વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય પદ્ય સર્જનની આનંદ યાત્રા

( 527 ) આસ્તિક / નાસ્તિક …….. શ્રી. શરદ શાહ

Busy phone-1મારા મિત્ર શ્રી સુરેશભાઈના બ્લોગ સૂરસાધના માં આધ્યાત્મિક ચિત્ત વૃતિ ધરાવતા આંતર યાત્રી મિત્ર શ્રી શરદભાઈ શાહનો લેખ “આસ્તિક /નાસ્તિક વાંચ્યો  .

આ લેખમાં શરદભાઈએ રજુ કરેલા વિચારો ખુબ જ મનનીય છે.

એમનો આ ચિંતન લેખ મને ગમી જતાં ગમતાનો કરીએ ગુલાલ એ રીતે આ લેખને વી.વી.ના વાચકોને માટે વાંચવા અને વિચારવા આજની પોસ્ટમાં આ બન્ને મિત્રોના આભાર સાથે રી-બ્લોગ કરતાં આનંદ થાય છે

શ્રી સુરેશભાઈ ના વિવિધ ચિંતન લેખો ની ઈ-બુક “બની આઝાદ “ શરદ ભાઈના લેખને અંતે મૂકી છે એ પણ જરૂર વાંચશો

મને આશા છે આ બે મિત્રોના મનનીય વિચારો તમને આંતર યાત્રા ના પંથે પગ માંડવા માટે પ્રેરશે.

વિનોદ પટેલ

આસ્તિક  / નાસ્તિક – શ્રી. શરદ શાહ

       

[ શરદ ભાઈનો પરિચય વાંચવા આ ફોટા પર ‘ક્લિક’ કરો ]

 • હું કોણ છું?

 • ક્યાંથી આવ્યો છું?

 • ક્યાં જવાનો છું?

 • શું હું કરોડો સેલમાંથી બનેલ દેહ માત્ર છું?

 • શું હું આત્મસ્વરૂપ છું? આ આત્મા શું છે?

 • આ પરમાત્મા શું છે ?

 • ઈશ્વર જેવું કંઈ છે કે નહિ?

 • જો ઈશ્વર છે તો કેવો છે?

 • જો નથી તો આ બધા ધર્મશાસ્ત્રો માં ઉલ્લેખ અને વ્યાખ્યાઓ છે તે શું તરકટ છે?

 • શું આ દેહનું મૃત્યુ એ મારું પણ મૃત્યુ છે?

 • મૃત્યુ પછી જીવ ક્યાં જાય છે?

 • તેનું શું થાય છે?

 • ભટકતા જીવ ભૂત પ્રેત થાય છે?

 • શું ભૂત પ્રેત ખરેખર હોય છે?

 • કે પછી આ બધા મનના વહેમ માત્ર છે? 

     આ અને આવા હજારો પ્રશ્નો આપણી ભીતર ઉઠે છે અને તેના જવાબો આપણે શાસ્ત્રોમાં, પુસ્તકોમાં, કે બુદ્ધના વચનોમાં શોધીએ છીએ કે પછી પંડિતો, ગુરુઓ, ધર્માચાર્યો કે મિત્રોને પૂછીએ છીએ. આ પ્રશ્નોના ગમે તેટલા અને ગમે તેવા જવાબો આપવામાં આવે; પરંતુ તે જવાબો આપણને આત્મસંતોષ, સમાધાન કે શાંતિ નથી આપી શકતા.  ઉપરથી એક જવાબ  આપવામાં  આવે કે તરત જ બીજા અનેક પ્રશ્નો ઉભા થઇ જાય  છે.અને જેમ જેમ પ્રશ્નો પૂછતા  જઈએ અને જવાબો મળતા જાય તેમ તેમ વધુને વધુ આપણે ગુંચવાતા  જઈએ છીએ – એવો અનુભવ આપણને ઘણીવાર થયો હોય છે.માણસ આખરે થાકી ને એક યા બીજા જવાબને સ્વીકારી શરણું  લઇ લે છે. કાળક્રમે એ સ્વીકારેલો જવાબ તેનો પોતાનો છે; તેમ તે માનતો થઇ જાય છે અને તેના જવાબના સમર્થનમા અનેક તર્ક શોધી કાઢી; તે સંતુષ્ટ થઇ જાય છે. હવે તેને ખબર છે કે ઈશ્વર છે કે ઈશ્વર નથી.હવે તેને ખબર છે કે આત્મા પરમાત્માનો અંશ છે કે આત્મા જેવું કંઈ છે અથવા  નથી. હવે તેને કદાચ ખબર છે કે પુનર્જન્મ છે કે પુનર્જન્મ ધુતારાઓ ની ઈજાદ માત્ર છે.

     આ અને આવી અનેક ભ્રમણાઓનાં આપણે શિકાર થઇ;  પાકે પાયે આપણી ભીતર ‘એક ભ્રમણા નું  જગત’ નિર્માણ કરીએ છીએ. હવે આ ભ્રમણાને  કારણે આપણને લાગે છે કે,  ‘મને બધી ખબર છે અને હું બધું જાણું છું. હવે મારી પાસે બધા પ્રશ્નોના જવાબ છે.’ આપણે તેવો દાવો પણ કરવા માંડીએ છીએ. અને ‘ હું જ સાચો અને મારાંથી  વિરુદ્ધ વિચાર, મંતવ્ય કે જવાબ ધરાવનાર બધા ખોટા અને મુર્ખ છે.’ – તેવું સાબિત  કરવામાં આપણે લાગી જઈએ છીએ.

       આવી ભ્રમણાને કારણે માનવ સમાજ મુખ્યત્વે બે ધારામાં વિભાજીત થઇ ગયો. એક ધારા જે ઈશ્વર (પરમાત્મા)  છે તેવું માનનારો વર્ગ છે. અને બીજો વર્ગ છે જે માને છે ઈશ્વર જેવું કંઈ નથી. ઈશ્વરને માનનાર વર્ગ ‘આસ્તિક’ અને ના માનનાર વર્ગ ‘નાસ્તિક’ તરીકે ઓળખાય છે.

       આપણે જોઈએ છીએ કે,  અત્યાર સુધી આસ્તિકો ની સંખ્યા બહુમતીમાં હતી; જયારે નાસ્તિકોની સંખ્યા અલ્પ હતી. ઘણા બધા પરિબળો તેને માટે જવાબદાર છે. પરંતુ સામ્પ્રત સમયમાં; જયારે વિજ્ઞાન અને ટેકનોલોજી કુદકેને ભૂસકે વધી રહી છે; સામાજિક ઢાંચામાં પરિવર્તન આવી રહ્યા છે; અને માહિતીનો વિસ્ફોટ થઇ રહ્યો છે – ત્યારે પરિણામ સ્વરૂપ માનવ મન અને બુદ્ધિ પણ તેજથી વધી રહી છે. એના ફળરૂપે, નાસ્તિકોની સંખ્યામાં દિન પ્રતિદિન વૃદ્ધિ થઇ રહી છે. એક એ આ દૃષ્ટિ શુભ છે. કારણકે તર્ક-બુદ્ધિનો સદુપયોગ જ્ઞાન માર્ગમાં સહાયક છે.

પણ દુરુપયોગ એટલો જ ખતરનાક પણ છે. 

      સમયે સમયે આસ્તિક-નાસ્તિક માટે  વિધ વિધ શબ્દ પ્રયોગ પ્રયોજાતા  રહ્યા છે. જેમકે આસ્તિક માટે ઈશ્વરવાદી, ધાર્મિક, શ્રદ્ધાળુ, વેદાંતી, સનાતની કે અન્ય. તે જ રીતે નાસ્તિક માટે નિરીશ્વરવાદી, અધાર્મિક, ચર્વાકી, કાફિર,કમ્યુંનિસ્ટ વગેરે વગેરે.પરંતુ છેલ્લા કેટલા સમયથી નવો શબ્દપ્રયોગ અમલમાં આવી રહ્યો છે. નાસ્તિકો માટે વિવેકપંથી (રેશનાલિસ્ટ) અને આસ્તિકો માટે અંધશ્રધ્ધાળુ (નોનરેશનાલિસ્ટ).

બોટલ નવી માલ જૂનો! 

     આ આસ્તિક-નાસ્તિકનું યુદ્ધ કે વાદ-વિવાદ નવા નથી, સદીઓથી ચાલે છે અને આવતી અનેક સદીઓ સુધી ચાલ્યા જ કરશે. આસ્તિકો ક્યારેય નાસ્તિકોને સમજાવી શક્યા નથી કે નથી નાસ્તિકો ક્યારેય આસ્તીકોને સમજાવી શક્યા. બંને પક્ષે અનેક દલીલો અને તર્ક છે અને આ તર્ક ખોટા  છે તેમ તમે કહી પણ ના શકો. આ અંતહીન યુદ્ધ છે.

      કારણ? કારણકે બંને પક્ષે અહમનો ખેલ છે, એમને  વિવાદમાં તો રસ છે; પણ સંવાદમાં બિલકુલ નહીં. એ સૌને ‘હું જ સાચો છું.’ તે સાબિત કરવામાં તો રસ છે જ; પરંતુ સત્ય શું છે તે જાણવામાં કોઈ રસ નથી. બંને પક્ષ એકબીજા પર આક્ષેપ અને પ્રતિઆક્ષેપમાં વ્યસ્ત છે અને તેમના કોચલામાંથી બહાર આવવા માંગતા નથી.  બંને પક્ષ પાસે રેડીમેઈડ જવાબો છે – ‘ઈશ્વર છે.’; ‘ઈશ્વર નથી.’ વિ. અને પોતપોતાના જવાબોના સમર્થનમાં અનેક તર્ક અને દલીલો પણ છે.

     ગણિતના દાખલાના જવાબો પાઠ્યપુસ્તક પાછળ વાંચીને સાચા કે ખોટા એ જાણી શકાય. અથવા  ભૂગોળ, વિજ્ઞાન કે અન્ય વિષયોના જવાબ ગાઈડથી ગોખીને આપી શકાય છે. પરંતુ જીવન સંબંધે , કે ધર્મ સંબંધે તે શક્ય નથી હોતું.

     ન્યુટને  અથાક પરિશ્રમને અંતે ગુરૂત્વાકર્ષણનો  નિયમ શોધ્યો. અને આઈન્સ્ટઇને એમાં ગૂઢ તર્કો વાપરીને સુધારા સુચવ્યા અને ક્યાં તે લાગુ ન પડી શકે, તે બતાવ્યું. આપણે એ બધું કશા જ પરિશ્રમ કર્યા વગર સીધું સ્વીકારી શકીએ છીએ. પરંતુ નેમિનાથ કે પાર્શ્વનાથનાં વચનો દોહરાવી વર્ધમાન માંથી મહાવીર નથી થવાતું. કૃષ્ણ ના ગીતાના વચનો દોહારવવાથી પડિત પુરોહિત બની શકાય; પરંતુ જે ઉંચાઈ ના શિખરો કૃષ્ણ ભગવાને સર કર્યા તે નથી કરી શકાતા। મહાવીર કે કૃષ્ણ બનવા દરેક વ્યક્તિએ સ્વયં અંતરયાત્રા કરવી પડે છે, અને  ત્યારેજ એ ભીતરી ખજાનો ઉપલબ્ધ થાય છે – જે હજારો બુદ્ધ પુરુષોને ઉપલબ્ધ થયો છે..

       કૃષ્ણ હો કે ક્રાઈસ્ટ, મહાવીર હોય કે મહંમદ, નાનક હોય કે કબીર – દરેકે સ્વયં અંતરયાત્રા કરી, તેમના પ્રશ્નોનું સમાધાન મેળવેલ છે. આ અંતર યાત્રાને   ભારતીય મનીષીઓ ‘તપ’ કહે છે. તમામ બુદ્ધ પુરુષો આપણને અંતરયાત્રા કેમ કરવી તેના ઈશારા કરતા ગયા છે. પરંતુ આપણને અંતરયાત્રામાં રસ ઓછો અને રેડીમેઈડ ઉત્તરો વાંચી, વાદ -વિવાદ કરી હું સાચો અને સામો પક્ષ ખોટો અને મુર્ખ છે તે સાબિત કરવામાં રસ ઝાઝો છે.

      અહમનો આ ખેલ આપણે જોઈ શકીએ અને ખબર પડે કે, “અરે! બેહોશીમાં હું પણ આ ખેલમાં ભાગીદાર છું”. તો હવે સ્વાધ્યાય શરુ થયો અને અંતર યાત્રાની શરૂઆત થઇ સમજવી. આ સત્ય તરફ કે પરમાત્મા તરફનું પહેલું કદમ  છે. કહે છે કે,

યોગ્ય દિશામાં
પહેલું કદમ માંડો
એટલે ।
અડધી યાત્રા
પૂરી થઇ સમજવી.

     પ્રભુ સૌને અંતરયાત્રા ની દિશામાં કદમ માંડવાની શક્તિ અને સામર્થ્ય આપે

એ જ અભ્યર્થના.

શરદ શાહ

‘બની આઝાદ’ લેખ શ્રેણી માટે ઉપરના ચિત્ર પર ‘ક્લિક’ કરો

3 responses to “( 527 ) આસ્તિક / નાસ્તિક …….. શ્રી. શરદ શાહ

 1. chandravadan September 13, 2014 at 11:42 AM

  શરદભાઈ તરફથી એક સુંદર લેખ !

  પ્રથમ, શરદભાઈને આ લેખ લખવા માટે અભિનંદન.

  વિનોદભાઈ, તમે પોસ્ટરૂપે પ્રગટ કર્યો તે માટે આભાર !

  ….ચંદ્રવદન
  DR. CHANDRAVADAN MISTRY
  http://www.chandrapukar.wordpress.com
  Avjo !

 2. pragnaju September 10, 2014 at 4:41 PM

  બેઠ કબીરા બારીએ,
  સૌનાં લટકાં લેખ,
  સૌની ગતિમાં સૌ ચલે,
  ફાધર, બામણ, શેખ!-
  રમેશ પારેખ
  નાસ્તિકોથી સમાજને નુકસાન નથી થયુ અથવા ઓછુ થયુ છે તે કેવી રીતે ? હવે એવુ છે કે આસ્તિક-નાસ્તિક બંન્ને પરસ્પર વિરુદ્ધ છે એટલે ખબર પડે છે શુ આસ્તિક અને શુ નાસ્તિક. પોતાની કેટલીક ક્રીયામાં આડા ચાલતા લોકોને નાસ્તિક જાહેર કર્યા હોવા જોઈએ, તેના પરથી ‘નાસ્તિક’ આવ્યો હોવો જોઈએ. પહેલા ‘નાસ્તિક’ શબ્દ આવ્યો હોવો જોઈએ. પહેલા આસ્તિકનું અસ્તિત્વ હોવું જોઈએ.
  આસ્તિક: ઈશ્વરને પામવાનો છે ધર્મ તો અમારો જીવનને જાણવાનો ધ્યેય છે અમારો નાસ્તિક : ખાવું પીવું હરખવું એ પંથ છે માનવીના અસ્તિત્વને પુષ્પ, નદી અને વૃક્ષના અસ્તિત્વનો રંગ લાગી જાય તો બેડો પાર! સત્ય, પ્રેમ, નેકી, કરુણા અને માનવતા વિનાની નાસ્તિકતા વેરાન રણ જેવી અને આસ્તિકતા વમળના વન જેવી હોય છે. સત્યના સેતુ પર અપૂર્ણ માનવી ઊભો છે. અપૂર્ણ હોવું એ તો આપણો મૂળભૂત માનવીય અધિકાર છે. સત્યના સેતુ પર માનવી, કેવળ માનવી જ હોય છે.

  • Vinod R. Patel September 10, 2014 at 7:07 PM

   લેખ જેવો જ આપનો પ્રતિભાવ હમ્મેશની જેમ અભ્યાસપૂર્ણ અને મનનીય છે અને લેખની પૂર્તિ કરે છે .

   આપનો આભાર પ્રજ્ઞાબેન .

   આપના દરેક પ્રતિભાવ માટે મનમાં આભાર હોવા છતાં શબ્દોમાં એને વ્યક્ત

   ના કરવા બદલ ક્ષમા કરશો.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: