આ કેવો શુભ સંજોગ બની ગયો કે અગાઉની પોસ્ટ નમ્બર ૫૫૦ માં બાળ ઘડતર થકી વિશ્વ શાંતિની દિશામાં- અભિયાનની વાત કર્યા પછી આજની પોસ્ટમાં બાળશોષણ, બાળ કલ્યાણ, કન્યા શિક્ષણ માટે લડત ચલાવનાર બે વ્યક્તિઓને ૨૦૧૪ માટેનું સંયુક્ત નોબેલ શાંતિ પારિતોષિક મળ્યાના શુભ સમાચાર ની વાત ખુબ આનંદ સાથે કરવામાં આવી રહી છે .
બે પડોશી દેશો ભારત અને પાકિસ્તાનને ગૌરવ અપાવે એવા આ શુભ સમાચાર એ છે કે વર્ષ ૨૦૧૪ માટેના નોબેલ શાંતિ પારિતોષિક માટે ભારતના બાળશોષણ, બાળમજૂરી વિરુદ્ધના ચળવળકાર સમાજસેવી કૈલાશ સત્યાર્થીને વિજેતા ઘોષિત કરવામાં આવ્યા છે.
સાથે સાથે પાકિસ્તાનમાં કન્યા શિક્ષણ માટે લડત ચલાવનાર અને તાલીબાની હુમલાનો ભોગ બનનાર મલાલા યુસફઝાઈને પણ શુક્રવાર, ૧૦ ઓક્ટોબરે સંયુક્ત વિજેતા ઘોષિત કરવામાં આવ્યા છે.
ભારતીય કાર્યકર્તા કૈલાશ સત્યાર્થીને નોબેલ શાંતિ પુરસ્કાર આપવા માટેનું કારણ જણાવતા નોબેલ કમિટિએ નિવેદનમાં કહ્યું છે, મહાત્મા ગાંધીના વિચારોને અનુસરતા તેમણે અનેક શાંતિપૂર્ણ દેખાવો કર્યા. તેમણે બાળકોના શોષણ સામે અવાજ ઉઠાવ્યો અને તેમને આર્થિક રીતે પગભર બનાવવાની દિશામાં કાર્ય કર્યું છે.
સત્યાર્થીએ ભારતમાં બાળ મજૂરી સામે ૧૯૯૦થી આંદોલન ચલાવ્યું હતું. “બચપન બચાવો આંદોલન ” સંસ્થા અંતર્ગત તેમણે ભારતના એક લાખથી વધુ બાળકોને પગભર બનાવ્યા હતા .
૧૭ વર્ષિય મલાલાએ પાકિસ્તાનમાં કન્યા શિક્ષણ માટે લડત ચલાવી હતી. તેણે બીબીસી સાથે મળીને તેનો બ્લોગ શરૂ કર્યો હતો. જે દ્વારા વિશ્વનું ધ્યાન પાકિસ્તાનમાં મહિલાઓની સ્થિતિ પ્રત્યે દોર્યું હતું. તેની આ લડાઈ બદલ તાલિબાનીઓએ બે વર્ષ પૂર્વે તેને શાળાએ જતા રસ્તામાં ઠાર મારવા કોશિશ કરી હતી. તાલિબાની હુમલા બાદ તેને બર્મિંઘમની ક્વીન એલિઝાબેથ હોસ્પિટલમાં શિફ્ટ કરાઈ હતી. જ્યા લાંબો સમય સુધી તેની સારવાર ચાલી. શાંતિ પુરસ્કાર જીતનાર મલાલા સૌથી યુવાન વ્યક્તિ છે.
નોબેલ કમિટિએ એક નિવેદનમાં કહ્યું છે, ”ખૂબ નાની હોવા છતાં મલાલા છેલ્લા ઘણા સમયથી કન્યા શિક્ષણ માટે લડત આપી રહી છે. તેણે બાળકો અને યુવાનોના અધિકારો માટે શ્રેષ્ઠ કામગીરી કરી ઉદાહરણ આપ્યું છે.”
”આ બધુ જ તેણે ખૂબ જ જોખમી સ્થિતિમાં કહ્યું, પોતાની આ લડાઈ દ્વારા તેણે છોકરીઓના અધિકારોને વાચા આપી છે.”
આ વર્ષે નોબેલ શાંતિ પુરસ્કાર માટે ૨૭૮ જેટલા નામોની પસંદગી કરાઈ હતી. જેમાં અમેરિકાના એડવર્ડ સ્નોડેન, ચેલસા મેન્નિંગ, પોપ અને વ્લાદીમિર પુતિન પણ નામાંકિત હતા.
આ નોબેલ પ્રાઇસ વિજેતાઓને 1.1 મિલીયન ડોલર જેટલી રકમ ઇનામરૂપે આપવામાં આવશે. હકીકતમાં 1895માં નોબલ પારિતોષીકની સ્થાપના કરનાર સ્વિડનના ઉદ્યોગપતિ આલ્ફ્રેડ નોબલની 10 ડિસેમ્બરના દિવસે મૃત્યુતિથી છે અને આ દિવસે ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે જેમાં આ ઇનામનું વિતરણ કરવામાં આવે છે.
પાકિસ્તાન તરફથી સૌ પ્રથમવાર નોબેલ શાંતિ પુરસ્કાર મળ્યા પછી ૧૭ વર્ષની કિશોરી મલાલાએ જે સુંદર પ્રતિભાવ દર્શાવ્યો હતો એને યુ ટ્યુબ વિડીયોની આ લીંક ઉપર સાંભળો .
ભારતના અત્યાર સુધીના સાત નોબેલ ઈનામ વિજેતાઓ છે:
કૈલાશ સત્યાર્થી (શાંતિ ઈનામ-2014)
અમર્ત્ય સેન (અર્થશાસ્ત્ર-1998)
સુબ્રમણ્યમ ચંદ્રશેખર(ભૌતિકશાસ્ત્ર-1983)
મધર ટેરેસા (શાંતિ-1979)
ડો. હરગોવિંદ ખુરાના (મેડિસીન-1968)
સી.વી. રામન (ભૌતિકશાસ્ત્ર-1930)
રવિન્દ્રનાથ ટાગોર (સાહિત્ય-1913).
====================================
સમાચાર અને ફોટો સૌજન્ય- ચિત્રલેખા.કોમ
નીચેના બે યુ-ટ્યુબ વિડીયોમાં આ સમાચાર વિષે વધુ જાણો
Indian Satyarthi shares Nobel Peace Prize with
Pakistan’s Malala Yousufzai
Kailash Satyarthi, Malala Yousafzai Win Nobel Peace Prize for 2014
વાચકોના પ્રતિભાવ