વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Daily Archives: માર્ચ 2, 2015

( 668 ) એવોર્ડ વાંછું કવિનું ગીત! / વાંસલડી ડૉટ કૉમ ….કવિ શ્રી કૃષ્ણ દવે

સુરત નિવાસી સાહિત્ય રસિક મિત્ર શ્રી ઉત્તમભાઈ ગજ્જરએ જાણીતા કવી શ્રી કૃષ્ણ દવેનું એક તાજું કાવ્ય ,” એવોર્ડવાંછું કવિનું ગીત! ” !!  એમના ઈ-મેલમાં મને વાંચવા અને વંચાવવા માટે મોકલ્યું હતું.

આ કાવ્ય રચના ગમી જતાં કવિ શ્રી કૃષ્ણ દવે અને શ્રી ઉત્તમભાઈના આભાર એને વિ.વિ.ના વાચકોના આસ્વાદ માટે આજની પોસ્ટમાં રજુ કરતાં આનંદ થાય છે.

કોઈ પણ સાહિત્યકાર/કવિ, પછી એ નાનો હોય કે મોટો, એના સર્જનની કદર થાય ,એની રચના માટે સારો અભિપ્રાય મળે એવી અંતરમાં ઇચ્છા રહેતી જ હોય છે.મોટા ગજાના સાહિત્યકારોની ઇચ્છા મોટી એટલે કે એને કોઈ એવોર્ડ મળે એવી રહેતી હોય એ સ્વાભાવિક છે.

શ્રી કૃષ્ણભાઈએ એમના આ કાવ્યમાં એક એવોર્ડ વાંછું કવીના મનની મહેચ્છાઓને આબાદ રજુ કરી છે એની સાથે સાથે આવા કવિઓ ઉપર હાસ્ય મિશ્રિત કટાક્ષ પણ કર્યો છે.

કવિ શ્રી કૃષ્ણ દવે, Krushna Dave નો પરિચય

ગુજરાતી પ્રતિભા પરિચય ના સૌજન્યથી અહીં વાચો. 

વિનોદ પટેલ 

===================

એવોર્ડ વાંછું કવિનું ગીત!!!    ….–કૃષ્ણ દવે

 

છાસ લેવા જાઉં છું ને દોણી નહી સંતાડું,

મારી આ પંક્તિ છે,છાપો,એક તો એવોર્ડ મને આપો . . .! 

ચોવીસ કલ્લાક આમ હું ક્યાં ફરું છું કોઈ મોટ્ટા કવિશ્રીનાવ્હેમમાં ?

એવોર્ડ મેળવવાની કળા” એ નામવાળું પુસ્તક વાંચ્યું ને પડ્યો પ્રેમમાં. 

ત્યારથી આ સ્પીડબોટ સામે ઉતાર્યો છે નાનકડો આપણો તરાપો 

એક તો એવોર્ડ મને આપો . . .!!

ફંક્શનમાં હંમેશાં જઈએ ને આવીએ તે અમને પણ ભાવ થોડો થાય, 

ઉઠતાં ઘોંઘાટમાંય સુરીલો કંઠ કોક નાનું પણ ગીત મારું ગાય; 

એવું ક્યાં કહું છું કે મારાથી ચડિયાતી લીલ્લી કોઈ ડાળ તમે કાપો ,

એક તો એવોર્ડ મને આપો . . .!!

ઓરીજીનલ ચંદનનું લાકડું છું; એટલે હું આવ્યો છું આપશ્રીને દ્વાર, 

વર્ષોથી આમ હું ઘસાઉં છું; છતાંય એક તિલ્લકમાં આટલી કાં વાર ?

એવોર્ડ મેળવવાનું લોબિંગ કરાવવાનાં મેં ક્યાં કર્યાં છે કોઈ પાપો ?

એક તો એવોર્ડ મને આપો . . .!!!! 

 કૃષ્ણ દવે

krushnadave@yahoo.co.in

2014-08-28

શ્રી કૃષ્ણ દવેનું ઇન્ટર નેટમાં ખુબ જાણીતું બીજું કાવ્ય વાંસલડી ડૉટ કૉમ પણ નીચે વિડીયો સાથે પ્રસ્તુત છે.વિડીયોમાં તમે શ્રી કૃષ્ણ દવેને આ ગીત જાતે રજુ કરતા જોઈ શકશો.

વાંસલડી ડૉટ કૉમ ……કૃષ્ણ દવે

વાંસલડી ડૉટ કૉમ, મોરપિચ્છ ડૉટ કૉમ, ડૉટ કૉમ વૃંદાવન આખું,

કાનજીની વેબસાઈટ એટલી વિશાળ છે કે કયાં કયાં નામ એમાં રાખું ?

ધારો કે મીરાંબાઈ ડૉટ કૉમ રાખીએ તો રાધા રિસાય એનું શું ?

વિરહી ગોપીનું ગીત એન્ટર કરીએ ને ક્યાંક ફ્લૉપી ભીંજાય એનું શું ?

પ્રેમની આ ડિસ્કમાં તો એવી એવી વાનગી કે કોને છોડું ને કોને ચાખું ?

કાનજીની વેબસાઈટ…

ગીતાજી ડૉટ કૉમ એટલું ઉકેલવામાં ઊકલી ગઈ પંડિતની જાત.

જાત બળી જાય છતાં ખ્યાલ ના રહે ને એ જ માણે આ પૂનમની રાત.

તુલસી, કબીર, સુર, નરસૈંયો થઈએ તો ઊકલે છે કંઈક ઝાંખું ઝાંખું.

કાનજીની વેબસાઈટ…

એ જ ફક્ત્ પાસવર્ડ મોકલી શકે છે જેના સ્ક્રીન ઉપર નાચે છે શ્યામ.

એને શું વાઇરસ ભૂંસી શકવાના જેનાં ચીર પૂરી આપે ઘનશ્યામ ?

ઇન્ટરનેટ ઉપર એ થનગનતો આવે, હું કોઈ દિવસ વિન્ડો ના વાખું.

કાનજીની વેબસાઈટ…

 

Vansali Dot Com by Krushna Dave