વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

( 562 ) નવા વર્ષે,નવેસરથી, નવલા થઈએ –દીપોત્સવી અંક ભાગ-૪

પ્રિય વાચકમિત્રો.

New year

મનુષ્યના જીવનનું અને સમયનું ચક્ર સદા ફરતું જ રહે છે, ફરતું જ રહે છે  .ભીત ઉપર નવા વર્ષનું કેલેન્ડર ટીંગાઈ જાય છે .એક પછી એક કેલેન્ડરનાં પાનાં બદલાતાં રહે છે.

આમ જોવા જઈએ તો નવા વર્ષમાં અને જુના વર્ષોમાં સમયની દ્રષ્ટીએ કોઈ ફેર નથી .નવું વર્ષ એ ફક્ત કેલેન્ડરની કમાલ છે.પરંતુ માણસને કૈક નવું નવું કરવાનું મૂળભૂત રીતે ગમે છે.એટલા માટે વર્ષના એક સમય ગાળાના એક ભાગને કોઈ ધાર્મિક ઉત્સવ સાથે જોડીને એને હર્ષથી ઉજવવાની જુદી જુદી રીતો એણે શોધી કાઢી છે.

હિન્દુ ધર્મમાં એ રીતે વર્ષના એક ભાગને દિવાળી અને બેસતું વર્ષ એમ નામાભિધાન કરીને દીવાઓ, ફટાકડા ,સ્વાદિષ્ટ મીઠાઈ,હળવું, મળવું, મ્હાલવું, એક બીજાને શુભેચ્છાઓની આપ-લે કરવી એમ વિવિધ રીતે જન સમાજ આનંદ અને ઉત્સાહની અભિવ્યક્તિ કરે છે. આવો આનંદ અને ઉત્સાહ આખું વર્ષ ટકી રહે તો કેવું સારું !

હિંદુ ધર્મમાં જેમ દિવાળી-બેસતા વર્ષનો મહિમા છે એમ ખ્રિસ્તી ધર્મમાં ક્રિસમસ-ન્યુ યર નું પર્વ આવો જ ભીતરમાં સુસુપ્ત રીતે પડેલા ઉત્સાહ અને ઉલ્લાસને બહાર લાવી નવીનતાનો અહેસાસ કરવાનું સાર્વજનિક પર્વ છે.

પ્રશ્ન એ છે કે વર્ષ તો બદલાયું પણ આપણે બદલાયા છીએ ખરા ! ગત વર્ષોના અનુભવોમાંથી આપણે કઇંક શીખ્યાનો અહેસાસ કરીએ છીએ ખરા ?નવું વર્ષ આવે એટલે સ્વાભાવિક રીતે મનમાં નવા નવા સંકલ્પો કરવાનો મનમાં ઉમંગ જાગે છે .

Mahendra shah cartoon- New year resolutions

પ્રસંગોચિત આવા મનોવિચારોમાંથી સર્જાએલ નવા વર્ષના સ્પીરીટને ઉજાગર કરતી

મારી એક સ્વ-રચિત અછાંદસ  કાવ્ય રચના નીચે પ્રસ્તુત છે .

નવા વર્ષે,નવેસરથી, નવલા થઈએ

સમય સરિતા હંમેશ વહેતી જ રહેતી,

જૂની યાદો પાછળ મૂકી વર્ષ એક થયું પસાર

આવી ઉભા એક નવા વર્ષને પગથાર.

જિંદગી આપણી છે એક ફળદાઈ ખેતર,

એમાં ઊગેલ ઘાસ નીદામણ દુર કરીને,

નવા વરસે પ્રેમનો નવ પાક ઉગાડીએ.

ખામીઓ, કમજોરીઓ હોય એ દુર કરીએ

નકારાત્મકતા છોડીને ,સકારાત્મક બનીએ.

નવા વરસે નવ નિર્માણનો સંકલ્પ કરીને,

નવલા વરસે નવલા બનીને ,નવેસરથી,

નવું વર્ષ હળીમળી પ્રેમથી સૌ ઉજવીએ,

નવી આશાનો દીપ જલાવીએ,પ્રકાશીએ.

કૃપાળુ પ્રભુને હંમેશાં હર પળ સમરીએ,

નવ વરસે, બે કર જોડી એને પ્રાર્થીએ કે ,

રિદ્ધિ, સિદ્ધિ,લક્ષ્મી અને સરસ્વતી માતા ,

સૌ પર રીઝે ,સુખ શાંતિ સૌ પ્રાપ્ત કરે ,

એવું ઉત્તમ નવું વર્ષ બનાવજે, હે પ્રભુ.

મારી એક બીજી રચના 

ભલાઈની પરંપરા

જિંદગી આપણી આ દેવની દીધેલ એક અણમોલ ભેટ સમાન છે,

વેડફી ના દેતા એને એવા કાર્યોમાં જેમાં માત્ર તમારો જ સ્વાર્થ છે,

અન્યો માટે પણ ભલાઈ બતાવીને નિસ્વાર્થ સેવા સદા કરતા રહો,

સદા હસતા રહો , હસાવતા રહો અને પ્રેમની ગંગા વહાવતા રહો.

 

તમારા માટે નાનું કે મોટું ભલાઈનું કામ કોઈ કરે એવા સમયે તો

એના બદલામાં ભલાઈનું કાર્ય કરીને ઋણ ચૂકવવાનું ભૂલશો નહીં .

તમે કરેલ ભલાઈનું આ ચક્ર ફરતું ફરતું તમારી પાસે જરૂર આવશે,

તમારી સેવા પરોપકારની આ પરંપરાથી જીવન ધન્ય બની જશે .

 

દરેક જણ જો સમજીને નાનું સરખું પણ જો ભલાઈનું બી વાવશે તો પરિણામે આ

સમાજરૂપી બગીચામાં સરસ મજાની ફૂલવાડી ખીલી ઉઠશે .

ચાલો, નવા સંવત વર્ષ ૨૦૭૧ નું હૃદયમાં હર્ષ,નવા ઉત્સાહ અને ઉલ્લાસથી સ્વાગત કરીએ .

ગત વરસોમાં વિનોદ વિહારને આપ સૌ મિત્રો તરફથી જે સુંદર સહકાર મળ્યો છે એ બદલ આભાર વ્યક્ત કરી નવા વરસે પણ એથી વધુ  સહકાર મળતો રહેશે એવી આશા રાખું છું.

આજથી શરુ થતું નવું સંવત વર્ષ આપ સૌને સુખ, સફળતા ,તંદુરસ્તી ,આનંદ,સમૃદ્ધિ અને સંતોષ આપનારું સુંદરત્તમ વર્ષ બની રહે તેવી મારી અનેક હાર્દિક શુભ કામનાઓ છે .

HAPPY NEW YEAR — HAPPY NEW YOU

સાલ મુબારક

વિનોદ પટેલ

===========================

You did not choose your date of birth,
Nor do you know your last,
So live this gift that is your present,
Before it becomes your past.
–Linda Ellis

===========================

ફેસ બુક પાનાઓમાંથી પ્રાપ્ત કેટલીક પ્રસંગોચિત સામગ્રી.

જુઓ, શ્રી રઈશ મનીઆર નવા વર્ષ માટે શું કહે છે :

સહુ મિત્રોને સાલમુબારક કહેવાનું આ માત્ર એક નિમિત્ત છે, બાકી જીવનને વર્ષોમાં વહેંચી શકાતું નથી. અને જીવનને માત્ર ઉત્સવોની આંખે જોઈ શકાતું નથી. છતાંય જીવનમાં આંતરિક અને બાહ્ય સંઘર્ષમાં રત પ્રત્યેક વ્યક્તિ, પોતાની અંદર રહેલ શુભને વેગ આપવા માંગતી પ્રત્યેક વ્યક્તિ વર્ષ બદલાય ત્યારે હૌસલા અફઝાઈનો, પ્રોત્સાહનનો હકદાર હોય છે.

વીતેલા વરસને પ્રેમપૂર્વક વિદાય આપીએ અને એક સૌમ્ય નૂતનવર્ષની અપેક્ષા રાખીએ.

ઉમીદોનો મનમાં નવો ફાલ આવે

ખુશી આંગણે ઝૂમતી ચાલ આવે

આ જીવતર ઉપર કંઈ નવું વ્હાલ આવે

એ રીતે તમારું નવું સાલ આવે

આજ મુબારક..કાલ મુબારક

સૌને અમારું વ્હાલ મુબારક

મળે કોઈને ના ઝખમ કોઈ બીજો

ક્ષમાથી ઊંચો ના ધરમ કોઈ બીજો

સમયથી ન સારો મલમ કોઈ બીજો

નવો દિન ગુલાબી લઈ ગાલ આવે

એ રીતે તમારું નવું સાલ આવે

આજ મુબારક..કાલ મુબારક

સૌને અમારું વ્હાલ મુબારક

અનુભવ નિરંતર ઘડે મિત્ર તમને

નિરાશા કદી ના અડે મિત્ર તમને

પરિશ્રમનું ફળ સાંપડે મિત્ર તમને

સકલ લાભ શુભ યોગ તત્કાલ આવે

એ રીતે તમારું નવું સાલ આવે

આજ મુબારક..કાલ મુબારક

સૌને અમારું વ્હાલ મુબારક

નવા સાલમાં પહેલા જેવા ન રહેશો

નવા સાલમાં કૈંક સંકલ્પ લેશો

નવા સાલમાં ભોળપણથી પ્રવેશો

જે રીતે જગતમાં નવું બાલ આવે

એ રીતે તમારું નવું સાલ આવે

આજ મુબારક..કાલ મુબારક

સૌને અમારું વ્હાલ મુબારક

રઈશ મનીઆર

==================

ભક્ત રણછોડ એમના આ પ્રેરક પદમાં દિલનો દીવો કરવાનું ઈજન આપે છે

એમને પણ સાંભળો :

થયું ભો મંડળમાં અજવાળું રે

દિલમાં દીવો કરો રે, દિલમાં દીવો કરો.
કૂડા કામક્રોધને પરહરો રે…દિલમાં
દયા-દીવેલ પ્રેમ-પરણાયું લાવો,
માહા સુરતાની દિવેટ બનાવો,
મહા બ્રહ્મ અગ્નિ ચેતાવો રે…દિલમાં
સાચા દિલનો દીવો જ્યારે થાશે,
ત્યારે અંધારું સૌ મટી જાશે,
પછી બ્રહ્મ લોક તો ઓળખાશે રે…દિલમાં
દીવો અનભે પ્રગટે એવો,
તનનાં ટાળે તિમિરના જેવો,
એને નયને તો નીરખીને લેવો રે… દિલમાં
દાસ રણછોડે ઘર સંભાળ્યું,
જડી કૂંચી ને ઉઘડ્યું તાળું,
થયું ભો મંડળમાં અજવાળું રે…દિલમાં
રણછોડ

=======================

શ્રી પ્રકાશ ગજ્જર અને હું એક જ માતૃ સંસ્થા સર્વ વિદ્યાલય- કડીના જુના વિદ્યાર્થીઓ છીએ. વિદ્યાર્થીકાળથી  જ તેઓએ સાહિત્ય સર્જન શરુ કર્યું છે. આધ્યાત્મિક ચિત્તવૃત્તિ ધરાવતા મારા આ ફેસ બુક મિત્ર એમના પ્રેરણાદાયી-Motivational – સાહિત્યથી ખુબ જાણીતા છે.

નવા વર્ષની શરૂઆત મિત્ર શ્રી પ્રકાશ ગજ્જર લિખિત નીચેની  સુંદર પ્રાર્થનાથી કરીએ .

સર્વશક્તિમાન પરમાત્માની સર્વદર્શી આંખ સદાસર્વદા મારી સંભાળ રાખી રહી છે ને મારા ઉપર સતત અમીવર્ષણ કરી રહી છે. એનો પરમ શક્તિશાળી હાથ – જે બ્રહ્માંડના કોઈપણ ખૂણે પહોઁચીને ગમે તે કાર્ય સાવ સરળતાથી કરી શકે છે તે – મારી પાસે છે, ઉપર છે, નીચે છે, આસપાસ છે. એ સતત મારૂં રક્ષણ કરે છે. પછી ચિઁતાની શી જરૂર? હું સાવ નચિઁત છું, સુરક્ષિત છું, પ્રભુની શક્તિથી પ્રેરાયેલો છું.

હે પ્રભુ! જે ઘટનાઓ બનવાની છે તે સહન કરવાની શક્તિ આપો. દુઃખોમાં અડગ રહીએ, ગુસ્સો આવે ત્યારે શાંત રહીએ અને ભાગ્યના ભયંકર પલટા સાથે આસમાની-સુલતાની થઈ જાય ત્યારે છેક મૃત્યુના દ્વાર સુધી પણ પરસ્પરને વફાદાર અને પ્રેમભર્યા રહીએ એવો અનુગ્રહ કરો.

પારસ-પ્રાર્થના, જનકલ્યાણ, જુલાઈ ૧૯૯૫, પૃ. ૩૩

કેટલીક ગમતી કાવ્ય ક્ન્ડીકાઓનો આસ્વાદ

 

છોડ દીવાને પહેલાં તું મને પ્રગટાવને,

આવવા તૈયાર છું, રસ્તો જરા બદલાવને.

– અનિલ ચાવડા

~~~~

છો વેદ વાંચનારાને માનહાનિ લાગે

પ્રસ્વેદ પાડનારા અમને તો જ્ઞાની લાગે

– રઈશ મનીયાર

~~~~

હમણાં કશું લખાતું નથી એવું કેમ છે ?

ખુદને મળી શકાતું નથી એવું કેમ છે ?

– મેગી અસનાની

~~~~

ક્યારેક સારો લાગે ક્યારેક નરસો લાગે

તોયે માણસ મને હૈયાસરસો લાગે

– સુરેશ દલાલ

~~~~

શબ્દોમાં ક્યાં સમાય છે તારી ને મારી વાત ?

અર્થોમાં ક્યાં ચણાય છે તારી ને મારી વાત ?

– રમેશ પારેખ

~~~~

6 responses to “( 562 ) નવા વર્ષે,નવેસરથી, નવલા થઈએ –દીપોત્સવી અંક ભાગ-૪

  1. ગોવીન્દ મારુ ઓક્ટોબર 24, 2014 પર 1:29 પી એમ(PM)

    સૌ પ્રેમ પામે.. સૌ સુખની લ્હાણી કરે.. અને સર્વે દીશાઓમાં આનંદ જ આનંદની વર્ષા થતી રહે એવી દીલી શુભેચ્છાઓ સાથે અમારા નુતન વર્ષાભીનંદન..

    Like

  2. pragnaju ઓક્ટોબર 24, 2014 પર 1:51 પી એમ(PM)

    નૂતન વર્ષાભિનંદન અનેકાનેક શુભેચ્છાઓ
    પ્રેરણાદાયી સુંદર વિચારોનો થાળ ભાવ્યો
    આમાંથી થોડા અંશો પણ જીવનમા ઉતારીએ તેવી પ્રભુ શક્તી આપે

    Like

  3. dee35 ઓક્ટોબર 24, 2014 પર 5:49 પી એમ(PM)

    શ્રીવિનોદભાઈ,સાલમુબારક.

    Like

  4. Suresh Jani ઓક્ટોબર 25, 2014 પર 5:30 એ એમ (AM)

    સરસ સંકલન.
    ન્યાં કણે નેટ અને એકાદ ફોન સિવાય ,ક્યાં નવા વરસ કે દિવાળી જેવું છે?
    આપણે તો દરરોજ સવારે નેટ પર નવું વરસ જ છે ને? !
    નવો દિવસ, નવી ક્ષણ . હર પળ મજા જ મજા. કોકને મદદ કરવાની મજા.

    Like

    • Vinod R. Patel ઓક્ટોબર 25, 2014 પર 10:15 એ એમ (AM)

      નવો દિવસ, નવી ક્ષણ . હર પળ મજા જ મજા. કોકને મદદ કરવાની મજા.

      બહુ સરસ અપનાવવા જેવી મનેચ્છા .

      સાલ મુબારકને બદલે જીવનની હર ક્ષણ ,હર પળ મુબારક નો સંદેશ પ્રચલિત થવો જોઈએ.

      Like

  5. P.K.Davda ઓક્ટોબર 25, 2014 પર 7:38 એ એમ (AM)

    તમારો દિવાળી અંક તો દળદાર થતો જાય છે. લગે રહો વિનોદભાઈ!!

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: