વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

( 633 ) ઉત્તરાયણના અમદાવાદી ફન્ડા …(હાસ્ય લેખ )…. બધીર અમદાવાદી

 Uttrayan na Fundaaz-1

૧૪ મી જાન્યુઆરી, એટલે ઉત્તરાયણ-મકરસક્રાંતિનો દિવસ .

હિંદુ ધર્મમાં મકર સંક્રાંતિ –ઉત્તરાયણ નું ધાર્મિક મહત્વ તો છે જ પણ બધા હિન્દુ તહેવારોમાં ઉત્તરાયણનો તહેવાર કંઇક વિશેષ એ રીતે છે કે એ  પતંગોત્સવ નો આનંદ લેવાનો પણ દિવસ છે.

આ પતંગોત્સવના પર્વમાં આબાલ-વૃદ્ધ સૌ કોઇ તેની ઉજવણીમાં ભાગ લેતા હોય છે. ખુલ્લા આકાશમાં મુક્ત મને પતંગ ચગાવી, ધીરે ધીરે ઢીલ છોડી, બીજા પતંગોની સ્પર્ધામાં પોતાની પતંગ બચાવવાની અને તે માટે અન્યની પતંગ કાપવાની ગળાકાપ હરીફાઇની મજા લેતા હોય છે.

અમેરિકા કે વિદેશોમાં જઈને વસેલા ભારતીય અને તેમાંય ખાસ કરીને ગુજરાતી યુવક-યુવતીઓને થેપલાં-ઢોકળાં, વતનની મીટ્ટી અને ગરબાની રમઝટ જેવી બીજી યાદો સાથે જો કશુંક ખાસ યાદ આવતું હોય તો તે છે ઉત્તરાયણ અને પછીના દિવસોમાં વતનમાં વહેલી સવારથી માંડી સાંજ સુધી માણેલી પતંગ ચગાવવાની મજા .એ કાપ્યો…લપેટ ….લપેટ…ની ચિચિયારીઓ … ગાયનોની રમઝટ….

કહેવાય છે કે ઉત્તરાયણ તો અમદાવાદની જ .આવી મજા વિશ્વમાં બીજે કયાંય જોવા મળે નહીં.

હું અમદાવાદી છું. અમદાવાદમાં અમારા બે માળના શંકર સોસાયટીના બંગલાના  ધાબે ચડી ખુલ્લા આકાશમાં મુક્ત મને પતંગ ચગાવી, ધીરે ધીરે ઢીલ છોડી, બીજા પતંગોની સ્પર્ધામાં પોતાની પતંગ બચાવવાની અને તે માટે અન્યની પતંગ કાપવાની ગળાકાપ હરીફાઇની એવી ઘણી ઉત્તરાયણના પર્વ  ઉપર જે મજા કરેલી એ અહીં અમેરિકામાં ક્યાંથી લાવવી !

ઉત્તરાયણ પછી આવતો વાસી ઉત્તરાયણ એટલે ૧૫મી જાન્યુઆરી નો દિવસ એ મારો જન્મ દિવસ .આ બે દિવસોએ સગાં-સ્નેહીઓ સાથે ધાબા ઉપર ખુબ જ ઉત્સાહ અને આનંદ સાથે,ઊંધિયું જલેબી,ચીકી ,બોર,જમરૂખ વી.આરોગી જન્મ દિવસ ઉજવાતો એની યાદો કેમ કરીને ભૂલાય .

એ દિવસોમાં આખું અમદાવાદ શહેર હરખના હિલોળે ચડ્યું હોય ! શ્રી નરેન્દ્ર મોદીએ દર વરસે આંતર રાષ્ટ્રીય પતંગોત્સવ હરીફાઈ નું આયોજન કરી ઉત્તરાયણની મહતા હવે ખુબ વધારી દીધી છે.

અમદાવાદના વતની અને હાસ્ય લેખક શ્રી અધીર અમદાવાદીએ એમના બ્લોગ કહત બધિરા માં “ઉત્તરાયણના અમદાવાદી ફન્ડા …”નામના લેખમાં અમદાવાદની ઉત્તરાયણ વખતે વિવિધ ધાબાઓની ખાસ મુલાકાત લઈને મેળવેલા જ્ઞાનના સંકલિત અંશો  એમની રમુજી સ્ટાઈલમાં પેશ કર્યા છે .

ઉત્તરાયણના આનંદના પર્વ નિમિત્તે વી.વી.ની આજની પોસ્ટમાં શ્રી બધીર અમદાવાદીનો આ લેખ એમના આભાર સાથે નીચે પ્રસ્તુત છે. આપને એ જરૂર વાંચવો ગમશે.

વિનોદ પટેલ 

================================== 

ઉત્તરાયણના અમદાવાદી ફન્ડા … બધીર અમદાવાદી

kite-arrot

ક્રિકેટ ઉપરાંત ઉત્તરાયણ એ અમદાવાદીઓ માટે ધર્મ સમાન છે! ભીષ્મ પિતામહે ઉત્તરાયણના દિવસે દેહ ત્યાગ કર્યો એ પહેલા યુધિષ્ઠિરને ધર્મનો વિસ્તૃત અને વિગતવાર ઉપદેશ આપ્યો હતો. એ વખતે ભીષ્મ પિતામહે યુધિષ્ઠિરને દોરી ઘસાવવા બાબતે, કિન્ના બાંધવા બાબતે કે ભારે હવા હોય તો કેવા પતંગો પસંદ કરવા એ બાબતે કોઈ ઉપદેશ આપ્યો હતો કે નહિ એની તો ખબર નથી, પણ અમદાવાદીઓ આ બાબતે આવનારી પેઢી, ભાઈ-ભાંડુઓ અને સાથીદારોને આ પર્વ નિમિત્તે વિગતવાર જ્ઞાન આપવાનું ચુકતા નથી. વિવિધ ધાબાઓની ખાસ મુલાકાત લઈને મેળવેલા જ્ઞાનના સંકલિત અંશો અમે આપ સુધી પહોચાડવા માંગીએ છીએ …

 1. સીંગની ચીકી બને તો પહેલાં હાથથી તોડી જોવી પછી જ દાંતથી તોડવી.

 2. ચગતા પતંગની દોરી એ ‘ગૂંચળા ચુમ્બક’ છે!

 3. લચ્છાની દોરીનું પીલ્લું વાળવું અઘરું છે.

 4. ગાંઠોડીયાથી દોરી ચગાવેલો પકડેલો પતંગ વધુ પેચ કાપે છે.

 5. સહેલ ખાવા ચાગાવેલો પતંગ કોઈ સહેલ ખાય એ પહેલાં જ કપાઈ જાય છે.

 6. કપાયેલા પતંગ સાથે પકડેલી દોરી આપણે ઘસાવેલી દોરી કરતાં વધુ સારી હોય છે.

 7. સાંધેલા પતંગ વધુ સારા ચગે છે, વધુ પેચ કાપે છે અને એ કપાવાથી અફસોસ પણ થતો નથી.

 8. ગુંદર પટ્ટીને થુંકવાળી કરવા જતાં મોઢામાં ગુંદર અને ગુંદર પટ્ટી પર એકલું થુંક રહે છે.

 9. તમે જમીને ધાબા પર પાછા આવશો ત્યારે પતંગ સાંધવા માટે લાવેલો રાંધેલો ભાત ગાયબ હશે અને તમને એન્ટેનાના ખંભા પર કમોસમી ‘વાસ’ મળવાથી આશ્ચર્યચકિત થયેલો કાગડો બેઠેલો દેખાશે!

 10. ગોથણીયા અને છાશખાઉં પતંગો સડસડાટ ચગી જશે અને પછી ગોથ ખાઈ ખાઈને કે ઠુમકા મરાવીને તમારા હાથે હાથીપગો કરાવશે જ્યારે સારો પતંગ હવામાં આવે એ પહેલાં કોઈ હાથમાંથી કાપી જશે!

 11. ઉતરાણના દિવસે તમને સૌથી વધુ અફસોસ ટેણીયાઓને પીપૂડા અપાવવા બદલ થશે.

 12. ઉપરાછાપરી પતંગ કપાવાથી તમે તમારી બે હજાર વારની ફીરકી લપેટ્યા કરતા હશો જ્યારે કટકા દોરીથી પતંગ ચગાવતું તમારા જ ધાબાનું ટેણીયુ દર બે મીનીટે ‘કા…ડા…… કા…ડા…’ની બુમો પડતું હશે!

 13. તમે ટેણીયાને પતંગ ચગાવતા શીખવાડવા જશો તો એનો પતંગ તરત કપાઈ જશે. પણ ટેણીયુ  તમારા પતંગની સહેલ ખાતું હશે તો એ કંઈ કર્યા વગર પેચ પર પેચ કાપશે!

 14. આંગળી પર પહેલો કાપો ઉતરાણનો પહેલો પતંગ ચગાવતાં જ પડી જશે! આંગળી પર પહેરવા માટેની ટોટીઓ લઈને કોઈ ધાબા ઉપર આવે એ પહેલાં તો બીજા ત્રણ કાપા પડી ગયા હશે!

 15. કપાયેલો પતંગ સમજીને જે દોરી પકડશો એ કોઇકનો ઝોલ નીકળશે અને કોઈનો ઝોલ સમજીને જવા દેશો એ કપાયેલો ઢાલ પતંગ નીકળશે!

 16. કપાઈને આવતા સારા સારા પતંગો આગળના ધાબામાં પકડાઈ જશે અને કિન્નામાંથી કપાયેલી ફૂદ્દીઓ સીધી તમારા ધાબામાં ઉતરશે!

 17. ભર દોરીમાં પકડેલો પતંગ તમે નીચે ઉતારો એ પહેલા બીજા ભર દોરીમાં કપાયેલા પતંગની દોરી વડે કપાઈ જશે!

 18. હવામાં અંદરો અંદર ગૂંચવાઈ ગયેલા પતંગો ને કાપીને છુટા પાડવા જનારનો પતંગ કપાઈ જશે!

 19. પેચ વખતે ઢીલમાં જવા દીધેલું ગૂંચળું પતંગ કપાઈ ગયા પછી દોરી સાથે ધાબામાં પાછું આવશે અને પેચ વખતે ફરી પાછું ઢીલમાં જવા દેવું પડશે.

 20. તમારા માટે ફીરકીઓ લાવનાર કે દોરી ઘસાવી આપનાર ઉતરાણના દિવસે એનો મોબાઈલ બંધ રાખશે.

 21. તમે જો દોરી ઘસાવી હશે તો નેક્સ્ટ ટાઈમ તૈયાર ફીરકીઓ લેવાનું નક્કી કરશો અને જો તૈયાર ફીરકીઓ લીધી હશે તો નેક્સ્ટ ટાઈમ દોરી ઘસાવવાનું નક્કી કરશો. બીજા વર્ષે ઉતરાણ વખતે તમે એ ભૂલી જશો કે આગલી સાલ તમે શું કર્યું હતું!

 22. એક જૂની કહેવત છે ‘સાપ ગયા અને લીસોટા રહી ગયા’ એની સામે ઉત્તરાયણ નિમિત્તે તમને નવી કહેવત મળશે ‘એન્ટેના ચોરાઈ ગયા અને ડંડા રહી ગયા’! અને આ કહેવત તમને આખો દિવસ નડશે!

 23. પવન વિરુદ્ધ દિશાનો હશે તો પણ તમારો પતંગ ફરી ફરીને ટી.વી. એન્ટેનાની દિશામાં જ જશે! ભરાશે નહિ તો ફાટશે તો ખરોજ!

 24. તમે આશા રાખશો કે એ ખંભામાં કોઈ બીજા ધાબાવાળાનો પતંગ ફસાય અને તમને મફતનો કિન્ના બાંધેલો પતંગ મળી જાય, તો એવું નહિ બને! ઉલટાનું તમને લાગશે કે એ ડંડો તમારા પતંગ બગાડવા માટે જ બન્યો છે! ધાબામાં ઉપલબ્ધ સાધનોથી એ ખંભો નહિ ઉખડે!

 25. આગલી સાલની જેમજ તમે એ ખંભાને એક અઠવાડીયામાં ઉખાડી નાખવાની પ્રતિજ્ઞા લેશો, પણ આવતી સાલ એ ખંભો તમને ફરી નડશે!

 26. પેચ લેતી વખતે એકલો એન્ટેનાનો ખંભો જ નહિ પણ ગોગલ્સ, ચંપલ, સ્લીપર, રીસ્ટવોચ, વીંટી, કેપ, શર્ટના બટન અને કોલર, એ બધુંજ જાણે તમને અને તમારા પતંગને નડવા માટે જ બન્યા હોય એમ લાગશે. એક વાર તો તમને સંપૂર્ણ દિગંબર અવસ્થામાં પતંગ ચગાવવાનું મન પણ થશે! પણ એવે વખતે તમારે ‘કંટ્રોલ, ઉદય શેટ્ટી કંટ્રોલ’નો જાપ કર્યા કરવાનો!

 27. જે વ્યક્તિ શેરડી લઈને ધાબા ઉપર આવી હોય એની પાસે જ એના છોતરા ઉપડાવવા. કોઈ છોતરું દોરી સાથે જતું રહ્યું હોય તો પતંગ ઉતારીને પણ એ છોતરું પાછું જમા કરાવવું! સ્કેટિંગ ન આવડતું હોય તો બોરના ઠળિયા પણ તાત્કાલિક એની પાસે જ ઉપડાવવા!

 28. અમુક લોકો તમારા ધાબા પર એવા પણ આવશે જે પતંગ નહી ચગાવે, ફીરકી નહી પકડે, ગૂંચ નહી ઉકેલે કે પડતર દોરીના લચ્છા પણ નહિ વાળે. ફક્ત એ થાળી માંથી બોર, જામફળ અને સારી સારી ચીકીઓ ઝાપટી જશે અને ઘરે જતી વખતે તમારા કમ્પાઉન્ડમાં પડેલા કપાયેલા પતંગો એમના ઘરે લેતા જશે! થોડી વાર પછી એ મૂર્તિ તમને બીજાના ધાબે દેખાશે!

 29. ઉતરાણના દિવસે ઊંધિયાની દુકાનની જેમ ગાયને ઘાસ ખવડાવવા માટે પણ લાઈનો લાગતી હોય છે અને ગાય ભાવ ખાતી હોય છે!

 30. ધાબાની પાળી પરથી બરડામાં લાગેલો ચૂનો સાફ કરવા માટે પત્નીને ન કહેવું.

 

સૌજન્ય- કહત બધિરા બ્લોગ 

=========================

મારા મિત્ર શ્રી રમેશ પટેલ -આકાશ દીપ – ની નીચેની પ્રસંગોચિત સુંદર કાવ્યરચના આજના પર્વ નિમિત્તે માણો. 

કોણ  લહેરાતું આ વાયરાના વ્હાલમાં….રમેશ પટેલ(આકાશદીપ)

ઉર   ઉત્તરાયણ   ઉમંગ

વન વન પલટ્યા પવન

છાપરે ઝૂમે નગર થઈ પતંગ નભમાં

કોણ  લહેરાતું આ વાયરાના વ્હાલમાં

 

ઝૂલ્ફે  ઝૂમે અનંગ

ઠુમકે નાચે પતંગ

વ્યોમ  પૂછું  પતંગ  કોના  ખ્યાલમાં?

કોણ  લહેરાતું  આ વાયરાના વ્હાલમાં

 

જામે પતંગના પેચ

ગૂંચે બગડે જ ખેલ

નભે  લોટાવે  કરતબ  કોઈ  તાનમાં

કોણ  લહેરાતું આ વાયરાના વ્હાલમાં

 

પતંગોત્સવના રંગ

દેશ  વિદેશી  ઢંગ

આજ  હૈયું  ટહુકતું  વાલમના  સૂરમાં

કોણ  લહેરાતું આ વાયરાના વ્હાલમાં

 

આવે   દાદાના  રથ

અન્નકૂટે છલકે તિરથ

પતંગ સંગ ધબકતું જ વિશ્વ ગુજરાતમાં

કોણ  લહેરાતું  આ  વાયરાના વ્હાલમાં

 

રમેશ પટેલ(આકાશદીપ)

સૌજન્ય-આભાર…આકાશ દીપ બ્લોગ, શ્રી રમેશ પટેલ  

7 responses to “( 633 ) ઉત્તરાયણના અમદાવાદી ફન્ડા …(હાસ્ય લેખ )…. બધીર અમદાવાદી

 1. સુરેશ જાન્યુઆરી 14, 2015 પર 5:19 એ એમ (AM)


  ઢઢ્ઢો જો ટટ્ટાર, ઊભો રે’,
  ફસક્યો તો તે પણ ફસકે છે,
  છે કમાન તો પહોળી છાતી,
  ને છટકી તો નહીં કોઇનો,

  https://gadyasoor.wordpress.com/2007/01/27/patang/

  Like

  • Vinod R. Patel જાન્યુઆરી 14, 2015 પર 9:59 એ એમ (AM)

   વાહ , સુરેશભાઈ પ્રતિભાવમાં તમોએ મુકેલ એક સરસ પતંગ ચિત્ર અને પતંગ વિષે ના સ્વ-રચિત

   કાવ્યએ આ પોસ્ટની શોભામાં ખુબ અભિવૃદ્ધિ કરી દીધી. આ માટે આપનો ખુબ આભાર .

   પ્રતિભાવમાં પણ ચિત્ર કેવી રીતે મુકો છો એ નવા વરસે શીખવું પડશે !

   Like

 2. pragnaju જાન્યુઆરી 14, 2015 પર 6:15 એ એમ (AM)

  મઝાના સંઅલનમા એક ઉમેરો
  પતંગ શીખવતો જીવવાનું
  પતંગ શીખવતો જીવવાનું, આભ અજાણ્યું ભમવાનું…
  જીવનને રસભર જીવવાનું…
  પતંગ શીખવતો જીવવાનું…
  અરે જુઓ આપડા ભાઈ બનાવે પતંગની આ કાયા
  અનાડી થઈ ઊડે પતંગો, રચે આભમાં માયા
  આ રંગારો દોરી રંગે, ભાઈબંધની સંગે
  ઉત્સવ એની આંખમાં ચમકે, દોરી અંગે અંગે
  અમે રંગતા દોરી, જાગે આખી શેરી
  રંગ ઓરમાં ભરીને અમે રંગતા દોરી
  પતંગ શીખવતો જીવવાનું…
  પહેલા કાગળ જાત જુઓ ને કિન્યા બાંધો
  ખભે-હાથમાં કાણું હોય એને પહેલાં સાંધો
  દોરીથી દોરો જીવનને, ઊડવાથી જોડો જીવનને
  પતંગ શીખવતો જીવવાનું, બંધનથી મુક્તિ પામવાનું
  પવન તણી દિશાને પકડો, વિકાસ વેગને માનથી જકડો
  ઓ પાર, ઓ પાર, ઓ પાર એથી ઓ પાર ઊડવાનું
  પતંગ શીખવતો જીવવાનું…
  પેચ લડાવો હસતા, હારો જીતો હસતા હસતા…
  જીવન જીવો રમતા રમતા, રહો સુહુને સદાયે ગમતા…
  પતંગ શીખવતો જીવવાનું…
  – ભાગ્યેશ જહા

  Like

 3. Mr.Pravinchandra P. Shah USA જાન્યુઆરી 14, 2015 પર 12:07 પી એમ(PM)

  What ever Viondbhai you put up in time in tune with the events deserves kudos. Further, though i am here in NJ i crave for Ahmedabad because of craziness of kites since childhood till this age. Here, the narration of 30 points is really mirroring our usual experience when on terrace where it seems nothing is left out by your friend Shri Adhira. I practically since morning has been in exchange of videos-photos of Uttarayan from A’bad Kiran Park, Nava Vadaj and Abhishek flats, B/h Kameshvar Mahadev,Ankur,Naranpura on Whats App.Today Shri A. Bachchan was there near JIvan Sandhya Ankur in some society which also appeared on T.V news.
  i will fly kites in summer with my grand kids here in NJ in Park to recall my childhood though my grand kids are not that much interested as i am. Sureshbhai has also has made his stylish way of presentation brining us back the song Chali Chali Re Patang Meri Chalire Chali Badlo ke Saath With some theme.

  Like

 4. pravina Avinash જાન્યુઆરી 15, 2015 પર 11:25 એ એમ (AM)

  પતંગતો બસ પવનની દિશામાં જાય

  ફિરકીને દોરી તેની ઉડાન પર કાબૂ પાય

  ક્યારે મૂકવી ઢીલ અને ક્યારે તે ખેંચાય

  ઉડાવનારની કાબેલિયત પર મુસ્કુરાય
  ************************************

  જીવનની પતંગ તેના જીવને તાબે હોય

  મન કહે ત્યાં જાય તેનો રોફ અનેરો હોય

  ક્યારે મૂકવી ઢીલ અને ક્યારે રાહ ફંટાય

  માનવ તારા આચરણે તેનો અંદાઝ પમાય

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: