‘ધ બર્નિંગ ટ્રેન’, ‘બાગબાન’, ‘ભૂતનાથ રિટર્ન્સ’ જેવી હિટ ફિલ્મોના નિર્માતા-દિગ્દર્શક રવિ ચોપરાનું તારીખ ૧૨ મી નવેમ્બર, ૨૦૧૪ના રોજ મુંબઈની બ્રિચ કેન્ડી હોસ્પિટલમાં ફેફસાંના કેન્સરને લીધે નિધન થયું હતું, તેઓ લાંબા સમયથી બીમાર હતા.તેઓ ૬૮ વર્ષના હતા.
રવી ચોપરાના પરિવારમાં તેમના પત્ની અને ત્રણ સંતાનો છે.
સ્વ.ચોપરા લોકપ્રિય મહાભારત ટીવી સિરિયલના નિર્માતા-દિગ્દર્શક બી.આર.ચોપરાના પુત્ર હતા અને સદગત ફિલ્મ નિર્માતા યશ ચોપરાના ભત્રિજા હતા .
રવિ ચોપરાએ ઝમીર (1975), બર્નિંગ ટ્રેન (1980), મઝદૂર (1983), દેહલીઝ (1986), બાગબાન (2003), બાબુલ (2006) તેમજ ભૂતનાથ અને ભૂતનાથ રિટર્ન્સ ફિલ્મો બનાવી હતી.
મહાભારત, વિષ્ણુ પુરાણ અને મા શક્તિ જેવી ધાર્મિક ટીવી સિરિયલો પણ એમણે જ બનાવી હતી.
બોલીવુડની આવી લોકપ્રિય વ્યક્તિ સ્વ. રવિ ચોપરાના આત્માને પ્રભુ શાંતિ આપે .
===================================
શ્રધાંજલિ
સ્વ. રવી ચોપરાની હૃદયને સ્પર્શી જતી ફિલ્મ ‘બાગબાન ‘નો આસ્વાદ
નિર્માતા-દિગ્દર્શક સ્વ.રવી ચોપરાએ ૨૦૦૩માં બનાવેલી બાગબાન હિન્દી ફિલ્મ બોક્સ ઓફીસ ઉપર બહુ જ લોકપ્રિય બનેલી ફિલ્મ હતી.ઘણા વાચક મિત્રોએ આ ફિલ્મ જરૂર જોઈ હશે અને માણી પણ હશે જ .બાગબાનનો ગુજરાતીમાં અર્થ થાય છે બગીચાનો માળી .જેમ એક માળી પોતાની બધી જ કાર્યક્ષમતાથી દિલ પરોવીને એના બગીચામાં ફૂલ- છોડોની માવજત કરે છે, એવી જ રીતે એક માતા-પિતા પણ કુટુંબ રૂપી બગીચાનાં એનાં બાળકોની માવજત કરીને ઉછેરીને એમના વ્યક્તિત્વના વિકાસમાં જીવ રેડીને કામ કરતાં હોય છે.
આ બાગબાન ફિલ્મમાં એક મધ્યમ વર્ગીય માતા પિતા અને એના ચાર પુત્રોની કથા બહુ જ કલાત્મક રીતે રજુ કરવામાં આવી છે જે હૃદયને સીધી સ્પર્શી જાય છે.પિતાના પાત્રમાં સુપર સ્ટાર અમિતાભ બચ્ચન અને માતાના પાત્રમાં હેમા માલિનીએ એમના જીવનનો એક યાદગાર અભિનય આ ફિલ્મમાં આપ્યો છે.
જેમના ઉત્કર્ષ માટે જેઓ તનથી ,મનથી અને ધનથી ઘસાયાં હતાં એવાં માતા-પિતાને એમની વૃદ્ધાવસ્થામાં જ્યારે પુત્રોના પ્રેમ અને સહારાની વધુ જરૂર હતી એવા સમયે ચારે ય પુત્રો તરફથી માતા-પિતાને અવગણના અને અપમાન સહન કરવાં પડે છે.પુત્રોના આવા અણધાર્યા અઘટિત વર્તાવથી આ વૃદ્ધ પ્રેમી યુગલ મનથી ભાંગી પડે છે. કહેવાય છે કે મા-બાપને જીવનમાં બે વખતે આંખમાં આંસું આવતાં હોય છે -જ્યારે દીકરી ઘર છોડે ત્યારે અને જ્યારે પોતાનો સગો દીકરો એમને તરછોડે ત્યારે.
એમના પોતાના દીકરાઓએ જ્યારે આ વૃદ્ધ માતા-પિતાને તરછોડી દીધાં એવા કપરા સમયે, ભૂતકાળમાં અનાથાશ્રમમાં રહેતા એક અનાથ છોકરા આલોકને એના બાળપણમાં જેને મદદ કરી હતી એ છોકરો (સલમાનખાન) એમને સગાં માતા-પિતાની જેમ પ્રેમથી અપનાવી એમને એના ઘેર લઇ જઈને સહારો આપી સાચો પુત્ર સાબિત થાય છે.
આ ફિલ્મમાં મને જો સૌથી વધુ ગમ્યું હોય તો ફિલ્મને અંતે આવતો અમિતાભની સ્પેલ બાઉન્ડ સ્પીચનો પ્રસંગ .અમિતાભ બચ્ચનએ જીવનના કડવા અનુભવો ઉપરથી લખેલ પુસ્તક “બાગબાન” માટે ઇનામ જાહેર થાય છે . આ માટે યોજાએલ એક સન્માન સમારંભમાં એ જે પ્રવચન આપે છે એ ખુબ જ અદભૂત છે . આ પ્રસંગ હૃદય સ્પર્શી તો છે જ પણ એમાં જે સંદેશ એમણે આપ્યો છે એ સમાજનું ખુબ જ વાસ્તવિક ચિત્ર રજુ કરે છે .આ સ્પીચમાં આ મહાન કલાકારનો અવાજ અને એનો અભિનય કાબિલે દાદ છે. અમિતાભને સુપર સ્ટાર કેમ કહેવાય છે એની ખાતરી કરાવતી એની આ સ્પીચ સાંભળવા અને સમજવા જેવી છે .
તો માણો બાગબાન ફિલ્મના આ અંતિમ યાદગાર દ્રશ્યને
રજુ કરતો આ વિડીયો..
Baghban- Amitabh’s Speech -Last scene
મિત્રો ,૨૦૦૩ માં ધૂમ મચાવનાર આ હિટ હિન્દી ફિલ્મ બાગબાન આખી જોવી હોય અથવા એને ફરી માણવી હોય તો નીચેના વિડીયોમાં જોઈ શકાશે.
વાચકોના પ્રતિભાવ