જાણીતા લેખિકા શ્રીમતી અવંતિકા ગુણવંત નો પરિચય અને એમની વાર્તાઓ અગાઉ આ લીંક ઉપર ની ઘણી પોસ્ટ માં મુકવામાં આવી છે ,એટલે વાચકો માટે એ સુપરિચિત છે .
આજની પોસ્ટમાં લેખિકાના આભાર સાથે પ્રસ્તુત કરેલ એમની ટૂંકી સત્ય ઘટનાતમક વાર્તામાં એમણે અમેરિકાના કલ્ચર અને ભારતીય કલ્ચરનો તફાવત રજુ કરી અમેરિકન સમાજનું દર્પણ આપણી સામે ધર્યું છે.
આ વાર્તામાં પ્રશસ્તિબેનનો જે ઉલ્લેખ છે એ અવંતિકાબેનનાં બોસ્ટનમાં સપરિવાર સ્થાયી થયેલ એમનાં દીકરી છે . દીકરીને ત્યાં થોડો સમય ગાળવા એ અમદાવાદથી બોસ્ટન અવાર નવાર આવતાં ત્યારે એમણે જાતે અનુભવેલ એમની દીકરી પ્રશસ્તિ સાથે અભ્યાસ કરતી ક્રિસ્ટીનના જીવનની સત્ય ઘટના આ વાર્તાનું કથા બીજ છે .
આશા છે આપને એમની બીજી વાર્તાઓની જેમ આ વાર્તા પણ ગમશે. આપનો પ્રતિભાવ જરૂર લખશો .
વિનોદ પટેલ
==============================

મને મારી જાત પર ગુસ્સો આવતો હતો કે હું કેમ આવી બેવકૂફ બની? હવે તો મારે કોઇ ભવિષ્ય નથી. હું એકાકી છું. મારે નથી કોઇ સાથી. સંગાથી. મારે નથી કોઇ સ્વપ્નાં, નથી કોઇ આશા. હું ખૂબ હતાશ છું. મને થાય છે. મને તમારા દેશમાં કેમ જન્મ ન મળ્યો! તમે બધા કેટલા નિરાંતથી રહો છો
આંગણની તુલસી – અવંતિકા ગુણવંત
ક્રિસ્ટીન-જર્મન બાપ અને સ્કોટીશ માની એ દીકરી. એનાથી મોટી એને ત્રણ બહેનો હતી. પણ ભાઇ ન હતો. એના બાપને દીકરો જોઇતો હતો. તેથી ક્રિસ્ટીનના મા અને બાપ વચ્ચે અવારનવાર ઝઘડા થયા કરે. ઘરમાં કંકાસ એટલા બધા વધી ગયા કે એક દિવસ ક્રિસ્ટીનની મા ઘર છોડીને સાધ્વી થઇ ગઇ. દીકરીઓ બાપના ઘરમાં બાપ પાસે રહી પણ બાપની સાથે સ્નેહથી જોડાયેલી ન હતી.
આ ક્રિસ્ટીનની બે મોટી બેનો. થોડા સમય પછી એમના બોયફ્રેન્ડ સાથે રહેવા જતી રહી. કાયમ માટે તેમણે ઘર છોડી દીધું.
આ ક્રિસ્ટીન મારી દીકરી પ્રશસ્તિ સાથે ભણે. પ્રશસ્તિએ ક્રિસ્ટીન વિશે મને બધી વાત કરેલી. એટલે ક્રિસ્ટીન માટે મને વિશેષ સમભાવ. એક દિવસ પ્રશસ્તિ ક્રિસ્ટીનને લઇને અમારા ઘરે આવી. હું હેતથી એને ભેટી પડી. ક્રિસ્ટીન બોલી, ‘પ્રશસ્તિ બહુ નસીબદાર છે. એને તમારા જેવી વહાલસોઇ મા મળી છે. તમે એને તો સાાચવો છો પણ મને ય કેટલા હેતથી આવકારી.’
ક્રિસ્ટીન મારી સાથે ખુલ્લા દિલથી વાત કરે. આ ક્રિસ્ટીન પંદર વર્ષની થઇ એટલે એના પિતાએ એને કહ્યું, ‘તારે આ ઘરમાં રહેવું હોય તો રહેવા અને ખાવાના પૈસા આપવા પડશે.’
ક્રિસ્ટીન જોબ કરતી હતી પણ એના પિતાએ માગી એટલી રકમ આપી શકે એમ ન હતું. ક્રિસ્ટીન મારી પાસે આવીને રડી હતી કે કેમ એને આવા પિતા મળ્યા છે.
મેં એને આશ્ર્વાસન આપતાં કહ્યું હતું, ‘તું શ્રદ્ધા રાખ તને માબાપનો પ્રેમ નથી મળ્યો તો બીજું કોઇ પ્રેમ કરનાર મળશે, એ તને અઢળક પ્રેમ કરશે.’
‘પણ ક્યારે? મારી નિકટ ઘણા આવે છે. પણ કોઇ સાથે રહેવાનો પ્રસ્તાવ નથી મૂકતું. મારું શું થશે? મારે પ્રેમ વગર જ જીવવાનું!’ ક્રિસ્ટીન ધીરજ ગુમાવી બેઠી હતી.
ત્યાં એક દિવસ ક્રિસ્ટીનનો ફોન આવ્યો. હરખાતા હૈયે બોલી, ‘મને મારો સાથીદાર મળી ગયો. એક જવાન સ્ત્રી ઇચ્છે એ બધું જ એનામાં છે.
મેં એને અભિનંદન આપ્યા. મને થયું હવે ક્રિસ્ટીનને એનું ઈચ્છીત સુખ મળશે. પછી કેટલાય મહિનાઓ સુધી ક્રિસ્ટીન વિશે મને સાંભળવા ન મળ્યું. ત્યાં એકાદ વરસ પર અચાનક એનો ફોન આવ્યો. એણે કોઇ પણ ફોર્મલ વાત કર્યા વિના સીધું મને કહ્યું. ‘મારે પૈસા જોઇએ છે, પ્રશસ્તિ આપશે?’
‘કેટલા’ મેં પૂછયું.
‘એ કેટલા આપી શકશે? તમે એને પૂછી રાખો. હું આવું છું.’
ક્રિસ્ટીન તો સ્વમાની છોકરી છે એ હું જાણતી હતી. ખરેખર એ ભીડમાં હોય તો જ પૈસા માગે. મને થયું ક્રિસ્ટીન હમણાં હમણાં તો સારું કમાતી હતી. એવું મેં સાંભળ્યું હતુ તો એના પૈસા ગયા ક્યાં? પણ એને મેં કશું પૂછયું નહીં. એ જયારે પૈસા લેવા આવી ત્યારે મારા વગર પૂછે એણે કહેવા માંડયું. મારા બોયફ્રેન્ડે મને દગો દીધો. મારા બધા પૈસા એ લઇ ગયો છે.
મેં એની પર પૂરો વિશ્ર્વાસ મૂકયો હતો અને એણે મને છેતરી મારી પાસે કંઇ બચ્યું નથી.
‘હવે તું કયાં રહીશ?’ મેં પૂછયું.
‘એ કશું હું જાણતી નથી. મેં મારા ફાધર, મારી બહેનો અને મારી અમેરિકન ફ્રેન્ડઝને મારી આપવિતી કહી, પણ કોઇએ મને એક શબ્દ સમભાવનોય ન કહ્યો કે એક સેન્ટ પણ ન ધર્યો. મેં તો ના સાંભળવાની તૈયારી સાથે જ તમને ફોન કર્યો હતો. અને તમેે મને કશુંય પૂછયા વગર હા કરી દીધી.
પ્રશસ્તિએ એને પૂછયું, ‘હાલ તારે કેટલા જોઇએ છે!’
‘બસો, ત્રણસો’ અચકાતાં અચકાતાં એ બોલી
પ્રશસ્તિએ પાંચસો ડોલર એને આપ્યા. ક્રિસ્ટીન આભાર માનીને ગઇ. પછી બે વરસ સુધી એ આવી જ નહીં. અને જયારે આવી ત્યારે એણે ડોલર પર્સમાંથી કાઢીને પ્રશસ્તિના હાથમાં મૂકયા. પ્રશસ્તિએ ડોલર ગણ્યા તો છસોડોલર હતા. પ્રશસ્તિએ એને સો ડોલર પાછા આપવા માંડયા અને કહ્યું, ‘મે તો તને પાંચસો આપ્યા હતા તો સો ડોલર વધારે કેમ?
ક્રિસ્ટીન બોલી, ‘મારા કોઇ સ્વજને મને એક ડોલરે આપ્યો ન હતો અન મેં વાત તો તારી મમ્મી સાથે કરી હતી અને એમણે મન કશુંય પુછયા વગર હા કહી દીધી હતી. વચ્ચે બે વરસ વીતી ગયા પણ તે એક વારે ઉઘરાણી ન કરી. તારો આ સદભાવ હું કદી નહીં ભૂલું. ક્રિસ્ટીનના અવાજમાં ભારોભાર આભારની લાગણી છલકાતી હતી.
પ્રશસ્તિ બોલી, મેં જે કર્યું એમાં કઇ નવાઇ નથી કરી. તું મારી ફ્રેન્ડ છે તો તને કહું છું તું અમારી સાથે આવીને થોડા દિવસ રહે.
પ્રશસ્તિની લાગણી જોઇને ક્રિસ્ટીન રડી પડી. એ બોલી, તારા સિવાય મારી પર આવી નિસ્વાર્થ લાગણી રાખનાર કોઇ નથી. કોઇએ મારી પર વિશ્ર્વાસ તો નથી મૂકયો પણ લાગણીના બે શબ્દોય કહ્યા નથી. કોઇની પાસેથી મને હૂંફનો અનુભવ નથી થયો. જયારે તે અને તારી મમ્મીએ મારી પર કેટલો વિશ્ર્વાસ મૂકયો. હું રોજ તમને બેઉને યાદ કરતી હતી. પણ આવી શકતી નહોતી કારણ કે મેં પેલા મારા ફ્રેન્ડ પર કેસ કર્યો હતો. એણે મારી સાથે જે છેતરપિંડી કરી હતી તેથી હું ડિપ્રેશનમાં સરી પડી હતી. મને મારી જાત પર ગુસ્સો આવતો હતો કે હું કેમ આવી બેવકૂફ બની? હવે તો મારે કોઇ ભવિષ્ય નથી. હું એકાકી છું. મારે નથી કોઇ સાથી. સંગાથી. મારે નથી કોઇ સ્વપ્નાં, નથી કોઇ આશા. હું ખૂબ હતાશ છું. મને થાય છે. મને તમારા દેશમાં કેમ જન્મ ન મળ્યો! તમે બધા કેટલા નિરાંતથી રહો છો.
‘તું પણ અમારી સાથે રહેવા આવી જા.’ મેં કહ્યું
‘અહીં રહું તો તમને બધાને પ્રેમથી રહેતાં જોઇ મને અહીથી જવાનું મન જ ન થાય. તમારું ઘર તો દેવભૂમિ છે. તમારું ઘર છોડયા પછી જો હું જાઉં તો કાં તો ગાંડી થઇ જાઉં. કાં તો આપઘાત કરી બેસું. માટે પ્રાર્થના કરીશ કે આવતા જન્મમાં ભારતમાં હું જન્મું.’
Like this:
Like Loading...
Related
તદ્દન સાચી વાત કરી છે ભોળી ક્રીષ્ટને તેને સાચો પ્રેમ મળ્યો જ નથી એટલે તેના માટે તે તરસે છે.બહુ સરસ વાર્તા છે.
LikeLike
Thanks
LikeLike
”તમારું ઘર તો દેવભૂમિ છે. તમારું ઘર છોડયા પછી જો હું જાઉં તો કાં તો ગાંડી થઇ જાઉં. કાં તો આપઘાત કરી બેસું. માટે પ્રાર્થના કરીશ કે આવતા જન્મમાં ભારતમાં હું જન્મું.’’…અહીંથી દેશમા ગયેલા ભાણાભાઇની બેઉ દીકરીઓ કહે કે અમે બધા પાછા ભારત આવી જઇએ અહી બહુ ગમે…………………
LikeLike
પ્રજ્ઞાબેન
આભાર
અવન્તીકાબેનની એક બીજી વાર્તામાં તમે કહો છો એમ અહીં ઉછરેલી
અનારને પણ ઇન્ડિયા ગમી ગયું હતું . અહીં વાચો .
https://vinodvihar75.wordpress.com/2012/06/19/61-%E0%AA%AD%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A4-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B0%E0%AB%80-%E0%AA%AD%E0%AB%80%E0%AA%A4%E0%AA%B0%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A4%E0%AA%BE/
LikeLike