વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

( 629 ) કવિ સુન્દરમ્ નાં બે કાવ્યો (૧) એક સવારે….(૨) તે રમ્ય રાત્રે…રસાસ્વાદ સાથે

એક સવારે – સુન્દરમ્

એક સવારે આવી,
મુજને કોણ ગયું ઝબકાવી ?

વસંતની ફૂલમાળા પહેરી,
કોકિલની લઈ બંસી,
પરાગની પાવડીએ આવી,
કોણ ગયું ઉર પેસી ? મુજને૦

કિરણ તણી કોમળ અંગુલિએ
રમ્ય રચી રંગોળી,
સોનલ એના સ્નેહસુહાગે
કોણ રહ્યું ઝબકોળી ? મુજને૦

– સુન્દરમ્

‘એક સવારે’ ગીતમાં પરમતત્ત્વની અનુભૂતિનો સ્પર્શ વિસ્મયયુક્ત મનોહર વાણીમાં પ્રશ્નરૂપ પામ્યો છે.

જીવાત્મા જાગૃતિના પહેલવહેલા અનુભવની કૌતુકસભર વાતમાં ‘એક સવારે’ પોતે તો ગાઢમાં નિદ્રામાં હતો ત્યારે વસંતની ફૂલમાળા પહેરીને, કોયલના સ્વરની બંસી લઈ, પુષ્પરાગની પાવડીઓ પહેરી મારા ઉરમાં કોણ પ્રવેશી ગયું ?

વગેરે સૌંદર્યપરક ઘટકોથી સર્વસ્પર્શિતાનો અનુભવ તાદૃશ કરે છે. બીજી કડીમાં કિરણોની કોમળ આંગળીઓ (જાણે તેજ-સળી)વડે રમણીય રંગોળી મનમંદિરમાં રચી જઈને સ્નેહની સુવાસ પ્રસરાવી જનાર એ અદૃશ્ય તત્ત્વ જ સર્વત્ર વ્યાપ્ત છે, એ હવે ભક્તને સમજાય છે.

(આસ્વાદક : રમેશ એમ. ત્રિવેદી)

સૌજન્ય- http://tahuko.com/?p=15837

============================

તે રમ્ય રાત્રે--સુન્દરમ્ 

(મિશ્ર ઉપજાતિ)

તે રમ્ય રાત્રે 

ને રાત્રિથીયે રમણીય ગાત્રે

ઊભી હતી તું ઢળતી લતા સમી
ત્યાં બારસાખે રજ કાય ટેકવી.

ક્યાં સ્પર્શવી ?
ક્યાં ચૂમવી ? નિર્ણય ના થઈ શક્યો
ને આવડી ઉત્તમ કામ્ય કાયા
આલિંગવાને સરજાઈ, માની
શક્યું ન હૈયું. જડ થીજી એ ગયું
એ હૈમ સૌન્દર્ય તણા પ્રવાહમાં.

ને પાય પાછા ફરવા વળ્યા જ્યાં
ત્યાં સોડિયેથી કર બ્હાર નીસરી
મનોજ કેરા શર-શો, સુતન્વી
કાયાકમાને ચડી, વીંધવાને
ધસંત ભાળ્યો : ‘નથી રે જવાનું.’

હલી શક્યો કે ન ચાલી શક્યો ન હું.
નજીક કે દૂર જઈ શક્યો ન હું.
એ મૂક્તા-સાગરમાં વિમૂઢતા
તણા અટૂલા ખડકે છિતાયલા
કો નાવભાંગ્યા જનને ઉગારવા
આવંત હોડી સમ તું સરી રહી.

ક્યાં સ્પર્શવો ? ક્યાં ગ્રહવો ? તને તે
નડી શકી ગૂંચ ન લેશ ત્યારે –
તે રમ્ય રાત્રે,
રમણીય ગાત્રે !

-સુન્દરમ્

(રજ=જરાક; કામ્ય=ઈચ્છા કરવા યોગ્ય; હૈમ=હિમ સંબંધી; મનોજ=કામદેવ; સુતન્વી= સુંદર નાજુક શરીરવાળી; મૂક્તા= મૂંગાપણું; છિતાયલા= છીછરા પાણીમાં વહાણનું જમીન સાથે ચોંટવું)

પ્રણયનો અનુવાદ જે ઘડીએ શરીરની ભાષામાં પહેલવહેલો થાય તે ઘડીની વિમાસણ કવિએ એવી અદભુત રીતે આલેખી છે કે આ આપણી ભાષાનું શિરમોર પ્રણયકાવ્ય બની રહે છે.

તે રમ્ય રાત્રે પ્રેયસી બારણાની કમાનને સહેજ ટેકવીને ઊભી છે. શાશ્વત સૌંદર્યની દેવીને જોતાવેંત જ કાવ્યનાયક થીજી જાય છે. સ્પર્શ, ચુંબન અને આલિંગનની હિંમત નાયકના ગાત્રોમાં રહેતી નથી. પણ નાયિકા પ્રણયની આ પહેલવહેલી શારીરિક ક્ષણોમાં કોઈ મૂંઝવણ અનુભવતી નથી.

આમેય સ્ત્રી પ્રેમમાં પડે છે ત્યારે પારદર્શક સમજણ સાથે જ પડતી હોય છે. કમાન પર લતાની જેમ ટેકવાયેલી કાયામાંથી નાયિકાનો હાથ એ રીતે આગળ વધે છે જાણે કામદેવ ધનુષબાણ પર તીર ચડાવી શરસંધાન ન કરતા હોય.

ચુપકીદી ગંભીર દરિયા જેવડી વધી પડી હતી તેવામાં છીછરા પાણીમાં વિમૂઢતાના ખડક પર ખોટકાઈ તૂટેલી નાવ ભાંગ્યા જણ જેવા નાયકને ઉગારવા આવતી હોડી સમી નાયિકા સામું સરી આવે છે, પ્રણયની સ્ફટિક સ્પષ્ટ સમજણ સાથે.

અદભુત ! અદભુત !! અદભુત !!!

સૌજન્યhttp://layastaro.com/?p=1099

3 responses to “( 629 ) કવિ સુન્દરમ્ નાં બે કાવ્યો (૧) એક સવારે….(૨) તે રમ્ય રાત્રે…રસાસ્વાદ સાથે

  1. vimala જાન્યુઆરી 8, 2015 પર 12:58 પી એમ(PM)

    આપણા સાહિત્યના શિરમોર સમાન રચના,સાંસારીક પ્રણય અને પ્રભુ પ્રીતિની પ્રકૃતિ તત્વો દ્વારા અભિવ્યક્તિ
    .અદભુત ! અદભુત !! અદભુત !!!
    કહેવાય જ જાય ….

    Like

  2. dee35 જાન્યુઆરી 8, 2015 પર 8:28 પી એમ(PM)

    જીવની યાદો તાજી કરાવો છો.શ્રી વિનોદભાઈ.આભાર.

    Like

  3. pragnaju જાન્યુઆરી 9, 2015 પર 7:14 એ એમ (AM)

    સુંદર સુંદરમના કાવ્યો નું સૂ શ્રી રમેશ એમ. ત્રિવેદી દ્વારા વધુ સુંદર રસદર્શન

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: