ભારતીય ફિલ્મ અભિનેતા અમિતાભ બચ્ચન ની ખ્યાતી માત્ર દેશમાં જ નહી પણ વિદેશોમાં પણ ખુબ પ્રસરી ગઈ છે.ઓક્ટોબર ૧૧,૨૦૧૪ ના રોજ એણે ૭૨ વર્ષ પૂરાં કર્યાં પણ હજુ એની અદાકારીનો જાદુ નવી નવી ફિલ્મોમાં હજુ છવાયેલો રહ્યો છે.સુપર સ્ટાર તરીકેની એની ખ્યાતિનો સિતારો ચરમ સીમાએ પહોંચી ગયો છે.
અમિતાભ બચ્ચન બોલીવુડના હિન્દી ફિલ્મ જગતની એક અજાયબી છે.
લેખિકા વર્ષા પાઠક જ્યારે ઈજીપ્તના મશહુર પીરામીડો જોવા જાય છે ત્યારે લોકોની વાતચીતમાંથી એમને એ જાણીને નવાઈ લાગે છે કે ઈજીપ્તમાં પણ અમિતાભ બચ્ચનનો જાદુ બરકરાર છે. ત્યાં પણ એ સૌનો માનીતો ફિલ્મી સુપર સ્ટાર છે.
દિવ્ય ભાસ્કર.કોમ માં પ્રગટ સુ.શ્રી વર્ષા પાઠકના લેખ “ઇન્ડિયન ? અમિતાભ બચ્ચન ?”માં એમણે એમના ઈજીપ્તના અનુભવોનું વર્ણન કર્યું છે .આજની પોસ્ટમાં પ્રસ્તુત એમનો આ લેખ આપને વાંચવો ગમશે.
વિનોદ પટેલ
============================
ઇન્ડિયન ? અમિતાભ બચ્ચન ?…. વર્ષા પાઠક

ઈજિપ્ત સાથે આપણા પોલિટિકલ અને બિઝનેસ રિલેશન્સ કેવા છે, એ વિષે મને ઝાઝું જ્ઞાન નથી, પણ ભૂલે ચૂકેય કોઈ મને પૂછી લે કે એ આફ્રિકન દેશ સાથે સંબંધ વધુ સારા કરવા માટે શું કરવું જોઈએ તો હું બેધડક જવાબ આપી દઉં કે, અમિતાભ બચ્ચનને ત્યાં વરસમાં એકાદ-બે વાર મોકલવાથી કામ થઇ જાય એવી પૂરેપૂરી સંભાવના છે.
સ્વિટ્ઝરર્લેન્ડ માં સ્વર્ગીય યશ ચોપરા ના નામની એક સ્ટ્રીટ હોવાનું સાંભળ્યું છે. એમણે પોતાની ઘણી ફિલ્મોનાં શૂટિંગ ત્યાં કરીને, લાખો ભારતીયોને ત્યાં જવાની પ્રેરણા આપી, એની કદરરૂપે સ્વિસ સરકારે એક આખો રસ્તો એમના નામે કરી આપ્યો, એ સમજી શકાય.
બીજી તરફ અમિતાભે ઈજિપ્શિયન ઈકોનોમી સુધારવામાં કેટલો ફાળો આપ્યો, એ હું નથી જાણતી,અને ત્યાંના કોઈ સ્થળ પર હજી સુધી અમિતાભ હરિવંશરાય બચ્ચનના નામનું પાટિયું નથી મુકાયું, પણ ગલીએ ગલીએ એ માણસનું નામ જાણીતું છે, ખાસ કરીને બજારોમાં. અને બચ્ચનસાહેબ ત્યાં જઈને ‘યે દોસતી હમ નહીં તોડેંગે’ જેવું કંઈ ગાઈ નાખે તો એમના ઈજિપ્શિયન ફેન્સ, કદાચ એકાદ પિરામિડ પણ એમના નામે કરી નાખે. અને જય, આઈ મીન ઇન્ડિયા સાથે મરતાં સુધી દોસ્તી નહીં તોડવાનું વચન પણ આપી દે.
અને આ ફેન્સ એટલે, ઈજિપ્તમાં વસતા મૂળ ભારતીયો નહીં, પણ હિન્દી ભાષાનો એકાદ શબ્દ પણ સરખો નહીં સમજતા ઈજિપ્શિયન આરબો.
હમણાં હું ઈજિપ્તમાં અગિયાર દિવસ ફરી આવી, એ દરમ્યાન ઓછામાં ઓછા પચ્ચીસવાર અમિતાભ બચ્ચનનું નામ મારા કાને અથડાયું. હોટેલ રૂમમાં લગેજ મૂકવા આવેલો છોકરો, નાઇલ રિવર ક્રુઝમાં વેજ ફૂડ બનાવી રહેલો શેફ, ટુર ગાઈડ, ટેક્સી ડ્રાઈવર, રણમાં ઊંટ ચલાવનારો, દુકાનમાંથી પોતાનો માલ વેચવા સાદ પડી રહેલો વેપારી… કૈરો, આસવાન, લક્ઝર… જાતજાતનાં સ્થળે આવા ભાતભાતના લોકોને મોઢેથી મેં અમિતાભ બચ્ચનનું નામ સાંભળ્યું.
મળતાંની સાથે પહેલો સવાલ થાય, ‘ઇન્ડિયન?’ અને હા પાડીએ એટલે જાણે આપણું નામ બોલતા હોય એમ કહે, ‘અમિતાભ બચ્ચન..!’ હજારો વર્ષ જૂનાં, અદ્્ભુત મંદિરો ધરાવતાં લક્ઝરનું મોડર્ન રૂપ જોવા માટે હું ઘોડાગાડીમાં બેસીને ફરવા નીકળી તો અડધે રસ્તે તાનમાં આવી ગયેલા મારા લોકલ ગાઈડે ગાવાનું શરૂ કર્યું અને મેં જે સાંભળ્યું તે કઈ આવું હતું, ‘એખ્દોસે કેરટે પાર…’ મને લાગ્યું કે હશે કોઈ અરેબિક સોંગ, પણ એણે તો ભારે હરખાઈને મારી સામે જોતાં કહ્યું, ‘ઈન્ડી સોંગ.’ મેં માથું ખંજવાળ્યું, આવું ઇન્દી, હિન્દી ગીત મેં તો પહેલીવાર સાંભળેલું. થોડીવાર પછી જોકે બત્તી થઇ કે ‘એક દુસરે સે કરતે હૈં પ્યાર હમ…’ મારો હોંશીલો ગાઈડ ‘હમ’ ફિલ્મનું ગીત ગઈ રહ્યો હતો, રાધર ગીતનું મર્ડર કરી રહ્યો હતો! હું પણ કઈ કમ નહોતી. મેં એની સાથે મોટે સાદે ગાવાનું શરૂ કર્યું, એનાથીયે વધુ બેસુરા સાદે. સ્થાનિકોને જોણું થયું, પણ અમને મજા આવી.
હિન્દીનો કક્કો નહિ જાણતા ઈજિપ્તવાસીઓમાં અમિતાભ બચ્ચનની લોકપ્રિયતા જોઇને હું ખરેખર આભી થઇ ગઈ. આ હતો રિયલ સ્ટારપાવર, જેને દેશ,ભાષા, ધર્મ કોઈ સીમાડા નહોતા નડતા.
ત્યાંની ટીવી ચેનલો પર અરેબિક સબ ટાઈટલ્સ સાથેની હિન્દી ફિલ્મો રસપૂર્વક જોવાય છે અને એમાં આમિર, સલમાન, રિતિક, શાહરુખ આ બધાની ફિલ્મો હોય છે, પણ ધેર ઈઝ સમથિંગ અબાઉટ અમિતાભ બચ્ચન, કે ત્યાંના યુવાનો અને બાળકોને પણ સહુથી વધુ યાદ તો એ સેવન્ટી પ્લસ એક્ટર રહે છે. જોકે બીજા બધા ત્યાં સાવ અજાણ્યા નથી.
આસવાનમાં મને મિથુન ચક્રવર્તીનો પ્રેમી મળ્યો, તો લક્ઝરમાં મને હોટ એર બલૂન રાઈડ માટે લઇ જતા, એક ટુર ઓપરેટરે એના ફોન પર સાચવી રાખેલો જેકી શ્રોફ સાથેનો ફોટો બતાવ્યો, અને ચાર વાર કહ્યું,
‘વેરી ગુડ મેન.’
હવે જોવાનું એ કે, આ લોકોમાંથી કોઈએ આપણી કોઈ એક્ટ્રેસનું નામ ન લીધું. એમને પૂછ્યું પણ કોઈને યાદ નહોતું. કરીના, ઐશ્વર્યા ને પ્રિયંકાનો અહમ્ ઘવાય એવી વાત થઇ ને? હા, કૈરોના મારા ગાઈડ યાસીરે એટલું કહ્યું કે આરબ દેશોમાં, સહુથી મોટી અને પોપ્યુલર ફિલ્મ ઇન્ડસ્ટ્રી ઈજિપ્તની છે અને ત્યાંના પ્રોડ્યુસર્સ-ડિરેક્ટર્સ ઇન્ડિયન ફિલ્મોને જોઈજોઈને હવે એમની ફિલ્મોમાં પણ વધુ ને વધુ ગીત સંગીત ઉમેરતા થઈ ગયા છે. ભવિષ્યમાં આપણી આઇટેમ ગર્લ્સ ને ઈજિપ્ત ફિલ્મોમાં ઠુમકા લગાવવાનું આમંત્રણ મળે એવી ઊજળી શક્યતા છે.
એક જમાનામાં ખુદને વેરી એજ્યુકેટેડ, કલ્ચર્ડ, ઇન્ટેલેક્ચુઅલ ગણાવતાં ઘણાં ભારતીય બંધુ-ભગિનીઓ એવું કહેતાં કે, અમે હિંદી ફિલ્મો નથી જોતાં. એમાં શું જોવા જેવું હોય વગેરે. હવે આ વાયડી પ્રજાની સંખ્યા ઘટી છે. જોકે સાવ નાબુદ નથી થઇ. ખુદને બુદ્ધિવંત ગણાવતા આ લોકોને ખરેખર ભાન નહિ હોય કે હિન્દી ફિલ્મોની પહોંચ અને અસર કેવી છે? સામાન્ય પ્રજાની વાત કરીએ બહારના લોકો આપણા વડાપ્રધાન કરતાં આપણા ફિલ્મસ્ટારને વધુ ઓળખે છે. એશિયન અને આફ્રિકન દેશોમાં આ વધુ જોવા મળ્યું. કારણ ગમે તે હોય.
અને માણસને માત્ર રોટી, કપડાં ને મકાનની જ જરૂર નથી હોતી. રોજબરોજની તકલીફોની વચ્ચે ઘડીક રાહત, થોડીક મોજ પણ એને જોઈતી હોય છે. ઈજિપ્ત અત્યંત સુંદર દેશ છે. ઐતિહાસિક સ્મારકોની સંખ્યા જુઓ તો એ બાબતે, દુનિયાનો સહુથી શ્રીમંત દેશ કહેવાય, પણ રાજકીય અસ્થિરતાને પરિણામે, એ છેલ્લા થોડા સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહ્યો છે. એવા સમયે, આપણા અમિતાભ કે મિથુન ત્યાંના થોડા લોકોને થોડું પણ મનોરંજન આપે તો આપણી ફિલ્મ ઇન્ડસ્ટ્રીએ તો ગૌરવ લેવા જેવું જ કહેવાય ને?
કોઈને સિલી લાગે એવો વિચાર મને આવે છે કે, મંત્રીઓ અને બાબુઓને બદલે તો નહિ પણ એમની સાથે વારતહેવારે આપણા ફિલ્મ કલાકારોને પણ ઓફિશિઅલ વિદેશી યાત્રા પર મોકલીએ તો ત્યાના લોકો વધુ રાજી ન થાય?
સૌજન્ય…. દિવ્ય ભાસ્કર.કોમ
=======================================

ચિત્રમાં હાઇવે પરના ઢાબા ઉપરના શૂટિંગ વખતે ખાટલા ઉપર સાવ દેશી સ્ટાઇલમાં આરામ ફરમાવતા અમિતાભ બચ્ચન નજરે પડે છે.
મહાનાયક અમિતાભ બચ્ચન એ ૭૨ વર્ષની ઉંમરે પણ હજુ નવી ફિલ્મો માં કામ કરવાનું ચાલુ રાખ્યું છે.અમિતાભ બચ્ચન હાલ સુરેન્દ્રનગર નજીક માલવણ ચોકડી પાસે ‘પીકુ’ ફિલ્મનું શૂટિંગ કરી રહ્યા છે.
સંદેશ.કોમના સૌજન્યથી આ અંગેના સમાચાર નીચેની લીંક ઉપર ક્લિક કરીને વાંચો.
અમિતાભ બચ્ચનના અને હિન્દી ફિલ્મોના ચાહકો માટે
એક મજાની વેબ સાઈટ.
નીચેની લીંક ઉપર અમિતાભ બચ્ચનની જૂની નોસ્ટાલ્જીક ફિલ્મોના ગીતો અને બીજી ઘણી બધી માહિતીનો ખજાનો જોવા મળશે.
Like this:
Like Loading...
Related
મને આનો જાત અનુભવ છે.
અને અમારી વચ્ચેનો બરફ ઓગળી ગયો. ભાંગી ટૂટી ભાષામાં એમની ભારત વિશેની જાણકારી અને સદ્ભાવની લાગણીઓ નાઈલના મુક્ત પ્રવાહની કની વહેવા લાગી.
ગાંધીજી, સલમાન ખાન, અમિતાભ બચ્ચન,ઐશ્વર્યાને એ લોકોએ યાદ કર્યા.
મેં નાસર, સાદત, નેફરેટી, ક્લિયોપેટ્રા અને રામસેસને …
———-
ફોટા સાથે અહીંયા….
https://gadyasoor.wordpress.com/2013/01/11/cairo-3/
LikeLike
અમને તેના ઘેરા અને ઘાટિલા અવાજ ખૂબ ગમે છે
મારી અને અમિતાભની વર્ષગાંઠ એક દિવસે……………
LikeLike
મજાની પોષ્ટ..ખૂબ સરસ ગીત ને એવાજ રૂઆબદાર વ્યક્તિત્ત્વનો અહેવાલ..પિરામીડ જેવી જ લાગણી અમે તો માણી.
રમેશ પટેલ(આકાશદીપ)
LikeLike