વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Monthly Archives: ફેબ્રુવારી 2015

( 660 ) ૨૧ મી ફેબ્રુઆરી-આંતરરાષ્ટ્રિય માતૃભાષા દિવસ

૨૧મી ફેબ્રુઆરી -એટલે આંતરરાષ્ટ્રિય માતૃભાષા દિન .

વર્ષ 2000 થી દર વર્ષે 21મી ફેબ્રુઆરી વિશ્વભરમાં

માતૃભાષા દિન તરીકે ઊજવાય છે.

માતૃભાષા દિનની વાચન પ્રસાદી 

કાવ્ય ત્રિવેણી 

‘વિશ્વ માતૃભાષા’ ના દિવસે ગુજરાતી ભાષાનું ગૌરવ કરાવતી ત્રણ  કવિઓની આ સુંદર રચનાઓને માણીએ.

વિશ્વ માંગલ્ય ધાત્રી

જે જન્મતા આશિષ હેમચંદ્રની

પામી, વિરાગી જિનસાધુઓએ

જેનાં હિંચોળ્યા મમતાથી પારણાં,

રસપ્રભા ભાલણથી લહી જે

નાચી અભંગે નરસિંહ – મીરાં

અખા તણે નાદ ચડી ઉમંગે

આયુષ્યમતી લાડલી પ્રેમભટ્ટની

દ્ઢાય ગોવર્ધનથી બની જે,

અર્ચેલ કાન્તે, દલપતપુત્રે

તે ગુર્જરી ધન્ય બની ઋતંભરા

ગાંધીમુખે વિશ્વ માંગલ્ય ધાત્રી.

– ઉમાશંકર જોષી

માતૃભાષા

મને મારી ભાષા ગમે છે

કારણ બાને હું બા કહી શકું છું.

‘મમ્મી’ બોલતાં તો હું શીખ્યો છેક પાંચમા ધોરણમાં

તે દિવસે ખૂબ રોફથી વાઘ માર્યો હોય એમ

મેં મમ્મી કહીને બૂમ પાડેલી

બા ત્યારે સહેજ હસેલી

કારણ બા એક સાદો પોસ્ટકાર્ડ પણ માંડ માંડ લખી શકતી.

બા બેંકમાં સર્વિસ કરવા ક્યારેય ગઈ નહોતી અને

રાત્રે ‘લાયન્સ’ પાર્ટીમાં ગઈ હોય એવું યાદ પણ નથી

બા નવી નવી ડિશ શીખવા કૂકિંગ ક્લાસમાં ગઈ નહોતી

છતાં ઇંગ્લિશ નામ ખડક્યા વગર એ થાળીમાં જે મૂકતી

તે બધું જ અમૃત બની જતું

મને મારી ભાષા ગમે છે

કારણ મને મારી બા ગમે છે.

– વિપિન પરીખ

મારી ભાષા તું ગુજરાતી

પ્રભાતિયા જેવી પુનિત મારી ભાષા તું ગુજરાતી

વિશ્વ માતૃભાષા દિને હૈયે ચાહ ઘણી ઊભરાતી

‘નાગદમણ’નો આદિ કવિ, છે મારો એ નરસૈંયો

ટેક ધારી ધન્ય પ્રેમાનંદ, શતવંદની ગુજરાતી છૈયો

 

ખૂલ્યાં ભાગ્યને મળ્યા રે નર્મદ દલપત અર્વાચીને

ને મલકાણી ભાષા ગુજરાતી હસતી રમતી દિલે 

સાક્ષર વિરલા લઈને હાલી રૂડી ગુર્જરી વણઝાર

ગાંધી આધુનિક યુગથી મ્હેંકી શોભે સાહિત્યની ધાર

 

અરબી ફારસી ને મોગલ સહ, અંગ્રેજી મરાઠી બંગ વાઘા

ગુર્જર ભાષાએ ઝીલ્યા ભાઈ વિશ્ર્વતણા શબ્દ ખજાના 

ફ્રેબુઆરી એકવીસમો દિન વિશ્ર્વ માતૃભાષાનો ગરવો

ગુર્જર લોકસાહિત્ય સાગર તીરે માણું હું રે જલવો.

– રમેશ પટેલ (આકાશદીપ) 

(સૌજન્ય-સાધના સાપ્તાહિક )  

આપણી માતૃભાષા ગુજરાતીનો ઉદભવ અને વિકાસ

–આંતરરાષ્ટ્રિય માતૃભાષા દિન તરીકે 21મી ફેબ્રુઆરી જ શા માટે ?

—ભાષાની મમતના ઝનૂન અને જાનફેસાનીની દાસ્તાન

—આપણી માતૃભાષા ગુજરાતીનો ઉદ્ભવ અને વિકાસ

—મધ્યકાલીન ગુજરાતી

—અર્વાચીન ગુજરાતી

—ગુજરાતી જ નહીં અનેક ભાષાઓ લુપ્ત થઈ રહી છે…ભાષાને બચાવવા શું કરવું જોઈએ

—-ગુજરાતી : સિદ્ધહેમના દુહાઓથી આધુનિક યુગ સુધી

—શું કહે છે સર્જકો અને સમાજશ્રેષ્ઠીઓ માતૃભાષા વિશે …..

આ બધી અગત્યની માહિતી વાંચવા માટે નીચેના ચિત્ર ઉપર ક્લિક કરી  સાધના સાપ્તાહિકના બ્લોગ ઉપર  પહોંચી જાઓ.

Gujrati bhaashaa

માતૃભાષા ગુજરાતી વિષે બ્લોગ વેબ ગુર્જરીમાં પ્રકાશિત ત્રણ વાંચવા અને વિચારવા જેવા લેખો જરૂર વાંચશો.

WG-LOGO-G

મધુરી માતૃભાષા જ સૌ ભાષામાં મહાન છે ! –– શ્રી જુગલકિશોર વ્યાસ

આપણી ભાષા – આપણી સંસ્કૃતિ …– દર્શા કિકાણી

ચાલો, ભાષાનું ગૌરવ વધારીએ”…..– યશવંત ઠક્કર

ગીત ગુર્જરી..  કેપ્ટન નરેન્દ્ર

માતૃભાષા દિનના આજના પ્રસંગે મારા સહૃદયી મિત્ર શ્રી નરેન્દ્રભાઈએ એમના બ્લોગ જીપ્સીની ડાયરી માં કેટલાક ગુજરાતી ગીતોનો જે સંચય રજુ કર્યો છે એ માણવાની વાચકોને ખાસ ભલામણ છે .

આ જ સામગ્રી  ‘વેબ ગુર્જરી’માં રજુ કરવામાં આવી હતી, જે વાંચવા – સાંભળવા નીચે આપેલ લિંક પર ‘ક્લિક’ કરવા વિનંતી.

ગીત ગુર્જરી….જીપ્સીની ડાયરી …  કેપ્ટન નરેન્દ્ર

( 659 ) શ્રી મહેન્દ્ર શાહના કાર્ટુનોમાં શ્રી નરેન્દ્ર મોદી ……

જાણીતા કાર્ટુનિસ્ટ મિત્ર શ્રી મહેન્દ્રભાઈ શાહનાં આજની પોસ્ટમાં પ્રસ્તુત શ્રી નરેન્દ્ર મોદી ઉપરનાં ત્રણ કાર્ટુનો તમને જરૂર ગમશે.

આ અગાઉની પોસ્ટ 658-આનું નામ ગુજરાતી !મોદી સુટની વાત .. અછાંદસ  સાથે તમોએ વાંચી હશે.

હવે જુઓ, શ્રી મહેન્દ્રભાઈ એ સુટ વિષે આ બે કાર્ટુનોમાં શું કહે છે !

Modi suit -2

Modi Suit-mahendra

મોદી-ઓબામા-ચાય પે ચર્ચા !

Mahendra Shah- Cartoon -modi-obama

સૌજન્ય- શ્રી મહેન્દ્ર શાહના ફેસબુક પેજ પરથી સાભાર 

( 658 ) આનું નામ ગુજરાતી ! – મોદી સુટની વાત … અછાંદસ …. વિનોદ પટેલ

મોદીના સુટની વાત ….અને એક અછાંદસ .

વડા પ્રધાન મોદીનો બહુ વખણાયેલો અને રૂપિયા 10 લાખનો ગણાવાતો સુટ સુરતના સાયન્સ સેન્ટરમાં એમને ભેટ સોગાદોના પ્રદર્શન અને હરાજીમાં મુકાયો હતો. મોદીએ આ મોંઘો સુટ યુએસ પ્રમુખ બરાક ઓબામા સાથે પત્રકાર પરિષદ વખતે પહેરેલો .

સમગ્ર સુટ પર નરેદ્ર દામોદરદાસ મોદીનો મોનોગ્રામ પીન સ્ટ્રીપ કરેલો હતો. આટલો મોંઘો સુટ પહેરવાને લઇને મોદી દેશભરના મીડિયામાં ચર્ચાનું તો કયાંક ટીકાનું કેદ્ર બન્યા હતા.રાહુલ ગાંધીએ પણ તેમની રેલીમાં નરેદ્ર મોદી દ્વારા કથિત રીતે આ 10 લાખની કિંમતનો સુટ પહેરવાને લઇને તેમના પર નિશાન સાધ્યું હતું.

હકીકત તો એ છે કે આ સુટ એક NRI એ મોદીને એના પુત્રના લગ્ન પ્રસંગે મોદીને ભેટ આપેલ હતો અને દસ લાખનો પણ ન હતો.( વિગતો અહીં વાંચો)

મોદીના આ બહુ ચર્ચિત સુટ ખરીદવા માટે ઉદ્યોગકારોમાં હોડ જામી હતી .

છેલ્લા સમાચારો પ્રમાણે સુરતના હિરાના વેપારી અને ધરમાનંદન ડાયમંડ્સના માલિક હિતેશ લાલજીભાઈ પટેલે મોદીનો બંધ ગળાનો સુટ ૪.૩૧ કરોડમાં ખરીદ્યો છે.

હરાજી બંધ થઇ એ પછી રૂપિયા પાંચ કરોડની બોલી લગાવાઈ હતી પણ તે સાંજે હરાજીની ડેડલાઈન પાંચ વાગ્યા બાદ કરાઈ હતી એટલે માન્ય રખાઈ ન હતી.

આ લિલામમાં ઉપજેલી રકમ વડા પ્રધાનના સ્વચ્છ ગંગા મિશનમાં આપી દેવામાં આવશે.

વિગતે ચિત્રલેખા સમાચારોમાં (અહીં વાંચો)

શ્રી મોદીના આ બહુ ચર્ચિત સુટની હરાજીના સમાચારો વાંચી મને એક  અછાંદસ કાવ્ય સર્જનની પ્રેરણા થઇ જે નીચે પ્રસ્તુત છે !

આનું નામ ગુજરાતી ! – મોદી સુટ ની વાત

ગુજરાતી એટલે વેપારમાં પારંગત ,
મંગળ ગ્રહ પર પહેલી દુકાન,
એક દિન એક ગુજરાતીની જ હશે !

જુઓ શું થયું આ મોદી સુટનું,
મૂળ તો હજારોનો જ ભેટમાં મળેલ સુટ,
જાહેર કર્યો બજારમાં દસ લાખનો,
ચોરે ચૌટે વાતો ભલેને થઇ,
એક દિવસ પહેરી વટ પાડ્યો,
ધનિક દેશના નેતા ઓબામા પર,
કે છે તારી તાકાત આવો કિંમતી ,
સુટ પહેરવાની મિત્ર, બરાક !

ફક્ત થોડા કલાક પહેરાએલો,
મોદી નામધારી સુટ મુકાયો ,
સુરતમાં લીલામ ઉપર ,

અને તમે માનશો !

વેચાયો અ ધ ધ ધ ચાર કરોડ ૩૧ લાખમાં !
ખરીદનાર હતો એક હીરો ગુજરાતી !
હજારોનો મફતમાં મળેલો કોટ ,
હરાજીમાં વેચ્યો લગભગ પાંચ કરોડમાં !
આનું નામ કહેવાય ગુજરાતી !
વેપાર તો ગુજરાતીના બાપનો !

મોદી કોટની ઉપજેલ આ રકમથી ,
મેલી ગંગા ચોખ્ખી બનવાની છે !
તો આ છે ચર્ચાના ચાકડે ચડેલ ,
મોદીના કોટની કહાની ,
જેનો અંત સારો, એનું સૌ સારું !
ખાધું, પીધું ને રાજ કર્યું !

વિનોદ પટેલ, ..૨-૨૦-૨૦૧૫

( 657 ) બિચારા સુરેશભાઈ ! પુત્ર પરિવારને મળવા અમેરિકા આવ્યા અને પોલીસના અમાનવીય વર્તનથી જીવનભર માટે અપાહિજ બની ગયા ! અમેરિકાનો એક કડવો અનુભવ .( સંકલિત )

અમેરિકા,અલાબામા સ્ટેટમાં પોલીસના ઉધ્‍ધત વર્તનથી પેરાલીસીસનો ભોગ બનેલા શ્રી સુરેશભાઈ પટેલના આઘાત જનક બનાવની ભીતરમાં એક ડોકિયું .
Sureshbhai Patel is seen at Huntsville Hospital, in Huntsville, Alabama

Sureshbhai Patel is seen at Huntsville Hospital, in Huntsville, Alabama

ગુજરાતના નડિયાદ પાસેના પીજ ગામના રહેવાસી, 57 વર્ષના સુરેશભાઈ પટેલ ત્રણ સપ્તાહ પહેલાં જ હન્‍સ્‍ટવિલ ,અલાબામામાં એન્‍જીનીયર તરીકે જોબ કરતા એમના પુત્ર ચિરાગ અને એના પરિવારની સાથે રહેવા માટે અમેરિકા આવ્‍યા હતા.ચિરાગના નવ જાત પુત્રની તબિયત સારી રહેતી ના હોવાથી અને એને એમ.એસ. માટેની પરીક્ષા આપવાની હોવાથી પુત્રને મદદરૂપ થવાના આશયથી તેમના પૌત્રની સાર-સંભાળ માટે તેઓ અમેરિકા આવ્યા હતા .

તારીખ  ૬ ફેબ્રુઆરી ૨૦૧૫ ના દિવસે રોજની માફક સાઈડ વોક પર તેઓ ચાલતા બહાર ફરવા જતા હતા ત્‍યારે ચિરાગ પટેલના કોઈ પાડોશીએ પોલીસને ફરીયાદ કરીને જણાવ્‍યુ હતું કે, એક શંકાસ્‍પદ વ્‍યકિત ડ્રાઈવ વેઝમાં ચાલી રહ્યો છે અને તમામ મકાનોના ગેરેજમાં નજર કરી રહ્યો છે.

પાડોશીની ફરીયાદને આધારે પોલીસ ત્યાં આવી પહોંચી હતી અને સુરેશભાઈને અટકાવ્‍યા હતા. સુરેશભાઈ અંગ્રેજી જાણતા ન હોવાથી પોલીસના સવાલોના જવાબ આપી શકયા નહોતા અને દરેક સવાલના જવાબમાં ‘નો ઈંગ્‍લીશ’ એટલું જ કહેતા રહ્યા હતા.પોલીસ પૂછપરછ કરતો હતો પરંતુ એ શું કહે છે એ સુરેશભાઈને ખબર પડતી ન હતી.બળજબરીપૂર્વક એમના જવાબ માટે પ્રયાસ કર્યા હતા અને ઝપાઝપી પછી સુરેશભાઈને પોલીસે જોસથી નીચે પછાડીને ભોંયસરસા સૂવાની ફરજ પાડી હતી.

મેડિસન પોલીસે સુરેશભાઈને કરેલ મારઝૂડ અને નીચે પટકવાથી માથે અને કરોડ રજ્જુ ઉપર થયેલ ઈજાથી તેઓ તરત જ લકવા ગ્રસ્ત બની ગયા હતા અને ઉભા પણ રહી શકતા ન હતા .

સુરેશભાઈના પુત્ર ચિરાગ પટેલે એક મુલાકાતમાં કહ્યુ હતુ કે મારા ફાધર માત્ર ગુજરાતી અને હિન્‍દી જ બોલી-સમજી શકે છે. તેઓ તો તેમના રોજિંદા ક્રમ અનુસાર પાડોશમાં ચાલવા નિકળ્‍યા હતા.

આ બનાવનો પોલીસ ખાતાએ બહાર પાડેલ નીચેના વિડીયોમાં બે પોલીસ ઓફિસરો સ્ટ્રીટની પેવ મેન્ટ ઉપર સુરેશભાઈને જોર કરીને નીચે કેવી રીતે નીચે પટકે છે, ઉપર બેસી જાય છે અને જ્યારે ઉભા કરે છે ત્યારે તેઓ લકવા ગ્રસ્ત થઈને ઉભા પણ રહી નથી શકતા એ બતાવ્યું છે.આ વિડીયોમાં સુરેશભાઈ ફૂટપાથ ઉપર ફરવા જતા  સ્પષ્ટ દેખાય છે.

સુરેશભાઈને આ ઘટના બની તે પહેલાં કોઈ બીમારી નહોતી, પણ છઠ્ઠી ફેબ્રુઆરીએ બનેલા આ કિસ્‍સાણે કારણે સુરેશભાઈને બે હાથે અને બે પગે  લકવો થઈ ગયો છે . હાલ તેઓ હોસ્પીટલમાં સારવાર હેઠળ છે .

Grandfather Left Paralyzed After Encounter With Alabama Police

આ વિડીયોમાં સુરેશભાઈના પુત્ર ચિરાગભાઈ દુખી હૃદયે એમના ૫૭ વર્ષના પથારીવશ પિતાની હાલતનું ટી.વી. એન્કર સમક્ષ કરુણ બયાન કરે છે એ બતાવ્યું છે. 

Chirag Patel Speaks on Madison Police Incident

કેટલાક ગોરા અમેરિકનોમાં બ્લેક આફ્રિકન અમેરિકનો ,ભારતીયો અને બ્રાઉન ચામડીના લોકો પ્રત્યે એમના અંતર મનમાં કેવો તિરસ્કાર હોય છે એ આ અને આવા બનતા બનાવો ઉપરથી અવાર નવાર જણાઈ આવે છે.

 શ્રી સુરેશભાઈ સાથે ઉધ્‍ધત વર્તન કરનાર પોલીસ ઓફિસરની ધરપકડ થઈ છે તથા FBI દ્વારા તેના વિરૂધ્‍ધ તપાસ ચાલી રહી છે. સુરેશભાઈને ઈજા પહોંચાડવા માટે જવાબદાર પોલીસ-કર્મચારીને તપાસ પુરી ન થાય ત્‍યાં સુધી એડમિનિસ્‍ટ્રેટીવ લીવ પર મોકલી આપવામાં આવ્‍યો છે.

શ્રી સુરેશભાઈના પુત્ર ચિરાગ પટેલએ પોલીસ વિરૂધ્‍ધ કોર્ટ કેસ કરી દીધો છે. સુરેશભાઈ હજુ પણ ચાલી શકતા નથી અને હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

પોલીસનો દાવો છે કે કોઈના ઘરમાં જોવા બદલ પટેલ વિરુદ્ધ ફરિયાદ પોલીસને કરાઈ હતી, પરંતુ રસ્તા પર બનેલી મારપીટની ઘટનાનો વિડિયો જોતાં તેમાં સ્પષ્ટ છે કે સુરેશભાઈ પટેલ ચુપચાપ ફૂટપાથ પર ચાલતા જતા હતા.

પટેલને અંગ્રેજીમાં બોલતાં આવડતું નહોતું તેથી તે પોલીસ અધિકારી પાર્કરના સવાલોના જવાબ આપી શક્યા નહોતા. ૨૬ વર્ષીય પાર્કર પર થર્ડ-ડિગ્રી હુમલાનો આરોપ મૂકાયો છે. તેમણે કોર્ટમાં પોતે ગુનેગાર ન હોવાનું કહ્યું હતું.

જજ દ્વારા આ કેસની કાર્યવાહી માટે ૨૯ એપ્રિલની તારીખ મુકરર કરવામાં આવી છે.

અમેરિકા સ્‍થિત પુત્રને ત્‍યાં આવેલા શ્રી સુરેશભાઈ પટેલ સાથે પોલીસે કરેલા ઉધ્‍ધત વર્તનના બનાવને કેલીફોર્નીયાના ,બે એરીયાના ઈન્‍ડિયન અમેરિકન કોંગ્રેસમેન ડો. એમી બેરાએ ભયંકર આધાતજનક તથા કરૂણ ગણાવ્‍યો છે .ડો. બેરાએ પટેલ પરિવાર પ્રત્‍યે હૃદય પૂર્વકની લાગણી વ્‍યક્‍ત કરી છે.શ્રી સુરેશભાઈ વહેલી તકે સાજા થઈ જાય તેવી કામના એમણે વ્‍યક્‍ત કરી છે.

ડો.બેરાએ અમેરિકામાં વસતા તમામ વિદેશીઓ તથા લઘુમતિ કોમો પ્રત્‍યે સમાન તથા સૌમ્‍ય વહેવાર રાખવો જોઈએ જેથી વિશ્વવાસ જળવાઈ રહે તેમ જણાવ્‍યું હતું.

આ દુખદ બનાવ અંગે અંગ્રેજીમાં વિડીયો સાથે અહેવાલ આ લીંક ઉપર વાચી શકાશે.

http://www.huffingtonpost.com/2015/02/11/grandfather-paralyzed-alabama-police_n_6664622.html

અમેરિકામાં આવી અજાણતાં જ મુશ્કેલીમાં આવી પડેલ શ્રી સુરેશભાઈની તબિયતમાં સુધારો થાય અને એ ફરી ચાલતા થઇ જાય એવી શુભકામનાઓ અને પ્રાર્થના .   

 

 

 

( 656 ) બાળકોની વાંચન ભૂખને ગુજરાતીઓ સંતોષે છે ખરા? …. કાંતિ ભટ્ટ

બાળકોનાં મા-બાપ ( મમ્મી -ડેડી ) જાતે રસ લઈને જો નાનાં બાળકોના હાથમાં એને રસ પડે એવી વાચન સામગ્રી મુકી પહેલેથી જ એનામાં વાંચવાનો જો રસ ઉત્પન્ન કરે તો એમનામાં વિચાર શક્તિ અને કલ્પના શક્તિનો અજબ વિકાસ થતો હોય છે. નાનપણમાં વાંચેલી વાર્તાઓ અને પ્રેરક પુસ્તકોનો બાળકના ભાવી જીવનમાં પણ ઉંડો પ્રભાવ પડતો હોય છે.

આજનો મુખ્ય પ્રશ્ન એ છે કે શું ભારતમાં બીજા દેશોની સરખામણીએ બાળકો માટે પુરતી વાચન સામગ્રી ઉપલબ્ધ છે ખરી ?

આ વિષયની સુંદર છણાવટ કરતો દિવ્ય ભાસ્કરમાં વાંચેલો શ્રી કાંતિ ભટ્ટનો એક લેખ “બાળકોની વાંચન ભૂખને ગુજરાતીઓ સંતોષે છે ખરા? ”  આજની પોસ્ટમાં મુક્યો છે એ ખુબ મનનીય છે.

આ લેખ વાંચ્યા પછી મને હાસ્ય દરબારમાં રી-બ્લોગ થયેલ સુ.શ્રી હીરલ શાહનો   લેખ “અચરજ અપાર “યાદ આવી ગયો.

યુ.કે.માં સ્થાઈ થયેલ સુશિક્ષિત હિરલ અને એમના પતિ મિલન ખુબ રસ લઈને પુસ્તકોની મદદથી અને અન્ય રીતે પુરતો સમય આપી એમની બે-અઢી વર્ષની દીકરી જીનાને ઉછેરી રહ્યાં છે.

હિરલે તો આ માટે એની સારા પગારની જોબ પણ છોડી છે.નાનકડી જીનામાં એની ઉંમરને આંબી જતી કલ્પનાશક્તિ ખરેખર અચરજ પમાડે એવી વિકસી છે. હીરલના લેખનો આ એક પ્રસંગ એની પ્રતીતિ કરાવશે.જીનાનું હુલામણું નામ “ટબૂક”  બૂક સાથે કેવું સંલગ્ન  છે !

“ટબૂકને બે-ત્રણ વાર એવા અનુભવ થયેલા કે ડૅડીને કીધું હોય કે મારી સાથે ગા.ને ડૅડીને ના આવડતું હોય એટલે ડૅડીને મમ્મી પાસે ક્લાસ લેવા મોકલે.

ગઇકાલે એક બુક લઇને મિલન પાસે આવી, કહે આ વાંચ તો,
બીજી જ સેકન્ડે, ઓહ, પણ તને ફાવશે વાંચતા?
મિલન કહે, સંભળાવું વાંચીને?
હા,
આખી બુક (૮-૧૦ પાનાંની ચિત્રો સાથેની બુક) વાંચી એટલે ટબૂકબેન કહે,
વાહ, ડૅડી, ગુડ જોબ, તને તો આવડે છે. ફાવી ગયું ને!”

આજની પોસ્ટમાં પ્રસ્તુત “બાળકોની વાંચન ભૂખને ગુજરાતીઓ સંતોષે છે ખરા?” એ મૂળભૂત પ્રશ્ન અંગે આપનાં મંતવ્યો જરૂર લખશો.

વિનોદ પટેલ

 Children books

 બાળકોની વાંચન ભૂખને ગુજરાતીઓ સંતોષે છે ખરા?

– વધતો બુદ્ધિઆંક: આજનાં બાળકો સ્માર્ટ થતાં જાય છે. શું તેમને સુપર સ્માર્ટ બનાવવાની જરૂર લાગે છે?

બાળકોને વાંચનની કેટલી તીવ્ર ભૂખ હોય છે તેનો એક સ્વાનુભવનો દાખલો આપુ. એક જમાનામાં પ્રખ્યાત બાળકોના લેખક જીવરામ જોષી જે ‘ઝગમગ’ નામના બાળ માસિકના તંત્રી હતા, તેના નાના ભાઈ દીનકર જોષી મહુવામાં ‘પરમાર હાઉસ’માં અમારા પાડોશમાં રહેવા આવ્યા. તેમને મહુવાના નવા બાલમંદિરના સંચાલક બનાવેલા. તેમણે સૌથી મોટું કામ બાલમંદિરમાં બાળ-લાઈબ્રેરી ઉભી કરવાનું ર્ક્યું હતું. અમને ત્યારે બાળ મંદિરમાં દાખલ કરવાની ઉંમરના બાળક ગણતા નહોતા. અમને વાચનનો ભારે અભરખો પણ ક્યાંય પુસ્તક વાંચવા મળે નહીં.

બાળ લેખક દીનકર જોષીના પુત્રો અને હું બાલમંદિરની લાઈબ્રેરીના તાળાની ચાવી ચોરીને રવિવારે વાંચવા જતા. વાંચીને પછી લાઈબ્રેરીને તાળું બંધ કરી પાછી ચાવી દીનકર જોષીને (હાલ દીનકર જોષી છે તે નહીં) ઘરે મુકી આવતા. વાંચવાનો આટલો અભરખો બાળકોને હોય છે.

અમેરિકા અને બ્રિટનમાં ચિલ્ડ્રન-લીટરચેર ભરપુર હોય છે. આજે ગુજરાતીમાં કેટલા બાળ સામયિકો છે? શામળદાસ ગાંધી ‘રમકડું’ ચલાવતા. જીવરામ જોષી ‘ઝગમગ’ મેગેઝિનના તંત્રી હતા. નવજીવન ટ્રસ્ટ ‘પ્યારા બાપુ’નું બાળ મેગેઝિન ચલાવતું. આ બધા જ મેગેઝિનો અત્યારે છે? કોઈ બાળકો માટેનું ગુજરાતી મેગેઝિન ચલાવતુ હોય તો મને જણાવજો હું તેના દુ:ખણા લઈશ. ગુજરાતીમાં બાળ મેગેઝિનનો દુષ્કાળ છે.

હું મુંબઈમાં નવો નવો આવ્યો ત્યારે પત્રકાર તરીકેની રૂ. 199ના પગારની નોકરી હતી. મહુવાના મિત્ર-વડીલ હરકીશન મહેતા (ચિત્રલેખાવાળા) જુહુના દરીયાકાંઠે મળી ગયા. મને કહે શું કરે છે? મેં કહ્યું નોકરી પછી ફુરસદમાં કવિતા અને વાર્તા લખું છું. મને કહે વાર્તા લખીને જીવવા માગીશ તો ભૂખે મરીશ.

સાહિત્યકાર- વાર્તાલેખક દીનકર જોષીએ ટાપસી પુરી કે મીન પિયાસી (વૈદ્ય દીનકરરાય કેશવલાલ ભટ્ટ), વિજયરાય કલ્યાણરાય વૈદ્ય અને બીજા ઘણા કવિઓ અને વાર્તા લેખકોએ જીવવા માટે પાછલી જીંદગીમાં ઉઘરાણા કરવા પડેલા. મેં અનુભવ ર્ક્યો છે કે પત્રકાર ન થયો હોત તો હું ભીખારી થતો. અરે જવા દો. પત્રકારોમાંથી આજે 70 ટકા પત્રકારો પણ ‘કરૂણ’ હાલતમાં જીવે છે.

જે જીવે છે તે રૂવાબથી જીવતા નથી. આ વિષય ઉપર લખવાની સ્ફૂરણા મને જયપુર ખાતે 21-1-15થી ‘જયુપર લીટરરી ફેસ્ટિવલ’ શરૂ થયો તે પ્રસંગ ઉપરથી આવ્યો. આ સાહિત્યના ત્રણ દિવસના ઉત્સવમાં કેટલા ગુજરાતી કવિ, વાર્તાકાર કે સાહિત્યકાર જયપુર ગયા છે? કોઈ ગુજરાતી કવિ-વાર્તાકાર જયપુર ગયા હોય તો મને કહેજો. પણ અંગ્રેજી લેખકો-કવિઓ કેટલા જશે? અરે ડઝનબંધ જશે. શામળદાસ ગાંધી, અમૃતલાલ શેઠ અને ઝવેરચંદ મેઘાણી ભૂલાઈ રહ્યા છે. આજે જો ગુજરાતીમાં પુસ્તકો વાંચનારા ગુજરાતી બાળકો હોય તો નવી ગુજરાતી-બાળ વાર્તાઓ માટે ફાંફા મારવા પડે. પણ સદભાગ્યે (અગર દુર્ભાગ્યે) આજે બાળકો અંગ્રેજી માધ્યમમાં ભણે છે.

ઝૂંપડામા રહેતી ઘણી કામવાળી બાઈઓના પુત્ર-પુત્રી પણ અંગ્રેજી માધ્યમમાં ભણે છે. મારી કામવાળી હેમા બોરીચા કહે છે કે, આજના અમારા બાળકો બહુ બુદ્ધિશાળી થઈ ગયા છે. તેમની વાંચનની ભૂખ ગજબની છે.

આજે ઈગ્લેંડના બાળકો કેટલા ભાગ્યશાળી છે? બે વર્ષના બાળકો માટે જ પ્રગટ થતા હોય તેવા બે ડઝન અંગ્રેજી બાળ સાપ્તાહીક પ્રગટ થાય છે. ‘સ્પોર્ટસ ઈલસ્ટ્રેટેડ’ નામનું પુખ્ત વયના માટેનું મેગેઝિન છે, પણ બાળકો માટેનું પણ ‘સ્પોર્ટસ ઈલસ્ટ્રેટેડ’ પ્રગટ થાય છે. 2થી 6ની ઉંમરના માટે ‘હાઈલાઈટ’ નામનું બાળ મેગેઝિન અંગ્રેજીમાં પ્રગટ થાય છે. બાળકો માટેનું ‘નેશનલ જ્યોગ્રાફી કીડઝ’નું મેગેઝિન પણ પ્રગટ થાય છે.

તેમાં જગતનાં પ્રાણીઓ, બાળવિજ્ઞાન, વાર્તાઓ અને ટેક્નોલોજીનાં લેખો પ્રગટ થાય છે. કોયડાઓ અને ખાસ સ્પર્ધાઓ 6 વર્ષથી 12 વર્ષની ઉંમરના માટે યોજાય છે. ‘ડીસ્કવરી’ (DISCOVERY) દ્વારા બાળ વયની દીકરીઓ (8 વર્ષ અને ઉપરની) માટે જ ખાસ ‘ગર્લ્સ ડિસ્કવરી’ મેગેઝિન અને 7થી 11 વર્ષના બાળકો માટે ‘કીડઝ ડીસ્કવર’ નામનું ખાસ મેગેઝિન પ્રગટ કરે છે. આ વખતના અંકમા ‘કીડઝ ડીસ્કવર’- ‘સોલાર સિસ્ટમ’ એટલે કે આખી સૂર્યમાળાના લેખો છાપ્યા છે. ‘

10થી 15 વર્ષની ઉંમરની છોકરીઓ માટે જ (માત્ર દીકરીઓ માટે જ)- ‘ગર્લ્સ લાઈફ’ મેગેઝિન પ્રગટ થાય છે. તમે મુંબઈમા કોઈ અંગ્રેજી મેગેઝિનની બુકશોપમાં જશો તો વોગ (Vogue) મેગેઝિન જરૂર જોશો, પણ ટીનેજરો માટે ‘વોગ’ મેગેઝિન પ્રગટ થાય છે તે જાણીને મને પણ અચંબો થયો. બ્રિટનની યુનિવર્સિટીઓમાં બાળકોનાં સાહિત્યના લેખક થવાની ખાસ તાલીમ આપતી કોલેજો છે. બાળકોનું સાહિત્ય લખવામાં નિષ્ણાત થવા બોસ્ટન યુનિવર્સિટીએ ‘એમએ ઈન ચીલ્ડ્રન લીટરેચર એન્ડ કલ્ચર’ નામનો કોર્સ શરૂ ર્ક્યો છે.

ખાસ કરીને બાળકો માટેની જ ફિલ્મોની વાર્તા લખી શકે તેની તાલીમ આપતી કોલેજો પણ ઉભી થઈ છે. રીડીંગ યુનિવર્સિટી બ્રિટનની સૌથી જૂની યુનિવર્સિટી છે તે 1892માં સ્થપાયેલી.

સુન્દરલેન્ડ યુનિવર્સિટી ચીલ્ડ્રન લીટરેચર (એમ. એ.)નો કોર્સ ચલાવે છે. અહીં હું નામો લખી લખીને થાકી જાઉં એટલી બ્રિટનની બાળકોના સાહિત્ય લખવાની તાલીમ આપતી કોલેજો છે. ‘ગાર્ડીયન’માં એન્જેલા સૈની નામની લેખીકા લખે છે કે (8 ડિસેમ્બર, 2013) ‘નવા જન્મેલા બાળકો આજે આપણે ધારીએ છીએ તેના કરતાં ઘણા ડેવલ્પડ અને સ્માર્ટ હોય છે.

મા-બાપ મોંમાં આંગળા નાખી જાય એટલા સમાર્ટ હોય છે. માત્ર ભારતમાં જ નહીં કહેશો. યુનિવર્સિટી કોલેજ ઓફ લંડને આજના ત્રણ-ચાર વર્ષની ઉંમરના બાળકોની ખોપડી સાથે અમુક બુદ્ધિમતા માપવાના ઈઈજી મશીનના વાયર જોડયા તો લાગ્યું કે આ બાળકો કોઈ પણ કઠીન વિજ્ઞાનના કોયડા ઉકેલે તેવા હોય છે. ‘યુનિવર્સિટી કોલેજ ઓફ લંડનના’ પ્રો. ઝીટા પટાઈ જે બાળકોનો કોર્સ શીખવે છે તે કહે છે કે આજના બાળકોને ભણાવવા તે ‘સુપર ડીફીકલ્ટ’ છે! અમેરિકામાં બર્કલે ખાતેની યુનિવર્સિટી ઓફ કેલીફોર્નિયા કહે છે કે, છ મહિનાના બાળકો આજે સાયન્સના ઈલસ્ટ્રેટેડ લેખો ઉકેલી શકે છે.

ઈગ્લેંડનું ‘ફાઈનેન્સીયલ ટાઈમ્સ’ તેમ જ વોશિંગ્ટનથી પ્રગટ થતું ન્યુયોર્કર લખે છે કે, આજે બાળકો સ્માર્ટર થતા જાય છે. 30 વર્ષ પહેલાં જેમ્સ ક્લીન નામના પોલીટીકલ ફિલોસોફરે કહેલું કે, અમેરિકન બાળકોનો આઈ ક્યુ (બુદ્ધિનો આંક) સતત ઉંચો થતો જાય છે. ‘ન્યુયોર્કર’ મેગેઝિનમાં ડો. સ્ટીવન જોનસને લખ્યું છે કે, ટેલિવિઝન 30 વર્ષ પહેલાં હતું તેના કરતાં માત્ર આજના બાળકો જ સમજી શકે તેવા અઘરા કાર્યક્રમો આપે છે.

છેલ્લે એક ચમત્કાર જોઈલો મારી પાસે ‘એનસાઈકલોપીડીયા અમેરિકાના’નાં 30 ગ્રંથો છે, તેમાં ઉધઈ માત્ર એક ગ્રંથને લાગી જેમાં ચીલ્ડ્રન લીટરેચરના પાનાં હતા! ઉધઈને 30 ગ્રંથોમાંથી ચીલ્ડ્રન લીટરચેરનો ગ્રંથ જ ભાવ્યો!

સૌજન્ય- દિવ્ય ભાસ્કર .કોમ 

 

( 655 ) બાપુ અને બાળક – એક ચિત્ર કાવ્ય ( અછાંદસ ) …. વિનોદ પટેલ

 હાસ્ય વેરી રહેલ એક નિર્દોષ કુમળા બાળકને હાથમાં પકડીને એવું જ નિર્દોષ હાસ્ય વેરી રહેલ યુગ પુરુષ મહાત્મા ગાંધીના નીચેના ચિત્રને જોઇને જે અછાંદસ કાવ્ય રચના પ્રગટી એ આ પોસ્ટમાં પ્રસ્તુત છે.- વિનોદ પટેલ 

Take time to laugh

  બાપુ અને બાળક – એક ચિત્ર કાવ્ય ( અછાંદસ ) …. વિનોદ પટેલ

દેશની આઝાદીની ચિંતાઓમાં ડૂબેલો આ ડોસો,

જુઓ કેવો બાળક શુ હાસ્ય વેરી રહ્યો છે !

ધન્ય થઇ ગયું આ હસતું ફૂલ કુમળું બાળક,

બોખા મુખે હસતા બાળક-બાપુના પાવન હાથોમાં.

અનેક વ્યસ્તતાઓના ઢેર વચ્ચે  ,હસવા માટે ,

આ મહાત્મા એનો સમય કેવો ફાળવી રહ્યો છે !

કહ્યું હતું આ રાષ્ટ્ર પિતાએ એક વાર કે,

જીવનમાં મારા હાસ્ય પ્રકૃતિ ના હોત તો,

ક્યારનો થઇ ગયો હોત હું એક પાગલ શો .

ઘણું ય છે શીખવાનું છે ,આ યુગપુરુષ પાસેથી ,

એની સાથે હાસ્યનું મહત્વ પણ શીખી લઈએ,

હાસ્ય તો છે જીવન મશીનરીનું એક પીંજણ,

વિના હાસ્ય જીવન ખોટવાઈ જવાનો છે સંભવ,

વિપદાઓ,વ્યસ્તતાઓ વચ્ચે પણ, સમય કાઢી,

હસતા રહી, હસાવતા રહેવાનો કરી લો સંકલ્પ.

વિનોદ પટેલ

 Life- laugh

સૌજન્ય- ફેસ બુક પેજ