વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Daily Archives: ડિસેમ્બર 12, 2014

( 610 ) જે બનવાનું છે એ બનવાનું જ છે …..સુખનો પાસવર્ડ – આશુ પટેલ

જગવિખ્યાત સાહિત્યકાર-વિચારક સમરસેટ મોમે તેમના જીવનના અનુભવોના, જ્ઞાનના અને ચિંતનના આધારે કેટલાંક તારણો કાઢ્યાં હતાં અને જીવનને અર્થપૂર્ણ, આનંદદાયક બનાવવા માટે કેટલીક સલાહો વાચકોને આપી હતી.

આજની પોસ્ટમાં પ્રસ્તુત લેખમાં એક અનુભવી ચિંતકનાં તારણો અને સલાહો તમને જરૂર જીવન ઉપયોગી અને પ્રેરક જણાશે.–વી.પ. 

 

અનપેક્ષિત ઘટના બને ત્યારે હાયવોય કરવાને બદલે જુદી રીતે વિચારવું.

જીવનના અનેક કડવા, મીઠા, ખાટા, તૂરા, ખારા અનુભવો મેળવનારા સફળ માણસોની સલાહો કે એમનાં ઘણાં નિરીક્ષણો માનવજાતને માટે ઉપયોગી સાબિત થતાં હોય છે.

જગવિખ્યાત બનેલા સાહિત્યકાર સમરસેટ મોમે તેમના જીવનના અનુભવોના, જ્ઞાનના અને ચિંતનના આધારે કેટલાંક તારણો કાઢ્યાં હતાં અને જીવનને અર્થપૂર્ણ, આનંદદાયક બનાવવા માટે કેટલીક સલાહો વાચકોને આપી. સમરસેટ મોમની આ બધી સલાહો સાથે બધા લોકો સહમત થાય એવું જરૂરી નથી, પણ સમરસેટ મોમની આ સલાહો પર વિચાર જરૂર કરવો જોઈએ. સમરસેટ મોમ ટીનેજર હતા ત્યારથી જ તેમણે રોજનીશી લખવાની ટેવ પાડી હતી. આ સલાહો પૈકી ઘણી વાતો તેમણે પોતાની રોજનીશીમાં પણ ટપકાવી હતી. વાચકો સાથે તેમની કેટલીક સલાહો શેર કરવી છે. 

* કોઈ પણ અનપેક્ષિત-અણધારી ઘટનાથી તમને તકલીફ પહોંચે ત્યારે જુદી રીતે વિચારવાની કોશિશ કરી જુઓ. એવી ઘટના વિશે હાયવોય કે અફસોસ કરીને ઊંડા નિસાસા નાખવાને બદલે એ ઘટનાની અનિવાર્યતા વિશે વિચારવું. એવું કરવાથી દુ:ખ દૂર તો નહીં થઈ જાય પણ હળવું અવશ્ય બની જશે. જે બનવાનું છે એ તો બનવાનું જ છે. જીવનમાં આવતાં ઘણાં દુ:ખોનાં કારણો શોધીને, એને સમજી લઈને, પચાવી લઈને આગળ વધવાથી જીવનનો ઘણો બોજ હળવો થઈ જાય છે. 

* તમે પાડોશીઓ કે મિત્રોની તકલીફ વખતે તેમના પ્રત્યે સહાનુભૂતિ દર્શાવો કે તેમને મદદ કરો તો એ માટે એવી ભાવના ના રાખો કે તમે પાડોશી કે મિત્ર પર ઉપકાર કર્યો છે. એ તમારો ઉપકાર નથી, તમારી પાસેથી મુશ્કેલીમાં સહાનુભૂતિ કે મદદ મેળવવાનો એમનો અધિકાર છે. 

* ઉપરવાળાને પ્રાર્થના કરતી વખતે તેની પાસેથી બે ટંકનો રોટલો, નોકરી કે પૈસા જેવી વસ્તુઓની માગણી ના કરતા. એવું કરવું એ ઈશ્ર્વરનું અપમાન કરવા સમાન છે, એવું મારું માનવું છે. ઈશ્ર્વરને તમે સર્વશક્તિમાન માનતા હો તો તેની સામે નોકરી કે પૈસાની માગણી કરીને તમે તેની મહત્તા ઘટાડો છો. 

* ગંભીર બનીને જીવવા કરતાં રમૂજવૃત્તિ સાથે મોકળા મનથી જીવો. મન પર ગંભીરતા કે બીજો કોઈ નકામો ભાર રાખીને જીવવા કરતાં હળવાફૂલ બનીને જીવો અને જુઓ કે જીવવાની કેવી મજા આવે છે. 

* દરેક વ્યક્તિએ ખુશમિજાજ રહેવું જોઈએ. જીવનને થોડું હળવાશથી લેતા શીખવું જોઈએ. માણસની પ્રકૃતિ ગંભીર હોય તો પણ તેણે મોઢું ચડાવીને બેસી ના રહેવું જોઈએ. કવિઓ અને લેખકો ક્યારેક ગંભીર બનીને ચિંતન કરે એ ઠીક છે પણ તેમણે ગંભીર મોઢું રાખીને ફરવાને બદલે થોડા અલ્લડ કે રમતિયાળ સ્વભાવના પણ બનવું જોઈએ. કવિઓ અને લેખકોને તો હું ખાસ કહીશ કે તેમણે ગંભીરતા અને રમૂજવૃત્તિ વચ્ચે બેલેન્સ કરતા શીખવું જોઈએ. પત્રકારોને પણ હું આવી સલાહ આપીશ. 

અમુક પ્રકારનો અહમ્ જરૂરી પણ છે, એવો અહમ્ જે માણસને સર્જન કરવા પ્રેરે છે. 

* ઘણા લોકો કહે છે કે માણસ બીજા કોઈને કારણે દુ:ખ અનુભવે કે બીજા માણસના વર્તનને કારણે તેને લાગી આવે તો એની પાછળ દુ:ખી થનારા માણસનો અહમ્ જવાબદાર હોય છે. પણ હું કહીશ કે આવો અહમ્ જરૂરી પણ છે અને સર્જનશીલ માણસો માટે તો આવો અહમ્ જ સંગીત, કવિતા, કલા કે લેખનનું સર્જન કરાવે છે. 

* કોઈ સ્ત્રીની સાથે માત્ર શારીરિક સંબંધ બાંધવાના હેતુથી જ તેને ‘આઈ લવ યુ’ કહેનારા માણસો પોતાની જાતને અને જે – તે સ્ત્રીને અન્યાય કરે છે. તમે કોઈ સ્ત્રીને ચાહતા હો તો તેના માટે કોઈ પણ ભોગ આપવાની તૈયારી રાખવી જોઈએ. બાકી માત્ર શારીરિક સંબંધ તો પૈસાથી પણ મેળવી શકાય છે. આ જ વાત સ્ત્રીઓને પણ લાગુ પડે છે. તેના સંબંધનું કેન્દ્ર સેક્સ જ હોય તો તે સામેવાળાની સાથે પોતાનું પણ અપમાન કરે છે. 

પોતાના લેખન થકી જગવિખ્યાત બનેલા સાહિત્યકાર સમર સેટ મોમે પોતાના જીવનના અનુભવોના આધારે જીવનમાં ઉપયોગી બને એવી કેટલીક વાતો લખી, સલાહો આપી એમાં તેમણે પોતાના જાતભાઈઓને એટલે કે લેખકોને આડે હાથે લીધા હતા. ખાસ તો એ મુદ્દે કે, દુ:ખ, દર્દ અને વેદનાને ઘણા લેખકો ગ્લૉરિફાય કરે છે એટલે કે કોઈ માણસ દુ:ખ, દર્દ કે વેદના સહન કરે તેને મહાન ચીતરી દેવાની તેઓ કોશિશ કરે છે, દુ:ખ દર્દ સહન કરનારા માણસો માત્ર એના કારણે ઉચ્ચ ચારિત્ર્ય ધરાવતા થઈ ગયા એવું ઠસાવવાની કોશિશ કરે છે. 

સમરસેટ મોમની આવી કેટલીક વધુ વાતો, કેટલીક વધુ સલાહો જોઈએ.

માત્ર દુ:ખ કે દર્દ ભોગવવાને કારણે કોઈ માણસનું ચારિત્ર્ય ઉમદા કે શુદ્ધ બની જતું નથી. 

* દુ:ખ-દર્દ સહન કરનારા માણસને માત્ર એ કારણે જ મહાન ગણી લેવામાં આવે એ યોગ્ય નથી. મેં પોતે બહુ જ દુ:ખો સહન કર્યાં છે, ઘણી વાર દર્દ અનુભવ્યું છે. પણ હું કહીશ કે માત્ર દુ:ખ કે દર્દને કારણે કોઈ માણસનું ચારિત્ર્ય ઉચ્ચ કક્ષાનું અથવા શુદ્ધ બની જતું નથી. દુ:ખને કારણે ચારિત્ર્ય શુદ્ધ બને એવા ભ્રમમાં ના રહેવું. 

* કોઈ પણ જાતનું દુ:ખ સારું નથી. મેડિકલ કૉલેજના વિદ્યાર્થી તરીકે હું સેન્ટ થોમસ હૉસ્પિટલમાં જતો ત્યારે શારીરિક દુ:ખથી પીડાતા દર્દીઓને મેં જોયા છે. એ જ રીતે યુદ્ધમાં ઘાયલ થયેલા સૈનિકોનાં દર્દનો પણ હું સાક્ષી બન્યો છું. કોઈ પણ પ્રકારનું દર્દ સારું નથી. દુ:ખની અસરથી માણસ સંકુચિત સ્વભાવનો બને છે, પોતાનું દુ:ખ દૂર કરવામાં એ રચ્યોપચ્યો રહે છે અને એ રીતે સ્વકેન્દ્રી બને છે. 

* જે માણસ પર દુ:ખ આવી પડે તે માણસ પોતાના દુ:ખને જ અને એ સમયમાં તેણે પોતાની આજુ બાજુ ઊભા કરેલા વાતાવરણને જ સૌથી વધુ મહત્ત્વનું માની બેસે છે, બીજાના સુખ કે દુ:ખ તેને માટે મહત્ત્વના રહેતા નથી. હા, તે બીજાના સુખની ઈર્ષા જરૂર કરવા માંડે છે. દુ:ખ કે દર્દ આવી પડે ત્યારે માણસ વાતે વાતે અકળાઈ જાય છે, નાખી દેવા જેવા મુદ્દે ઝઘડા કરવા તૈયાર થઈ જાય છે. હું પોતે દુ:ખના સમયમાં સંકુચિત, ઈર્ષાખોર અને સ્વાર્થી તથા ઝઘડાખોર બન્યો છું. મેં નિરાશાઓ અને મુશ્કેલીઓનો સામનો કર્યો અને મારા એ હતાશાભર્યા દિવસોમાં મારા સૌ મિત્રો-પરિચિતો, સગાંવહાલાંએ મને પડતો મૂકી દીધો એ વખતે મારા મનમાં જે ભાવો જાગ્યા હતા એના આધારે હું આ વાત કરી શકું છું. 

* દુ:ખ, દર્દ, ગરીબીને ગ્લૉરિફાય કરવાને બદલે એવું માનવું જોઈએ, મનાવવું જોઈએ કે સમૃદ્ધિ એ દરેક માણસનો હક છે. 

* દુ:ખથી માણસ જોડાતો નથી, અંદરથી તૂટે છે. 

ધીરજને માત્ર એક શસ્ત્ર કે સાધન તરીકે વાપરી શકાય, પણ એનો હંમેશાં ઉપયોગ ના કરવો. 

* સુખી અને તંદુરસ્ત માણસ તેની તમામ શક્તિનો ઉપયોગ કરી શકે છે અને બીજા માણસોને પણ સુખી કરી શકે છે. દુ:ખી માણસ તેની આજુબાજુના બીજા માણસોને પણ ડિસ્ટર્બ કરી મૂકે છે, પણ સુખી માણસ તેની અગાધ શક્તિનો ઉપયોગ કરીને બીજા માણસોની સુષુપ્ત શક્તિને જગાડી શકે છે. સુખી માણસ તેની શક્તિ અને બુદ્ધિનો ઉપયોગ કરીને સમય અને સંજોગો સામે બાથ ભીડી શકે છે. 

* દુ:ખના નિષ્ફળતાના સમયમાં હું નકારાત્મક લાગણીઓથી પીડાતો હતો. પણ પછી જ્યારે મારી મહેનત અને લેખનની સાધનાનું મને ફળ મળ્યું, સુખ મળ્યું એને કારણે હું સારો માણસ બની શક્યો. દુ:ખના સમયમાં હું બીજા માણસોનું સુખ જોઈ શકતો નથી. 

* એ વાત સાચી છે કે દુ:ખના સમયમાં માણસ ધીરજવાન બને છે અને ધીરજવાન માણસ સારો લાગે છે પણ ધીરજને કાયમ માટે કોઈ મહાન ગુણ ના માની લેશો. ધીરજ માત્ર એક શસ્ત્ર કે એક સાધન છે. ધીરજનો ઉપયોગ એ રીતે કરી શકાય. જે માણસોને મહાન કામ કરવાના હોય એમને માટે ધીરજની વાત બરાબર છે, પણ નાના-નાના કામ કરવા માટે ધીરજની વાત ના કરવી જોઈએ. તેણે તો ‘કલ કરે સો આજ કર’ની નીતિ જ અપનાવવી જોઈએ. સ્ટેશન પર તમારી નજર સામે ટ્રેન ચાલુ થઈ જાય ત્યારે ધીરજ ના ધરવાની હોય. દોડીને એ ટ્રેન પકડી લેવી જોઈએ. 

* અમુક જગ્યાએ ધીરજ પણ જરૂરી છે. કોઈ માણસને એ ખરેખર કેવી છે એ સમજવા માટે ધીરજ રાખવી જોઈએ. મારી એ ખામી હતી કે હું માણસોનો અભ્યાસ કરવામાં ધીરજ નહોતો રાખી શકતો. પણ પછી હું એ તારણ પર આવ્યો કે સાચા લેખકે અવિરતપણે માણસોનો અભ્યાસ કરવો જોઈએ. કેટલાક વિચિત્ર પ્રકારના નમૂનાઓને પોતાની વિશેષતાઓ જણાવી દેવાનો ઉત્સાહ હોય છે, પણ કોઈ એવરેજ માણસ વાસ્તવમાં કેવો છે એ સમજવા માટે ધીરજ રાખવી જોઈએ. 

મુંબઈ સમાચાર.કોમ માંથી સાભાર )