વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Daily Archives: ડિસેમ્બર 9, 2014

( 607 ) ” મીણબત્તી અને જીવન ” નું કાવ્ય …ચિંતન …… (મારી નોંધપોથીમાથી)

આજે સવારે આજની પોસ્ટનો વિચાર કરતાં કરતાં મારી નોધપોથીનાં પાનાં ફેરવી રહ્યો હતો ત્યારે તારીખ ૮મી સપ્ટેમ્બર ,૨૦૧૧ ના રોજ એમાં નોધેલું “ મીણબત્તી “ ઉપરનું કાવ્ય મારી નજરે પડ્યું.

મને બરાબર યાદ છે ઓગસ્ટ /સપ્ટેમ્બર ૨૦૧૧ માં બે મહિના મારી દીકરીને ત્યાં લોસ એન્જેલસ, એનેહેઈમમાં હતો. એ વખતે મારા જમાઈએ મારા લેપટોપમાં ગુજરાતીમાં કેમ લખાય એ શીખવ્યું હતું અને ગુગલ ગુજરાતીમાં લખવાની સીસ્ટમ કોમ્પ્યુટરમાં ડાઉનલોડ કરી આપી હતી. ત્યારબાદ ૧ લી સપ્ટેમ્બર ૨૦૧૧ ના રોજ ત્યાંથી જ મેં વિનોદ વિહાર બ્લોગની  શરૂઆત કરી હતી.

૮મી સપ્ટેમ્બર, ૨૦૧૧ ના રોજ સવારના ચા-નાસ્તો પતાવી બેક યાર્ડમાં  રાખેલા હીંચકા ઉપર વિચાર કરતો બેઠો હતો.પૂર્વ દિશામાં હમણાં જ બહાર આવેલા સૂર્યનાં બાળ કિરણો પીઠ પાછળથી શરીરને ગરમ કરતાં લોન અને ફૂલ ઝાડ ઉપર પથરાઈ રહેલાં એ જોઈ રહ્યો હતો.વાતાવરણમાં દિલને ખુશ કરી દે એવી આહલાદક ઠંડક હતી.

VRP- IN HINCHKA

 

દીકરી અને જમાઈ જોબ ઉપર જવા નીકળી ગયાં હતાં. બે દોહિત્રો  પણ એમની સ્કુલમાં જવા નીકળી ગયા હતા.વાતાવરણમાં સવારના કોલાહલ વિનાની શાંતિમાં એકલો હીંચકા ઉપર બેઠો  બેઠો વિચારોમાં ખોવાયો હતો . એ વિચાર વલોણામાંથી નીપજેલ માખણ એટલે જ આજની પોસ્ટમાં પ્રસ્તુત મીણબત્તી અને જીવન વિશેની કાવ્ય રચના.

એકલતામાં જ્યારે અંદરનો અને બહારનો કોલાહલ શાંત થઇ જાય ત્યારે એવા શાંત સરોવરના પાણી જેવા સ્થિર અને શાંત મનના  શૂન્યાવકાશમાંથી કોઈ   નવું સર્જન શક્ય બનતું હોય છે.  

ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી એક વિચક્ષણ રાજ પુરુષ હોવા ઉપરાંત એક સારા કવિ ,લેખક અને ચિંતક પણ છે.એકાંતમાં સર્જકની લેખનની પળનું પ્રાગટ્ય કેવી રીતે થાય છે એ એમણે નીચેના શબ્દોમાં સુંદર રીતે રજુ કર્યું છે. પદ્યમય ગદ્યનો એક સરસ નમુનો !

“કલ્પનાના અશ્વ ઉપર શબ્દનો અસબાબ સર્જક માટે સવારીની ખુમારી લઈને આવે છે.મન મેદાનની મોકળાશ કૃતિને કાગળ પર થનગનતું રૂપ આપી જાય છે ત્યારે રચના આકાર લેતી હોય છે.ક્રિયેશન માટે તો શૂન્યાવકાશ જોઈએ.આખું ને આખું  આકાશ,રૂપ રંગ વગરનું આકાશ આપણી ભીતર સમાઈ ગયું હોય ,ઉઘાડી આંખ પણ બહાર નહીં ,અંદર હોય, શબ્દની શોધ નહિ ,અક્ષરોનો મેળાવડો નહિ,હૃદય રડતું હોય,તીવ્રતા સ્પર્શતી હોય -જેમ સાગરના મોજાની ખારાશ જીભને કે આંખને અડકે તો ચીસ પડાવી દે : પણ નજર હૈયાને સ્પર્શે તો ? ભવસાગર અંદર જ સમાઈ જાય ….. શબ્દોની નાવ હલેસાં વગર હિલોળા લેવા માંડે !!!”

-નરેન્દ્ર મોદી

મીણબત્તી અને જીવન…… (મારી નોંધપોથીમાથી) 

મીણબત્તી અને જીવન વિષે એ દિવસના એકાંતના વિચારોમાંથી  જે સર્જન થયું અને નોધપોથીમાં ટપકાવી લીધું એને અપડેટ કરી આજે નીચે પ્રસ્તુત કરુ છું.

મીણબત્તી અને મનુષ્યનું જીવન ઘણી રીતે મળતું આવે છે.

એક મીણબત્તીથી ત્રણ વસ્તુ કરી શકાય છે.

કેટલીક મીણબત્તીને આપણે એ પૂરી બળી રહે એ પહેલાં એને ફૂંક મારીને ઓલવી નાખીએ છીએ . કોઈ મીણબત્તીને આપણે પૂરી બળવા દઈએ છીએ અને કોઈ મીણબત્તી પૂરી બળી જાય અને ઓલવાઈ જાય એ પહેલાં એનાથી બીજી મીણબત્તી સળગાવીને એની જ્યોતના પ્રકાશને ચાલું રાખીએ છીએ.

આ પ્રમાણે આપણી જિંદગીની મીણબત્તીની જ્યોત ઓલવાઈ જાય એ પહેલાં એ જ્યોતથી બીજી અનેક મીણબત્તીઓમાં જ્યોત પ્રગટાવી પ્રકાશ ફેલાવતા રહેવામાં જ જિંદગીની સાર્થકતા રહેલી છે.

આ જગતમાં મારા વિના બધું અટકી પડશે એમ માનનારાઓથી  કબ્રસ્તાન ભરપુર છે.આ જગત ઉપર કોઈના વિના કશું ય અટકી પડ્યું નથી કે પડશે પણ નહિ.ગુલાબો ખીલતાં રહેવાનાં છે,ખરતાં રહેવાનાં છે,પરંતુ ,એક ગુલાબના ફૂલની સાર્થકતા એના સૌન્દર્ય અને એની મહેકમાં છે. ગુલાબ ખરી પડશે, ભુલાઈ જશે પણ એની મહેંક અને સૌન્દર્ય સાથેની એની ગુલાબતા શાશ્વત રહેવાની છે.

મીણબત્તીનું કાવ્ય

Candle

હું છું એક મીણબત્તી

મૃદુ મીણની બનેલી હું છું એક મીણબત્તી,

ઋજુતા ,સુંદરતા છે મારી એક પહેચાન,

બાળી જાતને પ્રસરાવું બધે મારો પ્રકાશ ,

ગર્વ થાય  જ્યારે આપું હું મારું બલિદાન.

પ્રભુ સંગાથે મારો છે નિવાસ ચર્ચમાં, 

મારી સેવાની જ્યોત બુઝાય એ પહેલાં,

સાથી મીણબત્તીમાં જલાવું હું મારી જ્યોત,

મનુષ્ય જીવન બનાવો મીણબત્તી સમાન,

જીવન મીણબત્તી બુઝાઈ જાય એ પહેલાં,

પ્રકાશિત રાખો, અન્યમાં સેવાની જ્યોત,

જાતને ઓગાળો, પ્રકાશ ફેલાવો મારી જેમ ,

એ છે મારો હું બુઝાઉં એ પહેલાંનો આ સંદેશ.

મૃદુ મીણની બનેલી હું છું એક મીણબત્તી

પ્રકાશ માટે બલીદાન, એ મારી પહેચાન.

વિનોદ પટેલ  

૮મી સપ્ટેમ્બર ૨૦૧૧ ના રોજ આ કાવ્યને એ દિવસની  પોસ્ટમાં મુકવાનું હતું પણ કોઈ કારણે એ નોટબુકમાં જ રહી ગયું હતું એને આજની પોસ્ટમાં મૂકી શક્યો એનો આનંદ છે.એ વાતને ત્રણ વર્ષ ઉપરાંતનો સમય વીતી ગયો !

આભાર દર્શન

Namaste !

૧ લી સપ્ટેમબર, ૨૦૧૧ના રોજ જ્યારે વિનોદ વિહાર બ્લોગની  શુભ શરૂઆત કરી હતી એ વખતે મનમાં ડર હતો કે  બ્લોગ શરુ તો કર્યો છે પણ એને કેટલા માણસો વાંચવાના છે .

આજે ત્રણ વર્ષ અને બે મહિના વીત્યા બાદ વર્ડ પ્રેસના   વાચકો માટેના મીટરનું રીડીંગ બતાવે છે એ પ્રમાણે આજે  191700 + માનવંતા મુલાકાતીઓ વિનોદ વિહારમાં લટાર મારી   ચુક્યા છે અને 261 બ્લોગર અને અન્ય મિત્રો આ બ્લોગને નિયમિત ફોલો કરી રહ્યા છે .

વિનોદ વિહારમાં આજ સુધીમાં એકાંતના સર્જન જેવી  607 પોસ્ટ મુકીને વાચકોને રસ પડે એવા સંપાદિત તથા સ્વ-રચિત લેખો , કાવ્યો , વિડીયો વિગેરે મારફતે સૌને જીવન સ્પર્શી ,ચિંતન કરવા પ્રેરે સૌને ગમે એવી ઉપયોગી સાહિત્ય સામગ્રી પીરસવાનો બને એટલી ચીવટ અને જહેમતપૂર્વક પ્રયત્ન કર્યો છે.

મારે મન બ્લોગ અને બ્લોગીંગ શું છે એ અંગે અગાઉની પોસ્ટ નંબર(597)  માં મુકેલ અછાંદસ રચનામાં મારા વિચારો રજુ કર્યા છે . 

આજદિન સુધી જે મિત્રો/સ્નેહીજનોએ આ બ્લોગની મુલાકાત લઇ અને પ્રતિભાવ આપી મને પ્રોત્સાહિત કર્યો છે એ તમામ સાહિત્ય રસિક મિત્રોનો સાનંદ અંત:કરણપૂર્વક આભાર માનું છું .

વિનોદ પટેલ