Daily Archives: જાન્યુઆરી 3, 2015
મારા સંસ્મરણો- સાંકડીશેરી, સાયકલ અને કુટુંબ .
શ્રી નવીન બેન્કર
મારો આ ફોટો ૪૦ વર્ષ પહેલાનો છે.કદાચ ૧૯૭૫ની આસપાસનો.
સરનામું હતું- ૫૪૪, ઝુંપડીની પોળ, સાંકડીશેરી, અમદાવાદ-૩૮૦૦૦૧ ( ખાડીયા વોર્ડ, માણેકચોક ). પોળની અંદર ખડકી અને લગભગ છેવાડાનું બે માળનું ઘર. નીચે રણછોડકાકા અને શાંતામાસી રહેતા હતા, અને મેડા પર અમે- અમે એટલે મારા દાદીમા વિચક્ષણ વિદ્યાબા, મારા પિતાશ્રી. રસિકલાલ બેન્કર, કાકા રમણલાલ, મારી બા કમુ, હું અને મારા અન્ય છ ભાઇબહેનો- કોકિલા, દેવિકા, સુષમા, સંગીતા, વીરુભાઇ, અને અન્ય બે જે નાની ઉંમરમાં જ ગુજરી ગયેલા.
ઘરમાં કોઇ સોફાસેટ, પલંગ, ડાઇનીંગ ટેબલ નહોતા. ચિત્રમાં દેખાય છે એ દાદરા પાસેનો કઠેડો…કાચના બારણાવાળું શો-કેઇસ…લાકડાની બેઠક પર સુષમાબેન…મારી બકુ અને ગુચ્છાદાર વાળ વાળો નવીન બેન્કર. મારી સાઈડમાં પાછળ ગોદડા મૂકવાના ડામચીયાની ઝાંખી થાય છે. ઘરમાં ત્યારે ઇલેક્ટ્રીસીટી પણ ન હતી. ફાનસના અજવાળે અમે રહેતા હતા. રાત્રે એ બેઠક પાસે મેઇન રુમમાં જ મારી બા, બાપુજી, અને ભાઇબહેનો બાજુ બાજુમાં પથારીઓ નાંખીને ફર્શ પર જ સુઇ જતા અને સવારે એ પથારીઓ ઉપાડી લઈને ડામચીયા પર ગોઠવી દેતા. ચાદરો કે ઓશીકાના કવરો હતા કે કેમ એ તો મને યાદ જ નથી. આટલા બધા વચ્ચે જુદા જુદા ટૂવાલ હતા કે નહીં એ પણ યાદ નથી. બાથરુમ તો હતું જ નહી.
આગળની ગેલેરીમાં, અગાશી પર જવાની સીડી પાસે , ખુલ્લામાં એક ત્રાંબાનો બંબો હતો જેની પાસે ખુલ્લા આકાશ નીચે, અમે સ્નાન કરી લેતા હતા. સ્ત્રીઓ નહાવા બેસે ત્યારે પુરુષો નીચે જતા રહેતા. બે નાનકડી ઓરડીઓ હતી જેમાં દાદીમાની સેવા, અનાજકરિયાણું, રાંધેલા ધાન મૂકવાનું એક કબાટ, છાજલીઓ, વધારાના વાસણો, અનાજ દળવાની ઘંટી પડ્યા રહેતા અને મારા દાદીમા ત્યાં જ સૂઇ જતા. અમે એ ઓરડીને ‘બાની ઓયડી’ કહેતા. બીજી બાજુની ઓયડીમાં એક નાનકડું વા-બારીયું હતું. જ્યાં જમીન પર એક નાનકડી પથારી પર હું અને બકુ સૂઇ જતાં. મોટેભાગે એ ઓયડીનો દરવાજો એકાદ કલાક બાદ કરતાં ખુલ્લો જ રાખવો પડતો નહીંતર ગુંગણામણ થતી. મારા લગ્ન પહેલાં એ ઓરડી ‘મોટાભાઇની ઓયડી’ કહેવાતી. શ્રીરામ..શ્રીરામ…
અમારી દુનિયા માણેકચોક, રાયપુર, રતનપોળ, ગાંધીરોડ અને ભદ્રકાળીમાતાનું મંદીર કે ધનાસુતારની પોળના માતાજીનું મંદીર સુધીમાં જ સમાઇ જતી હતી. મોટેભાગે અમે બધા ચાલી ચાલીને જ જતાં. ૧૯૬૦ પછી મેં એક જુની હરક્યુલીસ સાઇકલ પચાસ રુપિયામાં સેકન્ડહેન્ડ ખરીદી હતી. એ જમાનામાં નવી સાઇકલ બસ્સો રુપિયામાં મળતી.સાઇકલ ખરીદવા માટે સરકારી ઓફીસોમાં ૨૦૦ રુપિયાની લોન મળતી હતી. ૧૯૬૨ના જુલાઇ માસમાં મારો ગ્રોસ પગાર રુપિયા ૧૬૧ અને ૮૨ પૈસા હતો જેમાં મારા વિચક્ષણ વિદ્યાબા ( દાદીમા ) મહિનાનો ઘરખર્ચ ચલાવતા. ૧૯૮૬ના જાન્યુઆરિમાં મેં વોલન્ટરી રીટાયમેન્ટ લીધું ત્યારે મારો ગ્રોસ પગાર ૧૪૦૦ રુપિયા હતો અને મારૂ માસિક પેન્શન ૮૫૦ રુપિયા જે આજે વધી વધીને ૮૫૦૦ રુપિયા થઈ ગયું છે.
મારી એ જુની સાઇકલની યાદોને મેં મારા બ્લોગ પર મૂકી છે.૧૯૬૦માં લીધેલી એ સેકન્ડહેન્ડ સાઇકલ મેં છેક ૨૦૦૮ સુધી ચલાવી હતી- ટ્યુબટાયર બદલવા પડતા બાકી હું સાયકલને હવામાં ઉડાડતો. સેટેલાઇટથી લાલ દરવાજા અને માણેકચોક સુધી, ગવર્નર પર કંતાનની જાડી થેલીમાં ખાંડ, ગોળ અને શાકભાજી ભરીને સીટી વગાડતા વગાડતા , ઝુલ્ફોને હવામાં લહેરાવતો લહેરાવતો, એક હાથ છૂટ્ટો મૂકી દઈને, મસ્તીથી સાયકલ ચલાવતો. ૧૯૭૯માં અમેરિકા આવ્યા પછી યે જ્યારે જ્યારે અમદાવાદ જાઉં ત્યારે પણ ૨૦૧૦ સુધી સાયકલ ચલાવી છે. ૧૯૮૨માં લેમ્બી સ્કૂટર, ચેતક સ્કૂટર પર સજોડે મુસાફરી કરતાં કરતાં પણ સાયકલ તો ચલાવતો જ હતો.
૨૦૧૦માં મેં બેલેન્સ ગૂમાવી દીધું. હાલમાં હું સાયકલ કે સ્કૂટર ચલાવી શકતો નથી.
૨૦૧૦માં મેં મારી એ પ્રિય સંગિની હરક્યુલસ સાયકલ અમારે ત્યાં પ્લમ્બીંગનું કામ કરવા આવનાર એક કારીગરને ગીફ્ટ તરીકે આપી દીધી-અલબત્ત, નવા ટ્યુબટાયર નંખાવી ,ઓવરહોલીંગ કરાવીને, નવી બ્રેકો નંખાવીને ચાલુ હાલતમાં. પ્લમ્બર સાયકલ લઈને ગયો ત્યારે હું છૂટ્ટે મ્હોંએ રડેલો.
આજે અમેરિકામાં, ટોયોટા કોરોલા ચલાવતા એ આનંદ નથી આવતો જે એ સાયકલ ચલાવતા આવતો હતો. કોઇ હિન્દી ફિલ્મમાં રાજેન્દ્રકુમારને વૈજયંતિમાલાને સાયકલના આગળના ડંડા પર બેસાડીને , ‘બનકે પંછી ગાયે પ્યારકા તરાના’ જેવા ગીતો ગાતા જોઇને પણ હું આજે ય રડી પડું છું.
આજે જીવનના બધા જ થ્રીલ, એક્સાઈટમેન્ટ્સ ખત્મ થઈ ચૂક્યા છે. ઇન્ટરનેટ પર ગુજરાતીમાં ઘસડવું…લોકોને ઇ-મેઇલ્સ કરવા…ઢગલાબંધ ફિલ્મો થીયેટરમાં બેસીને જોવી…રાત્રે હિન્દી સિરીયલો જોવી.. લાયબ્રેરીમાં જઈને પુસ્તકો વાંચવા…સમાન વિચારસરણીવાળા મિત્રો સાથે ગપાટા મારવા…સિનિયર્સ મંડળ, સાહિત્ય સરિતા, હિન્દી કવિતાગ્રુપ, જેવા સાથે સમય વિતાવવો, હરનીશ જાની , પ્રવિણકાંત શાસ્ત્રી કે ચિમન પટેલ જેવા વિદ્વાનો સાથે ઇન્ટરનેટ પર ગૂફ્તગો કરી લેવી… એ જ માત્ર પ્રવૃત્તિ રહી ગઈ છે. ( સમાન વિચારસરણીવાળી સ્ત્રી મિત્રોના નામ નથી લખતો ).
બાકી, સાચું કહું ? બે હાથ જોડીને કોઇ રુપાળીને ‘જય શ્રી કૃષ્ણ’ કહેવું દિલથી નથી ગમતું. કોઇને પણ ગમે ????
નવીન બેન્કર- લખ્યા તારીખ-૧૨ ડીસેમ્બર ૨૦૧૪
Navin Banker (713-818-4239)
Ek Anubhuti : Ek Ahesas.
વાચકોના પ્રતિભાવ