કોડીયું
(ઉપજાતી)
દીપાવલીના નવપર્વની બધે
જામી છ જાહોજલી શી બજારમાં !
સૌ ઉત્સવે આ નવપર્વ – તેમની
શક્તી–મતી, ત્રેવડ, ભાવભક્તી
ને માન્યતા સૌસહુની પ્રમાણે.
ને પર્વ તો નીર્જીવ –ને કશી શી
હોયે પડી – ધુમ ફટાકડાતણા
ઘોંઘાટમાં નેય પ્રકાશ કેરી
જામી બધે ઝાકઝમાળ – હો ત્યાં !
લક્ષ્મીતણો આ તહેવાર, બાપડો
લક્ષ્મી વીનાના સહુ કોઈનો ના !
પ્રદર્શનો શાં ધનસંપત્તીનાં
ચારે દીશે વ્યાપી રહ્યાં ઝળાંઝળાં !
કો અેક ખુણે બસ બેસી પેલો
નાણાંતણી રેલમછેલ જોતો,
ને કાલની ચીંતવતો રહેતો
એ ભુખ જે ચોક્કસ લાગવાની !
વધ્યુંઘટ્યું જે મળશે ઠીબામાં
તે ઠાંસીને પેટ ભરે કદાચે.
દીપાવલીના તહેવાર મધ્યે
જગી રહ્યું ઝાંખુ શું કોડિયું તે
ફેલાવતું ક્ષીણ પ્રકાશ –
રાખી નીચે આસન અંધકારનું !
અંધારની બેઠક રાખી કોડિયું
પ્રકાશને પાથરવા મથે જો !
– જુગલકીશોર.
સૌજન્ય-આભાર- નેટ ગુર્જરી
============================
દિવાળી : યુવાનોનો તહેવાર -ફાધર વાલેસ
“દિવાળીના સાચા અર્થ, ઊંડા અર્થ પ્રમાણે તે વિશેષ રીતે યુવાનોનો તહેવાર છે. કારણ કે દિવાળી એ સમર્પણનું પર્વ છે, અને સમર્પણની વૃત્તિ ને બલિદાનની ઉદારતા તો યુવાન હૃદયનાં જ લક્ષણ છે. દિવાળી સમર્પણનો તહેવાર છે. બલિ રાજા મસ્તક નમાવીને પોતાનું સર્વસ્વને પોતાની જાતને જ શ્રીકૃષ્ણને અર્પણ કરે છે. દીવો પોતાના અંતરનું તેલ બાળીને રજનીને પ્રકાશમય બનાવે છે. દારૂખાનું પોતાનું પેટ ફાડીને છોકરાઓના દિલમાં ઉલ્લાસ પાથરે છે. કાળદેવતા વસંતની લહરીઓ અને વર્ષાનો પાક છોડીને કાતિલ શિયાળાને શરણે જવાની તૈયારી કરે છે. કાળ ને રાજા ને દીવો યુગોના યજ્ઞમાં પોતાની જાતને હોમી દે છે. અને પૃથ્વી પર દિવાળી સર્જાય છે. સમર્પણનો તહેવાર. બલિદાનનું પર્વ. આત્મવિલોપનનો ઉત્સવ. અને આનંદથી બલિદાન આપવાની તૈયારી તો યુવાનોની પાસે જ છે. યુવાનની દિવાળી એટલે ઉદાર દિલની દિવાળી, બલિદાનની દિવાળી, જીવનદાનની દિવાળી. તમારા દરેક કાર્યમાં તમારું જીવન છે. એની કરકસર કરશો નહિ. તમારી દરેક નાની-મોટી સેવામાં તમારો પ્રાણ છે. એનો હિસાબ રાખશો નહિ. દિવાળીના મંગળ દીવાની જેમ બળતા રહો, દુનિયાને પ્રકાશ ને હૂંફ આપતા રહો, અંધકારમાં રોશનીનો મેળો જમાવતા રહો. ધનતેરસની ભાવનાથી તમે પોતે દુનિયામાં મંગલ દીપ બનો. અને તમારી દિવાળી, તમારી યુવાની, અમર રહેશે.”
— ફાધર વાલેસ
સૌજન્ય : ‘અવતરણની અત્તરદાની’, દીપક મહેતા સંપાદિત ‘અક્ષરની આરાધના’, “ગુજરાતમિત્ર”, 20 અૉક્ટોબર 2014
ફાધર વાલેસનાં પરિચય સ્થળો
- ફાધર વાલેસની અધિકૃત વેબ સાઈટ- જાળસ્થળ
- ગુજરાતી સાહિત્ય પરિષદ પર પરિચય
- ગુજરાતી પ્રતિભા પરિચય પર ફાધર વાલેસનો પરિચય
=======================================
Diwali-2014 Message from President Barack Obama . He attended ceremony of pooja and lighting diyas-lamps in White House
વાચકોના પ્રતિભાવ