વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Daily Archives: ડિસેમ્બર 14, 2014

( 612 ) પ્રતિલિપિ અને એની ટીમનો ગુજરાતીમાં વિશેષ પરિચય

 વિનોદ વિહારની તારીખ ૧૩ મી ડીસેમ્બર ૨૦૧૪ ની પોસ્ટ નંબર ૬૦ માં મારા ઈન્ટરવ્યું સાથે પ્રતિલિપિ વિષે મને ઉપલબ્ધ કેટલીક માહિતી આપવામાં આવી હતી .

આ પોસ્ટ પછી ઘણા વાચકોએ પ્રતિલિપિમાં ખુબ રસ દાખવ્યો હતો અને એના વિષે વધુ જાણવાની ઈચ્છા વ્યક્ત કરી હતી .

એક વાચકે એમના પ્રતિભાવમાં એમના હૃદયનો ઉમળકો બતાવતાં લખ્યું છે:

“પ્રતિલીપીનો પરિચય કરાવવા બદલ ખૂબ-ખૂબ આભાર.ખુલજા સીમ-સીમ જેવા અણમોલ ખજાનાના દરવાજે પહોંચાડવા બદલ શત-શત પ્રણામ.”

વાચકોનો પ્રતિલિપિ માટે વધુ જાણવા માટેનો રસ જોતાં વાચકો સાથેના સંપર્ક્નું કામ સંભાળતાં ટીમ પ્રતિલિપિનાં સુ.શ્રી શૈલીબેનને એમની સાથે ફોનમાં વાત કરી એમની આ સંસ્થા વિષેની માહિતી ગુજરાતી ભાષામાં મોકલવા માટે જણાવ્યું હતું.

મારી અગાઉની પોસ્ટમાં ઘણી માહિતી અંગ્રેજીમાં હતી એટલે અંગ્રેજી ના જાણતા હોય એમને માટે ગુજરાતીમાં માહિતી ઉપલબ્ધ બને એ જરૂરી હતું .

આના પ્રત્યુત્તરમાં શૈલીબેનએ એમના તારીખ ૧૩ મી ડીસેમ્બરના ઈ-મેલમાં પ્રતિલિપિને લગતી અને એની ટીમ વિશેની માહિતી ગુજરાતીમાં મોકલી આપી છે એને વિનોદ વિહારની આજની પોસ્ટમાં વાચકો માટે રજુ કરતાં આનંદ થાય છે. 

વિનોદ પટેલ

=================================== 

પ્રતિલિપિના મંચ પર આપ સહુનું  હાર્દિક સ્વાગત છે.  

LOGO OF PRATILIPI

LOGO OF PRATILIPI

પ્રતિલિપિ ભારતીય ભાષા સાહિત્યને એક મંચ પર જોડતું બેન્ગ્લુરું સ્થિત યુવા સાહસ છે. પ્રતિલિપિ એ ભારતીય ભાષા સાહિત્યકારોને માતૃભાષાના વાચક વર્ગ સાથે જોડતું એક એવું મંચ છે જે દરેક નવોદિત તથા અનુભવી સાહિત્યકારોને નિઃશુલ્ક પ્રકાશિત કરીને દરેક સાહિત્યકારને તેની નવી ઓળખ ઉભી કરવાની તક આપી રહ્યું છે. પ્રતિલિપિ એ એક સેલ્ફ પબ્લીશીંગ તથા ઈ –પુસ્તકોનું વેચાણ કરતુ પ્લેટફોર્મ છે. 

પ્રતિલિપિ સાથે જોડાઈ રહેલા સાહિત્યકારોને ત્રણ સર્વિસ નિઃશુલ્ક આપવામાં આવી રહી છે. 

1)દરેક લેખકને પોતાની વ્યક્તિગત માઈક્રોસાઈટ આપવામાં આવશે.માઈક્રોસાઈટનો સરળ અર્થ એ છે કે એક નવો વાચક લેખકની રચનાઓની સાથે લેખક વિશે જાણી શકે અને તેની સાથે દ્વિ તરફી સંવાદ પણ કરી શકશે. 

2) દરેક લેખક પોતાની રચના/સાહિત્યને નિઃશુલ્ક પ્રકાશિત કરી શકશે. 

3) પ્રતિલિપિ પર પ્રકાશિત સાહિત્યનુ પ્રતિલિપિના મંચ પરથી વેચાણ પણ થઇ શકશે.જો આપશ્રી પ્રતિલિપિના માધ્યમથી આપના ઈ-પુસ્તકોનું વેચાણ કરવા માંગતા હોવ અને આપશ્રીની પ્રાયઃ પ્રકાશિત પુસ્તકોના કોપીરાઈટસ જો આપની પાસે હોય તો અમને વર્ડ / પીડીએફ માં મોકલી આપશો પ્રતિલિપિના મંચ પર એ પુનઃ પ્રકાશિત થશે જે નિઃશુલ્ક છે. ઇ – પુસ્તકોના નકલદીઠ વેચાણ પર 70% જેટલી રોયલ્ટી લેખકના અકાઉન્ટમાં જમા થશે. 

પ્રતિલિપિનો વેચાણ વિભાગ જાન્યુઆરીમાં કાર્યરત થશે ત્યાં સુધી આપ સાહિત્યમાં સિંગલ વાર્તાઓ/ લઘુકથાઓ / કવિતાઓ / નિબંધો / આર્ટીકલ પ્રતિલિપિના પ્લેટફોર્મથી નિઃશુલ્ક પ્રકાશિત કરી શકો છો. વધારે ક્લેરીફીકેશન માટે આપશ્રી અમારી સાઈટની મુલાકાત www.pratilipi.com  પર લઇ શકો છો જ્યાં હિન્દી , ગુજરાતી અને તમિલ ભાષાના 400 થી વધુ લેખકો જોડાયેલ છે. અને 2000 કરતા વધારે સાહિત્ય પ્રકાશિત કરાવી ચુક્યા છે. 

પ્રતિલિપિ પર પ્રકાશિત સાહિત્યનો  રોજના 3000 જેટલા વાચકો ઓનલાઈન લહાવો લઇ રહ્યા છે.

આપને જણાવ્યું તે મુજબ હાલમાં પ્રતિલિપિના મંચ પર ફ્રી સાહિત્ય જ પ્રકાશિત થઇ રહ્યું છે. 

આથી વિશેષ કોઈપણ જાણકારી જોઈતી હોય તો આપશ્રી અમને

ઈચ્છો ત્યારે સંપર્ક કરી શકો છો.

આપની આભારી,

શૈલી 

ટીમ પ્રતિલિપિ 

+91 9979880776

shally@pratilipi.com 

પ્રતિલિપિની ટીમ

pratilipi team

અમારો પરિચય:

નમસ્તે

 ૧. રણજીત પ્રતાપ સિંગ

KIIT યૂનિવર્સિટી, બી.ટેક; FMS-ડેલ્હી, MBA. જેઓ એક ઉત્સુક વાચક અને ચાના રસિયા છે.

૨. પ્રશાંત ગુપ્તા 

 BITS PILANI, B.E અને M.E.; ત્રણ વર્ષનો કામનો અનુભવ AMAZON સાથે. જેઓ કોડિંગના બાદશાહ અને ચાના રસિયા છે.

૩. રાહુલ રંજન

KIIT યૂનિવર્સિટી, બી.ટેક.; ચાર વર્ષનો કામનો અનુભવ TCS સાથે. જેઓ શ્રેષ્ઠ કૉડર અને ચાના રસિયા છે.

૪. શૈલી મોદી 

SP યૂનિવર્સિટી, MSc, MBA. જેઓ ડબલ ગોલ્ડ મેડલિસ્ટ છે અને ઉત્તમ મસાલેદાર ચા બનાવી જાણે છે.

૫. સંકરનારાયાના દેવરાજન 

Anna યૂનિવર્સિટી, બી.ટેક; FMS-ડેલ્હી, MBA. જેઓએ તેમની પ્રથમ ૬ ડિજિટ સૅલરી છોડી વગર વેતને કામ કર્યું, કારણ કે તેઓ કામની મજા માણવામાં માને છે. તેઓ પ્રખર જિજ્ઞાસુ અને ચાના રસિયા છે. 

શૈલી 

ટીમ પ્રતિલિપિ 

pratilipi -tea

ઉપર શૈલીબેને કરાવેલ એમની ટીમના પરિચયમાં  થોડું ઉમેરવાનું મન કરે છે. 

પ્રતિલિપિની પાંચ સભ્યોની બનેલી આ ટીમ કેવી ઉત્સાહી અને ભાષા પ્રત્યે કેટલી સેવા પરસ્ત છે એનો ખ્યાલ પ્રતિલિપિ ના બ્લોગ ની પ્રસ્તાવના વાંચવાથી મળી શકશે.

આ પ્રસ્તાવનામાં જણાવાયું છે કે :  

દિવસે ને રાતે બદલાતી ટેકનોલોજિના આ ટાઈમમાં ભાષા અને સાહિત્યને પ્રોત્સાહન આપતાં ઘણાં માધ્યમો ઉપલબ્ધ છે.હસવું આવી જાય એવી વાત છે, પણ જુઓ ને હજી કાલ સુધી આપણે ગુજરાતીમાં ટાઈપ કઈ રીતે કરવું એ માટે એકબીજાને શિખામણો આપતા હતા !

ડોક્ટરો અને ઇજનેરોની હોડમાં ગૃહિણીઓ પણ બ્લૉગ લખવામાં વધારે પાછળ નથી. સહુ પોતાના મનની વાતો સહુની સાથે કરી રહ્યાં છે. પાડોશી સાથે વાત કરતાં પહેલાં વિચાર કરનારાઓ અજાણ્યા અને ક્યાંય વસતા લોકો ને ફૉલો કરી રહ્યા છે.

બસ, આ જ બધાં અવલોકનો અમે પાંચે પણ કર્યાં.

સરેરાશ છવ્વીસનાં અને આકસ્મિકપણે સરખો રસ ધરાવતાં અમે પાંચ મળ્યાં પણ એવી જ એક સોશિયલ ડિસ્કસન ફૉરમ ઉપર (ક્વૉરા ઇન્ડિયા).ભારતનાં ચાર ખૂણાનાં રાજ્યોમાંથી મિત્રતાના સેતુએ જોડાયેલાં અમે પાંચેએ નક્કી તો ત્યારે જ કરી નાખ્યું હતું કે એમ.બી.એ અને એમ.એસ. કોઈ કામનાં નથી, જો અમે અમારી રુચિને સમજી ના શકીએ તો.

અંતે ઘણી બધી હિતેચ્છુ શિખામણોના અવરોધો વચ્ચે અમે અમારી છ ડિજિટ સૅલરી અને એમ. એન. સી. જોબને અલવિદા કરી દીધી.

પ્રતિલિપિના માધ્યમથી અમે બંગાળી, હિન્દી ,ગુજરાતી અને તમિલ જેવા વિવિધ ભાષાના ‘ચેતન ભગતો’ની ઓળખાણ કરાવવા માગીએ છીએ. પ્રતિલિપિના માધ્યમથી તમે તમારા પસંદગીના લેખકો અને કવિઓ સાથે સીધો વાર્તાલાપ કરી શકો છો. “ 

આ ટીમ દ્વારા પ્રતિલિપિને  ૧૪મી સપ્ટેમ્બર ૨૦૧૪ ના રોજ લોન્ચ કરવામાં આવી હતી. આટલા ટૂંકા ગાળામાં શૈલીબેનએ એમની માહિતીમાં જણાવ્યું છે એમ પ્રતિલિપિ  માં હિન્દી , ગુજરાતી અને તમિલ ભાષાના 400 થી વધુ લેખકો જોડાયા છે અને 2000 કરતાં વધારે સાહિત્ય પ્રકાશિત કરાવી ચુક્યા છે. 

પ્રતિલિપિ પર પ્રકાશિત સાહિત્યનો  રોજના 3000 જેટલા વાચકો ઓનલાઈન લહાવો લઇ રહ્યા છે.

આવી સુંદર પ્રગતિ પ્રતિલિપિ ટીમની ધગસ અને નિસ્વાર્થ જહેમતનું પરિણામ છે. હિન્દી,ગુજરાતી અને તમિલ ભાષા જેવી ભારતીય ભાષાઓના ઉત્કર્ષ માટેની એમની સેવાઓ માટે તેઓને  ખરેખર અભિનંદન ઘટે છે.

વિનોદ પટેલ