એક નેટ મિત્રએ મને ઈ-મેલમાં માનવીઓ જેવી જ અદામાં કુતરાઓના કેટલાક રમુજી ફોટા મોકલ્યા હતા .એમાંથી પસંદ કરીને મને ગમેલા નીચેના બે ફોટા “આધુનિક કુતરાઓ “નું શીર્ષક આપીને મારા નજીકના બ્લોગર મિત્રોને જોવા એમને ઈ-મેલથી મોકલ્યા હતા .
પહેલા ચિત્રમાં ચાર કુતરાઓ જાણે કોઈ ક્લબમાં કાર્ડની ગેમ રમતા હોય એમ કેવા રીલેક્સ થઈને બેઠા છે !બીજા ચિત્રમાં કોમ્પ્યુટરની કી દબાવીને કઇંક લખવામાં મગ્ન થઇ ગયેલો એક કુતરો દેખાય છે! કોઈ ઉસ્તાદ ફોટોગ્રાફરના કેમેરા અને એના ભેજાની કમાલ જેવા આ ફોટા ખરેખર કાબીલે દાદ છે !
આ ફોટા જોઇને ઘણા મિત્રોએ એમના પ્રતિભાવો મને લખ્યા એમાં ફીનીક્ષ,એરીજોનામાં, જુનાગઢના સાવજની જેમ એકલા રહેતા હિંમતના ભંડાર જેવા, આતાના હુલામણા નામે પ્રખ્યાત ,૯૩ વર્ષના ,આતાવાણી બ્લોગના બ્લોગર મારા પ્રિય મિત્ર હિમતલાલ જોશીએ જે જવાબ લખી મોકલ્યો એ મને ખુબ જ ગમ્યો.
આતાજીએ જવાબમાં એક મજાની વાર્તા લખી મોકલી. આતાજીના ખુશ મિજાજી સ્વભાવનાં પણ તમને એમાં દર્શન થશે .એમના જવાબને સહેજ સાજ મઠારીને આતાની લખેલી આ આખી મજાની વાત આજની પોસ્ટમાં પ્રસ્તુત છે.
આતાજીની આ કાલ્પનિક ટૂંકી વાર્તાની ખરી ખૂબી અને મજા એના અંતમાં છે .એ અંત મને ગમ્યો એવો તમને પણ જરૂર ગમશે .
વિનોદ પટેલ
====================================

દેશીંગાના ગામઠી લેબાશમાં હિમતલાલ જોશી.-આતા
અમેરિકન કુતરી ! — હિમતલાલ જોશી ( આતા )
મારી પ્રિન્ટીંગ પ્રેસની જોબ વખતે મારી સાથે કામ કરતી મારી મિત્ર કેથીએ ઇન્ડિયા જવાનો મનસુબો ઘડ્યો. મને એની વાત કરી અને મારા ગામ દેશીંગાની ખાસ મુલાકાત લેવાની ઈચ્છા વ્યક્ત કરી .કેથીએ એની સાથે એની પ્રેમાળ કુતરીને પણ લઇ જવાનું નક્કી કર્યું . મેં એને સાથે કુતરી ન જઈ જવા માટે ખુબ સમજાવી .
કેથી કહે મારી કુતરી બહુ ફ્રેન્ડલી છે ,જરાએ હેરાન નહીં કરે . મેં કીધું કે તારી કુતરી ફ્રેન્ડલી હશે , પણ અમારા ઘેડના ડાઘીયા કુતરા , ફ્રેન્ડલી નથી . એમાં ય તારી કુતરી ઓપરેશન કરીને નપુંસક કરેલી છે .એટલે એને જરાય આવકારશે નહિ .
આમ સમજાવ્યા છતાં ઇન્ડીયાની મુલાકાત વખતે એની સાથે એની કુતરી સાથે મારે ગામ દેશીંગા ગઈ .
ગામમાં કેથીની કુતરીને એક સાવઝ જેવા વાળ અને એના જેવા જ કેસરી રંગના ડાઘીયા કુતરાએ જોઈ . કુતરી એને મળવા જતી હતી એટલે કેથીએ એને ડારો દઈને રોકી અને પોતાની ડાબી બાજુ દોરીથી ડોકે પટા સાથે સાંકળ બાંધી હતી એનાથી ખેંચીને પાસે બેસાડી દીધી .
આ જોઇને પેલો ડાઘીયો કુતરો બોલ્યો:
”અલી અમરીકન કુતરી ,તને આવું પરાધીન પણું ગમે છે ?’
અમેરિકન કુતરી બોલી:
”મને ખાવાનું કેટલું સરસ સરસ માણસો જેવું તૈયાર મળે છે . તારી જેમ રખડીને કોકનું ખાવાનું ઝપટ મારીને આંચકીને ખાતી નથી .”
અમેરિકન કૂતરીનો આ જવાબ સાંભળીને મારા જેશીંગા ગામના સાવજ જેવા ભારતીય ડાઘીયાએ ઉર્દૂના શેરમાં અમેરિકન કુતરીને યાદ રહી જાય એવો જવાબ આપી દીધો :
मिले खुश्क रोटी जो आज़ाद रह कर
वो खौफ और जिल्लतके हलवे से बेहतर
એટલે કે “આઝાદીની લુખી સુખી રોટી “મને જે મળે છે એ તારા” ગુલામીના હલવા-મીઠાઈ પકવાન ” કરતાં ઘણી જ બહેતર છે.તારી એવી ખુશી તને મુબારક!
—હિમતલાલ જોશી (Ataai)
આ ટચુકડી વાર્તાના અંતમાં આતાજીએ કેવી સમજવા જેવી વાત કહી દીધી છે !
તમે આને એક રૂપક કથા પણ કહી શકો !

આતાજી અને એમને પુત્રની જેમ પ્રેમ કરતો એમનો પડોશી મિત્ર ક્રીસ – ક્રિસને ઘેર થેંક્સ ગીવીંગ ડે ઉપર લીધેલો હાલનો ફોટો.
આતાજીના બ્લોગ આતાવાણીની આ લીંક ઉપર તમે જો એની મુલાકાત લેશો તો તમને ઉપર કહી એવી ઘણી મજાની એમના જીવનના અનુભવોની વાતો ત્યાં તમને વાંચવા મળશે અને એમના ખુશ મિજાજી રંગીલા મિજાજનો પરિચય પણ મળશે. એમના દીર્ઘાયુંનું આ જ તો છે રહસ્ય !
અગાઉ વિનોદ વિહારમાં પ્રગટ આતાની એક સત્ય ઘટના ઉપર આધારિત વાર્તા પાંજરાપોળ ને અહી ક્લિક કરીને વાંચો.
વાચકોના પ્રતિભાવ