વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

( 641 ) ” હું કોણ છું ?” ……એક ચિંતન લેખ …… વિનોદ પટેલ

મારા સુરત નિવાસી સાહિત્ય રસિક મિત્ર શ્રી ઉત્તમભાઈ ગજ્જરે એક વાર એમના એક ઈ-મેલમાં નીચેનું ચિત્ર મને જોવા માટે મોકલ્યું  હતું .

 I - HU... Uttam Gajjar

મને એ ચિત્ર ખુબ ગમ્યું હતું એટલે એને મારા ગમતા ચિત્રોના ફોલ્ડરમાં સેવ કરી રાખ્યું હતું. આજે એ ફોલ્ડરમાં આ ચિત્ર જોતાં મનમાં વિચાર મંથન ચાલ્યું. એમાંથી જે કાવ્ય રચનાએ આકાર લીધો એ કાવ્ય રચના આ રહી …

હું કોણ છું ? 

હું નથી કોઈની સાથે કોઈ જાતની હરીફાઈમાં,

નથી પુરવાર કરવી મારી જાતને સહુથી અદકેરી,

નથી રમવી મારે એવી કોઈ રમત,

જેમાં મારી રમત જ બરાબર છે એવો ગર્વ હોય.  

અન્યો કરતાં ચડિયાતો છું એવી કોઈ ,

ભ્રામક રમત રમવાનો મને નથી અભરખો.

હું તો ફક્ત એવા પ્રયત્નમાં જ વ્યસ્ત છું ,

જે મારી જાતને આદર્શ આદમી બનાવી શકે .

  

મારી જે છે અને જેવી છે એ જાતને, 

ગઈકાલ હતી એના કરતાં આજે બહેતર બને,

એ માટે સતત કોશિશ કરી રહેલો, 

એક નમ્ર ,અદનો, અધુરો આદમી હું છું .

વિનોદ પટેલ

સૃષ્ટિનું સર્જન થયું અને માણસ વિચારતો થયો એ ઘડીથી આ મથામણ ચાલું જ કે “ હું કોણ છું? ક્યાંથી આવ્યો છું? 

યાદ આવે છે આદિ શંકરાચાર્ય લિખિત ભજ ગોવિન્દમ નો આ શ્લોક ..

कस्त्वं क: अहं कुत आयात: का मे जननी को मे तात: ।

इति परिभावय सर्वमसारं विश्वं त्यक्त्वा स्वप्नविचारम् ॥ 

(તું કોણ? હું કોણ? હું ક્યાંથી આવ્યો? મારી મા કોણ? મારા પિતા કોણ? એમ વિચાર્યા કર. આ સર્વ જગત અસાર અને સ્વપ્નવત્ છે, તેનો ત્યાગ કર)

એમના કહેવા પ્રમાણે આપણું આ આખું જગત એક સ્વપ્ન છે, ભ્રમણા છે .જે દેખાય છે એ પણ નથી. प्रज्ञानं ब्रह्म । 

જીંદગી જીતવાની જડીબુટ્ટી શીખવતી એમની  ઝલક કોલમમાં કવી અને ચિંતક સ્વ. સુરેશ દલાલે “હું  છું કોણ ?” ના જવાબમાં સરસ લખ્યુંછે .

“હું વિચારોના વમળમાં ફસાયેલો હેમ્લેટ નથી. ટુ બી ઓર નોટ ટુ બીના સરકસી હિંચકા પર હું અહીંથી તહીં સામસામે અથડાતો અટવાતો નથી કે નથી હું ઑથેલો કે સીધો જ આચારમાં પકડાઈ જાઉં કે જકડાઈ જાઉં અને પછી પસ્તાયા કરું.

હું શંકા-કુશંકાથી ઘેરાયેલો અર્જુન નથી કે લડું કે ન લડું ની દ્વિધામાં રહેંસાતો, ભીંસાતો હોઉં. મારા સ્વારથ પર કૃષ્ણ તો હોય જ ક્યાંથી ?

હું રોમિયો નથી કે ભોમિયો નથી.

તો પછી, હું છું કોણ ?

હું છું આજનો માણસ. સવારથી રાત સુધી ઘણું બધું કરતો અને કશુંય ન કરતો. એના નામને અને ઈતિહાસને સ્નાન સૂતકનો સંબંધ નથી. એનું નામ તો રેશનકાર્ડમાં જ રોશન થાય. બહુ બહુ તો પાસપોર્ટમાં લખાય.

એને આંતરયુદ્ધ કે બાહ્ય્યુદ્ધનો પરિચય છે અને નથી. એ તો માત્ર મરણ સુધી જીવવું પડે એટલા માટે જીવે છે. એક વાર એનું નામ કંકોતરીમાં છપાયું તે છપાયું અને મરણનોંધમાં છપાશે ત્યારે એ હશે પણ નહીં.

જીવન મારું અંધ છે, મરણ મારો સ્કંધ છે, લૌકિક વહેવાર બંધ છે.”

સ્વ. સુરેશ દલાલ 

આમ હું કોણ છું ” એ પ્રશ્નનો જવાબ શોધવા માટે  માણસની આખી જિંદગી પસાર થઇ જાય છે છતાં એનો સાચો ઉકેલ એ નથી મેળવી શકતો .

સંત સુરદાસે એના એક ભજનમાં ગાયું છે કે  ” મોસમ કૌન કુટિલ ખલ્કામી ” એટલે કે આ જગતમાં મારા જેવો કોઈ ખરાબ માણસ નથી .અભિમાનને –ઈગો -ને  મારવા માટે આ ફિલસુફી કામ લાગે એવી છે  .

જાતે ફુલાઈને ફાળકો થઇએ શું કામનું ! અભિમાન-ઇગો-નો ફુગ્ગો ફૂટતાં વાર લાગતી નથી એમાંથી હવા નીકળી જતાં જ આપણી મૂળ જાત ઉપર આપણે આવી જઈએ છીએ .

જ્યોતીન્દ્ર દવેએ એમની આત્મકથાનું નામ સરસ આપ્યું છે -” અલ્પાત્માનું આત્મ પુરાણ “

મહાત્મા ગાંધીએ એમની આત્મકથામાં એમની નબળાઈઓ અને ભૂલો છુપાવ્યા વિના જણાવી દીધી છે .ગાંધીજી પોતાની ભૂલોમાંથી શીખી , જાત પરીક્ષણ કરી, જીવનને બહેતર બનાવવાના પ્રયોગો કરતા રહ્યા હતા. એમણે લખેલ આત્મકથાનું નામ પણ “સત્યના પ્રયોગો “એવું રાખ્યું છે એ કેટલું સુચક છે  !

આવા સત્યને શોધવાના એમણે કરેલા સતત પ્રયોગોએ જ એમને પોરબંદરના અદના આદમી ” મોહનદાસ ગાંધી”માંથી વિશ્વના “મહાત્મા ગાંધી “ બનાવી દીધા. 

બીજું એવું જ એક ચિત્ર જે મેં સેવ કરેલ છે એ આ રહ્યું .એમાં પણ સરસ સંદેશ છે.

“ હું “ અને  “ અમે “

I -hu. -2

“ હું “ જ્યારે “ અમે “ સાથે મળે ત્યારે શક્તિઓનો સરવાળો થાય છે.

મિત્રોનો સાથ નવી શક્તિનો સંચાર કરે છે.

સંઘ શક્તિ જેવી શક્તિશાળી કોઈ ચીજ નથી. એક દાતણના તમે સહેલાઈથી બે ટુકડા કરી શકો પણ દાતણની ઝુડીના તમે બે ટુકડા તમારા હાથોની મદદ વડે કરી શકતા નથી.  

હમેશાં સૌને સાથે લઈને ચાલવું હિતકર હોય છે.

સબકા સાથ સબકા વિકાસ

અંગ્રેજી શબદ ILLNESS માંથી  I ને ખસેડી જો WE

મૂકીએ તો ILLNESS હોય એ WELLNESS બની જાય છે !

“હું” ની માંદગીને “ અમે “ એ કેવું આરોગ્યમાં બદલી નાખ્યું !  

વિનોદ પટેલ

 

( હવે પછીની પોસ્ટ – “હું કોણ છું ” ..ભાગ-૨ માં આ વિષય ઉપર અક્રમ વૈજ્ઞાનિક શ્રી દાદા ભગવાન અને મહર્ષિ રમણ મહર્ષિના વિચારો શું છે એ જાણવા મળશે . )

 

 

 

 

2 responses to “( 641 ) ” હું કોણ છું ?” ……એક ચિંતન લેખ …… વિનોદ પટેલ

 1. vimala જાન્યુઆરી 24, 2015 પર 11:28 એ એમ (AM)

  હું” ની માંદગીને “ અમે “ એ કેવું આરોગ્યમાં બદલી નાખ્યું ! વાહ….
  કોઈ દવાની જરૂર જ નહીં માત્ર “હું” નો અર્થ ” અમે” સ્વીકારી લીધો પછી
  બધી બીમારી ગાયબ….
  “હું કોણ છું ” ..ભાગ-૨ ની રાહમાં…..

  Like

 2. Pingback: ( 642 ) “હું કોણ છું ?” … ચિંતન લેખ … ભાગ-૨ ….. (સંકલિત ) | વિનોદ વિહાર

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: