વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

( 520 ) વૃધ્ધાવસ્થા અને સકારાત્મકતા …..લેખક- વિનોદ પટેલ/ ઘડપણનાં ગીતો ….

પ્રસંગે કહ્યું હતું કે-

 

old man with stick

 વૃધ્ધાવસ્થા અને સકારાત્મકતા …..લેખક-  વિનોદ પટેલ

વૃધ્ધાવસ્થા યા ઘડપણ એ દરેક મનુષ્યના મરણ પહેલાંનો જીવનનો આખરી તબક્કો છે.જીવનની મુસાફરીનું એ આખરી સ્ટેશન છે . જુવાનીની વસંત ભોગવ્યા પછી આવતી વૃદ્ધાવસ્થા એટલે કે જીવનની પાનખરમાં જીવન વૃક્ષ ઉપરથી પાકેલાં પીળાં પાન એક પછી એક એમ ખરતાં જાય છે .એટલે તો આપણા આદ્ય કવિ નરસિંહ મેહતાએ દુખી હૃદયે ગાયું છે કે  –  “ઘડપણ કેણે મોકલ્યું ? ઉમરા તો ડુંગરા થયા , પાદર થયા પરદેશ ! “

સો વરસનું આરોગ્યમય સાદું,સાત્વિક અને સેવામય જીવન ભોગવીને વિદાય થયેલ કર્મયોગી રવિશંકર મહારાજે સાચું કહ્યું છે કે “ જે ઘરડમાં ચાલે તે ઘરડો “. વૃદ્ધ શબ્દ વૃદ્ધિ ઉપરથી આવ્યો છે. ઘડપણ આવે એ પહેલાંથી જ માણસ સતત વિચારોની વૃદ્ધિથી સમૃદ્ધ થતો રહે છે એટલે એ વૃદ્ધ કહેવાય છે . શરીરથી એ ભલે વૃદ્ધ દેખાતો હોય પણ મનથી તો એ યુવાન હોય છે .

વૃધ્ધાવસ્થામાં આરોગ્યના ઘણા પ્રશ્નોનો સામનો કરવો પડે છે. સાઠ વર્ષ કે એની આજુબાજુની ઉમરે બ્લડ–સુગર, કૉલેસ્ટરોલ, બ્લડ પ્રેશર, આરથ્રાઈટીસ,હૃદય રોગ –બાયપાસ સર્જરી અને છેલ્લે તબક્કે સ્મૃતિ નાશ એટલે કે અલ્ઝાઈમર જેવા ડરામણા લાગે એવા રોગોના લીસ્ટમાંથી એક કે વધુ રોગો સામે ટકવાનું હોય છે . આવા વખતે વૃદ્ધ માણસ ઘણીવાર મનથી ભાંગી પડતો જોવામાં આવે છે અને ડીપ્રેશનનો ભોગ બનીને દુખી થતો અને બીજાંને પણ દુખી કરતો હોય છે. ઘડપણમાં દુખો ભોગવીને , રીબાઈને મૃત્યુ પામવાનો ભય ઘણાંને સતાવતો હોય છે.આવા બધા જીવનના અંતિમ સમયે મન ઉપર કાબુ રાખવા માટે વૃદ્ધોએ સકારાત્મક  વલણ અપનાવવાની ખાસ જરૂર ઉભી થાય છે.

જેનું શરીર અને મન છેક સુધી સાથ આપે છે એવા જુજ સદભાગી માણસો જીવનની બાજી જીતી લઈને વિદાય થાય છે .જે માણસો યુવાનીનો સમય ભવિષ્યના કોઈ પણ પ્રકારના આયોજન વિના વેડફી મારે છે , પુર આવવાનું છે એમ જાણ્યા છતાં વહેલાસર પાળ નથી બાંધતા ત્યારે પાઘડીનો વળ છેડે એમ વૃધાવાસ્થામાં દુખી થતા હોય છે .આપણે ત્યાં રવિશંકર મહારાજ , મોરારજીભાઈ દેસાઈ , વિદ્યા વાચસ્પતિ કે,કા .શાસ્ત્રી જેવાં અનેક ઉદાહરણો છે જેમાં આવા મહાનુભાવોએ જીવનની છેલ્લી પળ સુધી શારીરીક માનસિક અને આત્મિક સુખ ભોગવી, લોકો માટે કામ કરતાં કરતાં એમનું જીવન દીપાવીને વિદાય થયા છે અને અમર થઇ ગયા છે . પૂજ્ય મહાત્મા ગાંધીની જો કરુણ હત્યા થઇ ના હોત તો ૧૨૫ વર્ષ જીવવા માટેનું એમનું પૂરેપૂરું આયોજન હતું.

ઘડપણમાં જુની આંખે ઘણા નવા તમાશા જોવાના હોય છે. આજની દુનિયામાં બધું ઝડપભેર બદલાઈ રહ્યું છે.જે સરતો રહે છે તેનું જ નામ તો સંસાર છે .”આ દુનિયા હવે પહેલાં જેવી રહી નથી “ એવી ફરિયાદ ઘણા ઘરડાઓ કરતા હોય છે. પરંતુ પરિવર્તનને પચાવવાની અશક્તિ દુખો ઉત્પન્ન કરે છે .ઘડપણ જેટલી શરીરની છે એટલી જ મનની અવસ્થા છે .

યુવાન પેઢીની પૈસા ખર્ચવાની અને બીજી લાપરવાઈઓ વૃદ્ધ મા -બાપને ઘણીવાર અકળાવતી હોય છે. ઘણા વૃદ્ધો એમના પરિવારો સાથે રહે છે એ બધાં જ કઈ સુખી નથી હોતાં . આ અવસ્થામાં ઘણા પ્રશ્નો ઉભા થાય છે .ગમશે, ચાલશે , ફાવશે અને ભાવશે એવી મનોવૃત્તિ જો રાખવામાં ના આવે તો દુખી થવાના દહાડા આવે છે .વર્ષોથી મનમાં ઘર કરી ગયેલી જૂની માન્યતાઓ અને આગ્રહો છોડવાનો અને એની સાથે સમાધાન કરી લેવાનો આ સમય છે .

બધા જ અણગમતા સંજોગોમાં મનનું સંતોલન રાખીને સકારાત્મક અભિગમ રાખવો એ જ સુખી થવાની ચાવી છે .આજે ઘણા વૃધ્ધો ભારતમાં તેમ જ વિદેશોમાં રહીને ત્યાંના જુદા પ્રકારના માહોલમાં પણ મન સાથે સમાધાન –સુમેળ સાધીને બ્લોગો અને અનેક પ્રકાશનોમાં લેખન વિગેરે સર્જન પ્રવૃતિઓ દ્વારા ઉમદા સાહિત્ય સેવા કરી રહ્યા છે તેમ જ એમની અન્ય મનગમતી પ્રવૃતિમાં પ્રવૃત્ત રહીને એમની જીવન સંધ્યામાં રંગો ભરી રહ્યા છે , ઘડપણના દિવસોને દીપાવી રહ્યા છે એ કેટલું શુભગ દ્રશ્ય છે ! એટલા માટે તો વૃદ્ધાવસ્થાને જીવનનો સોનેરી સમય કહેવામાં આવે છે .

જીવનના વિપરીત સંજોગોમાં પણ મળે ત્યાંથી હાસ્ય શોધી મનને રંજીત રાખવાની કળા જે વૃદ્ધ જાણે છે અને મનને પ્રફુલ્લિત રાખે છે એને સુખની પ્રાપ્તિથી બહુ છેટું પડતું નથી . તનનું બહુ સુખ ના હોય ત્યારે મનની સુખ સમૃદ્ધી જીવનને નવો આયામ આપવા માટે ખુબ કામ લાગે છે . નિયમિત ચાલવું, શરીરને માફક આવે કસરત કરવી, આધ્યાત્મિક ગ્રંથોનું વાચન , સત્સંગ અને મેડીટેશન વિગેરે વૃદ્ધાવસ્થામાં તન.મન અને આત્મા માટેનો પૌષ્ટિક ખોરાક બની શકે છે.

આના સંદર્ભમાં જાણીતા સાહિત્યકાર અને વિચારક ડો- ગુણવંત શાહ ના પુસ્તક  ‘વૃક્ષમંદિરની છાયામાં’ પુસ્તકમાંના એક પ્રેરક લેખ “ઘડપણ સડવા માટે નથી” માંથી કેટલાક અંશો એમના આભાર સાથે નીચે આપવાનું મન કરે છે .તેઓ લખે છે –

“ જે માણસ મોટી વયે પણ નવું નવું વાંચવાનું, વિચારવાનું અને નિર્મળ આનંદ પામવાનું વ્યસન છોડવા તૈયાર નથી એવા માણસને ‘ઘરડો’ કહેવો એ એનું અપમાન છે. .પારકી પંચાતથી દૂર રહીને નિજાનંદમાં મસ્ત રહેનારા દાદાને ખાલીપો પજવતો નથી. ઘરના સંતાનો એમનાથી કંટાળતા નથી. પુત્રવધુને એમની હાજરી ખટકતી નથી.શંશોધનોએ સાબિત કર્યું છે કે નિયમિતપણે ચર્ચમાં જનારા લોકો લાંબું જીવે છે. ભગવાન નામનું ટ્રાન્ક્વિલાઈઝર જબરી રાહત સાવ ઓછી કિંમતે પહોંચાડે છે.

ખિસકોલી ઘરડી થાય તોય દોડવામાં ધીમી પડતી નથી. પુષ્પ ખરવાની અણી પર હોય તોય સુગંધ આપવામાં પાછી પાની કરતું નથી. હરણ ગમે એટલું ઘરડું હોય તોય એની દોડવાની ગતિ જળવાઈ રહેતી હોય છે. ઘરડા હાથીનું ગૌરવ પણ છેલ્લી ક્ષણ સુધી અકબંધ રહેતું હોય છે.

અમેરિકાના બનોર્ડ બારુચ કહે છે :

ઘરડા થવાની ઉંમર

હું આજે છું એના

પંદર વર્ષ પછીની જ હોય છે. 

આ લેખના વિષયની પૂર્તિ કરતી મારી નીચેની કાવ્ય રચના પ્રસ્તુત કરું છું જે આપને વાંચવી ગમશે.

ghadapan

આવીને ઉભો રહ્યો દ્વારે, અડીયલ આ બુઢાપો !

આયુ વૃક્ષની વિવિધ ડાળીઓ ઉપરથી ,

ખરી રહ્યાં પર્ણો આજે જીવનની પાનખરમાં .

એક વણનોતર્યા મહેમાન સરીખો,

આવીને ઉભો રહ્યો દ્વારે, આ અડીયલ બુઢાપો.

હતો એક સમો જ્યારે ગર્જતા’તા સિંહ સમા

વૃધ્ધાવસ્થાના એક થપાટે, બની ગયા આજે,

એક  દુર્બલ લાચાર મેઢા ઘેટા સમા .

શરીર, ઇન્દ્રિઓમાં ભલે ન રહ્યો એ જોમ ને જુસ્સો

કરી મનને મક્કમ,બાકી સમય અને શક્તિઓ વડે,

જીવનનો ખરો આનંદ માણવાની છે આ વેળા.

જીવન-ચાદરને ઉજળી રાખી, શ્રધ્ધા અને ભાવથી,

પ્રભુ ચરણે એને અર્પણ કરવાની છે આ વેળા.

વીતેલ કાળની  ખેતીમાં વાવેલ સૌ પાકોને,

હોંશથી લણીને સૌમાં વહેંચવાની છે આ વેળા.

જીવનની સંધ્યાએ ગણેલા શ્વાસો બાકી છે ત્યારે

હૃદય મન મક્કમ કરીને કરીએ આ પ્રાર્થના કે,

મારા આ બુઝાતા દીપકની વાટ સંકોરી આપી,

મારા ડગમગતા ચરણોને સ્થિર રાખી .

મારો હાથ ગ્રહી,મારી પડખે રહીને ,

તારા એ મંગલ મંદિરના દ્વાર સુધી મને,

સુખેથી પહોંચાડવાની પરમ કૃપા કરજે, હે પ્રભુ !

—- વિનોદ પટેલ, સાન ડીયેગો, કેલીફોર્નીયા

 

 

 શ્રી પી.કે. દાવડા એ એમના ઈ-મેલમાં મોકલેલ  શ્રી ભગવતીકુમાર

પાઠક ની કાવ્ય રચના ઘડપણનું ગીત  અને પાઠકજીના આ ગીતનો શ્રી દાવડાજીએ

આપેલ જવાબ નો પણ આસ્વાદ લો.

ઘડપણનું ગીત 

વાળને તો ડાય કરી કાળા કર્યા, પણ ભમ્મરને કેમ કરી ઢાંકો ?

રાજ, હવે જોબનનો ઉતારો ફાંકો !

ચોકઠું ચડાવી શીંગ ખાશો પણ રાજ, તમે આખાં તે વેણ કેમ બોલશો ?

થરથરતા હાથથી બોલપેન ઉઘડે પણ વેણીને કેમ કરી ખોલશો ?

દાદર ચડતાં રે હાથ ગોઠણ દિયો ને કોઇ મુગ્ધા બોલાવે કહી ‘કાકો’ !

તડકામાં ઢોલાજી બબ્બે દેખાય, આ તો મોતિયો ઉતરાવવાનું ટાણું !

સાંભળવા ઈચ્છો તો અરુંપરું સાંભળો, પડદીમાં પડ્યું છે કાણું;

મિચકારો મારો તો પાણી ઝરે ને રાજ, પડછાયો સાવ પડે વાંકો.

તસતસતા પેન્ટ દઈ વાસણ ખરીદો અને ધોતીયું કે લુંગી લો ચડાવી,

સીટી મારો તો ઢોલા હાંફી જવાય, હવે સીસકારે કામ લો ચલાવી;

ઘોડે ચડીને હવે બાવા ન પાડશો, કમ્મરમાં બોલશે કડાકો.

ભગવતીકુમાર પાઠક 

પાઠકજીના ઉપરના ઘડપણના ગીતનો આ રહ્યો શ્રી દાવડાજીનો  જવાબ

વાળ અને ભ્રમરની ફાસ્ટ ડાય મળતી પાઠકજી,

જોબનનો ઉતરે નહિં ફાંકો !

શીંગ છોડીને ટોબ્લર ખાસું પાઠકજી,

અને અંગેર્જી હોઠેથી હાંકો,

વેણીનો પ્રશ્ન નહિં ઉપજે પાઠકજી,

બેબીના બોબ કટ રાખો,

દાદરની વાતો કાં કરતા પાઠકજી,

અમે તો લીફટમાં જાશું,

મુગ્ધા જો અંકલ કહીને બોલાવે,

પ્રેમથી ભેટવા જાશું,

ફાકોથી મોતિયા કઢાવી પાઠકજી

લેંસ બેસાડીને જોશું,

વાતો સાંભળવાના નાના મશીનને

કાનમાં બેસાડી દેશું,

ફ્લેક્ષી પેન્ટ પેરીને ફરસું પાઠકજી,

હાય-હલોના ગાણાં ગાશું,

ધોડે ચડીને કોણ પરણે પાઠકજી,

અમે તો મોટરમાં જાશું.

-પી. કે. દાવડા

================

છેલ્લે ,આ અગાઉની પોસ્ટ નમ્બર ૫૧૯ માં જેમનો પરિચય આપ્યો છે એ શ્રી નવીનભાઈ બેન્કરની આ કેફિયત પણ વાચી લો.

દેવઆનંદ ને જવાબ-’અહેસાસ કૈસે ના હો ?

દેવ આનંદ ‘દાદા‘ એ તેમની ૮૬મી વર્ષગાંઠને પ્રસંગે કહ્યું  હતું કે-

                                              ઉમ્ર બઢના તો એક દસ્તુર હૈ

                                         અહેસાસ ન કરો તો બૂઢાપા કહાં હૈ ?

લેકિન , અહેસાસ કૈસે ના હો ?

ઘૂટને દુઃખને લગે,

પ્રોસ્ટેટ પીડા કરને લગે,

આંખેં કમજોર હો જાયેં,

દાંત ગીરને લગે,

ઔર થકાન મહેસુસ હોને લગે..

નવરાત્રિકે ડાંડીયા એવોઈડ કરના પડે,

ઔર ખૂબસુરત લડકીયાં ‘દાદા‘ કહને લગે

તો…બૂઢાપેકા અહેસાસ કૈસે ન હો ?

આપકો તો સબ મુંહ પર  ‘દેવસા‘બ..દેવસા‘બ‘  કહતેં હૈ  ઇસલિયે આપકો યે અહેસાસ ન હો..લેકિન હમેં તો ‘નવીનદાદા..નવીનદાદા‘ કહતેં હૈ.

હમ ઇસ અહેસાસકો કૈસે રોક સકતેં હૈં ?

નવીન બેન્કર

૬ ઓક્ટોબર ૨૦૧૧

( એમના બ્લોગ એક અનુભૂતિ એક અહેસાસ માંથી સાભાર )

 

Old man - laughing

 

 

 

 

3 responses to “( 520 ) વૃધ્ધાવસ્થા અને સકારાત્મકતા …..લેખક- વિનોદ પટેલ/ ઘડપણનાં ગીતો ….

 1. Suresh Jani સપ્ટેમ્બર 2, 2014 પર 5:11 એ એમ (AM)

  સરસ લેખ અને સંકલન. ગમ્યાં.

  Like

 2. vkvora Atheist Rationalist સપ્ટેમ્બર 2, 2014 પર 6:47 એ એમ (AM)

  દાવડાજીના જવાબ બધું આવી જાય છે. મોતીયાનું ઓપરેશન, લીફ્ટમાં ચડ ઉતર અને છેવટે મોટરનો ઉપયોગ…..

  Like

 3. pragnaju સપ્ટેમ્બર 2, 2014 પર 6:51 એ એમ (AM)

  ખૂબ અગત્યના વિષયનું સુંદર સંકલન
  પ્રેરણાદાયી વિચાર બને તેટલા વ્યવહારમા લાવવાથી જરુર શાંતી મળે અને સમજાય ઉમાશંકર લખે છે..”હું મને મળવા આવ્યો છું”.વૃધ્ધાવસ્થા એટલે પોતે પોતાની જાતને મળવાની અવસ્થા. પચ્ચાવન-સાઠ વર્ષની ઉંમર સુધી આપણે આપણા નોકરી-ધંધા, વેપાર-વ્યસાયમાં કે ઘરસંસારના વહી વટ વહેવારમાં એવા ખૂંતેલા અને ડુબેલા રહ્યા કે આખા જગતને મળી શક્યા, પરંતુ પોતાની જાતની મુલાકાત લેવાનો આપણને કદી સમય ન મળ્યો. આખી દુનિયા ઓળખી જાણી, સમજી લેવા મથી રહ્યા પરંતુ આ સમસ્ત હિલચાલનું કે કેન્દ્રબિંદુ હતું તે “સ્વ”બે કદી ઓળખવાનો પ્રયત્ન જ ના થયો. વૃધ્ધાવસ્થા આ સ્વપરિચયનાં બારણાં ખોલી આપવા માટે આવે છે.વૃધ્ધાવસ્થા એટલે પોતાને એકાંત મળવાનો ઉત્સવ.

  વૃધ્ધાવસ્થા એ જીવનની અંતિમ અવસ્થા નથી. તે તો અંતિમ અવસ્થાની અગાઉની એક અવ્સ્થા છે. વૃધ્ધાવસ્થા એક સેતુ છે, જેના પર ચાલીને આપણે જીવન્ના અંતિમ બિન્દુએ, પૂર્ણવિરામ સ્થાને પહોંચવાનું છે.. ઘણા માને છે.”નિવૃત થયાં, વધ્ધ થયાં એટલે બધું પતી ગયું. વાતવમાં વૃધ્ધત્વ એટલે એક નવો આરંભ, નવી શરૂઆત.

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: