
મુર્તઝા પટેલ અમદાવાદના છે અને અમદાવાદમાં શિક્ષણ લીધું છે . છેલ્લાં કેટલાંક વર્ષોથી વ્યવસાય અર્થે નાઈલને કિનારે પીરામીડોના દેશ કેરો, ઈજીપ્તમાં સપરિવાર રહે છે.
વતન તરફનો તેઓનો લગાવ અવારનવાર એની મુલાકાત લઈને અનેક મિત્રોને મળીને તેઓ બતાવતા હોય છે .
મુર્તઝા પટેલ નીચેના બે ગુજરાતી બ્લોગોના સંપાદક છે
એમના બ્લોગોની મુલાકાત લીધા પછી તમને લાગશે કે મુર્તઝાભાઈ વેપાર અને માર્કેટિંગમાં નિષ્ણાત તો છે જ પણ એની સાથે ગુજરાતી ભાષા ઉપરની એમની પકડ ધ્યાન ખેંચે એવી છે.
મુર્ત્ઝાભાઈની લખાણની શૈલી અને શબ્દોની રમત એમની આગવી છે જે મને ખુબ ગમે છે .આપને પણ એમની વાર્તાઓ-રચનાઓ વાંચવાથી એની સહેજે પ્રતીતિ થશે .કહે છે ને કે જેવું શીલ એવી શૈલી.
એમના બ્લોગ નાઈલને કીનારેથીમાંથી મને ગમેલી ત્રણ વાર્તાઓનો વી.વી.ના વાચકોને આજની પોસ્ટમાં આસ્વાદ કરાવતાં આનંદ થાય છે.
આ વાર્તાઓમાં માણસોના સંબંધોમાં એક બીજા પ્રત્યે માનવતા ભર્યું વર્તન દાખવવાનો સુંદર યાદ રાખવા જેવો સંદેશ છે .માણસે વિજ્ઞાનની મદદથી ગ્રહો ઉપર તો વિજય મેળવ્યો છે પરંતુ અહમ પ્રેરિત પૂર્વગ્રહોને જીતી શક્યો નથી.આની સાબિતી માનવોના એક બીજા પ્રત્યેના રોજ બ રોજના સંબંધોમાંથી મળી રહે છે.
મને આશા છે આપને મુર્ત્ઝાભાઈની આગવી શૈલીમાં લખાયેલી આ પ્રેરક વાર્તાઓ મારી જેમ આપને પણ ગમશે.
મુર્ત્ઝાભાઈ મારા નેટ મિત્ર હોવાની સાથે મારા ફેસ બુક મિત્ર પણ છે. હું એમને કદી રૂબરૂ મળ્યો નથી પણ એમના બ્લોગ અને ફેસબુક ઉપરનું સાહિત્ય વાંચ્યા અને માણ્યા બાદ મને લાગ્યું છે કે આ મળવા જેવો જ નહીં પણ માણવા જેવો પણ માણસ છે .
વિનોદ પટેલ
====================================
ચેપ્ટર ચાચા !
શહેરમાં કૉલેજનું ભણતર પૂરું કરી, ફાઈનલ પરીક્ષા આપી એ લબરમૂછિયો છોકરો પોતાના ગામમાં પાછો ફરી રહ્યો છે. તેનામાં…
એક તરફ નવો જોશ છે, જોમ છે, હોંશ છે. કાંઈક કરવાની આશાઓ છે. ને બીજી તરફ કૉલેજમાં ન ભણાવાયેલી મજબૂરી છે, મજદૂરી છે, મોંઘવારી છે, મારામારી છે.
ટ્રેઈનમાં પણ જનરલ ડબ્બે જ મુસાફરી કરવાની હોવાથી ઉપડવાના અડધો કલાક પહેલા જ તેણે સ્ટેશન પર આવી જગ્યા રોકી લીધી છે. બારી પાસેની એક સીટ પર તેની સાથે બેગ પણ ગોઠવાયેલી છે. (કોઈક બીજું આવી આ જગ્યા પચાવી પાડે એ બીકે…સ્તો !)
ટ્રેઈન ઉપાડવાની થોડીક જ મિનીટ પહેલા એક બુઝુર્ગ ચાચા એક હાથે લાકડી પકડી તેની નાનકડી ટ્રંક સાથે સામેની સીટ પર ગોઠવાય છે. અને એ સાથે અત્યાર સુધી જગ્યા રોકી બેઠેલો મજૂર જેવો છોકરો ગાયબ થાય છે. ગાડી બધી રીતે, બધી બાજુથી ‘ગરમી’ સાથે હકડેઠઠ ભરાઈ ચુકી છે.
સમય પસાર કરવા એ ચાચા આ કોલેજીયન સાથે ‘આમ બાંતે’ કરવાનો પ્રયત્ન કરે છે. અડધો કલાકમાં તો, શહેરમાં ભણતી તેની પૌત્રીનાં લક્ષણોથી થઇ, કોલેજના આધુનિક શિક્ષણ પર ચર્ચા કરી ચુક્યા છે. (સાથે સાથે તેની ડૂચેદાર પીછોડીમાંથી સૂકાયેલી ખજૂર અને પતાસું પણ ઓફર કરી ચુક્યા છે.)
પણ સફરને સફરિંગ ગણી ચુકેલો આ કોલેજીયન કોઈની સાથે બહુ બોલતો નથી, કશુયે લેતો નથી. એ તો માત્ર પાછુ વાળે છે, તેના અડધો સે.મીનાં હોઠોની મજબૂરીવાળું તેનું અકારણ સ્મિત. (કેમ જાણે તેનામાં એ ‘બુઝુર્ગ ચાચા’ તરફ છૂપો અણગમો છે, દબાવાયેલી કોમી નફરત છે.?!?!?!)
ચાચાની અઢી કલાકની મુસાફરી હવે પુરી થવામાં જ છે. એમનું ડેસ્ટીનેશન આવવાને બસ થોડી મિનીટ્સ જ બાકી છે. એટલે તેઓ કોલેજીયનને ઉપર મુકાયેલી બેગ નીચે ઉતારી આપવા અરજ કરે છે. કોલેજીયન મહાપરાણે ઉભો થઇ પતરાની હળવી પેટીને અવાજ સાથે નીચે (ધીમેથી) પટકે છે. (કેમ ગુસ્સાથી વજન ન વધે?!?!? !!!)
પણ ત્યાં જ….
” બેટે, મૈ ઝ્યાદા પઢા-લિખા તો નહિ હૂં, પર કંઈ ચીઝોકો સમજ સકતા હૂં. અલ્લાહને તો હંમ સબકો ઇન્સાનિયત સે હી બનાયા હૈ. ન જાને કહાં સે હમ સબકે બીચ ક્યોં હેવાનિયત ગઈ હૈ?!?!? મોહબ્બત કા જવાબ મોહબ્બત નહિ રહાં. સફર કે દૌરાન તુમ્હે યું દિલ બંધ રખે હુવે દેખકર હંમે ભી અપની જવાની કે દિન યાદ આ ગયે.
માફ કરના બેટે…પર જવાની યુંહીં બેકાર ચલી જાયેગી, અગર યેહ દિલ ઇસ તરહ સે હંમેશા બંધ હી રહા તો…જિન્હોને હંમે પરાયા કર દિયા હૈ વોહ સબ વહાં ગદ્દીઓ પર બૈઠે તમાશા દેખ રહે હૈ ઔર હમ ઇસ તરહ ગાડીયોંમેં તમાશા બન બૈઠે હૈ…સમજના ઝરૂરી હૈ કી મોહબ્બત ઔર સિયાસત સાથ સાથ નહિ ચલ સકતે. સિયાસત ઉનકે લિયે છોડ દો. અપના કામ તો મોહબ્બત બાંટના હૈ…દિલ કો છૂના હૈ…”
થોડી વાર પછી કોલેજીયનને હવે…
એક તરફ સ્ટેશનનાં દરવાજે ટીકીટ ચેકર સાથે ન સ્વીકારાયેલી સૂકી ખજૂર-પતાસું વહેંચતા નીકળતા ‘પ્યારા ચાચા’ દેખાઈ રહ્યા છે…..ધીમે ધીમે..!! ને બીજી તરફ તેની આંખોમાં પસ્તાવાનાં આંસૂ ઉતરી રહ્યાં છે….ધીમે ધીમે…..
કોલેજના ૩ વર્ષમાં જે પાઠ ન ભણવા મળ્યો એનું પહેલું ‘ચેપ્ટર-ચાચા’ આ રીતે ખુલેલું જોઈ એ કોલેજીયન ખીલી રહ્યો છે.
– કથાકિરણ: આલોક પાંડે.
સૌજન્ય : નાઈલને કિનારેથી
====================
“માનવતાનો માત્ર એક જ રંગ હોય છે. : ટ્રાન્સપેરન્ટ !”
હાથમાં લાકિંમતી લેધર-હેન્ડબેગ, બોડી પર પ્રિશિયસ પરફ્યુમ, ચેહરા પર વિવિધ મેકઅપનો થપેડો લઇ એ ભરાવદાર પ્રૌઢા બાઈ તેના બોર્ડીંગપાસ પર લખેલા નંબર મુજબ પ્લેનની સીટ પાસે આવી ગઈ.
“વોટ?!?!?! મને આવા એક હબશી પાસે બેસવાનું?” – બોલતા જ એ બાઈના મગજમાં ક્યાંકથી ભરાયેલો ગુસ્સો પણ આ સાથે આ રીતે અચાનક બહાર દેખાઈ ગયો. ત્યાં હાજર રહેલાં સૌ કોઈ સ્તબ્ધ.
“હું મારી સફર આવા કાળિયા પાસે બેસી ગુજારવા નથી માંગતી. પ્લિઝ મને કોઈક બીજી જગ્યા આપી દો.”- તેની આવી બૂમ સાથે એર-હોસ્ટેસ પણ હવે ત્યાં આવી ગઈ અને વિફરેલ બાઈને શાંત પાડવા લાગી. પણ ગુસ્સાનો પારો આ બેલગામ ઇંગ્લિશ બેગમ પારા પર વધતો ચાલ્યો.
“મેમ ! આમ તો અહીં ઈકોનોમી ક્લાસની બધી જ સીટ્સ બૂક થઇ ચુકી છે. અને અત્યારે કોઈપણ પોતાની સીટ બદલવા તૈયાર નથી. હા! ફર્સ્ટ-ક્લાસની માત્ર એક સીટ ખાલી છે. જો એ અમે મેનેજ કરવાની કોશિશ કરી શકીએ. પણ એ માટે અમને અમારા કેપ્ટનને પૂછવું પડશે.” – એર-હોસ્ટેસે તેની કસ્ટમર-સર્વિસનો નુસ્ખો કામે લગાડયો.
આ ભરાવદાર ગોરી બાઈ તેની હેન્ડબેગ સાથે હજુયે ત્યાં જ ઉભી રહી. જ્યારે પેલા હબશી ભાઈ પર શું વીતી હશે એ તો એ જ જાણે.
ખૈર, થોડી સેકન્ડ્સમાં એર-હોસ્ટેસની વ્યવસ્થામાં હવે ફ્લાઈટનો કેપ્ટન પણ જોડાઈ ગયો. તેના અનુભવ પરથી એણે પરિસ્થતિનો તાગ પણ મેળવી લીધો અને આવતાની સાથે જ તેની કસ્ટમર-સર્વિસનું કેપ્ટનાસ્ત્ર બાણ પણ છોડ્યું……
“મેડમ! આઈ એમ વેરી સોરી. અમારા દરેકેદરેક મુસાફર અમારા માટે ઘણાં માનનીય છે. એટલે તમને આ રીતે તકલીફ ન પડવી જોઈએ. આમ તો ઈકોનોમી ક્લાસની દરેક સીટ્સ ભરાઈ ચુકી છે. જ્યારે ફર્સ્ટ-ક્લાસમાં માત્ર એક જ સીટ ખાલી છે. એટલે હવે એ સીટ માટે અમે આ હબશીભાઈને ત્યાં બેસવાની અરજ કરીએ છીએ. એટલા માટે કે અમે અનુભવીએ છીએ કે આપના શબ્દોથી એ પણ માનસિક રીતે ખૂબ ઘવાયો છે.
આ બાઈ કાંઈક બોલવા જાય એ પહેલા જ કેપ્ટને પેલા હબશીભાઈને હાથના ઇશારા વડે ત્યાંથી ઉઠીને તેની પાછળ ચાલી આવવા જણાવી દીધું. ઈકોનોમી ક્લાસના સૌ મુસાફરોના હાથ આવી ‘ફર્સ્ટક્લાસ’ કપ્તાની અસર હેઠળ તાળીઓના ગડગડાટથી ગૂંજી ઉઠયા.
મોઘમ મોરલો: “માનવતાનો માત્ર એક જ રંગ હોય છે. : ટ્રાન્સપેરન્ટ !”
———————————————————————
‘લોંગ ડિસ્ટન્સ’ કોલ!!!!
એક વૈભવી ફાર્મ-હાઉસમાં એ ડોસા-ડોસી એકલાં રહે છે. તેમના બે દિકરાંવ આ ફાર્મ-હાઉસની ‘રખેવાળી’ તેઓને સોંપી પરદેશમાં રહે છે.
વહેલી સવારે ડોસો ‘મોર્નિંગ વોક’ કરી ઘરમાં પ્રવેશે છે. ને ત્યાંજ રાહ જોતી ડોસી હળવેકથી સોફા પરથી ઉભી થાય છે, અને જણાવે છે: “કહું છું…..નાનકાનો ‘લોંગ ડિસ્ટન્સ’ ફોન હતો…”
“કેમ? આમ અચાનક આજે ફોન કર્યો એણે? ઓલરાઈટ તો છે ને? મારા બચ્ચાંવ?…. એની વાઈફને તો કાંઈ…?”- ડોસાજી ચિંતાની પોટલી ખોલે છે….
“અરે હા ભ’ઈ હા…એ બધાં જ મઝામાં હશે….”
–ડોસીમા હાશકારો મુકે છે, અને ડોસાના કપાળેથી નીતરતો પસીનો લૂંછવા હાથ ઉંચો કરે છે.
“તો પછી આટલાં દિવસો બાદ એણે ફોન કેમ કર્યો?” – ડોસો હજુયે રઘવાટે પૂછી લે છે.
“એ મને બોલ્યો કે ‘હેલ્લો, મમ્મા… I Love you… આજે મધર્સ ડે છે ને… બસ એટલે તારી યાદ….’
– તે ત્યાંજ ડોસો હવે ડોસીની આંખોમાંથી સરી પડેલા ટીપાં લૂંછવા ‘શોર્ટ ડિસ્ટન્સ’ વાળો હાથ ઉંચો કરે છે…
સૌજન્ય–. નાઈલને કિનારેથી
=======================================================
મુર્તુજા ભાઈ, મજા આવી ગઈ, આપની ટુકી પણ વિચાર પ્રેરક વાર્તાઓ વાંચી ને !!!
LikeLike
The second story was put here also…2009/05
http://gadyasoor.wordpress.com/2009/05/01/untouchability/
But I added a new imagination too later !
http://gadyasoor.wordpress.com/2009/05/06/untouchability_2/
cc to Muraza – he may like my story !
LikeLike
વિનુભાઈ, તહે-દિલ શુક્રિયા. આપને વાર્તાઓ ગમી. તો મને આપનું આ શેરિંગ ગમ્યું. ખૂબ ખૂબ આભાર દાદા !
LikeLike
touchy 🙂
LikeLike
પ્રિય ભાઈ મુર્તજા પટેલ
તમારી બોધદાયક વાર્તા અદ્ભુત , અને તમારી લખવાની પદ્ધતિ અદ્ભુત , વાંચવાની , ખુબ મજા આવી .
LikeLike
આતા, શુક્રિયા જીદ્દન.
LikeLike
પ્રેરક સંદેશો આપતી આ વાર્તાઓ ગમી…..બહુ સૂંદર છે….
LikeLike
This justifies my being workoholic!
LikeLike
Pingback: ( 694 ) પાક્કો સેલ્સમેન ! ……. શ્રી મુર્તઝા પટેલ | વિનોદ વિહાર