ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા
( 648 ) “બેઠક વાર્તા સ્પર્ધા “માં પુરસ્કૃત વાર્તા -” પોકેટમની “….વિનોદ પટેલ
ઇન્ડિયા કોમ્યુનીટી સેન્ટર ,મિલ્પીટાસ, કેલીફોર્નીયા–“બેઠક” દ્વારા આયોજિત વાર્તા સ્પર્ધા-૨૦૧૪ માં ત્રીજું ઇનામ પ્રાપ્ત કરનાર મારી વાર્તા “પોકેટમની”ને વાચકોના આસ્વાદ માટે આજની પોસ્ટમાં નીચે પ્રસ્તુત છે.
આ વાર્તા સ્પર્ધાનાં બે સમર્થ નિર્ણાયકો- સુ.શ્રી જયશ્રીબેન મર્ચન્ટ અને સુ.શ્રી મનીષાબેન જોશી તથા આયોજક સુ.શ્રી પ્રજ્ઞાબેન દાદભાવાળા નો હું આભારી છું.
મારી આ વાર્તા વાંચી આપનો પ્રતિભાવ જરૂર લખશો.
વિનોદ પટેલ
પોકેટમની ….. ( સત્યકથા પર આધારિત વાર્તા )

(ફોટો સૌજન્ય- ગુગલ ઈમેજ )
કામિની અને સંદીપ કોલેજમાં અભ્યાસ કરતાં હતાં ત્યારથી જ એક બીજાને દિલ દઈ બેઠાં હતાં .
કોલેજનો અભ્યાસ પૂરો કરીને લગ્ન કર્યા પછી બન્ને જણ અમદાવાદમાં જ જોબ કરી આનંદથી એમનો ઘર સંસાર ચલાવી રહ્યાં હતાં.અમદાવાદની એક કેમિકલ કંપનીની આશ્રમ રોડ ઉપર આવેલી હેડ ઓફિસમાં સંદીપ ઓફીસ મેનેજર તરીકે જોબ કરતો હતો.કામિની પણ આશ્રમ રોડ ઉપરની જ એક બેંકમાં જોબ કરતી હતી.
સુખી દામ્પત્યની ભેટ સમા પ્રથમ બાળક અશોકનો જન્મ થયા પછી બન્નેના લગ્ન જીવનના આનંદમાં અભિવૃદ્ધિ થઇ હતી. બે વર્ષ પછી એમને ત્યાં લક્ષ્મીના અવતાર સમી, જોતાં જ ગમી જાય એવી, દીકરી રૂચાનો જન્મ થયો.
બીજા બાળકના જન્મ પછી થોડા દિવસોમાં જ સંદીપનું સુંદર કામ જોઇને કંપનીની મેનેજમેન્ટે એને જોબમાં ઓફીસ મેનેજર તરીકે પ્રમોશન આપી સાથે સારો પગાર વધારો કરી આપ્યો હતો. .દીકરી રૂચાનો જન્મ આમ એમના સુખી સંસારમાં એક આશીર્વાદ થઈને આવ્યો હતો.
એક દિવસે સંદીપે કામિનીને પાસે બેસાડીને કહ્યું “ કામિની,આપણે બે જણ જોબ કરીએ છીએ એટલે અશોકના અભ્યાસ અને રૂચાની સંભાળ માટે બહુ તકલીફ પડે છે ,જોઈએ એવી છોકરાંઓની દેખરેખ બરાબર લઇ શકાતી નથી. મારી એવી ઈચ્છા છે કે તું તારી જોબ છોડી દે જેથી તું એમને માટે પુરતો સમય આપી શકે .તારે માથે ઘરકામ અને જોબનો સંયુક્ત બોજ છે એ પણ હળવો થશે . મારો પગાર હવે વધ્યો છે એટલે ઘર ખર્ચમાં કોઈ વાંધો નહિ આવે. ”
કુટુંબની આવક ઓછી થશે એવા વિચારથી કામિની પહેલાં તો મનમાં થોડી કચવાઈ પણ પછી સંદીપના વધુ આગ્રહથી કામિનીએ જોબ છોડી પુરા સમય માટે ઘર અને બાળકોનો મોરચો સાંભળી લીધો.સંદીપે બતાવેલી લાગણી માટે કામિનીને એના પ્રત્યેના માન અને પ્રેમમાં વૃદ્ધિ થઇ .
થોડાં વર્ષો ગયા પછી શહેરના એક સારા વિસ્તારમાં સંદીપે ત્રણ બેડ રૂમનો બધી સગવડો સાથેનો ફ્લેટ ખરીદી લીધો .ભાડાના મકાનમાંથી પોતાના જ નવા ફ્લેટમાં આવ્યા પછી આ આદર્શ યુવાન યુગલના બે રૂપાળાં બાળકો સાથેના ઘર સંસારમાં ખુશી ખુશી છવાઈ ગઈ.
એક દિવસ કોઈ કામ અંગે બેડ રૂમમાં રાખેલું સ્ટીલનું કબાટ ખોલતાં સંદીપે કામિનીને કહ્યું :
“કામિની,આ કેટલી બધી રંગબેરંગી સાડીઓ પહેર્યા વિનાની આ કબાટમાં ભેગી કરી રાખી છે ! જો પહેરવી ના હોય તો શું કામ સ્ટોરમાં જઈને લઇ આવે છે!ઘરના કબાટમાં પડી રહે એના કરતાં એ બજારમાં હતી એ શું ખોટી હતી. !”
“સંદીપ, તારે મારી સાડીઓની બાબતમાં ચિંતા કરવાની જરા એ જરૂર નથી.મારે જ્યારે પણ જે પ્રસંગે જે સાડી પહેરવી હશે એ પહેરીશ.તને તો ખબર છે કે મને દરેક પ્રસંગને અનુરૂપ સાડી પહેરવાનો પહેલેથી જ શોખ છે .”
સંદીપે કામિનીને ચીડવતો હોય એમ કહ્યું :”સારું બાપલા, પણ જોજે એવું ના બને કે સાડીઓ એમ ને એમ આ કબાટમાં થપ્પીઓમાં પડી રહે અને એક દિવસ તું ઉપર જતી રહે !”
“તમે ય તે, આવું અશુભ ના બોલતા હોવ તો ! ” કામિનીએ સંદીપ તરફ વ્હાલ ભર્યો છણકો કર્યો અને પ્રેમથી એને બાથમાં લઇ લીધો.સંદીપને તો આ જ જોઈતું હતું !
ઘર નજીકની શાળામાં અભ્યાસ કરતાં ભગવાને હેતે કરીને ઘડ્યાં હોય એવાં એમનાં બે રૂપાળાં બાળકો ,પુત્ર અશોક અને પુત્રી રુચાને તેઓ બન્ને જણ ખુબ પ્યાર આપી ઉછેરી રહ્યાં હતાં .લોકોને જોઇને ઈર્ષ્યા આવે એવું સુખી અને સંતોષી જીવન જીવી રહેલું એમનું એક આદર્શ મધ્યમ વર્ગીય કુટુંબ હતું.
એક દિવસ સંદીપ ઓફિસ જવા માટે તૈયાર થઇ રહ્યો હતો ત્યારે કામિનીએ સંદીપ પાસે જઈ એની સાથે વાત કરતાં કહ્યું :
“સંદીપ,અશોક અને રુચા મને ફરિયાદ કરે છે કે સ્કુલમાં એમને વાપરવા માટે અપાતા પોકેટમનીના પૈસા એમના મિત્રોની સરખામણીએ બહુ ઓછા છે. તમે મને દર મહીને જે પૈસા આપો છો એ બધા ઘર ખર્ચમાં વપરાઈ જાય છે .હવેથી થોડા વધારે આપજો .”
સંદીપ કહે,” કામિની તું ઘર ખર્ચમાં થોડી કરકસર કરીને એટલા પૈસા તો બચાવી જ શકે .તને તો ખબર છે કે આપણા આ ફ્લેટની ખરીદી માટે બેંકની લોન લીધેલી છે એના હપ્તા પણ દર મહીને મારે ચૂકવવાના હોય છે.”
કામિનીને સંદીપના આ શબ્દોથી થોડું ખોટું લાગ્યું અને સ્ત્રી સહજ મો મચકોડીને એ એના ઘરકામમાં પરોવાઈ ગઈ .કામિનીને પહેલી વખત એના અંતરમાં જોબ છોડ્યાનો પસ્તાવો થયો. એના દિલને ઓછું આવ્યું કે મારે જોબ નથી એટલે જ મારે સંદીપના આવા કરકસર કરવાના શબ્દો સાંભળવા પડ્યા ને !
ભગવાનને ઘણીવાર નિર્દોષ માણસો સાથે ક્રૂર રમત રમવાનું મન થતું હોય છે.એક દિવસ કામિની સ્કુટર ઉપર બેસી અશોક અને રૂચાની સ્કુલમાં એમનાં પ્રગતી પત્રક વિષે એમના શિક્ષકો સાથે વાતચીત કરવા અંગે જઈ રહી હતી ત્યારે એક રોડ અકસ્માતમાં ગંભીર રીતે એ ઝખ્મી થઇ ગઈ .
સંદીપને ઓફિસમાં કોઈએ ખબર આપતાં એ ઘટના સ્થળે તરત જ આવી પહોંચ્યો. સ્કૂટરની બાજુમાં રોડ ઉપર ઘાયલ સ્થિતિમાં કામિનીને જોઈ એનું હૃદય રડી ઉઠ્યું.તાત્કાલિક એને બેભાન અવસ્થામાં હોસ્પીટલમાં ખસેડી. નિષ્ણાત ડોકટરો કામિનીની સારવારમાં લાગી ગયા.એ વખતે સંદીપ મનમાં ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યો કે તું મારી કામિનીને બચાવી લે જે.સંદીપના એક મિત્રએ એનાં બે બાળકોને હોસ્પીટલમાં લાવી સંદીપને સોપ્યાં .મારી મમ્મીને એકાએક આ શું થઇ ગયું એની મુઝવણમાં એ તો બિચારાં હેબતાઈ ગયાં હતાં .બન્નેનાં ગુલાબના ફૂલ જેવાં મુખડાં એકાએક કરમાઈ ગયાં હતાં.
છેવટે જે ન બનવાનું સંદીપે ઈચ્છ્યું હતું એ જ એના અને બાળકોના કમનશીબે બન્યું .ડોક્ટરોના કામિનીને બચાવવાના બધાં જ પ્રયત્નો નિષ્ફળ નીવડ્યા. કામિની બેભાનાવસ્થામાં જ સંદીપ અને એનાં બે નાજુક બાળકોની નજર સામે જ એમને વિલાપ કરતાં છોડી હંમેશને માટે ચાલી નીકળી અને ભગવાનને વ્હાલી થઇ ગઈ .
ઘરના મોભ જેવી વ્યક્તિ ચાલી જાય ત્યારે ઘરમાં કેટલો શૂન્યાવકાશ પ્રવર્તે છે એ તો જેને રામબાણ વાગ્યાં હોય એ જ જાણી શકે ! જનારની પાછળ જવાતું નથી હોતું.અણગમતી પરિસ્થિતિમાં પણ મનને મનાવીને રોજ સવારથી સાંજ સુધી જીવન જીવવું પડતું હોય છે.કહેવાય છે ને કે દુઃખનું ઓસડ દહાડા છે.
આ બનાવના કેટલાક દિવસો પછી સંદીપને કોઈ કામ માટે એની બેડ રૂમમાં રાખેલ સ્ટીલનું કબાટ ખોલવાની જરૂર પડી.મુખ્યત્વે જેમાં કામિનીની વપરાશની ચીજ વસ્તુઓ રહેતી હતી એ સ્ટીલના આ કબાટને ખોલતાં એનો જીવ ના ચાલ્યો.
સંદીપે મન કાઠું કરીને કબાટ ખોલ્યું તો કામિનીએ કદી પહેરી ના હોય એવી એની નવી નક્કોર સાડીઓના ઢેર ઉપર એની નજર સ્થિર થઇ ગઈ.
સાડીઓને જોઇને સંદીપની આંખમાં જળજળીયાં આવી ગયાં. એને ભૂતકાળમાં સાડીઓ અંગે કામિનીને કહેલા શબ્દો યાદ આવી ગયા. દુઃખથી આદ્ર બનેલું એનું અંતર મન બોલી ઉઠ્યું.: ” જોયું, કામિની, છેવટે હું તને કહેતો હતો એવું જ થયું ને.તું ઉપડી ગઈ અને સાડીઓ અહીં જ પડી રહી ! ”
સંદીપે હળવેથી સાડીઓની થપ્પી ઉપરથી એક સાડી ઉપાડી. આંખો બંધ કરી એના હોઠો વડે હળવેથી એને ચૂમી લીધી .જાણે કે એ સાડી પહેરીને એણે સદાને માટે ગુમાવેલી કામિની એની સામે આવીને હાજર થઇ ગઈ ના હોય !
જ્યારે એ સાડીને પાછી મુકવા જતો હતો ત્યારે સાડીની ગડમાંથી પૈસાની નોટો રાખેલી હતી એ સરકીને સંદીપના પગ ઉપર પડી .
આ પૈસાની નોટો એ કામિનીએ ઘર ખર્ચમાંથી કરકસર કરી એનાં વ્હાલાં બાળકો અશોક અને રુચા માટે બચાવેલા સ્કુલના પોકેટમની માટે હતા !
સંદીપના દિલમાં ખુબ પસ્તાવાની લાગણી થઇ આવી. એના ગુનાહિત મનમાં વિચાર આવ્યો કે પહેલાં જો મેં કામિનીને સમજીને મારાં બાળકો માટે પોકેટમની માટે એને જોઈતા પૈસા આપ્યા હોત તો એના દિલને કેટલો બધો હાશકારો થયો હોત !
— વિનોદ પટેલ , ૧૧-૨૮-૨૦૧૪
પ્રથમ વિજેતા સાક્ષર ઠક્કર (હિલ્સબોરો, ઓરેગોન) ની વાર્તા
બીજા નંબરના વિજેતા શૈલા મુન્શા ( હ્યુસ્ટન ) ની વાર્તા
======================================
પદ્મશ્રી પુરસ્કાર મેળવનારા ગુજરાતીઓ
ક્રમ
|
એવોર્ડ મેળવનાર
|
ક્ષેત્ર
|
એવોર્ડ
|
રાજ્ય
|
૧
|
એલ કે અડવાણી
|
પબ્લિક અફેર્સ
|
પદ્મ વિભૂષણ
|
ગુજરાત
|
૨
|
તારક મહેતા
|
આર્ટ
|
પદ્મ શ્રી
|
ગુજરાત
|
૩
|
ગુણવંત શાહ
|
સાહિત્ય
|
પદ્મ શ્રી
|
ગુજરાત
|
૪
|
ડો. તેજસ પટેલ
|
મેડિસીન
|
પદ્મ શ્રી
|
ગુજરાત
|
૫
|
ડો. હરગોવિંદ લક્ષ્મીશંકર ત્રિવેદી
|
મેડિસીન
|
પદ્મ શ્રી
|
ગુજરાત
|
સાભાર- શ્રી ઉત્તમભાઈ ગજ્જર
Like this:
Like Loading...
Related
Congratulations.
LikeLike
સત્ય હકીકત ઉપરની વાર્તા તરીકે સરસ કહી શકાય પરંતુ લેવાયેલ નિર્ણયનો અંત દુ:ખદ આવ્યો ગણાય.જેથી દરેક સુખી સંસારવાળા કુટુંબે આવા નિર્ણયો લેતાં પહેલાં ભવીષ્યમાં આવનાર પ્રશ્નોની નિખાલસ ચર્ચા કરી લેવી જોઈએ.
LikeLike
અમુકવાર મજાકમાં કહેલી વસ્તુઓ જ્યારે સાચી થઇ જાય ત્યારે ઘણીવાર કરુણ પરિસ્થિતિ થઇ જતી હોય છે.
“તને કહેતો હતો એવું જ થયું ને.તું ઉપડી ગઈ અને સાડીઓ અહીં જ પડી રહી ! ”
સરસ વાર્તા. તમારા બ્લોગની મુલાકાત લેતો રહીશ.
LikeLike
આદરણીયશ્રી વિનોદભાઈ
આપના સાહિત્ય કૌશલ્યની યશ પતાકા લહેરાઈ…ખૂબ ખૂબ અભિનંદન. મન એટલે મોતી જેવું, ઘડીકમાં નંદવાય જાય…શબ્દોના બાણથી જ મહાભારતનાં બીજ રોપાઈ જાય…એ સંદેશા દેતી સુંદર વાર્તા આપે સાહિત્ય જગતને આપી છે. સુશ્રી પ્રજ્ઞાબેને ખૂબ જ સુંદર આયોજન ને સફળ સંચાલનથી, એક જોમ પૂર્યું છે, તેઓ ને તેમની સમિતી સાથેણ વિશેષ અભિનંદન.અકિલા ન્યુઝમાં આખો અહેવાલ પ્રસિધ્ધ થયો છે..તે પણ વાંચ્યો.સૌ વિજેતા સાહિત્યકારોને ખૂબ ખૂબ અભિનંદન.
રમેશ પટેલ(આકાશદીપ)
LikeLike
Pingback: વાર્તામાં વળાંક: હાશકારો | હું સાક્ષર..
અભીનંદન !!
LikeLike
પ્રિય વિનોદભાઈ તમારી પુરસ્કાર વિજેતા વાર્તા પોકેટમની માટે હું તમને શાબાશીનો પુરસ્કાર આપું છું . બહુજ સરસ વાર્તા છે એને પુરસ્કાર મ્લ્વોજ જોઈએ .
LikeLike