વિક્રમ સંવત ૨૦૭૦ નું એક વધુ વર્ષ પુરું થઇ ગયું અને આવીને ઉભા નવા સંવત વર્ષ ૨૦૭૧ ના પગથારે દિલમાં નવી આશાઓ અને નવા અરમાનોનોના દીવાઓનો પ્રકાશ લઈને …..
દિવાળી અથવા દીપાવલી એટલે જ પ્રકાશનું પર્વ.
હિંદુ ધર્મના આ માનીતા અને જાણીતા પર્વ દીપાવલીમાં બહારનો દીવાઓની હાર ( દીપાવલી ) નો પ્રકાશ તો થાય જ છે એની સાથે આંતરિક એટલે કે આત્માના પ્રકાશનો પણ આ તહેવાર છે.
દિવાળી વિષે આપણા આદ્ય કવિ દલપતરામે ગાયું ………
દિવાળીના દિવસોમાં ઘર ઘર દીવા થાય
ફટાકડા તો બહું ફૂટે બાળકો હરખાય
આ દિવાળીના પર્વ વિષે વિગતે માહિતી વિકિપીડીયાની આ લીંક ઉપર ક્લિક કરીને વાંચો .
==========================
ચાલો, વિનોદ વિહારના આજના દીપોત્સવીના અંકમાં દિવાળી-નવા વર્ષ અંગેની
નીચેની સાહિત્ય પ્રસાદી માણીએ
લ્યો આવી ગઈ દિવાળી………– અનિલ ચાવડા
લ્યો આવી ગઈ દિવાળી દર વર્ષે આવે તેમ,
આ વખતે તો સ્વયં પ્રગટીએ ચલો દીવાની જેમ.
ઉદાસીઓના ફટાકડાઓ
ઝટપટ ફોડી દઈને,
ચહેરા ઉપર ફૂલઝડી સમ
ઝરતું સ્મિત લઈને;
કોઈ પણ કારણ વિના જ કરીએ એકમેકને પ્રેમ…
આ વખતે તો સ્વયં પ્રગટીએ ચલો દીવાની જેમ.
સૌની ભીતર પડ્યો હોય છે
એક ચમકતો હીરો,
ચલો શોધીએ ભીતર જઈને
ખુદની તેજ-લકીરો;
ભીતર ભર્યું જ છે અજવાળું ના ઝળહળીએ કેમ?
આ વખતે તો સ્વયં પ્રગટીએ ચલો દીવાની જેમ.
– અનિલ ચાવડા
===================
દિવાળી અને નવું -બેસતું વર્ષ…… ચીમન પટેલ “ચમન”
દિવાળી
કંઈ દિવાળીએા આવીને ગઈ !
સાપ ગયા ને લિસોટા રહ્યા ભઈ.
કંઈ દિવાળીએા આવીને ગઈ!
સાફ કરે સહું પોતાના ઘર
દિવો પ્રગટાવે અંધકાર પર
સારા કપડાં પહેરીને સૌ ફરે
બને વાનગીઓ સારી ઘરે ઘરે.
દિલની સાફસુફી કરવાની રહી,
કંઈ દિવાળીએા આવીને ગઈ!
પૂજન કરી મેળવવું છે સુખ
દેવ દર્શનથી દૂર કરવું દુઃખ
મંદિરમાં જઈ પ્રદિક્ષણા ફરે
ભાથુ ભાવીનું આ રીતે ભરે.
કૃપા પ્રભુની હજુ નથી રે થઈ,
કંઈ દિવાળીએા આવીને ગઈ!
સાફ કરે સૌ અંદરના ઘર
રાખે અમિદ્રષ્ટિ સૌની પર
પ્રેમ પૂજન કરી મેળવે સુખ
દૂર કરે જે દુઃખીએાનંુ દુઃખ
શાંતિ ઘરની સૌની લુંટાઈ રહી,
કંઈ દિવાળીએા આવીને ગઈ!
કે’વા જોઈએ ‘ચમન’ને સાચું
ભલે લાગે કોઈને કડવું ને ખાટું
હરિફાઈ ચાલી છે મંદિરોમાં જયાં
વાનગીઓ અનેક અન્નાકૂટમાં ત્યાં
ભગવાન ભાવનાનો ભૂખ્યો ભઈ,
કંઈ દિવાળીએા આવીને ગઈ!
— ચીમન પટેલ ‘ચમન’
નવા વર્ષે!
(નવા વર્ષે મળેલ અંગ્રેજી સંદેશા પરથી)
આભાર માનું એમનો;
જેમણે-
સંભાળ ખૂબ તો મારી લીધી,
મૂંઝવણ મારી હટાવી દીધી.
આભાર માનું એમનો;
જેમણે-
ચિંતા કરી છે આજ સુધી મારી,
સાથ, એકલતામાં આપી ભારી.
આભાર માનું એમનો;
જેમણે-
તરછોડી મને, એવી તો ખરી સમજણ દીધી,
ગયા નથી દિવસ કોઇના સરખા, આજ સુધી.
આભાર માનું એમનો;
જેમણે-
ધીક્કાર્યો છે, મને એકલાને આજ સુધી,
મજબૂત બનવાની એમણે જ સૂઝ દીધી.
આભાર માનું એમનો;
જેમણે-
રસ, મારા જીવનમાં ઊતરી લીધો;
હું જે છું,એમણે તો બનાવી દીધો!
ચીમન પટેલ ‘ચમન’
==================
વી.વી ના આ દીપોત્સવી અંકમાં સુરત નિવાસી નવોદિત હાસ્ય લેખિકા અને મારાં નવીન ફેસ બુક મિત્ર શ્રીમતી કલ્પના દેસાઈના હાસ્ય લેખોના બ્લોગ લપ્પન–છપ્પન માં પ્રગટ દિવાળી પર્વના ટાણેનીચેનો પ્રસંગોચિત હળવો લેખ માણો.
જીવનના આનંદની ગુરુચાવી……ઘુઘરા જેવો સ્વભાવ
કલ્પના દેસાઈ
દિવાળીના આ એક અઠવાડિયામાં તો આપણે, સાપ કાંચળી ઉતારે એમ બધું જૂનું, સડેલું, ફાટેલું, તૂટેલું ત્યાગીને નવો અવતાર ધારણ કરવાનાં હોઈએ એટલા ઉત્સાહમાં થનગનતાં હોઈએ. ફક્ત બહુ મથવા છતાં કે ફાંકો રાખવા છતાં કે લોકોને સલાહ આપવા છતાં ને નવા વરસે સંકલ્પો લીધા છતાં, પોતાના સ્વભાવને રવાના કરી શકતાં નથી !
શ્રીમતી કલ્પના દેસાઈનો આ પૂરો લેખ
લપ્પન–છપ્પનની આ લીંક ઉપર વાંચી થોડું હસી લઈને નવા વર્ષનું સ્વાગત કરો.

(ફોટો સૌજન્ય-ગુગલ ઈમેજ )
દિવાળીના પર્વે આ મહાન કવી ઉ.જો.રચિત પ્રભુને કરેલ આ
પ્રાર્થનાનું મનમાં રટણ કરીએ અને માગીએ કે ખુમારી પૂર્વક જીવી શકાય તેવું જીવન
પ્રભુ આપણને આપે.
છેલ્લી યાચના …….ઉમાશંકર જોશી
આ છેલ્લી યાચના આપ પાસે,
મારા ઉંડા છેક અંતસ્થલેથી
છેદી નાખો ક્ષીણતા સર્વ મારી
પૂરા જોરે ખડગ ઝીંકી પ્રભુજી !
સુખોને ય જીરવી જાણવાની
શક્તિ દેજો દુઃખમાં એહવી કે
દુઃખો મારાં શાંત મોંએ હસીને
પોતે પોતાની જ પામે ઉપેક્ષા.
શક્તિ દેજો ભક્તિની નાથ એવી
જેણે મારા કર્મ સાફલ્ય પામે
જેણે મારાં દુન્યવી સ્નેહ પ્રેમ
મ્હેંકી ઉઠે પુણ્યના પોયણાં શાં,
કંગાલોને જ્ઞાનહીણાં કરું ના,
જાલીમોને પાય ઝૂકી પડું ના,
ઉંચે માથે ક્ષૂદ્રતાની વચાળે
ચાલું એવી શક્તિ આપો, પ્રભુજી !
શક્તિ દેજો આપને પાય નામી
પોતાને હું સ્થિર રાખું સદૈવ.
– ઉમાશંકર જોષી
========================
વાચક મિત્રો,
ગત વર્ષ દરમ્યાન આપ સૌએ આપેલ સહકાર અને પ્રોત્સાહન બદલ આપનો દિલથી આભાર માનું છું .
નવા વરસે પણ એવો જ સહકાર મળતો રહેશે એવી આશા રાખું છું.
મારી એક હાઈકુ રચના
વી.વી .મિત્રોને
દિવાળી,નવું વર્ષ,
મુબારક હો.
વિનોદ પટેલ
વિનોદ વિહારના સૌ વાચક મિત્રોને શુભ દિપાવલી અને નવા વર્ષે પ્રભુની કૃપાના પાત્ર
બનો એવી હાર્દિક શુભ કામનાઓ સહીત-
શુભ દીપાવલી….નુતન વર્ષાભિનંદન …… સાલ મુબારક

Share the fragrance…
———————————
આભાર સૌજન્ય–
શ્રી અનીલ ચાવડા, શ્રી ચીમન પટેલ , સ્વ.ઉમાશંકર જોશી,શ્રીમતી કલ્પના દેસાઈ, વિકિપીડિયા
વાચકોના પ્રતિભાવ