અમેરિકા,અલાબામા સ્ટેટમાં પોલીસના ઉધ્ધત વર્તનથી પેરાલીસીસનો ભોગ બનેલા શ્રી સુરેશભાઈ પટેલના આઘાત જનક બનાવની ભીતરમાં એક ડોકિયું .
Sureshbhai Patel is seen at Huntsville Hospital, in Huntsville, Alabama
ગુજરાતના નડિયાદ પાસેના પીજ ગામના રહેવાસી, 57 વર્ષના સુરેશભાઈ પટેલ ત્રણ સપ્તાહ પહેલાં જ હન્સ્ટવિલ ,અલાબામામાં એન્જીનીયર તરીકે જોબ કરતા એમના પુત્ર ચિરાગ અને એના પરિવારની સાથે રહેવા માટે અમેરિકા આવ્યા હતા.ચિરાગના નવ જાત પુત્રની તબિયત સારી રહેતી ના હોવાથી અને એને એમ.એસ. માટેની પરીક્ષા આપવાની હોવાથી પુત્રને મદદરૂપ થવાના આશયથી તેમના પૌત્રની સાર-સંભાળ માટે તેઓ અમેરિકા આવ્યા હતા .
તારીખ ૬ ફેબ્રુઆરી ૨૦૧૫ ના દિવસે રોજની માફક સાઈડ વોક પર તેઓ ચાલતા બહાર ફરવા જતા હતા ત્યારે ચિરાગ પટેલના કોઈ પાડોશીએ પોલીસને ફરીયાદ કરીને જણાવ્યુ હતું કે, એક શંકાસ્પદ વ્યકિત ડ્રાઈવ વેઝમાં ચાલી રહ્યો છે અને તમામ મકાનોના ગેરેજમાં નજર કરી રહ્યો છે.
પાડોશીની ફરીયાદને આધારે પોલીસ ત્યાં આવી પહોંચી હતી અને સુરેશભાઈને અટકાવ્યા હતા. સુરેશભાઈ અંગ્રેજી જાણતા ન હોવાથી પોલીસના સવાલોના જવાબ આપી શકયા નહોતા અને દરેક સવાલના જવાબમાં ‘નો ઈંગ્લીશ’ એટલું જ કહેતા રહ્યા હતા.પોલીસ પૂછપરછ કરતો હતો પરંતુ એ શું કહે છે એ સુરેશભાઈને ખબર પડતી ન હતી.બળજબરીપૂર્વક એમના જવાબ માટે પ્રયાસ કર્યા હતા અને ઝપાઝપી પછી સુરેશભાઈને પોલીસે જોસથી નીચે પછાડીને ભોંયસરસા સૂવાની ફરજ પાડી હતી.
મેડિસન પોલીસે સુરેશભાઈને કરેલ મારઝૂડ અને નીચે પટકવાથી માથે અને કરોડ રજ્જુ ઉપર થયેલ ઈજાથી તેઓ તરત જ લકવા ગ્રસ્ત બની ગયા હતા અને ઉભા પણ રહી શકતા ન હતા .
સુરેશભાઈના પુત્ર ચિરાગ પટેલે એક મુલાકાતમાં કહ્યુ હતુ કે મારા ફાધર માત્ર ગુજરાતી અને હિન્દી જ બોલી-સમજી શકે છે. તેઓ તો તેમના રોજિંદા ક્રમ અનુસાર પાડોશમાં ચાલવા નિકળ્યા હતા.
આ બનાવનો પોલીસ ખાતાએ બહાર પાડેલ નીચેના વિડીયોમાં બે પોલીસ ઓફિસરો સ્ટ્રીટની પેવ મેન્ટ ઉપર સુરેશભાઈને જોર કરીને નીચે કેવી રીતે નીચે પટકે છે, ઉપર બેસી જાય છે અને જ્યારે ઉભા કરે છે ત્યારે તેઓ લકવા ગ્રસ્ત થઈને ઉભા પણ રહી નથી શકતા એ બતાવ્યું છે.આ વિડીયોમાં સુરેશભાઈ ફૂટપાથ ઉપર ફરવા જતા સ્પષ્ટ દેખાય છે.
સુરેશભાઈને આ ઘટના બની તે પહેલાં કોઈ બીમારી નહોતી, પણ છઠ્ઠી ફેબ્રુઆરીએ બનેલા આ કિસ્સાણે કારણે સુરેશભાઈને બે હાથે અને બે પગે લકવો થઈ ગયો છે . હાલ તેઓ હોસ્પીટલમાં સારવાર હેઠળ છે .
Grandfather Left Paralyzed After Encounter With Alabama Police
આ વિડીયોમાં સુરેશભાઈના પુત્ર ચિરાગભાઈ દુખી હૃદયે એમના ૫૭ વર્ષના પથારીવશ પિતાની હાલતનું ટી.વી. એન્કર સમક્ષ કરુણ બયાન કરે છે એ બતાવ્યું છે.
Chirag Patel Speaks on Madison Police Incident
કેટલાક ગોરા અમેરિકનોમાં બ્લેક આફ્રિકન અમેરિકનો ,ભારતીયો અને બ્રાઉન ચામડીના લોકો પ્રત્યે એમના અંતર મનમાં કેવો તિરસ્કાર હોય છે એ આ અને આવા બનતા બનાવો ઉપરથી અવાર નવાર જણાઈ આવે છે.
શ્રી સુરેશભાઈ સાથે ઉધ્ધત વર્તન કરનાર પોલીસ ઓફિસરની ધરપકડ થઈ છે તથા FBI દ્વારા તેના વિરૂધ્ધ તપાસ ચાલી રહી છે. સુરેશભાઈને ઈજા પહોંચાડવા માટે જવાબદાર પોલીસ-કર્મચારીને તપાસ પુરી ન થાય ત્યાં સુધી એડમિનિસ્ટ્રેટીવ લીવ પર મોકલી આપવામાં આવ્યો છે.
શ્રી સુરેશભાઈના પુત્ર ચિરાગ પટેલએ પોલીસ વિરૂધ્ધ કોર્ટ કેસ કરી દીધો છે. સુરેશભાઈ હજુ પણ ચાલી શકતા નથી અને હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
પોલીસનો દાવો છે કે કોઈના ઘરમાં જોવા બદલ પટેલ વિરુદ્ધ ફરિયાદ પોલીસને કરાઈ હતી, પરંતુ રસ્તા પર બનેલી મારપીટની ઘટનાનો વિડિયો જોતાં તેમાં સ્પષ્ટ છે કે સુરેશભાઈ પટેલ ચુપચાપ ફૂટપાથ પર ચાલતા જતા હતા.
પટેલને અંગ્રેજીમાં બોલતાં આવડતું નહોતું તેથી તે પોલીસ અધિકારી પાર્કરના સવાલોના જવાબ આપી શક્યા નહોતા. ૨૬ વર્ષીય પાર્કર પર થર્ડ-ડિગ્રી હુમલાનો આરોપ મૂકાયો છે. તેમણે કોર્ટમાં પોતે ગુનેગાર ન હોવાનું કહ્યું હતું.
જજ દ્વારા આ કેસની કાર્યવાહી માટે ૨૯ એપ્રિલની તારીખ મુકરર કરવામાં આવી છે.
અમેરિકા સ્થિત પુત્રને ત્યાં આવેલા શ્રી સુરેશભાઈ પટેલ સાથે પોલીસે કરેલા ઉધ્ધત વર્તનના બનાવને કેલીફોર્નીયાના ,બે એરીયાના ઈન્ડિયન અમેરિકન કોંગ્રેસમેન ડો. એમી બેરાએ ભયંકર આધાતજનક તથા કરૂણ ગણાવ્યો છે .ડો. બેરાએ પટેલ પરિવાર પ્રત્યે હૃદય પૂર્વકની લાગણી વ્યક્ત કરી છે.શ્રી સુરેશભાઈ વહેલી તકે સાજા થઈ જાય તેવી કામના એમણે વ્યક્ત કરી છે.
ડો.બેરાએ અમેરિકામાં વસતા તમામ વિદેશીઓ તથા લઘુમતિ કોમો પ્રત્યે સમાન તથા સૌમ્ય વહેવાર રાખવો જોઈએ જેથી વિશ્વવાસ જળવાઈ રહે તેમ જણાવ્યું હતું.
આ દુખદ બનાવ અંગે અંગ્રેજીમાં વિડીયો સાથે અહેવાલ આ લીંક ઉપર વાચી શકાશે.
વાચકોના પ્રતિભાવ