વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

( 639 ) આખરે તારી જિંદગીનો મતલબ શું છે? ……. શ્રી કૃષ્ણકાંત ઉનડકટ

જિંદગી વિષય ઉપર ઘણા લેખકો/કવિઓએ ઘણું ઘણું લખ્યું છે અને જ્યાં સુધી લોકો જિંદગી જીવી રહ્યા છે ત્યાં સુધી ઘણું લખાતું રહેશે એ પણ નક્કી છે.

જાણીતા ચિંતક ડો . ગુણવંત શાહે આરોગ્ય વિષયમાં એક પુસ્તક લખ્યું છે એનું શીર્ષક એમણે સરસ આપ્યું છે – ” મરો ત્યાં સુધી જીવો .”

જિંદગી વિશેનું મારું એક મુક્તક આ રહ્યું.

જિંદગી શું છે ? એ પ્રશ્નનો જવાબ સહેલો નથી,

જવાબ ટૂંકમાં સમજાવું ? આ જિંદગી શું નથી !

જ્યારે જિંદગીનો અર્થ ખરેખર સમજાય છે ત્યારે ઘણું મોડું થઇ ગયું હોય છે. જે જિંદગી પસાર થઇ ગઈ છે એને પાછી બોલાવીને ફરી જીવી શકાતી નથી.

કોઈ અજ્ઞાત લેખકનું આ અંગ્રેજી અવતરણ યાદ આવે છે .

Life can only be understood backwards;

it has to be lived forwards.

આજની પોસ્ટમાં જાણીતા લેખક-ચિંતક ,પત્રકાર શ્રી કૃષ્ણકાન્ત અનડકટ નો મને ગમેલો એક ચિંતન લેખ એમના આભાર સાથે પ્રસ્તુત કરેલ છે.

આ લેખમાં એમણે જિંદગી શું છે ? જિંદગીનો શું અર્થ છે ? વગેરે સવાલોનો જવાબ આપ્યો છે

એ સમજવા જેવો છે, પ્રેરક પણ છે.

આપને પણ આ લેખ જરૂર ગમશે.

વિનોદ પટેલ 

 

આખરે તારી જિંદગીનો મતલબ શું છે?

ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

મોડું ન કર કે આવી જીવનગત નહીં રહે,

જેવી છે આજ તેવીય હાલત નહીં રહે.

-મરીઝ

જિંદગી એટલે શું? આ જિંદગીનો કોઈ અર્થ ખરો? આખરે જિંદગીમાં કરવાનું શું છે? જિંદગી શું માત્ર પ્રશ્નો ઉકેલવાની એક રમત જ છે?

 જિંદગી એટલે શું? 

જિંદગી સવાલો ખડા કરે અને આપણે જવાબો આપતા જવાના! શું આ જ જિંદગી છે? જિંદગી સાથે કેટલી બધી ફિલોસોફી, કેટલી બધી માન્યતાઓ અને કેટલી બધી ધારણાઓ જોડાયેલી છે. જિંદગી માત્ર જીવવા માટે છે કે પછી કંઈક કરી છૂટવા માટે છે? ઘણા લોકો તો કંઈ જ કરી શકતા નથી. જિંદગી એમ જ શરૂ થાય છે અને પૂરી થઈ જાય છે. માનવજાતના ઇતિહાસમાં એક ટપકું પણ કર્યા વગર ચાલ્યા જવાનું હોય છે. દુનિયામાં કેટલા બધા લોકો છે. કેટલા બધા લોકો ચાલ્યા ગયા. કેટલાં નવાં બાળકો દરરોજ જન્મે છે. આ બધું શા માટે છે? આ બધુ કોના માટે છે? 

કેટલા બધા સવાલો એવા હોય છે જેના જવાબ મળતા નથી. દરેક માણસ પોતાની રીતે જવાબ શોધે છે. એ જવાબ સાચો જ છે એવી ગેરંટી કોઈ આપી શકતું નથી. ઘણા જવાબો એવા હોય છે, જેમાં માત્ર સવાલ જ સાચો હોય છે! આપણે આપણી અનુકૂળતા મુજબનો જવાબ શોધી લઈએ છીએ અને પછી તેને સાચો માની જિંદગી જીવતા રહીએ છીએ.

આ જિંદગીનો કોઈ અર્થ ખરો?

આમ જોવા જઈએ તો જિંદગીના ઘણા બધા અર્થો છે અને આમ જોવા જઈએ તો જિંદગીનો કોઈ અર્થ નથી! જિંદગીનો અર્થ એ લોકો માટે જ છે જેણે તેનો અર્થ શોધી રાખ્યો છે. એક સંગીતકાર માટે એનું સંગીત જીવવાનો અર્થ છે. પેઇન્ટર માટે એ સંગીતનો કોઈ અર્થ નથી. એના માટે ચિત્ર જ જિંદગીનો અર્થ છે. રાજકારણી માટે રાજકારણ અને અર્થશાસ્ત્રી માટે અર્થકારણ એ જિંદગીનો મતલબ છે. લેખક માટે લેખન અને ડાન્સર માટે નર્તન એ જિંદગીનો મતલબ છે. એક માટે જિંદગીનો જે અર્થ છે એ બીજા માટે નિરર્થક અને નક્કામો હોઈ શકે છે. કોઈને નાચવું ગમે છે તો કોઈને એ વેસ્ટ ઓફ એનર્જી અને વેસ્ટ ઓફ ટાઇમ લાગે છે. સૌથી મોટો સવાલ એ છે કે તમારી પાસે તમારી જિંદગીનો અર્થ છે? એ તમારો પોતાનો છે? તમે જે કરો છો એને એન્જોય કરો છો? તમારી જાતથી જ તમે ખુશ છો? જો આ સવાલોના જવાબો હા હોય તો માનજો કે તમે તમારી જિંદગીને ઓળખો છો. તમને તમારી જિંદગીનો અર્થ ખબર છે!

ક્યાંથી આવ્યા એ ખબર નથી. જિંદગી પૂરી થઈ જાય પછી ક્યાં જવાના છીએ એ ખબર નથી. માત્ર એટલું જાણીએ છીએ કે માતાના ઉદરમાંથી આવ્યા છીએ. જિંદગી પૂરી થાય પછી કોઈ અજ્ઞાાત પટમાં સમાઈ જવાનું છે. મૃત્યુ પછી શું થાય છે એના વિશે જાતજાતની માન્યતાઓ છે. એમાં પડવા જેવું નથી. 

કંઈ કરવા જેવું હોય તો એ જ છે કે આ જિંદગીને જીવી લેવી. જિંદગીની મકસદને શોધી લેવી. થોડાંક એવાં કારણો જેના માટે જીવતાં રહી શકાય. થોડાક એવા માણસો જેની સાથે જીવવાની મજા આવે. થોડાક એવા શોખ જેમાં ખોવાઈ જઈ શકાય.થોડુંક હાસ્ય જે હળવાશ આપે. થોડાંક આંસુ જે સંવેદનાઓથી છલોછલ હોય. મરજી મુજબની થોડીક મજા. કોઈ છળ નહીં. કોઈ કપટ નહી. કોઈ વહેમ નહીં. પારદર્શક અસ્તિત્વનો અહેસાસ. જીતવું છે પણ દગા-ફટકાથી નહીં. ધનિક થવું છે પણ કોઈને છેતરીને નહીં. શાણા દેખાવવું છે પણ કોઈને મૂરખ બનાવીને નહીં. પ્રેમ કરવો છે પણ કોઈને વહેમમાં રાખીને નહીં. મંજિલે પહોંચવું છે પણ કોઈનો પગ ખેંચીને નહીં. મહાન થવું છે પણ માણસ મટીને નહીં. સેલિબ્રિટી થવું છે પણ સેલ્ફિ બનીને નહીં. તમારી પાસે જીવનનો કયો મતલબ છે?

એવા લોકો પણ છે જેને ગમે તે ભોગે ગમે તે કરવું છે. આજીજી કરાવવી છે. સલામ ઠોકાવવી છે. પૂજાવું છે. કોઈ કરગરતું હોય તો એને સેડેસ્ટિક પ્લેઝર મળે છે. કોઈ પર અત્યાચાર કરીને એ આધિપત્ય હોવાનું માને છે. ઘણાંને વળી રૂપિયા જ ભેગા કરવા છે. દરેક માણસ એના માટે ‘ગ્રાહક’ છે! એવો ગ્રાહક જેને શીશામાં ઉતારીને એણે ચૂસી લેવો છે! પોતાનો શીશો ગમે એમ કરીને ભરવો છે. શીશો ભરાઈ જાય પછી બાલદી ભરવી છે, બાલદી ભરાઈ જાય પછી ટાંકી ભરવી છે. ધીમે ધીમે કરીને એણે દરિયો ભરવો હોય છે. આ દરિયામાં જિંદગી ડૂબી ગઈ એનું ભાન એને બહુ મોડું થતું હોય છે.

એક યુવાન હતો. તેેને હંમેશાં સવાલ થતો કે જિંદગીનો અર્થ શું? એ પોતાના લોકોમાં એની જિંદગીનો અર્થ શોધતો હતો. દાદી અને નાની તેને ખૂબ વહાલાં હતાં. એ બંને પણ તેને ખૂબ જ પ્રેમ કરતાં હતાં. યુવાનને થયું કે આ બંને કેટલાં જુદાં છે પણ એ બંને મને એકસરખો પ્રેમ કરે છે. યુવાન દાદી અને નાનીની પ્રકૃતિનો અભ્યાસ કરવા લાગ્યો. દાદી કંજૂસ હતી. નાની જે હોય એ વાપરી નાખતી. દાદી પાસે રૂપિયા આવે એટલે તે એની ઘડી કરીને પટારામાં રાખેલી એની થેલીમાં મૂકી દેતી. નાની પાસે રૂપિયા આવે એટલે એ છોકરાઓ પાછળ વાપરી નાખતી. યુવાનને સમજાતું નહીં કે આ બંને કેમ આવું કરે છે?

એક દિવસ યુવાને તેની નાનીને પૂછયું કે દાદી જુદી છે અને તમે પણ જુદાં છો! આવું શા માટે? નાનીએ સરસ વાત કરી. નાનીએ કહ્યું કે દીકરા, દરેકે પોતપોતાની જિંદગીનો મતલબ શોધ્યો હોય છે અને મતલબ શોધવાનાં અને મતલબ મળવાનાં અનેક કારણો હોય છે. તારી દાદી અભાવ અને કરકસરમાં જીવી છે. એ નાની હતી ત્યારે માંડ માંડ પૂરું થતું. તેના માટે એક એક પૈસો કિંમતી હતો એટલે એ આવું કરે છે. તે ખોટી છે એવું ન કહી શકાય, કારણ કે એ એની જગ્યાએ સાચી છે. તારી દાદી પાસે આજે મારી પાસે છે તેનાથી અનેક ગણું વધારે છે, પણ હું રૂપિયા ભેગા કરવામાં નથી માનતી, કારણ કે મારી પાસે મારો પોતાનો અર્થ છે. મેં પણ મારી જિંદગીમાંથી જ એ અર્થ શોધી કાઢયો છે. ભારત આઝાદ થયું એ પહેલાં અમે કરાચીમાં રહેતાં હતાં. મારા પિતાનો બહુ મોટો બિઝનેસ હતો. અમે ધનાઢય હતાં. મારા પિતાએ ખૂબ ભેગું કર્યું હતું. ભારતના ભાગલા પડયા. અમારે જીવ બચાવીને ભાગવું પડયું. બધું જ રહી ગયું. અમે ખાલી હાથે ભાગી છૂટયાં. જીવ બચી ગયો એની ખુશી હતી. આ ઘટનામાં મેં મારી જિંદગીનો અર્થ શોધ્યો. ભેગું કરવાનો કોઈ મતલબ નથી. જિંદગી છે તો બધું છે. પિતાએ બહુ ભેગું કર્યું હતું, પણ બધું છૂટી ગયુંને? એ દિવસથી હું કંઈ ભેગું નથી કરતી. જીવી જાણું છું. દાદી એની જગ્યાએ સાચી છે. હું મારી જગ્યાએ સાચી છું. તારે પણ તારી જિંદગીમાંથી જ મતલબ શોધવાનો છે. ધ્યાન રાખીને જિંદગીનો અર્થ શોધજે, કારણ કે એ જ તારી જિંદગી બની જવાનો છે. બાય ધ વે, તમે તો તમારી જિંદગીનો સાચો મતલબ શોધ્યો છેને? ચેક કરી જોજો, ખોટો મતલબ શોધ્યો હોય તો બદલાવી પણ શકાય છે. 

જ્યાં સુધી જિંદગી છે ત્યાં સુધી જીવવાના વિકલ્પો છે. માત્ર એક સવાલ જિંદગીને કરો કે હું જિંદગીને એન્જોય કરું છું? જો જવાબ ‘હા’ હોય તો તમને તમારી જિંદગીનો મતલબ સમજાઈ ગયો છે! 

છેલ્લો સીન :  

જ્યારે સંતાનોને લઈને મા-બાપને હોબી ક્લાસીસ તરફ દોડાદોડી કરતાં જોઉં છું ત્યારે ખબર નહીં કેમ,પણ કાર્બાઇડથી કેરી પકવતા વેપારીઓ યાદ આવી જાય છે.

 -એક મિત્રએ વોટ્સ-એપથી મોકલેલો મેસેજ    

(‘સંદેશ’, સંસ્કાર પૂર્તિ, તા. 11 જાન્યુઆરી, 2015. રવિવાર. ‘ચિંતનની પળે’ કોલમમાંથી સાભાર )

 Krishnkant Unadkat,

Executive Editor,
SANDESH Daily,

Vastrapur,
AHMEDABAD-380015.
Cell :09825061787.
e-mail :

kkantu@gmail.com

Blog :

www.krishnkantunadkat.blogspot.com

3 responses to “( 639 ) આખરે તારી જિંદગીનો મતલબ શું છે? ……. શ્રી કૃષ્ણકાંત ઉનડકટ

 1. સુરેશ જાની જાન્યુઆરી 22, 2015 પર 2:17 પી એમ(PM)

  જીવનમાં જે પણ આવે અને જે રીતે આવે
  તેને
  પૂર્ણ રીતે, પ્રેમપૂર્વક સ્વીકારવાની કળા
  હાંસલ કરવા જેટલો વિકાસ
  તમે કરી શકો -તે
  તમને તમે પોતે આપેલી સૌથી મોટી ભેટ છે.

  ***
  જીવનની પ્રત્યેક ઘડી
  પૂર્ણ ધ્યાન અને શક્તિ સાથે ગાળી,
  એક સાથે માત્ર એક જ ડગલું ભરવાની કળા
  તમારા જીવનને
  નવી તાજગી,
  નવી તાકાત
  અને
  સર્જનાત્મકતાથી
  સભર કરી દેશે.
  ———————
  – ઓશો

  Like

 2. vimala જાન્યુઆરી 22, 2015 પર 4:04 પી એમ(PM)

  ‘ચિંતનની પળે’ મન ગમતી કોલમ છે.
  જે નિયમિત વાંચવાનો લાભ ઈ મેલ દ્વારા મળે છે .આ .આ લેખના અંતે “છેલ્લો સીન” વિષે શબ્દો નથી,
  ખૂબ સરસ.

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: