વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Daily Archives: નવેમ્બર 1, 2014

( 571) આવો મિત્રો, વાતું કરીએઃ શ્રી પી.કે.દાવડા ની અનુભવ વાણી

P.K.DAVDA

P.K.DAVDA

મારા હમ રાહી , હમ ઉમ્ર મિત્ર શ્રી પી.કે.દાવડા એક સાહિત્ય રસિક જીવ છે .અહીં અમેરિકામાં આવ્યા પછી એમની નિવૃતિના સમયમાં એમના ૭૬ વર્ષના જીવનના અનુભવોના અર્ક જેવા લેખો લખી ઈ-મેલમાં મિત્રોને વાંચવા માટે અવારનવાર મોકલતા રહે છે .

હમણાં એમણે આવો મિત્રો વાતું કરીએ એ શીર્ષક નીચે પાંચ હપ્તાની લેખ માળા ઈ-મેલમાં મોકલી હતી .આ લેખમાળા મને ગમી ગઈ અને વાચકોને પણ એમાં રસ પડે એવી જણાતાં એને આજની પોસ્ટમાં પ્રસ્તુત કરી છે.

શ્રી દાવડા આ લેખમાળા મોકલતાં લખે છે કે …..  

મિત્રો, આજથી પાંચ દિવસ, ટુકડે ટુકડે, મેં જે દિવસો જોયા છે એ દિવસોને યાદ કરી એનું આલેખન કરીશ. સ્થળ કાળ પ્રમાણે તમારા અનુભવો આનાથી જુદા પણ હશે, છતાં પણ એમા પાયાની સમાનતા મળી રહેશે. આઝાદી પહેલા જન્મેલા લોકોને મારી વાતોમાં વધારે સચ્ચાઈ દેખાશે –પિ.કે.દાવડા 

આવો મિત્રો વાતું કરીએઃ મણકો (૧)

નાના નાના લેખની આ હારમાળામાં મારે મારી, તમારી અને આપણા બધાની વાતો કરવી છે. વાતો કરતી વખતે એ વાતનું વિષેશ ધ્યાન રાખવું છે કે એનાથી કોઈની લાગણીને ઠેસ ન પહોંચે.

આઝાદીના ૬૭ વર્ષ બાદ મધ્યમ વર્ગ, અને સંપન્ન લોકો હવે લાંબું આયુષ્ય ભોગવતા થયા છે. કેટલાક લોકો “સો વરસના થજો” ના મળેલા આશીર્વાદને સાર્થક કરવા લગ્યા છે.

સામાન્ય ગણિત એવું છે કે ૨૫મા વર્ષે યુવક પિતા બની જાય છે. એટલે દર ૨૫ વર્ષે એક પેઢી આગળ વધે છે. આ હિસાબે ૧૦૦ વરસની જીવિત વ્યક્તિ, પોતાને જો પહેલી પેઢી ગણે તો પાંચમી પેઢી જોઈ શકે છે, અને ચોથી પેઢી સુધીના ફેરફાર જોઈ અને અનુભવી શકે છે.

છેલ્લા પચાસ વર્ષથી આપણે જે પ્રગતિ કરી રહ્યા છીએ તેની ઝડપ પહેલા કરતાં ખૂબ જ વધારે છે અને હજી વધારે થતી જાય છે, અને એટલે એક જ પેઢીમાં  અનેક સામાજીક ફેરફાર થઈ જાય છે. ચોથી પેઢી સુધીમાં તો એટલા બધા ફેરફાર થઈ ચૂક્યા હોય છે કે પહેલી પેઢીની વાતો દંતકથા જેવી લાગે!

હકીકત એવી છે કે પ્રત્યેક નાના-મોટા સામાજીક ફેરફાર વખતે થોડું ઘર્ષણ થાય છે અને કેટલાક સામાજીક ફેરફારો ઘર્ષણ સામે ટકી રહે છે અને સમાજ એનો સ્વીકાર કરી લે છે. બીજા નવા ફેરફાર આવે ત્યાં સુધીમા અગાઉના ફેરફારોને માન્યતા મળી ચૂકી હોય છે, અને તેથી સમાજમા કોઈ મોટું ઘર્ષણ થતું નથી. હા જરૂર આગલી પેઢીના મનમાં Residual અસર રહી જાય છે અને એ અસર એમની ભુતકાળની વાતો કરતી વખતે જોવા મળે છે.

આપણે ફક્ત કેટલાક દૂરગામી અસર કરવાવાળા ફેરફારની જ વાતો કરીશું. આમાંના ઘણા ફેરફાર આર્થિક સંજોગોને લીધે કેટલાક ખૂબ ગરીબ વર્ગ અને ખૂબ પછાત રહેલા ગામડા સુધી પહોંચ્યા નથી.

મુખ્યત્વે આપણે આ વિષયોની ચર્ચા કરશું.

(૧) બાળ ઉછેર

(૨) શિક્ષણ

(૩) કુટુંબ

(૪) લગ્ન

(૫) પારંપારિક રિતરીવાજો

હું જે વાતો લખું છું તે માત્ર સાંભળેલી વાતો નથી. મેં જોએલી અને અનુભવેલી વાતો જ અહીં લખી છે. આમાંની મોટા ભાગની વાતો કચ્છી-ગુજરાતી લોકોને લગતી છે, કારણ કે હું કચ્છી-ગુજરાતી વસ્તીમાં  વધારે સમય સુધી રહ્યો છું.

સાથે એ પણ ચોખવટ કરી લઉં કે મારો આશય પહેલા હતું તે સારૂં હતું અને હવે છે તે ખરાબ છે એમ કહેવાનો જરાપણ નથી. હું તો માત્ર શું હતું અને શું છે એને યાદ કરવાનો પ્રયત્ન કરી  રહ્યો છું.

 બાળઉછેર

આ વિભાગને ઘણા બધા પેટા વિભાગમા વહેંચી શકાય, પણ એમ ન કરતાં મારા મનમાં સંગ્રહાએલી યાદોને જે ક્રમમાં યાદ આવે તેમ વહેવા દઉં છું.

શરૂઆત સંયુક્ત કુટુંબના જમાનાથી કરું. આ જમાનામાં જન્મેલા બાળકને મા ના ખોળા ઉપરાંત દાદી, કાકી, મામી, માસી અને ફઈના ખોળા પણ મળતા. મેં નજરે જોયું છે કે જ્યારે બે ધાવણાં બાળકો વાળી બહેનો મળતી ત્યારે તે એક બીજાના બાળકને સ્તનપાન કરાવતી. આ બાળકો જ્યારે મોટા થતા ત્યારે તેમના વચ્ચે આત્મિયતા રહેતી. હજી પણ રાજસ્થાનમાં લોકો “આ મારો દૂધ ભાઈ છે”, એવી ઓળખાણ આપે છે. આમ અડોસ પડોસ ઉપરાંત સગા-સંબધિના બાળકોના સંપર્ક્મા આવવાથી બાળકોમા બહોળા સમાજમાં ભળવાની શક્તિ ખીલતી.

મોટાભાગની સ્ત્રીઓ જ્યારે ગૃહિણી(House maker)નો ભાગ ભજવતી, તે સમયની વાત કરીએ. બાળક જ્યારે પણ ઘરમા આવે ત્યારે તેને તેની મા મળતી, એને જે કહેવું હોય તે તરત કહી શકતો. વળી જો સંયુક્ત કુટુંબ હોય તો જે પહેલી વ્યક્તિ મળે તેની પાસે પોતાની જરૂરીઆત જણાવતો અથવા ફરીઆદ કરતો. આજે માતાઓ કામ પર જાય છે. શાળામાંથી બાળક ઘરે આવે ત્યારે ઘર ખાલી હોય છે, અથવા તો ઘરની નોકરાણી હોય છે. બે ત્રણ કલાક રાહ જોયા પછી એની મા ઘરે આવે છે, ત્યાં સુધીમાં એનો વાત કરવાનો ઉત્સાહ ઠંડો પડી ગયો હોય છે, અને જો થોડો ઘણો હોય તો પણ એની મા ખૂબ થાકેલી હોવાથી પુરતો પ્રતિસાદ આપી શક્તિ નથી. એની સાથે રમવા અથવા વેકેશન ગાળવા એના મામા-માસીના અને કાકા-ફઈના બાળકો હવે આવતા નથી.

ફરી થોડા પાછળ જઈએ. બાળક જ્યારે નાનું હોય ત્યારે એની માતાઓ થોડી થોડી વારે ચેક કરતી કે બાળક હંગ્યું-મુતરિયું તો નથી. જો પેશાબ કર્યું હોય તો તરત તેને સાફ કરી બીજા ધોયેલા બાળોતિયામાં  લપેટી લેતી. આમ માતાનો સતત બાળક સાથે સંપર્ક રહેતો. આજે સવારના નવડાવી,ત્રીસ રૂપિયે નંગ વાળું “ડાયપર” પહેરાવી દેવામાં આવે છે, તે છેક રાત્રે સૂવાડતી વખતે બદલવામાં આવે છે. દરમ્યાનમાં  બાળક અનેકવાર પેશાબ કરી ચુક્યું હોય છે જે “જેલ”માં સોસાઈ એના શરીરના સંપર્કમા રહે છે અને પરીણામે “નેપી રેશ” ની ક્રીમ લગાડવી પડે છે.

બાળકને ભૂખ લાગી હોય ત્યારે એ રડીને જણાવે છે અને મા પણ સમજી જઈને બાળકને સ્તનપાન કરાવતી. આજે કામ કરતી માતાઓ પંપની મદદથી પોતાનું દૂધ કાઢી, ફ્રીઝમાં મૂકી જાય છે અને આયા તેને નક્કી કરેલા સમયે સહેજ ગરમ કરી બોટલથી પાય છે. બાળક થોડું મોટું થાય એટલે એને ડબ્બાનું દૂધ અને “Formula Food” શરૂ કરી  દેવામાં આવે છે.

આમાંના કેટલાક ફેરફાર સમયની માંગને લીધે કરવામાં આવ્યા છે તો કેટલાક ફેરફાર Product ખપાવવા કરવામાં આવતી aggressive જાહેરાતોને લીધે અમલમાં આવ્યા છે. એક જમાનામા પાવડર મિલ્કની જાહેરાતો અને આજે થતી “ડાયપર” ની જાહેરાતો આના પુરાવા છે.

આ શૃંખલાના બીજા ભાગમા આપણે શિક્ષણક્ષેત્રે થયેલા ફેરફારની વાત કરશું

 આવો મિત્રો વાતું કરીએઃ મણકો(૨)

(પાંચ હપ્તાની આ લેખમાળાનો આ બીજો હપ્તો રજૂ કરૂં છું. આ મારા અંગત અવલોકનો છે, કોઈ શોધખોળનું પરિણામ નથી.)

આ શૃંખલાના પહેલા લેખમાં આપણે બાળઉછેરની વાત કરી. આજે આપણે શિક્ષણ ક્ષેત્રમાં આવેલા ફેરફારની વાતો કરશું. શિક્ષણક્ષેત્રે ફેરફારની શરૂઆત ૧૯૫૦ થી જ થઈ ગયેલી. ૧૯૫૦ સુધી મા-બાપ બાળકોને ઘરની નજીક હોય તેવી ગુજરાતી મિડિયમની શાળામાં દાખલ કરતા. ૧૧-૦૦ થી ૫-૦૦ ની આ શાળાઓમાં દાખલ કરાવવામા મા-બાપને જરા પણ મુશ્કેલી ન નડતી. આવી શાળાઓની ફી પણ ખૂબ ઓછી હતી અને એમાં પણ ગરીબ વિદ્યાર્થીઓને ફી માફ કરવામાં આવતી, અને એમને પુસ્તક-નોટબુક્સ Poor boys fund માંથી આપવામાં  આવતાં .

આવી શાળાઓમાં બાળકોને અક્ષર અને અંકગણિતનુ જ્ઞાન આપી, રોજી રોટી કમાવા માટે તૈયાર કરાતા. મેટ્રીક પાસ થયેલાનુ માન હતું, અને B.A. અને B.Sc. વાળા તો ખૂબ ભણેલા કહેવાતા. શિક્ષણની સાથે શિસ્ત અને સંસ્કારનું પણ સિંચન થતું.

૧૯૬૦થી મા-બાપોએ બાળકોને અંગ્રેજી મિડિયમની શાળાઓ, જે મોટે ભાગે ખ્રિસ્તી ચર્ચ ચલાવતા,એમાં મોકલવાનું શરૂ કર્યું. પછીતો હિંદુ સંસ્થાઓએ અને ઉદ્યોગપતિઓએ પણ અંગ્રેજી શાળાઓ શરૂ કરી. આ શાળાઓ ઘરથી દૂર હોવાથી બસની સગવડ ઉમેરવામાં આવી. બે shifts માં શાળા ચલાવવા માટે ૧૧-૦૦ થી ૫-૦૦ ને બદલે શાળાને અનુકૂળ આવે એવા સમય નક્કી કરવામા આવ્યા. બાળકોને ઊંઘમાંથી ઊઠાડી ઝડપથી તૈયાર કરી સવારના ૭-૩૦ ની બસમાં ચડાવવાની જવાબદારી મા-બાપ ઉપર આવી પડી. આવી શાળાઓની ફી અને બસ ભાડાં સામાન્ય શાળાથી ઘણા વધારે છે. નવા પ્રકારના શિક્ષણને Total Personality Development નામ આપવામાં આવ્યું છે. મારા બાળકો આવી શાળામાં  ભણ્યા છે, અને એમને એનો ચોક્ક્સ ફાયદો પણ મળ્યો છે, જો કે હું ૫-૦ થી ૮-૦૦ રૂપિયા ફી વાળી અને ૧૧-૦૦ થી ૫-૦૦ વાળી શાળામાં  ભણ્યો છું.

આજે સારી શાળામાં  એડમીશન મેળવવાનું ખૂબ જ અઘરૂં થઈ ગયું છે. મોટાભાગની શાળાઓ ખૂબ મોટી રકમનું ડોનેશન લઈને એડમીશન આપે છે.૨૦૦૫ થી International Schools હોડ શરૂ થઈ છે. ત્યાં શું અને કેવી રીતે શિખવવામાં આવે છે તેની જાણકારી મારી પાસે નથી, પણ હું એટલું જાણું છું કે આવી સ્કૂલની વાર્ષિક ફી ચાર લાખ અને બાર લાખ રૂપિયાની વચ્ચે હોય છે.

આ રીતે મારી પેઢીનો ૫-૦૦ રૂપિયા મહિને, મારી બીજી પેઢીનો ૫૦૦-૦૦ રૂપિયા મહિને અને મારી ત્રીજી પેઢી જો અહીં ભણતી હોત તો (હાલમા આ પેઢી અમેરિકામા ભણે છે) ૫૦,૦૦૦-૦૦ રૂપિયા મહિનાનો ખર્ચ ગણાય. આ લેખ માળામાં મારો પ્રયત્ન પેઢીઓ વચ્ચેનો આ ફરક દેખાડવાનો છે.

આજે ઉચ્ચ અભ્યાસ માટે પરદેશ જવાની હોડ લાગી છે. લોકો કરજ કરીને પણ પોતાના સંતાનોને પરદેશ ભણવા મોકલે છે, જો કે આમાંના મોટા ભાગના અભ્યાસ પૂરો કરી ત્યાં જ સ્થાયી થઈ જાય છે.

આના પછીના લેખમાં આપણે કુટુંબ વિષે વાતો કરશું

-પી. કે. દાવડા

==============================

વાચક મિત્રો,

શ્રી દાવડાજીની આ લેખમાળાના બાકીના ત્રણ હપ્તા હવે પછીની પોસ્ટમાં મુકવામાં આવશે.આભાર.

વિનોદ પટેલ ,સંપાદક  

=============================

 

( 570 ) મારા ભટ્ટ સાહેબ …..પરિચય લેખ / ચલતી કા નામ ગાડી ….હાસ્ય લેખ …- હરનીશ જાની

હરનીશ જાની

હરનીશ જાની

ન્યુ જર્સી નિવાસી જાણીતા હાસ્ય લેખક શ્રી હરનીશ જાનીના બે મજાના લેખ “મારા ભટ્ટ સાહેબ ”  અને “ચલતી કા નામ ગાડી “લેખકના આભાર સાથે આજની પોસ્ટમાં પ્રસ્તુત કરતાં આનંદ થાય છે. 

ઈ-મેલમાં મને મોકલેલ “મારા ભટ્ટ સાહેબ “લેખમાં હરનીશભાઈએ ભારતમાં વલસાડ નજીક આવેલી કસ્તુરભાઈ શેઠની કંપની અતુલમાં એમના જીવનની પ્રથમ જોબના એમના બોસ ભટ્ટ સાહેબનું એમની  આગવી હાસ્ય પ્રેરિત  શૈલીમાં પાત્રાલેખન કર્યું છે .

હરનીશભાઈએ એમના ઈ-મેલમાં જણાવ્યા પ્રમાણે આ ભટ્ટ સાહેબનું તાંજેતરમાં જ અવસાન થયું છે .ભટ્ટ સાહેબ વિષે એમના ભીતરમાં વાસ કરીને પડેલી સ્મૃતિઓને બહાર લાવીને આ લેખ એમણે લખ્યો છે. આમ આ લેખ મારફતે હરનીશભાઈએ એમના સૌથી પ્રથમ જોબના બોસ ભટ્ટ સાહેબને યોગ્ય સ્મરણાંજલિ આપી છે.સદગત ભટ્ટ સાહેબના આત્માને પ્રભુ શાંતિ બક્ષે એવી પ્રાથના.  

મારા ભટ્ટ સાહેબ …એક રસિક પરિચય લેખ ….હરનીશ જાની 

 

ચલતી કા નામ ગાડી ….હાસ્ય લેખ 

તારીખ ૨૪ મી ઓક્ટોબરના રોજ સુરતના ખ્યાતનામ અખબાર ગુજરાત મિત્રની નુતન વર્ષની ખાસ પૂર્તિમાં શ્રી હરનીશ જાનીનો આ હાસ્ય લેખ પ્રગટ થયો છે  .આ લેખને નીચેની પિ.ડી.એફ. ફાઈલની લીંક ઉપર ક્લિક કરીને માણો.  

ચલતી કા નામ ગાડી”..હાસ્ય લેખ …. ગુજરાત મિત્ર …હરનીશ જાની

ગુજરાત મિત્રમાં શ્રી હરનીશભાઈની હળવા લેખોની કોલમ ‘ફીર ભી દીલ હૈ હીન્દુસ્તાની’ માં એમના આ અગાઉ પ્રગટ થયેલા લેખોને વિનોદ વિહારમાં પણ સંપાદિત કર્યા હતા .

 

આ લેખોને ‘ફીર ભી દીલ હૈ હીન્દુસ્તાની’ કેટેગરીની આ લીંક ઉપર ક્લિક કરીને વાંચો .