વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

( 661 ) ત્રિવેદી સાહેબ, જલદી આવો! બાપા પધાર્યા છે…!….. ડૉ. શરદ ઠાકર

26 જાન્યુઆરી ૨૦૧૫ ,પ્રજાસત્તાક દિન પ્રસંગે, બીજા બે ગુજરાતીઓ ડો. ગુણવંત શાહ અને શ્રી તારક મહેતા સાથે જેમને પદ્મશ્રી એવોર્ડ આપવામાં આવ્યો છે એ ડો. એચ.એલ. ત્રિવેદી ,અમદાવાદની ‘કિડની ઈન્સ્ટિટ્યૂટ’ ના ડીરેક્ટર તરીકેની એમની સુંદર કામગીરી અને સેવાઓથી  ખુબ જાણીતા છે.

આ ડો. ત્રિવેદીના જીવનનો રાજકારણમાં ભ્રષ્ટાચારનો કડવો અનુભવ અને લાખ્ખો ધર્મ પ્રિય હરિભક્તોમાં “બાપા” ના હુલામણા નામે ઓળખાતા સદીની ઉંમર નજીક પહોંચી ગયેલ પૂજ્ય પ્રમુખ સ્વામી સાથેનો એમનો એક પ્રસંગ જાણીતા લેખક ડો.શરદ ઠાકરે એમની આગવી શૈલીમાં આજે પ્રસ્તુત કરેલ એમના લેખમાં રજુ કર્યો છે .આપને એ જરૂર ગમશે .

મિત્ર શ્રી સુરેશ જાનીએ એમના બ્લોગ ગુજરાતી પ્રતિભા પરિચયમાં ડો. એચ.એલ. ત્રિવેદીનો કરાવેલ સુંદર પરિચય અહીં ક્લિક કરીને વાંચશો.

વિનોદ પટેલ

“ફાનૂસ બનકર જિસ કી હિફાઝત હવા કરે,

વો શમ્મા ક્યા બૂઝે જિસે રોશન ખુદા કરે?”

BAPA-TRIVEDI

ડો. ત્રિવેદી હતાશ બની ગયા. એમણે એ મશીનનો ઉપયોગ શરૂ કરી દીધો. કર્મચારીઓએ પૂછયું, ‘સાહેબ, તમે કહેતા’તા ને કે ઉદઘાટન માટે આપણે કોઈ મોટા માણસને બોલાવીશું?’

ત્રિવેદી સાહેબ, જલદી આવો! બાપા પધાર્યા છે…!

વિશ્વવિખ્યાત કિડની સંસ્થાના ડિરેક્ટર ડો. ત્રિવેદી સાહેબ વિચારમગ્ન બનીને બેઠા હતા. પ્રશ્ન કંઈ મોટો ન હતો, માત્ર એક નાનકડી ઈચ્છા પૂરી કરવાનો સવાલ હતો. સાંજના વાળુ વખતે પણ એમને ગંભીર ચહેરા સાથે જોઈને એમના ધર્મપત્ની પૂછી બેઠાં, ‘કેમ આજે કંઈ થયું છે? શું વિચારો છો?’

‘વિચારું છું કે સંસ્થા માટે કિડનીની પથરી તોડવાનું નવું મશીન ખરીદવાનું છે. બધું પેપરવર્ક પૂરું થઈ ગયું છે. થોડાં દિવસોમાં જ મશીન આવી જશે. પછી એનું ઉદઘાટન કોના હાથે કરાવીશું?’ ડો. ત્રિવેદી સાહેબે મૂંઝવણ જાહેર કરી દીધી.

પત્નીએ સલાહ આપી, ‘ઉદઘાટન માટે કોઈ મોટા માથાની જરૂર છે?’

‘હા, મશીન ખૂબ મોંઘું છે, માટે એનો ઉદઘાટક પણ કોઈ મોટો માણસ જ હોવો જોઈએ. ડો. ત્રિવદીએ જવાબ આપ્યો. જવાબ તો આપતાં આપી દીધો, પણ એ સાથે જ એમના દિમાગમાં અજવાળું થયું. ‘કોઈ પણ રાજ્યમાં સૌથી મોટો માણસ તો એના મુખ્યમંત્રી સિવાય બીજો કોણ હોઈ શકે? લાવ, કાલે સી.એમ. સાહેબને જ વિંનતી કરું.’

વરસો થઈ ગયાં આ ઘટનાને. પાંચ, દસ કે પંદર નહીં, એનાથી પણ વધુ વરસો. કેનેડાની મુશળધાર કમાણી ત્યજીને ત્રિવેદી સાહેબ ગુજરાતના ગરીબ દરર્દીઓની સેવા કરવા માટે વતનમાં પરત ફર્યા હતા. વિશ્વસ્તરની સંસ્થા ઊભી કરવા માટે રાત-દિન એક કર્યા હતા. કોઈ પણ જાતની સરકારી સહાય લીધા વગર પ્રજા સામે ભીખનો વાટકો ધરીને આ ડોક્ટર ભિક્ષુકે સંસ્થાની ઈમારત ઊભી કરી હતી. અને હવે એમાં જરૂરી મશીનો બેસાડવાના હતાં.

બીજા દિવસે ડો. ત્રિવેદી સાહેબે તત્કાલિન મુખ્યમંત્રીને ફોન કર્યો, ‘સાહેબ, મારી સંસ્થામાં નવું લિથોટ્રિપ્ટર મશીન આવી રહ્યું છે. મારી ઈચ્છા છે કે એનું ઉદઘાટન આપના વરદ હસ્તે થાય.’

સી.એમ.ને વાતમાં રસ પડ્યો, ‘લિથોટ્રિપ્ટર એટલે શાનું મશીન?’

‘દરદીની કિડનીમાં થતી પથરીને ઓપરેશન કર્યાં વગર તોડવાનું મશીન… એમાં…’

‘એ બધું જવા દો, મને મશીનની કાર્યપદ્ધતિ જાણવામાં રસ નથી, પણ કિંમત જાણવામાં રસ છે.

‘મશીનની કિંમત આમ તો બહુ મોટી છે, પણ મેં જગતના અલગ-અલગ દેશોમાંથી સારી-સારી કંપનીઓનાં ટેન્ડરો મગાવીને ભાવતાલ કસીને કિંમત નક્કી કરી છે.’

સી.એમ. સાહેબે પાછો ખણકતો સવાલ પૂછી લીધો, ‘છેવટે કેટલા રૂપિયામાં સોદો નક્કી થયો છે?’

‘બે કરોડ રૂપિયામાં.’

‘ઓહ! ત્યારે તો એનું લોકાર્પણ ખરેખર કોઈ મોટા માથાના હાથે જ કરાવવું પડે.’

‘એટલા માટે તો આપને…

‘અરે, મારી વાત છોડો, હું ભારતના રાષ્ટ્રપતિને બોલાવી લાવું. મને મશીન વિશેની વિગત મોકલી આપો. બાકીનું બધું મારા માથે. મુખ્યમંત્રીએ સાચું જ કહ્યું. એ ગમે તેવા માણસ પાસેથી ગમે તેવું કામ કઢાવી શકવાની આવડત ધરાવતા હતા. ગુજરાતભરમાં આ માટે એમની ‘નામના’ હતી.

ડો. ત્રિવેદી સાહેબે એક બાજુ મશીનના લોકાર્પણ સમારંભની તૈયારી આરંભી દીધી, બીજી બાજુ મુખ્યમંત્રીના હાથમાં મશીનમાં સોદા વિશેની ફાઈલ પહોંચાડવાની તજવીજ કરી દીધી. એ કામ તો ખૂબ સહેલું હતું. રાજ્યના આરોગ્ય ખાતામાં અમુક ચોક્કસ ગતિ-વિધિ માટે એ પ્રોજેક્ટની ફાઈલ પહોંચી ગયેલી જ હતી.

એક દિવસ સવારના સમયે ડો. ત્રિવેદી ઉપર ગાંધીનગરથી ફોન આવ્યો. ખુદ સી.એમ. સાહેબ વાત કરતા હતા, ‘ડો. ત્રિવેદી, તમારે એક નાનકડું કામ કરવું પડશે.’

‘ફરમાવો ને સાહેબ! કોઈ ગરીબ દરદીની મફત સારવાર કરવાની છે?’

‘તમે ‘પ્રેક્ટિકલ’ થતાં ક્યારે શીખશો?’ સી.એમ. સહેજ અકળાયા, ‘ગરીબ દરદી માટે રાજ્યના મુખ્યમંત્રીએ ફોન કરવાનો હોય? મારે તો એટલું કહેવાનું છે કે….’ અહીં સાહેબ સહેજ અટક્યા, પછી સડસડાટ આગળનું વાક્ય બોલી ગયા, ‘પેલું મશીન છે ને એ તમારે બે કરોડમાં નથી ખરીદવાનું. ફાઈલમાં એની કિંમત ચાર કરોડ રૂપિયા બતાવીને ઉપરના બે કરોડ મને પહોંચાડવાના છે.’

‘હું સમજ્યો નહીં..!’

‘તમારે સમજવાની જરૂર પણ નથી. તમે એટલું સમજી લો કે તમે કોની સાથે વાત કરી રહ્યા છો. હું…!’

‘તમારું નામ જણાવવાની જરૂર નથી, સાહેબ, આખો દેશ એ જાણે છે. પણ તમારું કામ આવું હશે એ હું નહોતો જાણતો.’

‘નો આર્ગ્યુમેન્ટ્સ! હું કહું છું તેમ કરવું છું કે નહીં?’ સામે છેડેથી વાઘના જેવી ત્રાડ સંભળાવી.

આ છેડેથી પવિત્ર ગાય જેવા એક તપસ્વી ડોક્ટરનો મૃદુ છતાં ખુમારીભર્યો અવાજ પ્રગટ્યો, ‘સોરી, સર! આ બધું મને નહીં ફાવે જિંદગીમાં આવું કામ મેં કર્યું નથી, કરવું પણ નથી. હું મારા દેશના ગરીબ દરદીઓની સેવા કરવા માટે અહીં આવ્યો છું. આ પૈસા પ્રજાએ આપેલું દાન છે. એ કોઈ પવિત્ર રાજ્યના અપવિત્ર નેતાને આપવા માટેની રિશ્વત નહીં બની શકે અને તમે મારું કશું જ બગાડી નહીં શકો. બહુ બહુ તો તમે મને શાંતિથી કામ નહીં કરવા દો. વાંધો નહીં. એવું થશે તો હું કેનેડા પાછો ચાલ્યો જઈશ.’

ડો. ત્રિવેદીના સ્વરમાં એક એવી ફૌલાદી મક્કમતા હતી જેવી દાયકાઓ પૂર્વે અંગ્રેજ સલ્તનત સામે લડત ચલાવા ગાંધીના અવાજમાં હતી અને દાયકાઓ પછી જનલોકપાલ માટે ઝઝૂમવાના હતા એ અન્નાના અવાજમાં પ્રગટવાની હતી.સામે છેડેથી ફોન કપાઈ ગયો. પછીથી હેલ્થ સેક્રેટરી દ્વારા ત્રિવેદી સાહેબને જાણવા મળ્યું કે એમનો જવાબ સાંભળીને મુખ્યમંત્રીએ સામે ઊભેલા સેક્રેટરીની દિશામાં એ ફાઈલનો છૂટો ઘા કરી દીધો હતી.

ડો. ત્રિવેદી હતાશ બની ગયા. બીજા જ દિવસે એમણે એક દરદી માટે એ મશીનનો ઉપયોગ શરૂ કરી દીધો. કર્મચારીઓએ પૂછયું પણ ખરું, ‘સાહેબ, તમે તો કહેતા’તા ને કે ઉદઘાટન માટે આપણે કોઈ મોટા માણસને બોલાવીશું?’

ડો. ત્રિવેદીના ચહેરા પર કટુતા આવી ગઈ, ‘હું મારી માન્યતામાં ખોટો હતો, ગુજરાતમાં હું ઈચ્છું છું એવો મોટો માણસ એક પણ નથી. આપણાં દરદીઓ એ જ આપણાં અતિથિઓ અને એ જ ઉદઘાટકો.
***
એક દિવસ અણધારી ઘટના બની ગઈ. સવાર-સવારમાં એક કર્મચારી ઓફિસમાં દોડી આવ્યો, ‘ત્રિવેદી સાહેબ, જલદી આવો! બાપા પધાર્યા છે…!’ સાહેબ ‘બાપા’નો અર્થ પૂરો સમજે ન સમજે એટલામાં એ પોતે પ્રવેશદ્વાર પાસે જઈ પહોંચ્યા. પગથિયાં ઉપર પ.પૂ. પ્રમુખસ્વામી મહારાજ સ્વયં શિષ્યગણ સાથે ઊભા હતા.

‘પ્રમુખસ્વામી મહારાજ, આપ? પ્રગટ બ્રહ્મ સ્વરૂપ જાતે મારે આંગણે પધાર્યા?’ ડો. ત્રિવેદીના રૂંવે-રૂંવે ભક્તિભાવ ઊમટ્યો. બાપા મંદ-મંદ હસ્યા, ‘બ્રહ્મ સ્વરૂપ છું કે નહીં એ મારા ભક્તો જાણે! પણ અત્યારે વગર બોલાવ્યો અહીં પ્રગટ થયો છું તે હકીકત છે. તમારા મશીનના લોકાર્પણની ખાનગી વાત મારા કાન સુધી પહોંચી ગઈ છે. હું એનું ઉદઘાટન કરવા આવ્યો છું. મહત્ત્વ વિધિનું નથી, ભાવનાનું છે. ડોક્ટર, હવે પછી ક્યારેય એવું ન કહેશો કે તમારી ધારણા પ્રમાણેનો ગુજરાતમાં એક પણ મોટો માણસ નથી. ગુજરાતની ભૂમિ તો હજારો-લાખો સંતો, સાધુઓ અને સજ્જનોથી ઊભરાય છે. ચાલો, શુભ ઘડી વીતી રહી છે.

જેમના હાથે આવું શુભ કર્મ કરાવવું હોય તો છ-બાર મહિના રાહ જોવી પડે તેવા પવિત્ર ધર્મગુરુ સામે ચાલીને મશીન આગળ શ્રીફળ વધેરીને મંત્રોચ્ચાર સાથે મશીનનો લોકાર્પણ વિધિ કરી ગયા. આખી હોસ્પિટલના ખાટલે-ખાટલે ફરીને પવિત્ર જળનો છંટકાવ કરી રહ્યા. આભની અટારીએથી તેત્રીસ કરોડ દેવતાઓ આ દૃશ્યને નિરખી રહ્યા. આ ગજાના બે પવિત્ર તપસ્વીઓ એમને પણ એકસાથે ક્યારે જોવા મળવાના હતા?! એક ભગવાધારી તો બીજા સૂટધારી, પણ હતા તો બેય સંતશિરોમણી.

આવા છે ડો. એચ.એલ. ત્રિવેદી સાહેબ! તાજેતરમાં ભારત સરકારે એમને ‘પદ્મશ્રી’ના સન્માનથી નવાજ્યાં એ સમાચાર જાણ્યા પછી હજારો વાચકોએ ફોન અને એસ.એમ.એસ. દ્વારા મારી પાસે હર્ષ વ્યક્ત કર્યો. ગુજરાતના જ બીજા એક મોટા સંત કથાકારે ‘કિડની ઈન્સ્ટિટ્યૂટ’ માટે રામકથા શરૂ કરી છે. રિવરફ્રન્ટ પરની કથામાં પ્રથમ દિવસથી જ દાનનો વરસાદ વરસવો શરૂ થયો છે. જે સેવાભાવી ડોક્ટર સાહેબને પ્રજાના, સરકારના અને સંતોના આશીર્વાદ સાંપડે એ સેવાનાં પોતાનાં મિશનમાં ક્યારેય પાછા પડે ખરા?

drsharadthaker@yahoo.com

સૌજન્ય- આભાર – દિવ્ય ભાસ્કર .કોમ 

ડો શરદ ઠાકર નો પરિચય અને વિનોદ વિહારમાં પોસ્ટ થયેલ આવા એમના બીજા પ્રેરક લેખો વાંચવા અહીં ક્લિક કરશો.

8 responses to “( 661 ) ત્રિવેદી સાહેબ, જલદી આવો! બાપા પધાર્યા છે…!….. ડૉ. શરદ ઠાકર

  1. vimala ફેબ્રુવારી 23, 2015 પર 1:19 પી એમ(PM)

    સાહેબ, આપે તો આ પોસ્ટ દ્વારા શરદ ભાઈઍ ડૉ. ની ડાયરીના રણમા ખીલવેલા ગુલાબોની સંવેદનાની
    સુવાસ પ્રસારાવી દીધી. ને માન અમારા સુગંધિત થઈ ગયા!!!!.
    સાથે દેવાંગ ભાઈ ઍ લીધેલ સમતોલ મુલાકાત જોઈને ઍવી ધન્યતા અનુભવી કે જાણે શરદ ભાઈ સાથે રૂબરૂ વાતો કરી.
    દેવાંગ ભાઇઍ મુલાકાતને પૂર્ણ વિરામ નહી પણ અલ્પવિરામ આપ્યો તો આશા બંધાઈ છે કે સંવેદનાના સૂર ફરી સંભળાશે ખરા.
    શરદ ભાઈઍ બક્ષી સાહેબનો ઉલ્લેખ કર્યો,ઍ વિષે ઍક માગણી મૂકવાની લાલચ થાય છે કે બક્ષી સાહેબની આવી કોઈ મુલાકાત
    માણવા મળે.
    આભાર.

    Like

  2. સુરેશ જાની ફેબ્રુવારી 23, 2015 પર 1:23 પી એમ(PM)

    આ વાર્તા’શેર’ કરવા માટે ખુબ ખુબ આભાર. ગુ.પ્ર.પ. પરના આ બે ઋષિઓના પરિચયને શણગારતું એ ઘરેણું બની રહેશે.

    Like

  3. Pingback: એચ. એલ. ત્રિવેદી, Dr. H. L. Trivedi | ગુજરાતી પ્રતિભા પરિચય

  4. hirals ફેબ્રુવારી 23, 2015 પર 2:02 પી એમ(PM)

    ડૉ. ત્રિવેદીને ‘પદ્મશ્રી’ નું સન્માન ઘણાં વરસો પહેલા જ મળવું જોઇતું હતું.

    Like

  5. mdgandhi21, U.S.A. ફેબ્રુવારી 23, 2015 પર 2:56 પી એમ(PM)

    ખરૂં લખ્યું છે, ડૉ,ત્રિવેદી સાહેબની સરખમણી ગાંધીજી અને અન્ના હઝારે સાથે કરી… આવા વિરલાઓ તો દિવો લઈને ગોતવા જાવું પડે ત્યારે પણ બહુ થોડાજ મલે….
    બહુ સુંદર પ્રસંગ આલેખ્યો છે… આવા શુભ કાર્ય માટે ડૉ. સાહેબને અને .સ્વામિબાપાને પણ શત શત વંદન…..

    Like

  6. pragnaju ફેબ્રુવારી 23, 2015 પર 5:49 પી એમ(PM)

    ડૉ ત્રિવેદીસાહેબની જાણીતી વાતો ફરી ફરી માણી આનંદ
    તેમને મળેલું સન્માન આટલું મોડું કેમ ? તે આશ્ચર્યની વાત…!

    Like

  7. dee35 ફેબ્રુવારી 27, 2015 પર 11:11 એ એમ (AM)

    ‘તમારું નામ જણાવવાની જરૂર નથી, સાહેબ, આખો દેશ એ જાણે છે. પણ તમારું કામ આવું હશે એ હું નહોતો જાણતો.’
    મારી આપને વિનંતી કે વાંચકોને પણ સાચી માહીતીની જાણકારી મળે તે માટે નામ જણાવવું જોઇએ.

    Like

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.