વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Daily Archives: સપ્ટેમ્બર 6, 2014

( 525 ) નિવૃત્તિ પછીની પ્રવૃત્તિની ગઝલ… રિષભ મહેતા…. રસાસ્વાદ … વિનોદ પટેલ

ફેસબુક પેજ ઉપર શ્રી પંચમ શુક્લએ પોસ્ટ કરેલ નીચેની ગઝલ

વાંચતાં જ  મને એ ગમી ગઈ .

આજની પોસ્ટમાં વી.વી. નાં વાચકો માટે એને અત્રે પ્રસ્તુત કરું છું.

આ ગઝલનો મારો લખેલ  રસાસ્વાદ ગઝલની નીચે છે .

OLD AGE 

નિવૃત્તિ પછીની પ્રવૃત્તિની ગઝલ… • રિષભ મહેતા

ફરી એકડો ઘૂંટીશ; કક્કો લખીશ પાછો,
જૂનું બધુંયે નવી રીતથી ભણીશ પાછો.

ઘણુંય કાચું રહી ગયું છે હવે જણાયું,
બધું ફરીથી બહુ જ પાકું કરીશ પાછો.

ઘણીય વેળા ઊઠા ભણાવી ગયા છે લોકો,
બધા જ ઘડિયા, બધા દાખલા ગણીશ પાછો !

જૂની પુરાણી નિશાળ છે ને હું પણ છું જૂનો,
જૂની કવિતા ઊભો ઊભો ગણગણીશ પાછો !

હવેથી નરસિંહ, હવેથી મીરાં, કબીર, તુલસી,
શબદ બધાનો ધીરે ધીરે હું પઢીશ પાછો.

પિતાજી લાવ્યા હતા રેડિયો બહુ જ સુંદર,
વીતેલ વર્ષો ફરીથી એમાં ભરીશ પાછો!

હવે ભલેને કપાઈ જાઉં નથી જરા ડર,
પતંગ સાથે ગગનમાં ઊંચે ઊડીશ પાછો.

હવે રહ્યું ના સમય કે સ્થળનું કોઈ જ બંધન,
હવે હું અટકી અટકી આગળ વધીશ પાછો…

સૌજન્ય: “નવનીત સમર્પણ”, ઑગસ્ટ 2014, પૃષ્ઠ: 20

===================

 રસાસ્વાદ

પોતાના વ્યવશાય અને અન્ય સામાજિક કામોમાં ખુબ જ પ્રવૃત્તરહી, સંઘર્ષ અને ભાગ દોડની જિંદગી જીવ્યા પછી જ્યારે માણસ નિવૃત્ત થાય છે ત્યારે એક રાહતનો દમ લે છે .પોતાની જવાબદારીઓ પૂરી કર્યાનો એને મનમાં આનંદ હોય છે.

હવે એની પાસે જ્યારે સમયની કોઈ પાબંધી નથી ત્યારે એની કમાયેલી નીવૃતીના સમયમાં જીવનમાં અગાઉ જે કઈ ના કરી શકાયું હોય એ કરવાના મનમાં મનસુબા નિવૃત્ત માણસ કરતો હોય છે .

આ ગઝલમાં આવા એક નિવૃત માણસના મનના મનસુબા ગઝલકાર શ્રી રિષભ મહેતાએ આબાદ પ્રસ્તુત કર્યા છે . 

નિવૃત્ત માણસ કહે છે કે જીવનની જે બારાખડી હું ભણ્યો હતો એને ભૂલીને હવે  વૃદ્ધાવસ્થામાં એક બાળકની જેમ નવો કક્કો મારે ઘૂંટવો છે અને એકડે એકથી નવા આંક લખવા છે . જુનું બધું હવે નવી રીતથી ભણવું છે .જીવનના શિક્ષણમાં જે કઈ કાચું રહી ગયું હોય એને ફરી પાકું કરવું છે .

જીવનમાં મારે ઘણા કડવા અનુભવો થયા છે , ઘણા લોકો મને ઉઠાં ભણાવી ગયા છે એ ભૂલીને જીવનના અનુભવના દાખલા હવે મારે ફરી ગણવા છે .

સમયના અભાવે નરસિંહ, મીરાં, કબીર, તુલસી જેવા સંતો વિષે જે ઊંડાણથી જાણવાનું રહી ગયેલું હવે એમના અમર શબ્દોને હું આ નીવૃતીમાં ફરી ભણીને જીવનમાં ઉતારીશ.પિતાજી હોંશથી રેડિયો લાવેલા એ સાંભળવાનો પહેલાં સમય ન હતો અને એ સંગીત સાંભળવાનું રહી ગયેલું એ ગુમાવેલું સંગીત હવે નિરાંતે મારે સાંભળવું  છે .

હવે મારે સમય કે સ્થળનું કોઈ બંધન નથી. હવે હું મારી કલ્પનાઓના પતંગોને આધ્યાત્મના આકાશમાં લહેરથી ઉડાવ્યા કરીશ .ભલેને મારો પતંગ કપાઈ જાય તો પણ એની હવે મને કોઈ ચિંતા નથી. મારે હવે પહેલાં કરતો હતો એમ ઝડપથી આગળ ધસવાના કોઈ ધખારા નથી. મારી પાસે હવે ઘણો સમય ફાજલ છે . હવે પછીની જિંદગીમાં ઘીમે ધીમે અટકી અટકીને મારા જીવનના અંતિમ લક્ષ્ય મોક્ષ તરફ ગતી કરવાની મારા મનમાં ખ્વાહીશ છે

વિનોદ પટેલ

—————————-

આભાર-સૌજન્ય- શ્રી રિષભ મહેતા , શ્રી પંચમ શુક્લ