વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

( 529 ) સુખ દુખ મનમાં ના આણીએ …(ચિંતન લેખ )…લેખક-વિનોદ પટેલ

ચિંતાઓને હટાવો …..સુખ તમારી ભીતરમાં છે ……

એક ફેસ બુક મિત્રના પેજ ઉપર નીચેનું ચિત્ર જોવામાં આવ્યું.

Sukh inside you

 આ ચિત્રમાં અંગ્રેજીમાં જે સુંદર સંદેશ છે એનો ગુજરાતી અનુવાદ આ છે .

એક મૂર્તિ ઘડનાર શિલ્પકારને એક માણસે પૂછ્યું  ““ એક પત્થરમાંથી તું આટલી સુંદર મૂર્તિઓનું સર્જન કેવી રીતે કરી શકે છે ?”

શિલ્પકારે જવાબ આપ્યો :” અરે ભાઈ , આ મૂર્તિઓ અને એના આકાર આ પત્થરમાં  પહેલેથી છુપાએલા જ હોય છે .  હું તો માત્ર જરૂર વગરના પથ્થરના જે ભાગ હોય છે એને મારા ટાંકણાની મદદથી હટાવી દુર કરું છું અને મૂર્તિ દેખાઈ આવે છે .”

બોધપાઠ : તમારું સુખ કઈ બહાર નહીં પણ તમારી અંદર જ છુપાયું હોય છે .ફક્ત તમારી ચિંતાઓને હટાવી દુર કરો એટલે તમારામાં છુપાએલા સુખનાં તમને દર્શન થશે .”

જો સુખી થવું હોય તો ચિંતાઓની ચકલી તમારા મસ્તિષ્કમાં માળો બાંધે એ પહેલાં એને ઉડાડી દો .

એક પ્રાચીન દુહામાં પણ કહ્યું છે ….

ફિકર સબકો ખાઈ ગઈ , ફિકર સબકા પીર

ફીકરકી જો ફાકી કરે , ઉનકા હી નામ ફકીર  

ભૂતકાળ વિશેનો અયોગ્ય અફસોસ અને ભવિષ્ય માટેની બિન જરૂરી ચિંતાઓને લીધે માણસ પાસે વર્તમાનની જે મુલ્યવાન ક્ષણોની પુંજી પડેલી છે એનો સદુપયોગ અને ઉપભોગ કરી સુખી થઇ શકતો નથી .સુખ માટેની ચિંતા જ દુખ પેદા કરતી હોય છે. દુલા કાગ કહે છે માણસો સુખી થવા હારું દખી થતા હોય છે.

સુખ અને દુખ … જીવનના સિક્કાની બે બાજુ છે .

સંસ્કૃતમાં એક વાક્ય છે “ ચક્રવત પરીવર્તનતે દુખાની ચ સુખા ની ચ “ એટલે દુખ અને સુખનું ચક્ર હમ્મેશાં ફરતું રહે છે. જીવનના ચગડોળમાં આપણે સૌ બેઠાં છીએ , એમાં મોજ પણ છે અને પડવાની બીક પણ છે.સુખ અને દુખ એ કાયમી સ્થિતિ નથી .

મારા એક કાવ્યમાં મેં લખ્યું છે …

સુખી થયા , ગર્વ ના કરો, સુખ કઈ કાયમી નથી.

દુખી થયા , દુખ ના કરો, દુખ પણ કાયમી નથી. 

માણસની જિંદગીની શરૂઆત દુખ- માતાની પ્રસુતિ પીડા અને બાળકની નાડ કાપવાના દુઃખથી જ શરુ થાય છે .બાળકનો જન્મ થતાંની થોડી ક્ષણોમાં જ માતા દુખ ભૂલી જાય છે અને એક પુત્ર રત્ન યા કન્યા રત્ન પ્રાપ્તિનું અનહદ સુખ અનુભવે છે .

કભી ખુશી અને કભી ગમથી ભરેલી છે સૌની જિંદગી .

જીવનમાં સુખ અન શાંતિ કોને નથી ખપતી .પ્રત્યેક માણસ સુખી થવાના પ્રયત્નોમાં વ્યસ્ત રહેતો હોય છે.સુખ મળે એ  માટે તો હજારો માઈલોની દુરી કાપીને સૌ  “સુખ નામના દેશ ,અમેરિકા “માં આવીને વસ્યાં છે.માણસની સુખ મેળવવા પાછળની ઉંદર દોડ કદી અટકવાની નથી. માણસની જીવન દોડ સુખ મેળવવા પાછળની જ હોય છે પરંતુ રસ્તામાં દુખોનો પણ ભેટો થઇ જતો હોય છે .

સુખ આજે માર્કેટેબલ કોમોડીટી થઇ ગયું છે. સુખના બજારમાં  હેપ્પીનેસ વેચનારાઓ ઠેર ઠેર હાટડી લઈને બેસી ગયાછે.થોમસ મર્ટન ચેતવે છે કે ‘જો આપણે રેડીમેઈડ સુખ વેચનારાની દયા ઉપર જીવશું તો પછી કદી જ સંતોષી બનવાના નથી,”

વૈજ્ઞાનિકોએ જગતના સુખી માણસની શોધ કરવા માટે આધુનિક ટેકનોલોજીની મદદથી પ્રયત્ન પણ કર્યો છે . આ પ્રયોગો બાદ વિજ્ઞાનીઓએ એક બુદ્ધ ભિખ્ખુ મેથ્યુ રિચર્ડને  ‘હેપીએસ્ટ મેન ઓન અર્થ’ નો ખિતાબ આપ્યો હતો. વિનોદ વિહારની પોસ્ટમેથ્યુ રિચર્ડ ,‘હેપીએસ્ટ મેન ઓન અર્થ’ અને એની સુખ અંગેની ફિલસુફી” માં આ વિષે વધુ વાંચો.

જગતના આ સૌથી સુખી માણસને આ વિડીયોમાં બોલતા પણ સાંભળો .

સંતોષી જીવ સદા સુખી

સુખ કોને કહેવું એ સમજવું સહેલું નથી. દરેક માણસની સુખની વ્યાખ્યા જુદી જુદી હોય છે . સુખ અને દુખ એ મનની કલ્પનામાં રહેલાં છે.બાહ્ય દ્રષ્ટીએ અઢળક ધનમાં રાચતા માણસો સુખી છે એમ માની લેવાની ઉતાવળ કરવા જેવી નથી.વિપુલ સમૃદ્ધિ હોવા છતાં માણસ વધુ સમૃદ્ધિ મેળવવા માટે મનથી સતત ચિંતાતુર અને આકુળ  વ્યાકુળ રહેતો હોય છે.આકાંક્ષાઓ કોઈની કદી પૂરી થતી નથી હોતી.એક ઈચ્છાની પૂર્તિ થતાં  જ તત્કાળ  બીજી નવી ઈચ્છાઓ ઉત્પન્ન થઇ જાય છે.સાચું સુખ ઇચ્છાઓની પૂર્તિમાં નથી .ધનના ઢગલા વચ્ચે જીવનારને નરમ મુલાયમ પથારીમાં પણ સુવાનું સુખ નથી તો એક ગરીબ માણસ સડક ઉપર પણ ઘસઘસાટ ઊંઘી શકે છે . પૈસાથી સુખ ખરીદી નથી શકાતું .સુખ અને દુખ એક રીલેટીવ ટર્મ છે.

દરેક મનુષ્યની સુખ મેળવવાની રીતો જુદી જુદી હોય છે.કોઈને મન ધન પ્રાપ્તિ એ સુખ છે જ્યારે કોઈ સ્વાસ્થ્યને ખરું સુખ માને છે .પહેલું સુખ તે જાતે નર્યા.ખરેખર તો સાચું સુખ પામવા માટે શરીર અને મન બન્ને દુરસ્ત હોવાં જોઈએ.શરીરની તંદુરસ્તી સાથે મનની દુરસ્તી પણ એટલી જ જરૂરી છે.મન ચંગા તો ક્થરોટમેં ગંગા.

સુખી માણસના  પહેરણની કથા

સુખી માણસનું પહેરણ એ નામની જાણીતી કથામાં એક રાજા પાસે બધી જાતનું સુખ હોવા છતાં મનમાં એને ચેન નથી .રાજા વૈદ્યને બોલાવી એનો ઈલાજ કરવા ફરમાવે છે. વૈદ્ય હોંશિયાર છે .રાજાને કહે છે રાજન તમે કોઈ સુખી માણસનું પહેરણ પહેરીને એક રાત સુઈ જાઓ તો આપનું દર્દ દુર થાય. રાજા એના માણસોને સુખી માણસનું પહેરણ લઇ આવવા હુકમ કરે છે. બધે ફરી વળવા છતાં કોઈ ખરેખર સુખી હોય એવો માણસ મળતો નથી .છેવટે એક અર્ધનગ્ન ફકીર જેવો લાગતો ગરીબ માણસ એક ઝાડ નીચે આનંદથી નાચતો અને કૂદતો નજરે પડે છે . રાજાના માણસો પૂછે છે કે તું આમ નાચે છે તો બહુ સુખી લાગે છે .તારું પહેરણ રાજાને જોઈએ છે . પેલો ગરીબ માણસ કહે છે હા હું સુખી છું ,રાજાનું દુખ દુર થતું હોય તો મારું પહેરણ આપવા હું રાજી છું પરંતુ મારી પાસે પહેરવા માટે કોઈ પહેરણ જ નથી. રાજાને ખબર આપવામાં આવે છે કે એક સુખી માણસ છે પણ એની પાસે પહેરવા માટે પહેરણ નથી એટલે પહેરણ લાવી નથી શક્યા. રાજાની આંખ ખુલી જાય છે કે હું મારી  અઢળક સમૃદ્ધિ વચ્ચે દુખી છું અને જેની પાસે પહેરવા પહેરણ પણ નથી એ ગરીબ માણસ કેવો સુખી છે ! ગૌતમ બુદ્ધની કિસા ગોતમીની કથા પણ આ જ મતલબની વાત કહે છે .આ બે ઉદાહરણો એ વાતની પુષ્ટિ કરે છે કે સુખ અને દુખ માણસની માનસિક સ્થિતિનું જ સર્જન છે .

ગ્રીક ફિલસૂફ સોક્રેટીસ નું એક સરસ અવતરણ છે .

“જો દરેક માણસના દુખો અને દુર્ભાગ્યોનાં પોટલાં  બાંધીને તેનો ઢગલો કરવામાં આવે અને પછી તેમાંથી સહુને દુખ સરખે ભાગે વહેંચી લેવાનાં હોય તો મોટા ભાગના લોકો પોતાનું અસલ પોટલું ઉપાડીને ચાલતા થવાના .”

દરેક માણસને બીજાની થાળીમાં પડેલો સુખનો લાડુ મોટો દેખાય છે.સરખામણી કરવાથી જ દુખ ઉપજે છે . નકારાત્મક વલણ ધરાવનાર માણસોને જ્યાં અંધકાર દેખાય છે ત્યાં સકારાત્મક માણસને પ્રકાશની લકીર દેખાય છે .નકારાત્મક માણસ કહેશે કે આ જિંદગી તો ચાર દિનની ચાંદની છે , તો સકારાત્મક માણસ કહેશે ચાર દિનની ભલે હોય તો પણ ચાંદની તો છે ને ! માનીએ તો સુખ છે અને ન માનીએ તો દુખ છે . સુખ અને દુઃખનું કારણ મનુષ્યનું આ મરકટ જેવું મન છે જે કદી સ્થિર રહેતું નથી .માણસના મનની કામનાઓ માણસને દુખી બનાવે છે . સુખ એ એક જાતનો મનનો વ્યાપાર છે. એક સંસ્કૃત શ્લોકમાં કહ્યું છે એમ માણસ ના બંધન અને મોક્ષ નું કારણ આપણું આ મન જ છે.

સાચું સુખ એ આત્માનું-આધ્યાત્મિક-સુખ છે 

સુખદુખ મનમાં ન આણીએ, ઘટ સાથે રે ઘડિયાં ,

 ટાળ્યાં તે કોઈનાં નવ ટળે, રઘુનાથનાં જડિયાં.

–નરસિંહ મહેતા.

ઉપર લેખની શરૂઆતમાં કહ્યું એમ સુખ આપણા અંતર મનમાં છુપાયું હોવા છતાં પેલા સુવર્ણ મૃગ ની જેમ એને શોધવા આપણે બહાર નાહક મથીએ છીએ . સુગંધ પામવા માટે વન ખુંદી વળતા સુવર્ણ મૃગને ખબર નથી કે સુગંધ તો એની નાભિમાં જ છે .

જ્યાં પહોંચવાની ઝંખના વર્ષોથી હોય ત્યાં

મન પહોંચતાં જ પાછું વળે એમ પણ બને

જે શોધવામાં જિંદગી આખી પસાર થાય

ને એ જ હોય પગની તળે એમ પણ બને

– મનોજ ખંડેરિયા

સરખામણી કરવાથી દુખ જન્મે છે.આપણે પરોન્મુખી દ્રષ્ટિ છોડી અંતરમાં ઝાંખી કરી ,આંતર યાત્રા કરી,આત્માનું ખરું સુખ પામવાનું છે.પોતાના માટે તો સહુ કરે પણ બીજા માટે કઈક કરી છૂટવાની ભાવનામાં જે સંતોષ,સુખ અને આનંદ મળે છે એ અનેરો હોય છે.પૂજ્ય રવિશંકર મહારાજના કથન પ્રમાણે ઘસાઈને ઉજળા થવાની ભાવનામાં જે સુખ છે એ સ્વાર્થી જીવન ચર્યામાં નથી.ગમશે,ચાલશે,ફાવશે,ભાવશે ,દોડશે જેવા હકારાત્મક વલણ અને સંતોષી જીવન એ સાચું સુખ પામવાની ચાવી છે.સંતોષી નર સદા સુખી એમ જે કહેવાય છે એ ખોટું નથી.સંત કબીરનો એક સરસ દુહો છે:

“આધી અરુ સુખી ભલી પુરી સો સન્તાપ.

જો ચાહેગા ચુપડી, બહુત કરેગા પાપ “- કબીર

એનો અર્થ એ છે કે “અરે ભગવાન,મને અડધી રોટી જ આપ,આખી રોટી નાહકની પીડા પેદા કરશે. જો ઘી ચોપડેલી રોટી ચાહીશ, તો ઘણાં પાપ કરતો થઈ જઇશ “.

ઈશુ ખ્રીશ્તે કહ્યું છે: ‘પ્રભુને ચાહો. અને બાકીનું બીજું તમને મળી રેહશે.’જીવનની કોઈ પણ પરિસ્થિતિમાં જો મનમાં સાક્ષીભાવનો અભિગમ રાખીએ તો સુખનો અનુભવ કરી શકાય છે .સુખનાં પુષ્પો મુશીબતોનાં કાંટાઓ વચ્ચે જ ખીલતાં હોય છે .સુખનું મૂળ સંતોષમાં છે .અસંતોષમાંથી જ દુખ જન્મે છે .ગીતામાં વર્ણવેલી સ્થિતપ્રજ્ઞતા અને સુખ કે દુઃખમાં સાક્ષીભાવ એ સુખી થવાની ચાવી છે .સુખ મેળવવું સહેલું નથી .એના માટે મથવું પડે છે . પત્થરમાંથી મૂર્તિ ઘડનાર શિલ્પીની જેમ એનું સર્જન કરવું પડે છે.   

જીવનમાં સાચું સુખ કોને કહેવું એ એક મનોવૈજ્ઞાનિક કોયડો છે.આમ છતાં મારા નમ્ર મત પ્રમાણે જે કાર્ય કર્યા પછી આપણો માંયલો, આપણો અંતરાત્મા,આપણું આખું ચૈતન્ય પુલકિત થઇ ઉઠે એજ સાચું આધ્યાત્મિક સુખ.

વિનોદ પટેલ

Buddha- and I

 

2 responses to “( 529 ) સુખ દુખ મનમાં ના આણીએ …(ચિંતન લેખ )…લેખક-વિનોદ પટેલ

 1. pragnaju સપ્ટેમ્બર 14, 2014 પર 7:25 એ એમ (AM)

  ખૂબ સરસ સંકલન

  સાંપ્રત સમયમા સમયના અભાવમા અમે આવી નાની વસ્તુ માનીએ

  જે પરિવાર સાથે જમે છે કે પ્રાર્થના કરે છે ત્યાં આપમેળે સુખનું સ્ટેશન બની જાય છે, કારણ કે સાથે જમવાથી સહકાર

  અને ભાવનાનાં બીજ રોપાય છે અને સાથે પ્રાર્થના કરવાથી મન નિર્મળ બને છે, ઈશ્વરીય તત્વ સામે ઝૂકેલું મન

  છેવટે સ્નેહ, સેવા અને કરુણાથી ઊભરાઈ જાય છે. આ પરિસ્થિતિમાં આપોઆપ સુખની પ્રાપ્તિ થાય છે. આ પ્રકારનું

  સુખ ક્ષણિક નથી અને અંતે સેવાધર્મ પ્રગટે છે. સેવાધર્મમાંથી સમર્પણની ભાવના જન્મે છે. આ સમર્પણ જ્યારે પૂર્ણ

  બને ત્યારે દુઃખમાં પણ સુખનો અનુભવ થાય

  Like

 2. chaman જુલાઇ 19, 2015 પર 5:28 પી એમ(PM)

  સુખ વિશે આટલું વાંચી સુખી થઈ ગયો. આ સુખ કેટલું ટકે છે એ જોવાનું રહ્યું!

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: