસુદન પારેખ અને યશવંત શુક્લ જેવા શિક્ષકોનો એમને લાભ મળેલો. એક કાવ્ય પઠન સ્પર્ધામાં ઉમાશંકર જોશીને હસ્તે એમને ઈનામ મળેલું. કોલેજની ઈતર પ્રવૃતિઓમાં એમના એક નાટકને પ્રથમ ઈનામ મળેલું અને એમની એક નૃત્ય નાટિકાની દિલ્હીમાં રજૂઆત થયેલી. સંસ્કૃત ભાષામાં બોલવાની હરિફાઈમાં પણ એ પ્રથમ આવેલા.

Devika-2

                 (શ્રી ઉમાશંકર જોશીને હસ્તે ઈનામ) 

S.S.C. માં ખૂબ જ સારા માર્કસ આવ્યા હોવા છતાં કુટુંબને મદદરૂપ થઈ શકાય એટલા માટે આર્ટસ શાખા પસંદ કરેલી. સવારની કોલેજ પતાવી,બપોરે ટ્યુશનો અને ટાઈપીંગ વગેરેના પાર્ટ ટાઈમ જોબ્સ કરવાનું શરૂ કર્યું.આર્થિક કારણોસર જ બી.એ. પાસ થયા પછી એમ.એ. કરવાને બદલે પૂરા સમયની નોકરી સ્વીકારી. ૧૯૬૮ માં ગુજરાત યુનિવર્સિટિના પોસ્ટ ગ્રેજ્યુએશન વિભાગમાં કામ મળ્યું.

    Devika-3

૧૯૭૧ માં નાગર પરિવારના, રણજી ટ્રોફીના પ્લેયર અને અમદાવાદના જાણીતા ક્રિકેટર રાહુલ ધ્રુવ સાથે પ્રેમલગ્ન કર્યા. લગ્ન બાદ પણ ગુજરાત યુનિવર્સિટિની નોકરી ૧૯૮૦ સુધી ચાલુ રાખી. દરમ્યાનમાં એમના બે પુત્રોનો જન્મ થયો. ૧૯૮૦ માં દેવિકાબેનના મોટાં બહેનની સ્પોન્સરશીપ મળતાં ચારે જણ ગ્રીનકાર્ડ પર કાયમી વસવાટ માટે અમેરિકા આવી ગયા. એમનાં બધાં જ ભાઈ બહેનો અમેરિકામાં જુદા જુદા શહેરમાં છે અને બધાં જ કલાકાર છે.નસીબ જોગે, દેવિકાબહેનને એમના યુનિવર્સિટિના એકાઉન્ટ વિભાગના અનુભવને લીધે, ન્યુયોર્કની બેંક ઓફ બરોડામાં નોકરી મળી ગઈ. ૧૯૮૦ થી ૨૦૦૩ સુધી, ૨૩ વર્ષ સુધી બેંકની આ નોકરી જાળવી રાખી. ૨૦૦૩માં કુટુંબે ન્યુયોર્કથી હ્યુસ્ટન સ્થળાંતર કરવાનું નક્કી કર્યું એટલે દેવિકાબહેને બેંકની નોકરીમાંથી સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી. હ્યુસ્ટનમાં પણ એમને સ્થાનિક શાળામાં નોકરી મળી ગઈ. ૨૦૦૩ થી ૨૦૦૮ સુધી શાળામાં પૂરા સમયની નોકરી કરી. હાલ શાળામાં પાર્ટટાઈમ કાર્યરત છે. આમ એમણે જીવનમાં સતત કાર્યરત રહી મહિલાઓ માટે એક અનુકરણિય ઉદાહરણ પુરૂં પાડ્યું છે.

 આ બધા વર્ષ દરમ્યાન એમનો સાહિત્ય પ્રત્યેનો પ્રેમ એવો ને એવો જળવાઇ રહેલો. હ્યુસ્ટનમાં આવ્યા બાદ ગુજરાતી સાહિત્ય સરિતામાં સક્રીય થયા અને પછી એમની લેખનપ્રવૃત્તિ વેગવંત બની. એમણે ગુર્જરી, ગુજરાત દર્પણ,ફીલીંગ્સ, ઓપિનીયન, કુમાર વગેરે સામયિકો અને ટહુકો, અક્ષરનાદ,લયસ્તરો, રીડ ગુજરાતી, વેબ ગુર્જરી, આસ્વાદ જેવા જાણીતા બ્લોગ્સમાં પોતાના ગીત અને ગઝલ મૂકવાના શરૂ કર્યા. એમની રચનાઓ ડલાસના રેડિયો આઝાદ, લંડનના સંસ્કાર રેડિયો અને અન્ય લોકલ રેડિયો સ્ટેશનો ઉપર પ્રસારિત થવા લાગ્યા. યુ ટ્યુબમાં પણ એમની અનેક રચનાઓ જોવા મળે છે. એમના પોતાના બ્લોગની લીંક છેઃwww.devikadhruva.wordpress.com

એમના ગીત, ગઝલ અને કાવ્યોના બે પુસ્તકો, શબ્દોને પાલવડે અને અક્ષરને અજવાળે પ્રસિધ્ધ થઈ ચૂકયા છે.

એમની એક રચનામાં દેવિકાબહેન યમરાજને કહે છે, “તું ગમે ત્યારે આવજે,તારી સાથે ચાલી નીકળવાની કોઈ આનાકાની નહિ કરૂં, માત્ર એક જ વિનંતી છે કે યાદગાર રીતે આવજે, ભવ્યતાથી આવજે, સૌને ગમે એવી રીતે આવજે અને હા, થોડી આગાહી આપજે જેથી હું સજી ધજીને તૈયાર રહું, અને જેમ જન્મનું સન્માન થાય છે તેમ તારૂં પણ સન્માન થાય.”

બીજી એક અનોખી સિધ્ધિ તે ‘શબ્દારંભે અક્ષર એક’નો તેમનો નવીન પ્રયોગ જેમાં ‘ક’થી ‘જ્ઞ’ સુધીના તમામ અક્ષરો પર જુદી જુદી ગૂંથણી કરી છે. દા.ત.
“કોમળ કોમળ કરમાં કંગન,કંચન કેરાં કસબી કંકણ…”
“પહેરી પાયલ પનઘટ પર,પનિહારી પલકે પાંપણ પલપલ..”
“મેવાડની મીરાંને માધવની મમતા,માધવને મથુરાના માખણની મમતા.”વગેરે..
ગદ્યમાં પણ તેમને સારી ફાવટ છે. 

દેવિકાબહેનની રચનાઓમાં આનંદ-ઉલાસ છે, ભક્તિ છે, જીવનની સચ્ચાઇઓ છે, કુદરત છે અને સુફી તત્વજ્ઞાન પણ છે. મિત્રો, ગુગલની મદદ લઈ એમની રચનાઓ જરૂર માણજો.

 P.K.DAVDA

      પી, કે, દાવડા

 

( 513 ) “આવતા જન્મમાં હું ભારતદેશમાં જન્મીશ….” ……( ટૂંકી સત્ય ઘટનાત્મક વાર્તા) … લેખિકા — અવંતિકા ગુણવંત

જાણીતા લેખિકા શ્રીમતી અવંતિકા ગુણવંત નો પરિચય અને એમની વાર્તાઓ અગાઉ  આ લીંક ઉપર ની ઘણી પોસ્ટ માં મુકવામાં આવી છે ,એટલે વાચકો માટે એ સુપરિચિત છે .

આજની પોસ્ટમાં લેખિકાના આભાર સાથે પ્રસ્તુત કરેલ એમની ટૂંકી સત્ય ઘટનાતમક વાર્તામાં એમણે અમેરિકાના કલ્ચર અને ભારતીય કલ્ચરનો તફાવત રજુ કરી અમેરિકન સમાજનું દર્પણ આપણી સામે ધર્યું છે.

આ વાર્તામાં પ્રશસ્તિબેનનો જે ઉલ્લેખ છે એ અવંતિકાબેનનાં બોસ્ટનમાં સપરિવાર સ્થાયી થયેલ એમનાં દીકરી છે . દીકરીને ત્યાં થોડો સમય ગાળવા એ અમદાવાદથી બોસ્ટન અવાર નવાર આવતાં ત્યારે એમણે જાતે અનુભવેલ એમની દીકરી પ્રશસ્તિ સાથે અભ્યાસ કરતી ક્રિસ્ટીનના જીવનની સત્ય ઘટના આ વાર્તાનું કથા બીજ છે .

આશા છે આપને એમની બીજી વાર્તાઓની જેમ આ વાર્તા પણ ગમશે. આપનો પ્રતિભાવ જરૂર લખશો .

વિનોદ પટેલ

==============================

Tulsi- Avantika story

મને મારી જાત પર ગુસ્સો આવતો હતો કે હું કેમ આવી બેવકૂફ બની? હવે તો મારે કોઇ ભવિષ્ય નથી. હું એકાકી છું. મારે નથી કોઇ સાથી. સંગાથી. મારે નથી કોઇ સ્વપ્નાં, નથી કોઇ આશા. હું ખૂબ હતાશ છું. મને થાય છે. મને તમારા દેશમાં કેમ જન્મ ન મળ્યો! તમે બધા કેટલા નિરાંતથી રહો છો

આંગણની તુલસી – અવંતિકા ગુણવંત

ક્રિસ્ટીન-જર્મન બાપ અને સ્કોટીશ માની એ દીકરી. એનાથી મોટી એને ત્રણ બહેનો હતી. પણ ભાઇ ન હતો. એના બાપને દીકરો જોઇતો હતો. તેથી ક્રિસ્ટીનના મા અને બાપ વચ્ચે અવારનવાર ઝઘડા થયા કરે. ઘરમાં કંકાસ એટલા બધા વધી ગયા કે એક દિવસ ક્રિસ્ટીનની મા ઘર છોડીને સાધ્વી થઇ ગઇ. દીકરીઓ બાપના ઘરમાં બાપ પાસે રહી પણ બાપની સાથે સ્નેહથી જોડાયેલી ન હતી.

આ ક્રિસ્ટીનની બે મોટી બેનો. થોડા સમય પછી એમના બોયફ્રેન્ડ સાથે રહેવા જતી રહી. કાયમ માટે તેમણે ઘર છોડી દીધું.

આ ક્રિસ્ટીન મારી દીકરી પ્રશસ્તિ સાથે ભણે. પ્રશસ્તિએ ક્રિસ્ટીન વિશે મને બધી વાત કરેલી. એટલે ક્રિસ્ટીન માટે મને વિશેષ સમભાવ. એક દિવસ પ્રશસ્તિ ક્રિસ્ટીનને લઇને અમારા ઘરે આવી. હું હેતથી એને ભેટી પડી. ક્રિસ્ટીન બોલી, ‘પ્રશસ્તિ બહુ નસીબદાર છે. એને તમારા જેવી વહાલસોઇ મા મળી છે. તમે એને તો સાાચવો છો પણ મને ય કેટલા હેતથી આવકારી.’

ક્રિસ્ટીન મારી સાથે ખુલ્લા દિલથી વાત કરે. આ ક્રિસ્ટીન પંદર વર્ષની થઇ એટલે એના પિતાએ એને કહ્યું, ‘તારે આ ઘરમાં રહેવું હોય તો રહેવા અને ખાવાના પૈસા આપવા પડશે.’

ક્રિસ્ટીન જોબ કરતી હતી પણ એના પિતાએ માગી એટલી રકમ આપી શકે એમ ન હતું. ક્રિસ્ટીન મારી પાસે આવીને રડી હતી કે કેમ એને આવા પિતા મળ્યા છે.

મેં એને આશ્ર્વાસન આપતાં કહ્યું હતું, ‘તું શ્રદ્ધા રાખ તને માબાપનો પ્રેમ નથી મળ્યો તો બીજું કોઇ પ્રેમ કરનાર મળશે, એ તને અઢળક પ્રેમ કરશે.’

‘પણ ક્યારે? મારી નિકટ ઘણા આવે છે. પણ કોઇ સાથે રહેવાનો પ્રસ્તાવ નથી મૂકતું. મારું શું થશે? મારે પ્રેમ વગર જ જીવવાનું!’ ક્રિસ્ટીન ધીરજ ગુમાવી બેઠી હતી.

ત્યાં એક દિવસ ક્રિસ્ટીનનો ફોન આવ્યો. હરખાતા હૈયે બોલી, ‘મને મારો સાથીદાર મળી ગયો. એક જવાન સ્ત્રી ઇચ્છે એ બધું જ એનામાં છે.

મેં એને અભિનંદન આપ્યા. મને થયું હવે ક્રિસ્ટીનને એનું ઈચ્છીત સુખ મળશે. પછી કેટલાય મહિનાઓ સુધી ક્રિસ્ટીન વિશે મને સાંભળવા ન મળ્યું. ત્યાં એકાદ વરસ પર અચાનક એનો ફોન આવ્યો. એણે કોઇ પણ ફોર્મલ વાત કર્યા વિના સીધું મને કહ્યું. ‘મારે પૈસા જોઇએ છે, પ્રશસ્તિ આપશે?’

‘કેટલા’ મેં પૂછયું.

‘એ કેટલા આપી શકશે? તમે એને પૂછી રાખો. હું આવું છું.’

ક્રિસ્ટીન તો સ્વમાની છોકરી છે એ હું જાણતી હતી. ખરેખર એ ભીડમાં હોય તો જ પૈસા માગે. મને થયું ક્રિસ્ટીન હમણાં હમણાં તો સારું કમાતી હતી. એવું મેં સાંભળ્યું હતુ તો એના પૈસા ગયા ક્યાં? પણ એને મેં કશું પૂછયું નહીં. એ જયારે પૈસા લેવા આવી ત્યારે મારા વગર પૂછે એણે કહેવા માંડયું. મારા બોયફ્રેન્ડે મને દગો દીધો. મારા બધા પૈસા એ લઇ ગયો છે.

મેં એની પર પૂરો વિશ્ર્વાસ મૂકયો હતો અને એણે મને છેતરી મારી પાસે કંઇ બચ્યું નથી.

‘હવે તું કયાં રહીશ?’ મેં પૂછયું.

‘એ કશું હું જાણતી નથી. મેં મારા ફાધર, મારી બહેનો અને મારી અમેરિકન ફ્રેન્ડઝને મારી આપવિતી કહી, પણ કોઇએ મને એક શબ્દ સમભાવનોય ન કહ્યો કે એક સેન્ટ પણ ન ધર્યો. મેં તો ના સાંભળવાની તૈયારી સાથે જ તમને ફોન કર્યો હતો. અને તમેે મને કશુંય પૂછયા વગર હા કરી દીધી.

પ્રશસ્તિએ એને પૂછયું, ‘હાલ તારે કેટલા જોઇએ છે!’

‘બસો, ત્રણસો’ અચકાતાં અચકાતાં એ બોલી

પ્રશસ્તિએ પાંચસો ડોલર એને આપ્યા. ક્રિસ્ટીન આભાર માનીને ગઇ. પછી બે વરસ સુધી એ આવી જ નહીં. અને જયારે આવી ત્યારે એણે ડોલર પર્સમાંથી કાઢીને પ્રશસ્તિના હાથમાં મૂકયા. પ્રશસ્તિએ ડોલર ગણ્યા તો છસોડોલર હતા. પ્રશસ્તિએ એને સો ડોલર પાછા આપવા માંડયા અને કહ્યું, ‘મે તો તને પાંચસો આપ્યા હતા તો સો ડોલર વધારે કેમ?

ક્રિસ્ટીન બોલી, ‘મારા કોઇ સ્વજને મને એક ડોલરે આપ્યો ન હતો અન મેં વાત તો તારી મમ્મી સાથે કરી હતી અને એમણે મન કશુંય પુછયા વગર હા કહી દીધી હતી. વચ્ચે બે વરસ વીતી ગયા પણ તે એક વારે ઉઘરાણી ન કરી. તારો આ સદભાવ હું કદી નહીં ભૂલું. ક્રિસ્ટીનના અવાજમાં ભારોભાર આભારની લાગણી છલકાતી હતી.

પ્રશસ્તિ બોલી, મેં જે કર્યું એમાં કઇ નવાઇ નથી કરી. તું મારી ફ્રેન્ડ છે તો તને કહું છું તું અમારી સાથે આવીને થોડા દિવસ રહે.

પ્રશસ્તિની લાગણી જોઇને ક્રિસ્ટીન રડી પડી. એ બોલી, તારા સિવાય મારી પર આવી નિસ્વાર્થ લાગણી રાખનાર કોઇ નથી. કોઇએ મારી પર વિશ્ર્વાસ તો નથી મૂકયો પણ લાગણીના બે શબ્દોય કહ્યા નથી. કોઇની પાસેથી મને હૂંફનો અનુભવ નથી થયો. જયારે તે અને તારી મમ્મીએ મારી પર કેટલો વિશ્ર્વાસ મૂકયો. હું રોજ તમને બેઉને યાદ કરતી હતી. પણ આવી શકતી નહોતી કારણ કે મેં પેલા મારા ફ્રેન્ડ પર કેસ કર્યો હતો. એણે મારી સાથે જે છેતરપિંડી કરી હતી તેથી હું ડિપ્રેશનમાં સરી પડી હતી. મને મારી જાત પર ગુસ્સો આવતો હતો કે હું કેમ આવી બેવકૂફ બની? હવે તો મારે કોઇ ભવિષ્ય નથી. હું એકાકી છું. મારે નથી કોઇ સાથી. સંગાથી. મારે નથી કોઇ સ્વપ્નાં, નથી કોઇ આશા. હું ખૂબ હતાશ છું. મને થાય છે. મને તમારા દેશમાં કેમ જન્મ ન મળ્યો! તમે બધા કેટલા નિરાંતથી રહો છો.

‘તું પણ અમારી સાથે રહેવા આવી જા.’ મેં કહ્યું

‘અહીં રહું તો તમને બધાને પ્રેમથી રહેતાં જોઇ મને અહીથી જવાનું મન જ ન થાય. તમારું ઘર તો દેવભૂમિ છે. તમારું ઘર છોડયા પછી જો હું જાઉં તો કાં તો ગાંડી થઇ જાઉં. કાં તો આપઘાત કરી બેસું. માટે પ્રાર્થના કરીશ કે આવતા જન્મમાં ભારતમાં હું જન્મું.’