ધારાસભ્યોને સાચવવાની એક પેનલના ચેરમેન મનુભાઈ પંચોળી ‘દર્શક’ હતા. તેમના અંગત સચિવ તરીકે હાલના ભાજપાના અગ્રણી જયંતીભાઈ પરમારને નિમણૂક આપી હતી. મનુભાઈ પંચોળી હિતેન્દ્ર દેસાઈની સરકારને બચાવવાના કામ માટે સુરત ગયા હતા. તેમની સાથેનાં સંસ્મરણો તાજાં કરતાં જયંતીલાલ પરમાર કહે છે :
બીજા દિવસે અમે સરકીટ હાઉસમાં સાથે જમવા બેઠા ત્યારે મનુભાઈ પંચોળીએ કહ્યું : “ડ્રાઈવરને જમવા બોલાવો.”
સરકીટ હાઉસના માણસે કહ્યું કે : “ડ્રાઈવરોને અલગ જગાએ બેસાડવામાં આવે છે.”
મનુભાઈ પંચોળીએ ગુસ્સે થઈને કહ્યું : “આમ કેમ ચાલે ? દેશમાં હવે અંગ્રેજોનું રાજ નથી. મારા ડ્રાઈવરને અમારી સાથે જમવા બેસાડો.” અને તે પછી રાત્રે ડાઈનિંગ ટેબલ પર મનુભાઈ પંચોળીએ ડ્રાઈવરની સાથે જ ભોજન લીધું અને પાછળથી શિક્ષણમંત્રી પણ બન્યા.
વર્ષો બાદ મનુભાઈ પંચોળીએ જયંતીલાલ પરમારનાં કાવ્યસંગ્રહ ‘તળેટી’નું વિમોચન પણ કર્યું.
સચિવાલય પર કાવ્ય
આ જ રાજકારણી કમ કવિ જયંતીલાલ પરમારે છેક ૧૯૬૬માં લખેલી ‘સચિવાલય ‘
શીર્ષકવાળી કવિતા માણો :
“સેલ્યૂટની વણઝાર આ હાંફી ગઈ
ને રણ હવે રેલાય છે સચિવાલયે,
આંગણમાં આરડે ભૂખ્યા જનો
ને રાષ્ટ્રધ્વજ મલકાય છે સચિવાલયે,
ઠાઠ ને મહેફિલ એની એ જ છે
રાજવી બદલાય છે સચિવાલયે,
હાથમાં બધાં જોયાં કરે,
ને ચાંદની ઢોળાય છે સચિવાલયે,
રંગરંગી ફૂલ બધાં મહેક્યા કરે,
જે બધાં સિંચાય છે સચિવાલયે.”
ગુજરાતના સુપ્રસિદ્ધ સાહિત્યકાર મનુભાઈ પંચોળી ‘દર્શક’ની જન્મજયંતીનું આ વર્ષ છે ત્યારે ૧૯૮૭માં દર્શકે લોકાર્પિત કરેલા જયંતીલાલ પરમારના કાવ્યસંગ્રહ ની આ પંક્તિઓ આજે પણ એટલી જ સાંપ્રત છે !
વાચકોના પ્રતિભાવ