જેની કાગ ડોળે રાહ જોવાઈ રહી હતી એ દિલ્હી એસેમ્બલીનાં, ટી.વી. ઉપર નિષ્ણાતોના બધાએ પોલ અને વરતારાને આંબી જતાં પરિણામો બહાર આવી ગયાં .

ઝાડુને બદલે વેક્યુમ ક્લીનર ?!!!
આ પરિણામોમાં શ્રી અરવિંદ કેજરીવાલની નેતાગીરી હેઠળ આમ આદમી પાર્ટીએ ૭૦ માંથી ૬૭ બેઠકો ઉપર જ્વલંત ,અણધાર્યો અને આશ્ચર્યકારક વિજય હાંસલ કરીને એક ઐતિહાસિક વિક્રમ સ્થાપિત કરી દીધો. એક વખત ટીકાઓ અને ટિખળનો ભોગ બનનાર ઉપર પ્રસંસાનાં ફૂલોની દેશ અને દુનિયામાંથી વર્ષા થઇ રહી છે . ઇતિહાસનું પાનું ફરી ગયું છે અને ભાજપ હાલ ટીકાઓ અને ટીખળોનો સામનો કરી રહ્યું છે !
તાંજેતરમાં જ પાંચ સ્ટેટમાં લોકસભાની ચુંટણીમાં ઉપરા ઉપરી સારી બહુમતીથી વિજય પ્રાપ્ત કરી પોતાની સરકારો રચનાર અને મધ્યસ્થ સરકારનો વહીવટ સંભાળનાર ભારતીય જનતા પક્ષને દિલ્હીમાં સમ ખાવા પુરતી ૭૦ માંથી માત્ર ૩ બેઠકો પ્રાપ્ત થઇ અને મુખ્ય પ્રધાન તરીકે પ્રોજેક્ટ કરેલ ,લોખંડી મહિલા કહેવાતી શ્રીમતી કિરણ બેદીની નામોશી ભરી હાર થઇ .મોદીનો વિજય રથ આમ દિલ્હીમાં ખોટવાતો નજરે પડ્યો !અબકી બાર મોદી સરકારને બદલે અબ કી બાર કેજરીવાલ નો આશ્રય જનક ચુકાદો લોકોએ આપ્યો !
શીલા દીક્ષિતના મુખ્ય મંત્રી પદે આ જ દિલ્હીમાં ૧૫ વર્ષ સુધી એક ચક્રી રાજ્ય કરનાર કોંગ્રેસ પક્ષને ઝીરો- એક પણ બેઠક ઉપર વિજય ના મળે એ કેવું કહેવાય ! મોદીનું કોંગ્રેસ મુક્ત ભારતનું સ્વપ્ન દિલ્હી પુરતું તો કેજરીવાલે સત્ય કરી આપ્યું !કોંગ્રેસની નેતાગીરીમાં હાલ એક જ કુટુંબનો જે ઈજારો પ્રવર્તે છે એમાંથી મુક્ત થઇ કોઈ બહારની સક્ષમ નેતાગીરી માટે વિચારવાનો કોંગ્રેસીઓ માટે સમય ક્યારનો ય પાકી ગયો છે!હજુ ય રાહુલને બદલે પ્રિયંકા ગાંધીને લાવવાની વાતો કોંગ્રેસમાં ફરતી થઇ એ કેવું કહેવાય !
આમ આદમીની હાલની રાજકીય સુનામીના માહોલમાં એ નોધવા જેવું છે કે આ જ કેજરીવાલની પાર્ટીને એક વર્ષ અગાઉ ભાજપ કરતાં ઓછી સીટો મળેલી અને લોકસભાની ચુંટણીમાં તો એમને દિલ્હીમાં એક પણ બેઠક પ્રાપ્ત થઇ ન હતી. આજની કોંગ્રેસ જેવી સ્થિતિમાં તેઓ હતા.વારાણસીમાં તેઓ પોતે ભાજપ સામે લોકસભાની સીટ હારી ગયા હતા અને આખા દેશમાં ૪૦૦ ઉમેદવારો ઉભા રાખેલા એમાંથી ફક્ત ચાર ઉમેદવારો જ જીત્યા હતા !મોટા ભાગના ઉમેદવારોએ તો એમની ડીપોઝીટો પણ ગુમાવી હતી !
આમ રાજ્કારણ કે જીવનમાં હાર કે જીત એ કાયમી નથી હોતી.સફળતા- નિષ્ફળતાનું ચક્ર ચાલતું જ રહે છે .
આજના રાજકીય માહોલમાં મને આ અછાંદસ કાવ્ય અને કેટલાંક હાઈકુ
રચનાની પ્રેરણા થઇ, જે નીચે પ્રસ્તુત છે.
સફળતા અને નિષ્ફળતા !
સફળ થઇ ગયા ! વાહ ! અભિનંદન ,
પણ જરા એ ગર્વ ના કરો,
કેમકે ,
સફળતા ક્યાં કાયમી હોય છે ?
નિષ્ફળતા મળી ! આહ ! દિલાસો,
પણ જરાએ દુખી ના થાઓ,
કેમકે,
નિષ્ફળતા પણ ક્યાં કાયમી હોય છે ?
પરિવર્તનશીલ હોય છે બધુ જગમાં ,
પરિવર્તન એ જ એક માત્ર એવું છે ,
જે હમ્મેશાં કાયમી હોય છે !
બાકી બધું જ ,
બદલાતું રહે છે, દિન પ્રતિ દિન ,
એક વર્તુળ-ચક્ર નાં પરિઘ બિંદુઓની જેમ !
વિનોદ પટેલ
પ્રસંગોચિત કેટલાંક હાઈકુ
ચાખો, ચખાડો,
ચુંટણીની ચટણી,
ચટાકેદાર !
——————
એકને ઘેર,
દિવાળી,ખાજાં,વાજાં,
બીજે અંધાર !
————————-
મોટી સભાઓ,
વચનો, પ્રવચનો,
કામ ના લાગ્યાં !
——–———–
ચૂંટણી જંગે ,
પ્રજાનું દીલ, જાણી
શકાય છે શું ?
——————–
ચુંટણી ખેલ,
રમો ખેલદિલીથી,
ના ગાળા ગાળી !
————————-—
હાર કે જીત
ગર્વ કે દુખ ત્યાગો,
કાલ અજાણ !
વાચકોના પ્રતિભાવ