જીવનના વિવિધ તબક્કે ઝડપાયેલી મારી તસ્વીરોમાંથી પસંદગીની કેટલીક .
૧૫મી જાન્યુઆરી ૨૦૧૫,એક ઓર જન્મ દિવસનું આગમન !
જીવન યાત્રાનાં ૭૮ રંગારંગ વર્ષ થયાં પૂરાં .
આવીને ઉભો ૭૯મા વર્ષને પ્રવેશદ્વાર .
રાજી થવું કે નારાજ થવું ?
જેટલી વધી એટલી જ ઘટી ગઈ જિંદગી !
કુલ આયખામાં થયો એક વર્ષનો વધારો,
નિર્મિત આયુષ્યમાં થયો એક વર્ષનો ઘટાડો !
રંગુનની ધરતી પર ,૭૮ વર્ષ પહેલાં ,
જન્મ લીધો હતો ખુબ સુખ સાયબીમાં,
સંજોગો બદલાયા , જીવનના રાહ બદલાયા.
જીવન નવલ કથાનાં પાછલાં પૃષ્ટો જોતાં જોતાં,
ગત ૭૮ વર્ષનો જો હું હિસાબ માંડું છું તો ,
૪ વર્ષની ઉંમરે રંગુનમાંથી વિશ્વ યુદ્ધને લીધે ભાગીને આવવું પડ્યું, વતનના ગામ ડાંગરવામાં.
કમનશીબે ગામમાં પોલીયો વાયરસના શિકાર બન્યા પછી શરુ થયા જીવનના પડકારો,
પ્રાથમિક શિક્ષણ,સ્કુલ ગામની શાળામાં .ગામમાં બાળપણની ગ્રામ્ય જીવનની અવનવી જિંદગી,ખેતી -વગડાના અનુભવોની યાદો સાથે પૂરાં થયાં જીવનનાં ૧૨ વર્ષ.
કિશોર વયે ડાંગરવાથી કડી, બોર્ડીંગ-આશ્રમ સાથેની હાઈસ્કુલ ,સર્વ વિદ્યાલયમાંમાંથી એસ.એસ.સી થયા .૩૫૦ છાત્રો વચ્ચે રહી આશ્રમમાં અને સ્કુલમાં ગુરુઓ દ્વારા જીવનનો ખરો પાયો નંખાયો,
અમદાવાદમાં કોમર્સ કોલેજ,બી.કોમ,એમ.કોમ.એલ.એલ.બી.,
આમ અભ્યાસમાં પાણીની જેમ વહી ગયાં ૨૬ વર્ષ, ઘણી યાદો મુકીને.
હવે શરુ થયું,ઓછી મજા ,વધુ જવાબદારી, ગંભીરતા સાથેનું પૈસા રળવા માટેનું સંઘર્ષમય અને પરિશ્રમી જીવન .
જોતરાયા જીવન ઘાણીના બળદની જેમ નોકરીમાં .
લગ્ન થયાં , ઘર સંસાર અને સામાજિક જીવન શરુ થયું .ઘર સંસારના શરૂના વરસોમાં જ પ્રથમ જન્મેલ પુત્ર નૈમેષને એની દસ મહિનાની કુમળી વયે ગુમાવ્યાનો આઘાત સહન કરવો પડ્યો.
કસોટીનો કાળ વીત્યા પછી ,ભાડાના મકાનમાંથી સગવડ વાળા સોસાયટીના પોતાના બંગલામાં માતા-પિતા , સપત્ની ,બાળકો સાથે ૨૨ વર્ષની સુખી સહ જીવન ની જિંદગી એ મારા જીવનનું મોટું સંભારણું છે.
કઠવાડા-અમદાવાદ એક જ ગ્રુપ કંપનીમાં ૩૫ વર્ષની સળંગ જોબમાં દામ સાથે નામ કમાયો ,ટોપ મેનેજમેન્ટ સાથેના કૌટુંબિક સંબંધો બંધાયા વિગેરે અનેક યાદો મગજમાં અકબંધ પડી છે.
દરમ્યાન ,ત્રણ ભાઈઓ , બે પુત્ર ,પુત્રીનું અમેરિકા ગમન શક્ય બન્યું.
૧૯૯૨ એપ્રિલમાં ૩૦ વર્ષના સુખી દામ્પત્ય બાદ ધર્મ પત્ની કુસુમની એમની ૫૨ વર્ષની ઉંમરે ચીર વિદાય પછી એકાકી જીવનની શરૂઆત .
૧૯૯૫માં મારાં પુ.માતુશ્રી અને ૨૦૦૭ માં પુ. પિતાશ્રી પણ સ્વર્ગવાસી થયાં છે.કુસુમ અને માતા-પિતા જીવ્યાં ત્યાં સુધી મારી સાથે રહ્યાં અને મને ખુબ મોરલ સપોર્ટ આપ્યો હતો.મારા હૃદયની ખુબ નજીકની આ ત્રણ વ્યક્તિઓની ખોટ વર્તાય છે.
૧૯૯૪ માં જોબમાંથી નિવૃત્તિ લઇ લીધા બાદ ગ્રીન કાર્ડ લઇ અમેરિકા ,કેલીફોર્નીયામાં થયેલ આગમન .
આ રીતે પૂરાં થયાં જીવનનાં કભી ખુશી -કભી ગમ અને પડકારો સાથેનાં જિંદગીનાં ૫૮ વર્ષ.
નવી જ રીતભાત વાળા નવા દેશ અમેરિકામાં, સારી રીતે સેટ થયેલ સંતાનો ,પરિવારજનો સાથે શરુ થયો નિવૃત્તિ કાળ.
નિવૃતીકાળમાં વાચન,લેખન,ભ્રમણ,ગુજરાતી બ્લોગ પ્રવૃત્તિ દ્વારા શક્ય સાહિત્ય સેવા ,ચિંતન,મનન,લેખન,મિત્ર પરિચયો,મિત્ર સંપર્ક વિગેરેમાં નીજાનંદ…..વિનોદ વિહાર ….
વતન અમદાવાદની વિદાય બાદ અમેરિકામાં આવ્યાને આજ કાલ કરતાં ૨૦ વર્ષ પૂરાં થઇ ગયાં એની ખબર પણ ના પડી !
આમ પૂરાં થઇ ગયાં આજે જીવનનાં ૭૮ વર્ષ !
૧૯૩૭ ના જાન્યુઆરીમાં એ વખતે વિદેશ ગણાતા રંગુન ,બ્રહ્મ દેશમાં થયેલ જન્મ પછી ઉપડેલો મારો જીવન રથ વતન ડાંગરવા,કડી, અમદાવાદ-કઠવાડા- અમદાવાદની ૫૮ વર્ષની લાંબી મુસાફરી કરીને હાલ ૭૮ વરસે અમેરિકામાં, સાન ડિયેગોમાં આવીને અટક્યો છે.શારીરીક રીતે હજી કાર્યરત રહેવાય છે એને હું પ્રભુ કૃપા માનું છું.
આમ અનેક મેઘ ધનુષી રંગો નિહાળ્યા છે જિંદગીના,
૭૮ વર્ષના પડકાર ભર્યા,ધબકતા વર્ષોમાં.
કોને ખબર છે,શું પડ્યું છે ભાવિના ભંડારમાં ,
પ્રભુ ભરોસે જીવન નૌકા સ્થિર ગતિએ ચાલી રહી છે હાલમાં .
જીવન સંધ્યાનો આ સોનેરી સમય ચિંતન,મનન,આંતર યાત્રા , અને આત્મ ખોજનો સમય છે .નિવૃતિનો આ સોનેરી સમય આનંદથી જીવવા મનગમતી પ્રવૃતિમાં મન પરોવવાથી અને ધર્મની સાથે કર્મને જોડવાથી પાછલી જિંદગી રસમય બની શકે છે.
મારી જીવન યાત્રા દરમ્યાન મેં જે મેળવ્યું છે અને મેળવી રહ્યો છું એ બીજાઓને વિનોદ વિહારના માધ્યમથી વહેંચવા માટેનો મારાથી શક્ય એટલો પ્રયત્ન હું કરી રહ્યો છું.
વહેતા ઝરણાની જેમ વર્તમાને મંદ મંદ ગાવાનું મને ગમે.
આ જીવન મહોત્સવની હર પળ મોજથી માણીને,
જોશથી જીવન જીવી જવાનું મને બહું ગમે.
નીવૃતીકાળની નવરાશની પળોની આ રહી બીજી કેટલીક
ચિંતન પ્રસાદી ….
મન, માનવ અને મનન
પ્રભુને મન થયું એટલે એક દિન ,
એણે બનાવ્યો માનવ મનવાળો.
પડ્યો માનવ, મનના ચકરાવામાં,
ભૂલ્યો પછી એ, મનન, પ્રભુ નામનું .
જીવન અને સંઘર્ષ
જિંદગી જીવવી કદી સહેલી નથી હોતી,
જીવન સંઘર્ષ વિના આગળ વધાતું નથી,
હથોડાના પ્રહારો એ ખમે નહી ત્યાં સુધી,
પથ્થર પણ ભગવાન બની પૂજાતો નથી.
મારે મન -જિંદગી શું છે ?
રેત યંત્રની રેતીની જેમ જિંદગી,સતત સરતી રહે,
હરેક પળે આ જિંદગી એના રંગો બદલતી જ રહે,
સુખ-દુખના ફરતા ચકડોળમાં બેઠાં છીએ આપણે,
ભૂલી ચિંતાઓ,જીવન મેળાનો આનંદ અહેસાસીએ.
મનમોહક નાટકનો મજાનો એક ખેલ છે જિંદગી,
પડદો પડી જાય એ પહેલાં,નાટકની મજામાણીએ.
દરેક પળને મન ભરીને જીવી લેવાનું ભૂલવું નહી,
કેમ કે જીવનમાં આ જીવન એક જ વાર મળે છે.
જીવન રાહમાં મુશ્કેલીઓ પાર વગરની ભલે હોય,
સદા હસતા રહેવાનો મિજાજ એક ઔષધી રૂપ છે.
રોદડાં રડવામાં સમય ગુમાવવા જિંદગી ટૂંકી છે.
માટે જેવી પણ હોય જિંદગી, ચિંતાઓ છોડી દઈ,
સદા હસતા રહેવું, હસાવતા રહેવું એ જ એક ધર્મ.
જિંદગી શું છે ? એ પ્રશ્નનો જવાબ સહેલો નથી,
જવાબ ટૂંકમાં સમજાવું ? આ જિંદગી શું નથી !
જીવનની સફળતા શેમાં ?
જીવનમાં મળ્યું એનાથી જિંદગી જીવાઈ જાય છે,
જીવનમાં જે આપ્યું એનાથી જિંદગી બની જાય છે,
બે હાથે સદા ભેગું કરીને જિંદગી વેડફી ના નાખો,
કદીક કોઈ એક હાથ કોઈ દુખી તરફ પણ લંબાવો.
જગતમાં આવ્યા ત્યારે ખાલી હાથે જ આવ્યા હતા,
જ્યારે જશો ત્યારે બધું જ પાછળ મુકી જવાના છો,
જ્યારે જીવો છો ત્યારે કંઇક એવું કરીને જ જાઓ ,
લોકો યાદ કરે ,જનાર એક સજ્જન માણસ હતો .
વિનોદ પટેલ
પ્રભુનો પાડ …..
જીવન-માર્ગ મારો ખાડા ટેકરાવાળો વિકટ ભલે રહ્યો,
માર્ગના દરેક પગલે, કર ગ્રહી, પ્રભુ મારો ચાલી રહ્યો,
મારી દિલી પ્રાર્થનાના પોકારથી પ્રભુ દુર નથી રહ્યો,
સુણી સાદ મારો,માર્ગદર્શક બની, એ સદા દોરી રહ્યો.
થોડું લઇ લીધું છે તો ઘણું બધું પ્રભુ તેં આપ્યું પણ છે,
ત્રણ પેઠીની લીલીવાડી જોવાનું સદભાગ્ય શું ઓછું છે!
પ્રભુ પાડ માનું તારો પડકારો ઝીલવાની શક્તિ માટે,
ભાંગી પડી મનથી, ભાગી ના જાઉં ,એવી હિમત માટે.
દિવસેદિવસે સ્વની સાથે રહેવાનો,વાતો કરવાનો ,મહાવરો વધતો ચાલ્યો છે.પ્રભુએ ભલે શારીરિક દ્રષ્ટીએ થોડું લઇ લીધું હોય તો સામે કેટલું બધું આપ્યું છે એ માટે એનો પાડ માનવાનું કેમ ભૂલું .
કવિ ઉમાશંકર જોશી કહે છે એમ –
“ત્રણ વાનાં મુજને મળ્યાં , હૈયું ,મસ્તક હાથ
બહું દઈ દીધું નાથ , જા ચોથું નથી માંગવું. “
અમેરિકામાં ત્રણ સંતાનોનો સુખી અને પ્રેમાળ પરિવાર-જોઇને મન હરખાય એવાં ૬ પૌત્રો-પૌત્રીઓની અનેરી ભેટ. આમ ૭૯ વરસે ત્રણ પેઠીની લીલીવાડી જોવાનું સુખ શું ઓછું સુખ છે !
મારાં ૬ પૌત્ર -પૌત્રીઓ સાથેની એક તસ્વીર -ક્રિસમસ ૨૦૧૪
સંતાનો, કુટુંબી જનો , સ્નેહી જનો, મિત્રો-બ્લોગર મિત્રો- અને વિશાળ ભાવક અને વાચક વર્ગ સહિત, સૌનો નિસ્વાર્થ પ્રેમ એ કેટલી બધી અમુલ્ય મૂડી છે !
કુદરતની કરામતો ન્યારી છે, ક્યારે ? કેમ? શું શું ? ક્યાંથી ? તમારી સામે ધરી દેતી હોય છે ! આનંદ આનંદ।… પરમાનંદ ની અનુભૂતિ …
યાદ આવે ,ગની દહીંવાલાની આ પંક્તિઓ …
આજ ભલેને તારી હોડી
મજલ કાપતી થોડી થોડી,
યત્ન હશે તો વહેલી મોડી,
એ જ ઊતારશે પાર,
ખલાસી! માર હલેસાં માર.
મારી શ્રધ્ધા
જીવનમાં એવું કોઈ કામ કે એવો,
કોઈ પણ પ્રશ્ન એવો કઠિન નથી,
જેને હું અને મારો ભગવાન એમ ,
બે ભેગા મળી, ઉકેલી ના શકીએ .
અંતે ,એક અજ્ઞાત કવિની આ રચના રજુ કરી વિરમું છું.
ગઝલ જેવું જ જીવન હોય તો બસ, એટલી રાહત, કે જીવી તો જવાશે બસ જરા એને મઠારીને. હું કાફિયા તારી ગઝલનો સાવ અટપટો, મત્લાથી લઈ મક્તા સુધી નિભાવજે મને.
મારી આજ સુધીની જીવન યાત્રાને સહ્ય અને સરળ બનાવવા તથા નિવૃતિના આ સોનેરી કાળમાં ને સ-રસ અને આનંદનો અનુભવ કરાવવામાં અગત્યનો ફાળો આપનાર મારાં સંતાનો,ભાઈઓ ,બહેનો ,અન્ય કુટુંબીજનો,મુરબ્બીઓ, અનેક સહૃદયી મિત્રો,બ્લોગર મિત્રો સહીત, સૌનો હૃદયથી આભાર માનું છું.
તારીખ- જાન્યુઆરી ૧૫,૨૦૧૫ ,
૭૯મો જન્મ દિવસ …. વિનોદ પટેલ, સાન ડિયેગો.
આજના મારા ૭૯મા જન્મ દિવસે મને પ્રિય એક સુંદર ગુજરાતી પ્રાર્થના યુ-ટ્યુબના સૌજ્ન્યથી નીચેના વિડીયોમાં માણો.
વાચકોના પ્રતિભાવ