વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Daily Archives: જાન્યુઆરી 18, 2015

( 636 ) અમેરિકાના ઓબામા વહીવટી તંત્રમાં ઉચ્ચ હોદ્દા ઉપર નીમાએલા બે ઇન્ડીયન અમેરિકનોનો પરિચય

 અમેરિકાના પ્રેસિડન્‍ટ બરાક ઓબામા ભારતના પ્રજાસત્તાક  દિનની ઉજવણી માટે ૨૬ જાન્‍યુ ૨૦૧૫ના રોજ આ પ્રસંગે મુખ્‍ય મહેમાન તરીકે એમનાં પત્ની મિશેલ ઓબામા સાથે અને એમના એમના વહીવટી તંત્રના મોટા કાફલા સાથે આવી રહ્યા છે. 

અમેરિકાના પ્રેસિડન્‍ટ બરાક ઓબામા ભારતીયો ઉપર ઓળઘોળ

તાંજેતરમાં જ અમેરીકાના પ્રમુખ બરાક ઓબામાએ ભારતીય મૂળના – ઈન્‍ડિયન અમેરિકન ૩૭ વર્ષના ડૉ. વિવેક મૂર્તિની અમેરિ કાના સર્જ્યન જનરલ તરીકે અને બીજા એક ઈન્‍ડિયન અમેરિકન શ્રી રાહુલ રિચર્ડ વર્માની ભારત ખાતેના અમેરિકાના નવા રાજદૂત તરીકે નિમણુક કરીને ભારત અમેરિકાના સંબંધોમાં એક નવા ઈતિહાસની શરૂઆત કરી છે.

ચાલો, પ્રેસીડન્ટ ઓબામાના વહીવટી તંત્રમાં ખુબ ઊંચા હોદ્દે નીમાએલા આ બે ભારતીય મૂળની વિશિષ્ઠ વ્યક્તિઓનો પરિચય મેળવીએ.

આખા અમેરિકાનો ડૉક્ટર – ઇન્ડિયન-અમેરિકન- ડૉ. વિવેક મૂર્તિ…. એક પરિચય

 અમેરિકાના સર્જ્યન જનરલ ડૉ. વિવેક મૂર્તિ – પ્રેસીડન્ટ ઓબામા સાથે 

માત્ર ૩૭ વર્ષના ડૉ. વિવેક મૂર્તિની ભારે રાજકીય વિવાદો અને વિરોધ વચ્ચે અમેરિકાના સર્જ્યન જનરલ તરીકે તાજેતરમાં  જ નિમણૂક થઈ છે . અમેરિકાના વહીવટી તંત્રમાં આ અગત્યનો હોદ્દો સંભાળનાર આજ સુધીના ડોકટરોમાં – ડૉ. વિવેક મૂર્તિ સૌથી યુવાન ડૉક્ટર છે.

 યુવાન વયે આ હાઈપ્રોફાઇલ પોસ્ટ પર બિરાજનારા વિવેક મૂર્તિ અને તેમને મળેલી આ પોસ્ટ વિશે જાણવા જેવું છે..

સર્જ્યન જનરલ એટલે સાદા શબ્દોમાં કહીએ તો અમેરિકાના ટૉપમોસ્ટ હોદ્દે રહેલો ડૉક્ટર જે તમામ અમેરિકનોના સ્વાસ્થ્ય પર અને  એને લગતી નીતિઓ પર ધ્યાન રાખે છે.

ડૉ. વિવેક મૂર્તિ : ઉજ્જ્વળ કારકિર્દીની TWENTY20ના અમેરિકાના આ ૧૯મા સર્જ્યન જનરલ કર્ણાટકના કન્નડ ભાષા બોલતા પરિવારના ફરજંદ છે.એમનામાં નાની ઉંમરે જ્વલંત અભ્યાસ અને ઝુંબેશકારનું ગજબ કૉમ્બિનેશન છે.

વિવેક મૂર્તિનો જન્મ ઇંગ્લૅન્ડના હડ્ર્સફીલ્ડમાં થયેલો, પરંતુ વિવેક જ્યારે ત્રણ વર્ષના હતા ત્યારે તેમનો પરિવાર અમેરિકાના ફ્લૉરિડા રાજ્યના માયામીમાં શિફ્ટ થઈ ગયો, જ્યાં મૂર્તિએ પોતાનું બાળપણ પિતાના પ્રાઇમરી કૅર ક્લિનિકમાં રમતાં-રમતાં વિતાવ્યું. અહીંથી જ તેમનામાં મેડિકલ-લાઇનમાં જવાનાં બીજ વવાયેલાં. પ્રાથમિક શિક્ષણ વિવેક મૂર્તિએ માયામીમાં જ મેળવ્યું.

ત્યારબાદ પ્રતિષ્ઠિત હાર્વર્ડ યુનિવર્સિટીમાં ત્રણ વર્ષનો અભ્યાસ કરીને બાયોમેડિકલ સાયન્સમાં બૅચલર્સની ડિગ્રી મેળવી. ત્યાર પછી MD (ડૉક્ટર ઑફ મેડિસિન)નો અભ્યાસ કરવા માટે તેઓ અમેરિકાની જ બીજી પ્રતિષ્ઠિત સંસ્થા યેલ સ્કૂલ ઑફ મેડિસિનમાં ગયા. એ પછી ૨૦૦૩માં આ જ યેલ યુનિવર્સિટીના સ્કૂલ ઑફ મૅનેજમેન્ટમાંથી હેલ્થ કૅર મૅનેજમેન્ટમાં સ્પેશ્યલાઇઝેશન સાથે MBA કર્યું.

ત્યારબાદ બૉસ્ટનમાં આવેલી બ્રિગહૅમ ઍન્ડ વિમેન્સ હૉસ્પિટલ સાથે ફિઝિશ્યન તરીકે તેઓ જોડાયા. અહીં તેમણે ધાર્યું હોત તો તેઓ શાંતિથી નોકરી કરીને ડૉલર રળી શક્યા હોત, પરંતુ નોકરીની સાથોસાથ તેમણે હાર્વર્ડ મેડિકલ સ્કૂલમાં પોતાની સેવા આપવાનું શરૂ કર્યું.

ત્યાર પછી તેમણે જે કામ કર્યું એણે તેમને અમેરિકાના સર્વોચ્ચ ડૉક્ટર બનાવવામાં ઘણે અંશે નિમિત્ત બન્યું છે. ૨૦૦૮માં તેમણે ડૉક્ટર્સ ફૉર અમેરિકા નામની ઝુંબેશ શરૂ કરી. દેશભરના તબીબો અને મેડિકલ સ્ટુડન્ટ્સને સાંકળતી આ ઝુંબેશનો હેતુ સૌને રાહતના દરે સ્વાસ્થ્ય-સેવાઓ ઉપલબ્ધ કરાવવાનો હતો. આ ઝુંબેશની શરૂઆત ડૉક્ટર્સ ફૉર ઓબામાના નામે થયેલી અને સ્થાપનાના થોડા મહિનાઓમાં જ એમાં ૧૦,૦૦૦થી પણ વધુ સભ્યો જોડાઈ ગયેલા.

અત્યારે અમેરિકાનાં તમામ પચાસ રાજ્યોમાં થઈને આ ઝુંબેશમાં ૧૫,૦૦૦થી વધુ સભ્યો કાર્યરત છે. ડૉક્ટર્સ ફૉર અમેરિકાએ અમેરિકન કૉન્ગ્રેસને સમગ્ર દેશની હેલ્થ કૅર પૉલિસી બદલવા માટે પણ બહારથી દબાણ ઊભું કર્યું. તેમણે વૉઇસિસ ઑફ ફિઝિશ્યન્સ નામની વેબસાઇટ પણ શરૂ કરી, જ્યાં તબીબો અમેરિકાની હેલ્થ સિસ્ટમ સામે પોતાના બખાળા કાઢી શકતા હતા.

મૂર્તિને સર્જ્યન જનરલ બનાવવા માટે ત્યાંના વગદાર ભારતીયો ઉપરાંત અમેરિકાની ટોચની ૧૦૦ જેટલી સંસ્થાએ પોતાનો સપોર્ટ જાહેર કરેલો, પરંતુ મૂર્તિના વિરોધીઓ તેમને ઓબામાના માણસ કહીને ઉતારી પાડે છે. તેમને સર્જ્યન જનરલ બનાવવાના વિરોધમાં એવી દલીલ થતી હતી કે એક તો તેમનો અનુભવ તદ્દન ઓછો છે અને ઉપરથી તેમની અત્યાર સુધીની કારકિર્દી ગન-કન્ટ્રોલ માટે અને ઓબામા માટે પૉલિટિકલ કૅમ્પેન્સ કરવામાં જ વીતી છે. અમેરિકામાં છાશવારે થતા બેફામ ગોળીબારથી આખી દુનિયા વાકેફ છે. એનું કારણ છે ત્યાં અત્યંત સરળતાથી મળી જતાં બંદૂકનાં લાઇસન્સ. મૂર્તિ આનો સખત શબ્દોમાં વિરોધ કરવા માટે જાણીતા છે.

વળી અમેરિકામાં ગન-કન્ટ્રોલનો મુદ્દો એટલે ત્યાંના બે મુખ્ય રાજકીય પક્ષો ડેમોક્રૅટ્સ વર્સસ રિપબ્લિકનમાંથી કોઈ એકની પંગતમાં બેસી જવું. એટલા માટે જ ત્યાંની વગદાર ગન-લૉબી અને નૅશનલ રાઇફલ અસોસિએશને ત્યાંના સેનેટ મૅજોરિટી લીડર તથા સેનેટ રિપબ્લિકન લીડરને પત્ર લખીને મૂર્તિની નિમણૂક ન થાય એ જોવાની ભલામણ પણ કરી હતી. વિવેક મૂર્તિના એઇડ્સ અને સ્મોકિંગ વિશેના વિચારોથી પણ એ ખાસ્સા અળખામણા છે. કેરી ખાવાના શોખીન ડૉ. વિવેક મૂર્તિના શોખ વિશે તેમને પૂછો તો કહેશે કે ગ્લોબલ હૅપીનેસ ક્વૉશન્ટ વધારવાનો.

સૌજન્યગુજરાતી મીડ ડે,કોમ માં પ્રગટ શ્રી જયેશ અધ્યારુ ના લેખમાંથી સાભાર

==========================================

ભારતમાં અમેરિકાના રાજદૂત તરીકે સૌ પ્રથમવાર નિમાયેલા

ભારતીય મૂળના ઈન્‍ડિયન અમેરિકન શ્રી રાહુલ રિચર્ડ વર્મા

Richard Verma -2

અમેરિકાના વિદેશ મંત્રી જ્હોન કેરી સમક્ષ શપથ લેતા શ્રી રિચર્ડ વર્મા

અમેરિકાના પ્રેસિડન્‍ટ બરાક ઓબામા ભારતના પ્રજાસત્તાક  દિનની ઉજવણી માટે ૨૬ જાન્‍યુ ૨૦૧૫ના રોજ મુખ્‍ય મહેમાન તરીકે આવે એ પહેલાં જ ભારતમાં અમેરિકાના રાજદૂત તરીકે સૌ પ્રથમવાર નિમાયેલા ઈન્‍ડિયન અમેરિકન શ્રી રાહુલ રિચર્ડ વર્માએ ૨ જાન્‍યુ. ૨૦૧૫ના રોજ ન્‍યુ દિલ્‍હી ખાતે આવી એમના હોદ્દાનો ચાર્જ સંભાળી લીધો છે.

મૂળ ભારતીય એવા અમેરિકન રાહુલ રિચર્ડ વર્મા હવે ભારતમાં અમેરિકાના નવા રાજદૂત બની ગયા છે. અમેરિકાના ટોચના સેનેટરોએ પક્ષીય મતભેદોને ભૂલી જઈને રિચર્ડ રાહુલ વર્માને ભારત ખાતે નવા અમેરિકી રાજદૂત કરીકેની નિમણૂંકને ધ્વનિમતથી સમર્થન આપ્યું છે.

46 વર્ષના રાહુલ રિચર્ડ વર્મા ભારતના રાજદૂત બનતા પહેલા ભારતીય અમેરિકન છે. નોંધનીય છે કે અમેરિકાની કોંગ્રેસના રિપબ્લિકન તેમજ ડેમોક્રેટિક, બંને પાર્ટીના સંસદસભ્યોએ નવી દિલ્હીમાં ટોચના રાજદ્વારી પદ માટે વર્માની ઉમેદવારીને સર્વાનુમતે સમર્થન આપ્યું છે.

રાહુલ રિચર્ડ વર્મા હંમેશા ભારત અને અમેરિકાના સંબંધો મજબૂત બને એ માટે પ્રયત્નશીલ રહ્યા છે. હાલમાં જે સિવિલ ન્યૂક્લિયર ડીલ પાસ થઈ છે એમાં પણ રાહુલ રિચર્ડ વર્માનો રોલ મહત્વનો સાબિત થયો છે. હાલમાં જ તેમણે સેન્ટર ફોર અમેરિકન પ્રોગ્રેસ માટે ઇન્ડિયા 2020 પ્રોજેક્ટ પર કામ શરૂ કર્યું છે. 

રાહુલ રિચર્ડ વર્મા  2009થી 2011 સુધી વિદેશ વિભાગમાં હિલેરી ક્લિન્ટનના કાર્યકાળ વખતે વિદેશ મામલોમાં ઉપમંત્રી રહી ચૂક્યા છે. ભારતમાં અમેરિકન રાજદૂતનું પદ નેન્સી પોવેલના રાજીનામા પછી ખાલી હતું જે હવે ભરાઈ ગયું છે. નેન્સી પોવેલે અમેરિકામાં ભારતીય અધિકારી દેવયાની ખોબ્રાગડે સાથે બનેલી ઘટનાના વિવાદ પછી રાજીનામું આપી દીધું હતું.

રિચર્ડ વર્માના માતા-પિતા પંજાબ રાજ્યના વતની હતા એટલે તેમનો ભારત સાથે એક ખાસ સંબંધ છે એમ કહી શકાય.

રિચર્ડ વર્માના પિતા કમલ વર્મા 40 વર્ષ સુધી પીટ્સબર્ગ યુનિવર્સિટીમાં પ્રોફેસર રહ્યા હતા જ્યારે તેમના માતા સાવિત્રી વર્મા પણ ટીચર હતાં. રાહુલ રિચર્ડ સહિત પોતાના સંતાનોનો ઉછેર વર્મા દંપતીએ વેસ્ટર્ન પેન્સિલ્વેનિયામાં કર્યો હતો. રિચર્ડ વર્માના પત્ની પિન્કી વર્મા એટર્ની છે અને તેમને સંતાનમાં ત્રણ દીકરીઓ છે. 

રાહુલ -રીચાર્ડ વર્મા -અમેરિકાના નવા રાજદૂત

રાહુલ -રીચાર્ડ વર્મા -અમેરિકાના નવા રાજદૂત

એક પત્રકાર પરિષદમાં શ્રી વર્માએ જણાવ્‍યા મુજબ તેઓ બંને દેશઓ વચ્‍ચે સલામતિ, વિકાસ તથા સમૃધ્‍ધિનો નાતો દૃઢ બનાવશે. આ હેતુ માટે ભારતના પ્રજાજનો તથા સરકારી અધિકારીઓ સાથે વિચાર વિનિમત કરવાની ઉત્‍કંઠા એમણે દાખવી હતી.

સમાચાર સૌજન્ય- ગુગલ.કોમ 

ઈન્‍ડિયન અમેરિકન મહિલા સુશ્રી અઝીતા રાજી બન્યાં

સ્‍વીડન ખાતેનાં અમેરિકન રાજદૂત

અમેરિકાના પ્રેસિડન્‍ટ બરાક ઓબામાએ ઈન્‍ડિયન અમેરિકન મહિલા સુશ્રી અઝીતા રાજીની નિમણુંક સ્‍વીડન ખાતેના અમેરિકન રાજદૂત તરીકે કરી છે.

સુશ્રી અઝીતાએ ૨૦૧૨ની સાલમાં બરાક ઓબામાની ચૂંટણી સમયે ૩ મિલિયન ડોલર ઉપરાંત ફંડ એકત્રિત કરી આપ્‍યુ હતું.આ અગાઉ તેઓ વ્‍હાઈટ હાઉસમાં પ્રેસિડન્‍ટ કમિશનમાં સેવાઓ આપી ચૂકયા છે.

સુશ્રી અઝિતાની નિમણુંક સ્‍વીડન ખાતેના અમેકિન રાજદૂત તરીકે થતાં તેઓ અમેરિકાના બીજા નંબરના ભારતીય પૂર્વના રાજદૂત બન્યાં છે.

આ પોસ્ટના સંદર્ભમાં ગુગલ.કોમની નીચેની લીંક પણ જુઓ 

 PERSONS OF INDIAN ORIGIN IN OBAMA ADMINISTRATION