વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Daily Archives: ઓક્ટોબર 27, 2014

(565 )”આમ તો હું દૂધવાળો જ કહેવાઉં…”…. ડો. વર્ગીસ કુરિયન

kuriyn

“આમ તો હું દૂધવાળો જ કહેવાઉં…”…. સતરંગી….રશ્મિન શાહ

અમેરિકાના એક મેગેઝિને હમણાં કરેલા એસેસમેન્ટ મુજબ ‘અમૂલ’બ્રાન્ડ એક હજાર કરોડની માર્કેટવેલ્યૂએ પહોંચી ગઈ છે. એશિયાની સૌથી મોટી મિલ્ક બ્રાન્ડ એવા અમૂલના જનક ડો. વર્ગીસ કુરિયનને દુનિયા આખી ‘ધ મિલ્કમેન’ તરીકે ઓળખે છે, પણ ખુદ કુરિયન મજાકમાં કંઈક આવું જ કહેતા : “આમ તો હું દૂધવાળો જ કહેવાઉં…”

એક માણસ જેણે જિંદગીમાં ક્યારેય ગુજરાત જોયું નહોતું. એક માણસ જેણે ક્યારેય ડેરી ઇન્ડસ્ટ્રીમાં આવવું નહોતું. એક એવો માણસ કે જે ઢંગથી ગુજરાતી તો શું હિન્દી પણ બોલી નહોતો શકતો. એક એ માણસ જેણે પોતાની જિંદગીમાં ગાયના છાણને તો શું પોતાના ઘરના કચરાને પણ સાફ નહોતો કર્યો અને એક એવો માણસ કે જેનું કેરેક્ટર નિભાવવા માટે આજે સેલ્યુલોઇડના ધુરંધરો પણ હોડમાં ઊતર્યા છે. આ માણસનું નામ છે ડો. વર્ગીસ કુરિયન.વર્ગીસ  કુરયનની જો સીધા, સાદા અને સરળ શબ્દોમાં ઓળખાણ આપવાની હોય તો કહી શકાય કે એ ભારતના ડેરી ઉદ્યોગના આધુનિક યુગ પુરુષ છે. દૂધ સાથે તેમને ક્યાંય સ્નાનસૂતકનો પણ સંબંધ નહોતો અને એમ છતાં પોતાના પર જ્યારે એ જવાબદારી આવી ત્યારે તેમણે એ કામ અદ્ભુત અને અવિસ્મરણીય રીતે પૂરું પાડયું.

અંગ્રેજો દ્વારા ઊભી કરવામાં આવેલી ડેરીની સામે ઊભા રહેવું, અભણ અને અમુક અંશે રૃઢિગત માન્યતાને વળગી રહેલા ખેડૂત કે માલધારીઓને સમજાવવા અને તેમના હકને જાળવવાનો પ્રયાસ કરતાં કરતાં પણ પોતાનું કામ કરાવવું. બધા એક થઈ જાય એ પછી એક નામ નીચે કામ કરવા માટે મનાવવા અને એ મનાવ્યા પછી એક એવી બ્રાન્ડ બનાવવી, જે બ્રાન્ડ એશિયાની સૌથી મોટી બ્રાન્ડ બની જાય. એક એવી બ્રાન્ડ કે જેનો કોઈ એક માલિક નથી, જેની કોઈ કંપની નથી, જેના કોઈ ડિરેક્ટર નથી અને એમ છતાં પણ એ બ્રાન્ડની માર્કેટવેલ્યૂ ૧૦૦૦ કરોડ રૃપિયાની આંકવામાં આવે છે. આ બ્રાન્ડ એટલે અમૂલ અને અમૂલ એટલે એકમેકના સાથથી અને સહકારથી બનેલી દેશની પહેલી સહકારી બ્રાન્ડ, જેનું આયુષ્ય અને કદ આ સ્તરે વિસ્તરશે એ કોઈએ કલ્પના પણ નહોતી કરી.

કોણ છે આ કુરિયન?

આઝાદી પહેલાં કેરળમાં જન્મેલા વર્ગીસ કુરિયનના ફેમિલીની હિસ્ટ્રી જુઓ તો ખબર પડે કે એ વ્યક્તિએ જો ધાર્યું હોત તો તે ચોક્કસપણે અલમસ્ત પગાર સાથેની સરકારી નોકરી કરી શક્યા હોત. પપ્પા સિવિલ સર્જ્યન અને મમ્મી પણ વેલ એજ્યુકેટ. સ્વાભાવિક છે કે વર્ગીસના જિન્સમાં પણ ભણતર અને હોશિયારીના એ જ ગુણ આવ્યા હતા. બીએસસી કર્યા પછી તેમને ભારત ગવર્નમેન્ટની સ્કોલરશિપ મળી અને એ સ્કોલરશિપ સાથે તેમણે અમેરિકા જઈને મિકેનિકલ એન્જિનિરિંગ કર્યું. એ પૂરું કર્યા પછી તેમને તેમના જ સગા મામાએ સાવ ખૂણામાં કહેવાય એવા આણંદ ગામે મોકલી દીધા. આણંદમાં પણ તેમણે આવીને સરકારી નોકરી કરવાની હતી. એવી સરકારી નોકરી કે જે કરવા માટે દેશનો એક પણ એન્જિનિયર તૈયાર નહોતો. ખુદ ર્વિગસ કુરિયન કહી ચૂક્યા છે, “એ દિવસોમાં તો મને બધા એવું કહેતાં કે તારા મામા તારી સાથે કઈ વાતની દુશ્મની કાઢે છે કે તને ખેડા જિલ્લામાં મોકલી દીધો. વાત ખોટી નહોતી એ લોકોની. ધાર્યું હોત તો તે મને દિલ્હીમાં જ સરકારી નોકરી અપાવી શક્યા હોત. વાતાનુકૂલિત વાતાવરણ એ નોકરી કરવામાં મને તકલીફ પણ ન પડી હોત પણ મારા માટે એ બધાં કરતાં મહત્ત્વનું એ હતું કે મને જોબ મળી અને એ મારે કરવી હતી, કહોને કરવી પડે એમ હતી.”

વર્ગીશ કુરિયનને જે સ્કોલરશિપ મળી હતી એ સ્કોલરશિપની ખાસિયત જાણવા જેવી છે. સ્કોલરશિપ લેનારા સ્ટુડન્ટે ભારત સરકાર જ્યાં પણ મોકલે ત્યાં પાંચ વર્ષ માટે જોબ કરવાની હતી, જો એ જોબ કરવા તૈયાર ન હોય તો તેણે ભારત સરકારે કરેલો ખર્ચ પરત કરવાનો હતો. વર્ગીસ કુરિયન પર કરવામાં આવેલો ખર્ચ એ પરત કરી શકે એમ હતા નહીં. પૈસાની કોઈ તંગી નહોતી પણ વાત સિદ્ધાંતની હતી અને સિદ્ધાંત કે આપેલાં વચનને તોડવાં અને છોડવાં માટે તેમને ફેમિલીમાંથી કોઈ સપોર્ટ મળવાનો નહોતો. કુરિયનને આણંદ જોબ કરવા ન આવવું પડે એ માટે તેમનાં આન્ટીએ પણ પ્રયાસ કર્યા હતા, પણ એ સમયે મામાએ બે લાઇનમાં માત્ર એટલું કહ્યું હતું, “જો આપ કોઈનું સારું ઇચ્છતા હો તો આ બાબતમાં તમે વચ્ચે નહીં બોલો. બસ, શાંતિથી વિચારો.”

પાંચ વર્ષ ડેરીમાં કામ કરવાની જવાબદારી સાથે ખેડા જિલ્લાના આણંદ શહેરમાં ઊતર્યા પછી ડૉ.વર્ગીસ કુરિયનને એ સમજાયું હતું કે તેની તકલીફો દેખાય છે એના કરતાં વધુ વિકરાળ અને વધુ વિકટ છે. રહેવા માટે ઘર નહોતું અને ડેરી ઇન્ડસ્ટ્રીને ઉપયોગી કહેવાય એવાં મશીન બધાં જ ખતમ થઈ ગયાં છે. જૂજ લોકોને ખબર છે કે એ મશીન ઊભાં કરવામાં વર્ગીસ કુરિયને એન્જિનિયર નહીં પણ રીતસર મિકેનિકની જેમ કામ કર્યું હતું. એ કામ પૂરાં થયાં પછી બીજી મુશ્કેલી આવીને ઊભી રહી ગઈ. મશીન ચલાવવા માટે દૂધ લઈ ક્યાંથી આવવું?

દૂધ માટેની કેવી દ્વિધા?

આ એ સમયની વાત છે કે જે સમયે દૂધની ડેરી, સહકારી ડેરીનો કોઈ કોન્સેપ્ટ હતો નહીં. માલધારી અને ખેડૂતો પોતાનું દૂધ પોતાની રીતે વેચી લેતા અને કાં તો મુંબઈની એક એવી ડેરીને માલ વેચી દેતા કે જે એક રૃપિયામાં માલની ખરીદી કરતી અને એમાંથી પાંચ રૃપિયા બનાવતી. ડૉ.વર્ગીસ કુરિયનને માલ આપવા કોઈ તૈયાર ન થાય. જો કોઈ ભૂલેચૂકે પણ તૈયાર થાય તો બીજા

જઈને સમજાવી આવે કે પેલી ડેરીવાળા નારાજ થશે, એવું કરવાનું રહેવા દે. રીતસર વર્ગીસ કુરિયરને ઘરે ઘરે જઈને દૂધ આપવા માટે ભીખ માગી છે. દૂધ એને આપવાનું હતું, જેને દૂધ સાથે કોઈ નિસબત નહોતી. દૂધ એવી વ્યક્તિ વેચવાનું હતું જેને દૂધનું શું કરવું એની ગતાગમ નહોતી. વર્ગીસ કુરિયને કહ્યું હતું, “મારા માટે મારાં મશીન ચલાવવાનું કામ મહત્ત્વનું હતું. એ મશીન જેમાં દૂધ પેસ્ચ્યુરાઇઝ (જંતુમુક્ત કરવાની એક ટેક્નોલોજી) થવાનું હતું, પણ એ કરવા જતાં મારે કોઈ જાતની એવી અસુરક્ષિત ભાવના પણ નહોતી ફેલાવવી જેનાથી કોઈનું અહિત થઈ જાય.”

જો તમારી ભાવના સારી હોય તો તમને કોઈ થંભાવી શકે પણ અટકાવી ન શકે. આ વાત જેટલી સાચી છે એટલું જ એ પણ સાચું છે કે તમે જ્યારે કોઈના હિતને ધ્યાનમાં રાખીને આગળ વધતા હો ત્યારે તમારા કામને આગળ ધપાવવાનું કામ કરવા માટે કોઈને કોઈનો સાથ મળી જતો હોય છે. કેટલાક સ્થાનિક લોકોની મદદથી વર્ગીસ કુરિયનનો હેતુ લોકો સુધી પહોંચ્યો પણ માર્કેટિંગનો પ્રશ્ન હજુ અકબંધ હતો એટલે કુરિયને માલ ડેરી સુધી લાવવા માટે સહકારી ક્ષેત્રની નીતિ અપનાવી અને ખેડા ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ મિલ્ક પ્રોડયુસર્સ યુનિયન લિમિટેડ નામની એક એવી સહકારી સંસ્થા બનાવી જે દૂધ વેચવાનું કામ કરવાની હતી. માલ વેચાશે એવો વિશ્વાસ આવ્યો એટલે પહેલાં પાંચ લિટર અને પછી પચાસ લિટર અને પછી પાંચ ગામનું દૂધ આવવા લાગ્યું. શરૃઆતમાં દૂધ ક્યાં વેચીશું એવો પ્રશ્ન હતો, જે એ પછી એ સ્તરે પહોંચ્યો કે આટલું દૂધ ક્યાં વેચીશું અને આ પ્રશ્નમાંથી જ અમૂલની બીજી પ્રોડક્ટ બનવી શરૃ થઈ. બહુ જૂજ લોકોને ખબર છે કે આજે અમૂલનું જે ખારાશવાળું બટર ખાઈએ છીએ એના જનક પણ ર્વિગસ કુરિયન છે. એ બટર શોધાયું એ પહેલાં આપણા દેશમાં સફેદ માખણ ખાવાની જ પ્રથા હતી, પણ અમેરિકામાં એક વાર ચાખેલા પેલા ખારાશવાળા પીળા રંગના બટરમાં વધુ થોડા સારા ફેરફાર કરીને વર્ગીસ કુરિયને એ બનાવ્યું. બટરની સાથે અમૂલ ગુજરાતની બોર્ડર છોડીને દેશભરમાં ફેલાવવાનું શરૃ થયું અને પછી વર્ગીસ કુરિયન એક એન્જિનિયરમાંથી ‘ધ મિલ્કમેન’ બની ગયા. વર્ગીસ કુરિયનને તેમણે કરેલાં કામોના કારણે ‘ધ મિલ્કમેન’ કહેવામાં આવતા. એક વખત વર્ગીસ કુરિયને સ્ટેજ પરથી જ મજાક કરતાં કહ્યું હતું, “અંગ્રેજીમાં સાંભળવું સારું લાગે, બાકી ગુજરાતીમાં તો હું એક દૂધવાળો જ કહેવાઉં…”

એક એવો દૂધવાળો જેણે એક બ્રાન્ડની માર્કેટવેલ્યૂ એક હજાર કરોડ સુધી પહોંચાડી દીધી.

કોણ બનવા માગે છે કુરિયન?

ડૉ .વર્ગીસ કુરિયનના જીવનકાર્ય પરથી આ અગાઉ ‘મંથન’ નામની ફિલ્મ બની ચૂકી છે, જેમાં કુરિયનનું કેરેક્ટર ગિરિશ કર્નાડે કર્યું હતું. એ ‘મંથન’ ફિલ્મ ખુદ વર્ગીસ કુરિયને લખી હતી. હવે ફરીથી ડૉ.વર્ગીસ કુરિયનની લાઇફ પરથી ફિલ્મ બનવાની દિશામાં કામ ચાલી રહ્યું છે, જેના માટે એકતા કપૂરનું નામ સૌથી આગળ છે. એકતા પોતાની ફિલ્મમાં વર્ગીસ કુરિયનના કેરેક્ટર માટે આમિર ખાનને લેવા માગે છે. એકતા ઉપરાંત કુરિયનની લાઇફ પર જો બીજા કોઈને ફિલ્મ બનાવવાની ઇચ્છા હોય તો એ પરેશ રાવલ છે. પરેશ રાવલની ઇચ્છા એવી પણ છે કે એ પોતે ‘ધ મિલ્કમેન’ વર્ગીસ કુરિયનનું કેરેક્ટર કરે.

caketalk@gmail.com

સૌજન્ય સંદેશ.કોમ