વિશ્વ મહિલા દિવસ ,૨૦૧૫- International Women’s Day 2015
આજે ૮ મી માર્ચ, ૨૦૧૫ વિશ્વ મહિલા દિવસ છે.
વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદીનો વિશ્વ મહિલા દિન પ્રસંગે સંદેશ
(સંદેશ મોટા અક્ષરે વાંચવા માટે ચિત્ર ઉપર ક્લિક કરો .)

વિશ્વ મહિલા દિવસની ઉત્પત્તિ અને વિકાસ વિષેની માહિતી આ વિડીયોમાં ….
વિશ્વ મહિલા દિનની પૂર્વસંધ્યાએ જ ગૂજરાત વિદ્યાપીઠના બીજા મહિલા કુલપતિ તરીકે 82 વર્ષનાં SEWA સંસ્થા નાં સર્જક ઈલાબહેન ભટ્ટની નિયુક્તિ

શ્રીમતી ઈલાબેન ભટ્ટ નો વિગતે પરિચય – ગુજરાતી પ્રતિભા પરિચય બ્લોગમાં મેળવો
વિશ્વ મહિલા દિનની પૂર્વસંધ્યાએ મહત્ત્વનો હોદ્દો મળતાં ઇલા ભટ્ટે કહ્યું હજુ પૂર્ણ સ્વરાજનું સ્વપ્ન સાકાર કરવાનું બાકી છે
મહાત્મા ગાંધીએ સ્થાપેલી ગૂજરાત વિદ્યાપીઠના બીજા મહિલા કુલપતિ તરીકે પદ્મભૂષણ અને રોમન મેગસાયસાય એવોર્ડથી સન્માનિત અને સેવા (સેલ્ફ એમ્પ્લોઈડ વીમેન્સ એસોસિએશન)નો અનન્ય વિચાર મૂર્તિમંત કરનારાં 82 વર્ષનાં ઈલાબહેન ભટ્ટની નિયુક્તિ કરાઈ છે. વિશ્વ મહિલા દિવસની પૂર્વ સંધ્યાએ જ તેમણે આ હોદ્દો ગ્રહણ કર્યો છે.
શ્રીમતી ઇલાબેન ભટ્ટનો વધુ પરિચય આ વિડીયોમાં
Pride of India – Ela Bhatt
દેશની આઝાદીના સંગ્રામના સમયે દેશના લોકો મારફતે જ દેશના લોકોને સરકારના નિયંત્રણોથી મુક્ત સાચું સ્વદેશી શિક્ષણ મળી રહે તે હેતુથી સ્થાપેલી વિદ્યાપીઠના કુલપતિ તરીકે નારાયણ દેસાઈએ નાદુરસ્ત તબિયતના કારણે પદત્યાગ કરતાં નવા કુલપતિની શોધ આદરાઈ હતી.
બોર્ડમાંથી રાજીનામુ આપ્યું
છેલ્લા પાંચ વર્ષથી ગૂજરાત વિદ્યાપીઠના ટ્રસ્ટી મંડળ/બોર્ડના સભ્યપદે રહેલા ડૉ. ઈલાબહેન ભટ્ટે ચાન્સેલર તરીકે નિયુક્તિ થતાં જ બોર્ડના સભ્યપદેથી રાજીનામુ આપ્યું છે.
જીવનપર્યંત કુલપતિની પરંપરા તૂટી
ગૂજરાત વિદ્યાપીઠની સ્થાપનાથી અત્યાર સુધીમાં હંમેશા એવી પરંપરા રહી છે કે, કુલપતિ તરીકે જેમની પસંદગી કરવામાં આવી તે દરેક મહાનુભાવોએ આજીવન આ હોદ્દો સંભાળ્યો છે. આમાં નારાયણ દેસાઈના કિસ્સામાં પરંપરા તૂટી છે. તેમની અત્યંત નાદૂરસ્ત તબિયતના કારણે ડિસેમ્બર 2014માં તેમણે આ હોદ્દા પરથી રાજીનામુ આપ્યું હતું. જે જાન્યુઆરીમાં સ્વીકારવામાં આવ્યું અને નવા કુલપતિની પસંદગીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.
‘દિશા સ્પષ્ટ છે, હજુ પૂર્ણ સ્વરાજનું સ્વપ્ન સાકાર કરવાનું બાકી છે’
ચાન્સેલરનો હોદ્દો ગ્રહણ કર્યાં પછી ઇલા ભટ્ટ સાથેની ‘દિવ્ય ભાસ્કરની’ ખાસ વાતચીત
– ચાન્સેલર તરીકેની નિયુક્તિ પછી આપના મનમાં કેવો ભાવ છે?
પાંચ વર્ષથી હું વિદ્યાપીઠના બોર્ડમાં છું. છતાં ચાન્સેલર જેવો હોદ્દો અને જવાબદારી સોંપવામાં આવે ત્યારે વિનમ્રતાનો ભાવ છે, એક મહત્વપૂર્ણ જવાબદારી સમજીને તે સ્વીકારી છે.
– સામાજિક ક્ષેત્રે આપના અનુભવનો લાભ વિદ્યાપીઠને મળશે જ. છતાં આ સંસ્થાને એક નવી દિશા મળે તે માટે આપ શું કરવા ધારો છો?
નવી દિશાનો તો પ્રશ્ન જ નથી આવતો. દિશા નિશ્ચિત જ છે. મહાત્મા ગાંધીજીએ તેને દાયકાઓ પૂર્વે દિશા આપી દીધી છે. ઉત્તરોત્તર આ જ દિશામાં સંસ્થાને આગળ ધપાવાઈ છે. અને એ જ દિશામાં આગળ વધવાનું છે. સંન્નિષ્ઠ કાર્યકરો-સમાજ પ્રત્યે સંવેદનશીલતા ધરાવતા લોકોને સાથે લેવાના છે.
– ગાંધીજીએ જે વિચાર અને સ્વપ્ન સાથે સ્થાપના કરેલી તે સંદર્ભમાં પોતાની ભૂમિકા કઈ રીતે જુઓ છો?
હું એટલું કહીશ કે, ગાંધીજીના સ્વપ્નનું સ્વરાજ હજુ અધૂરૂં છે, પૂર્ણ સ્વરાજ મેળવવાનું છે. આ માટે કામ કરવું તે મારી જવાબદારી રહેશે.
– ઈન્ટરનેટ અને સોશિયલ મિડીયાની પ્રચૂરતાના સમયમાં શું તમને લાગે છે કે, ગૂજરાત વિદ્યાપીઠ પોતાની પ્રસ્તુતા ટકાવી શકશે?
ગાંધી વિચારની જો પ્રસ્તુતતા ટકી રહી હોય તો વિદ્યાપીઠની પણ ટકી જ રહી છે. વિદ્યાપીઠની ભૂમિકા કર્તવ્યનિષ્ઠ કાર્યકરો, શિક્ષકો અને ભાષાંતરકારો આપવાની છે. ખાસ કરીને ભાષા સાથેનો સેતૂ બંધાય તે દિશામાં ઈન્ટરનેટ અને સોશિયલ મિડીયા તો આશીર્વાદરૂપ જ બનશે.

વાચકોના પ્રતિભાવ