વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

( 584 ) તમે સિટિઝન છો કે ડર્ટિઝન? ….. – તરુ કજારિયા

આ અગાઉની પોસ્ટ “સ્વચ્છ ભારત અભિયાન ” ના અનુસંધાનમાં આજની પોસ્ટમાં મુંબઈ સમાચારમાં વાંચેલો અને ગમેલો એક સરસ લેખ તમે સીટીઝન છો કે ડર્ટીજન ? પોસ્ટ કરેલ છે.

અગાઉની પોસ્ટના વિષયની પૂર્તિ કરતો આ લેખ પ્રેરક બનશે એવી આશા છે .

વિનોદ પટેલ

==================================

તમે સિટિઝન છો કે ડર્ટિઝન?..નિજ-નગરિયા – તરુ કજારિયા

Dirty citizen

કેટલાક લોકોને તો ચોખ્ખાઈ સાથે બાપે માર્યા વેર હોય એવો તેમનો અભિગમ હોય છે. પોતે તો એવા લઘરા હોય જ અને પછી એ લઘરાઈ નેક્સ્ટ જનરેશનને પણ ગિફ્ટમાં આપતા જાય

મુંબઈના એક પરામાં સ્ટેટસ સિમ્બોલ ગણાતી બી.એમ.ડબલ્યુ. કારમાં જઈ રહેલા બે યંગસ્ટર્સે એક સજ્જનને માર્યા. શા માટે? એટલે કે પેલા સજ્જને તેમને રસ્તા ઉપર કચરો ન કરવાની શીખામણ આપી! એ બન્ને છોકરાઓ પોતાની મોંઘી ગાડીમાં જઈ રહ્યા હતા. તેમણે સોફ્ટ ડ્રીન્ક પીધું અને ગાડીમાં બેઠાં-બેઠાં જ ખાલી થયેલું કેન રસ્તા ઉપર નાખ્યું. ના, એ બન્ને કોઇ રીતભાત વગરના ગમાર કે ગામડિયા નહોતા. અમીર ઘરના અને એજ્યુકેટેડ લાગતા નબીરા હતા. હવે તેમનું કેન ફેંકવું તેમની પાછળ આવતી એક તેમના જેવી જ સરસ કારમાં બેઠેલા પેલા સજ્જનની નજરે ચડી ગયું. સિગ્નલ પાસે તેમની ગાડીઓ ઊભી રહી એટલે પેલા સજ્જને નીચે ઊતરી તેમનું ફેંકેલું કેન ઊપાડ્યું અને તેમની ગાડી પાસે આવીને તેમને આપ્યું. સાથે તેમની એ હરકત માટે બે શબ્દો પણ કહ્યા. બસ, થઈ રહ્યું! છોકરાઓને ગુસ્સો આવ્યો અને એમણે એ સજ્જનને માર્યા અને પછી ગાડીમાં ભાગી ગયા.

પણ પેલા સજ્જન જાગૃત હતા. પોલીસસ્ટેશન જઈને તેમણે એ છોકરાઓની ફરિયાદ લખાવી અને તેમની ગાડીનો રજીસ્ટ્રેશન નંબર પણ આપ્યોે. પરિણામે બન્ને છોકરાઓ બીજે દિવસે પકડાઈ ગયા. પોલીસની તપાસમાં તેમણે કબૂલ્યું કે ‘હા, અમે તેમને માર્યું હતું. પણ એ તો તેમણે અમારી સાથે ખરાબ રીતે વાત કરી હતી એટલે!’ વાહ! શું બચાવ છે? એક તો ચોરી ઉપરથી શિરજોરી!

આજના કેટલાક યંગસ્ટર્સમાં જોવા મળતા સિવિક સેન્સના અભાવનો આ જીવતો-જાગતો દાખલો હતો. લોકલ ટ્રેનમાં પણ સામેથી સીટ ઉપર સેંડલ્સ કે શુઝ ટેકવીને બેઠેલી મોડર્ન છોકરીઓને જ્યારે પગ નીચે રાખવાનું કહું છું ત્યારે તેમના ચહેરા અને સમગ્ર બૉડી લેન્ગ્વેજ ઉપરથી તેમનો અણગમો તરત સમજી શકાય છે. પરંતુ લક્કીલી હજી સુધી કોઇએ હાથાપાઈ નથી કરી. ઉપરના કિસ્સા વિશે વાંચ્યું ત્યારે અહેસાસ થયો કે ઓહ, આય વોઝ લક્કી!

આ સિવિક સેન્સના સરાસર અભાવની ઘટનાની સામે હવે આ પ્રસંગ જુઓ:

તાજેતરમાં બ્રાઝિલમાં ફૂટબૉલ વર્લ્ડ કપ ચાલી રહ્યો છે અને દુનિયાભરના ફૂટબૉલપ્રેમીઓની નજર અને કાન એ રમતો પર ચોંટ્યા હશે. એ સૌને પંદરમી જૂને એક અતિ સુખદ આશ્ર્ચર્ય જોવા મળ્યું. એ દિવસે જાપાન અને આઇવરી કોસ્ટ વચ્ચે મૅચ હતી. જાપાનની ટીમ એ મૅચ હારી ગઈ હતી, પરંતુ જાપાની દર્શકોએ સ્ટેડિયમમાં તેમના સભ્ય વર્તનથી સિવિક સેન્સની બાબતમાં અવ્વલ દરજ્જાની જીત નોંધાવી હતી. સ્ટેડિયમમાં બેઠેલા જાપાની દર્શકોએ મૅચ પૂરી થઈ ત્યારે સ્ટેડિયમ છોડતાં પહેલાં પોતે જે બ્લોકમાં બેઠા હતા ત્યાંથી બધો જ કચરો ઊપાડીને તેને એકદમ ક્લીન કરી દીધો હતો. હારેલી ટીમના સપોર્ટર્સના ઉદાસ ચહેરા અને અણગમાની અભિવ્યક્તિરૂપ વિચિત્ર વર્તન જોવા ટેવાયેલા લોકો માટે તે એક અનોખું દૃશ્ય હતું. જો કે જાપાનીઓ માટે એ રૂટિન વર્તન હતું. પોતાના દેશમાં પણ તેઓ એ જ રીતે વર્તવા ટેવાયેલા છે. સિવિક સેન્સનો આવો ઉમદા નઝારો ટીવીના માધ્યમથી પૂરી દુનિયાના રમતપ્રેમીઓને જોવા મળ્યો હતો.

કોઇ પણ વ્યક્તિનું વર્તન જેમ તેના ચારિત્ર્યનું પ્રતિબિંબ પાડે છે તેમ જ કોઇ સમૂહનું વર્તન તેના રાષ્ટ્રિય ચારિત્ર્યનું પ્રતિબિંબ પાડતું હોય છે. થોડા દિવસ પહેલાં એક અત્યંત ડિસન્ટ અને હાઇ-ફાઇ ઑફિસમાં જવાનું બન્યું. તેના લૅડિઝ ટોઇલેટમાં ‘કીપ ધ ટોઇલેટ ક્લિન’ અને ‘ડુ નોટ લીટર’ જેવી સામાન્ય સૂચનાઓ તો હતી જ. પરંતુ તે ઉપરાંત એક વિશેષ સૂચના પણ લગાડેલી હતી: ‘પ્રિય બહેનો, પ્લીઝ ટોઇલેટ ક્લિન રાખવામાં મદદ કરશો!’ એવા સોફિસ્ટિકેટેડ લોકોને પણ આવી વિનંતી કેમ કરવી પડતી હશે એવો સવાલ સહેજે થાય. પરંતુ ઉપરછલ્લી ટાપ-ટીપ કે સોફિસ્ટિકેશન વ્યક્તિની ચોખ્ખાઇપ્રીતિનું પ્રમાણ નથી એટલું અનુભવે શીખવા મળ્યું છે. આવી મહિલાઓ કે આ લેખમાં આરંભે જે યુવાનોનો કિસ્સો નોંધ્યો છે તેવા લોકો ભારતના ચારિત્ર્યનું કેવું પ્રતિબિંબ પાડે? રસ્તા ઉપર જ્યાં-ત્યાં કચરા ફેંકતા કે થૂંકતા લોકોને જોઉં ત્યારે અચૂક થાય છે કે તેઓ જે ગંદકી રસ્તા ઉપર કરવા જઈ રહ્યા હોય તે જ વળતી તેમના તરફ આવે એવું કોઇ મેકેનિઝમ વિકસાવી શકાય તો કેવું! અનેકવાર એવી ગંદકી કરતા રિક્ષા કે ટેક્સીવાળાને ટોક્યા છે અને નિયમની ધાક બતાવવાની કોશિશ કરી છે. પરંતુ તેમાંથી ઘણા-ખરાએ સામી જડતી લીધી છે કે નિયમ કોણ પાળે છે?

નવા વડા પ્રધાને કેન્દ્રમાં સરકારનાં સૂત્રો સંભાળતાં વેંત પ્રધાનોને પોતાનાં ખાતાં અને ઑફિસોમાં સ્વચ્છતા અને વ્યવસ્થા જાળવવાની તાકીદ કરી છે એ સમાચાર વાંચી ખૂબ આનંદ થયો. સરકારી ઑફિસોમાં કે ફૅમિલી કોર્ટમાં જ્યારે જ્યારે જવાનું થયું છે ત્યારે ત્યાંની ગંદકી જોઇને ત્રાસ થયો છે. સવાલ થાય કે લોકો એવા માહોલમાં કામ કઈ રીતે કરી શક્તા હશે! અને દરેક વખતે એનો જવાબ એ જ મળ્યો છે કે આ અંગેની જાગૃતિ વ્યક્તિમાં નાનપણથી જ રોપાવી જોઇએ. જે બાળકોમાં નાનપણથી જ જ્યાં-ત્યાં કચરો નહીં નાખવાની કે પોતાની ચીજ-વસ્તુઓ ઠેકાણે રાખવાની આદત મા-બાપ કે વાલીઓએ કેળવી છે તેઓ પેલા છોકરાઓ જેવું વર્તન કદી નહીં કરી શકે. હા, કેટલીય વાર પબ્લિક પ્લેસીસમાં કે પ્રવાસ દરમિયાન મેં લોકોને હાથમાં કાગળનો ડુચ્ચો કે કોથળી પકડીને બેઠેલા અને ઊઠતી વખતે ડસ્ટબિન શોધીને તેમાં નાખતા જોયા છે. ચોક્કસ એ લોકોને બાળપણથી એ ડિસિપ્લિન શીખવવામાં આવી છે. જ્યારે કેટલાક લોકોને તો ચોખ્ખાઈ સાથે બાપે માર્યા વેર હોય એવો તેમનો અભિગમ હોય છે. પોતે તો એવા લઘરાં હોય જ અને પછી એ લઘરાઈ નેક્સ્ટ જનરેશનને પણ ગિફ્ટમાં આપતા જાય.

જેમ કે નાનાં બાળકને થોડી-થોડી વારે પોટીમાં બેસાડીને પેશાબ કે પોટી કરવાની આદત તેઓ ધરાર ના પાડે અને પછી બેડ પર કે સોફા પર, ખુરશી પર કે ટેબલ પર, આખા ઘરમાં જ્યાં-ત્યાં બાળક પોતાનો એ નિત્યક્રમ પતાવે. વળી તે ગંદકી સાફ કરવામાંય તેમને આળસ. એવા ઘરોમાં જો કોઇ સ્વચ્છતાપ્રેમી રહેતું હોય તો તેની હાલત કેવી થાય એ કલ્પના કરી જોજો.

એક સાસુને તેમની યંગ ડિગ્રીધારી(પહેલાં એજ્યુકેટેડ શબ્દ પ્રયોજવાનું વિચાર્યું હતું, પણ લખતી વખતે સવાલ થયો કે એજ્યુકેટેડ વ્યક્તિ આવું વર્તન કરી શકે? એટલે આ શબ્દ વધુ યોગ્ય લાગ્યો) પુત્રવધૂના જૂતા-ચપ્પલ ઊપાડીને રોજ શું-રેકમાં રાખવા પડે છે. કેમ કે પુત્રવધૂ પોતે મૂકતી જ નથી. એને કેટલી વાર કહ્યું છતાં ધરાર નથી મૂકતી. એટલું જ નહીં, ઊલટું સામો સવાલ કરે છે કે એ ઘરમાં એમ છૂટ્ટા પડ્યા હોય તો શું બગડી જાય છે?! નેચરલી આવા લોકોને પેલા સજ્જન જેવા કોઇ કંઇ શીખામણ આપવા જાય તો કેમ ગમે?

સિવિક સેન્સ વગરના અને ગંદકીપ્રિય આવા લોકો માટે સિટિઝન્સને બદલે ડર્ટીઝન્સ શબ્દ કેમ રહેશે? અને તેમની આદતો માટે શું કહેશું? ગંદી બાત, ગંદી બાત, ગંદી બાત, ગંદી બાત!

સૌજન્ય- મુંબઈ સમાચાર 

3 responses to “( 584 ) તમે સિટિઝન છો કે ડર્ટિઝન? ….. – તરુ કજારિયા

 1. pragnaju નવેમ્બર 15, 2014 પર 10:42 એ એમ (AM)

  સુગરીની શિખામણ

  બાવળના ઝાડ પર સુગરી માળો બાંધી રહેતી હતી. માળો એવો કળાથી બાંધેલો કે ચોમાસામાં પાણીનું ટીપુંયે પડે નહીં. શિયાળામાં પવન અને ઉનાળામાં ગરમી લાગે નહિ.

  ચોમાસાનાં દિવસોમાં કેટલાંક વાંદરાં પલળીને ધૂરજતાં ધૂરજતાં આવી પહોંચ્યાં. સુગરીએ ઝાડ નીચે એક વાંદરો ટાઢમાં ધૂરજતો જોયો. તેના દાંત પણ ટાઢથી કડકડતાં હતાં. ને બીજાં વાંદરા ઝાડ નીચે રમતાં હતાં.

  વાંદરાંની આવી દશા જોઈ સુગરી બોલી,ભાઈ,નાના પક્ષીઓ માળો બનાવે છે અને બીજાં પશુઓ ગુફામાં રહે છે.તારે તો હાથ છે. ઘર બનાવી તેમાં રહે. નાની સુગરની શિખામણ સાંભળી વાંદરો ક્રોધે ભરાયો. તે ક્રોધથી દાંતિયા કરીને કહે, મુર્ખી ! તને મારી શી ચિંતા છે.

  સુગરી કહે, વાદરાભાઈ, હું તો તમે ટાઢથી ધૂરજો છો એટલે કહુ છું. વાંદરો ગુસ્સાથી બરાડિયો,હું ધુરજુ છું. એમાં તારું શું જાય છે ?તારા જેવી ચકલી અમને શું શિખામણ આપવાની હતી ? મારી શિખામણ તુ જો….એમ કહીને વાંદરો સુગરીના માળા ઉપર કુદયો. સુગરી માળા પર થી માંડ ઊડી શકી.

  વાંદરાએ તેના માળાનાં ટૂકડે ટૂકડા કરી નીચે જમીન પર ફેંકી દીધા. બિચારી સુગરી ! રડતી આંખે જોઈ રહીને મનોમન પસ્તાતી રહી. અરેરે ! મૂર્ખને શિખામણ આપીએ તો આવું થાય

  Like

  • Vinod R. Patel નવેમ્બર 15, 2014 પર 11:17 એ એમ (AM)

   આ પોસ્ટ ને અનુરૂપ સરસ સુગરીની બોધ કથા માટે આપનો આભાર.

   કોઈને શિખામણ આપવી સહેલી છે અને મુરખને આપવી એ તો બેકાર છે , પસ્તાવાનો વારો આવે.

   એવું સ્વચ્છતા જાળવવાની શિખામણ ને પણ લાગુ પડે.

   આપણે ગુજરાતીઓ માટે એમ કહેવાય છે કે એ આરંભે શુરા હોય છે.નરેન્દ્ર મોદી પણ ગુજરાતી છે.

   મેં આના ઉપર એક જોડકણું બનાવ્યું છે.

   આરંભે શૂરો ગુજરાતી

   મધ્યે થાકે ગુજરાતી

   અંતે ભૂલે ગુજરાતી

   Like

 2. nabhakashdeep નવેમ્બર 15, 2014 પર 5:21 પી એમ(PM)

  સરસ સંકલન…સ્વચ્છતા થકી જ અનેક રોગોમાંથી દેશને મુક્તિ મળશે. શરુઆત બરાબર કરી છે..સહકાર પ્રજાનો મળે..આપ ભાવે..તો પરિણામ સારું નજરે પડશે જ. કોંગ્રેસી ચશ્માં તેના નેતા રાહુલ ગાંધીની વાણીમાં પડઘાય છે..દેશનું શાસન આવા લોકોને સોંપવું, એ મૂર્ખામી જ ગણાય.

  રમેશ પટેલ(આકાશદીપ)

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: