વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

(675 ) હજુ થોડુંક ફરવાનું બાકી છે………. ટેક ઓફ : શ્રી શિશિર રામાવત

ઊંચાં ઊંચાં લક્ષ્યો પાર પાડીએ ને મોટાં મોટાં કામ કરીએ તો જ જિંદગી સફળ થઈ કહેવાય એવું કોણે કહ્યું? થોડા સાચા સંબંધો મળી જાય, આનંદ અને મસ્તીની મુઠ્ઠીભર ક્ષણો મળી જાય તો એટલું પણ કદાચ પૂરતું હોય છે

શ્રી નિરંજન ભગત

શ્રી નિરંજન ભગત

નિરંજન નરહરિલાલ ભગતને તાજેતરમાં એક એવોર્ડ મળ્યો હોવાથી તેઓ ન્યૂઝમાં છે એવું તો શી રીતે કહેવાય. હકીકત તો એ છે કે નિરંજન ભગત જેવા આપણી ભાષાના સમર્થ કવિ સાથે સંકળાવાથી કાવ્યમુદ્રા વિનોદ નિઓટિયા એવોર્ડ પર આપણું ધ્યાન ગયું છે. ગુજરાતી, હિન્દી અને ઉર્દૂ સાહિત્યજગતના વરિષ્ઠ સર્જકોને આ એવોર્ડ અપાય છે. દાયકાઓ પહેલાં કુમારચંદ્રક, નર્મદચંદ્રક,રણજિતરામ સુવર્ણંચંદ્રક વગેરે જીતી ચૂકેલા નિરંજન ભગત હવે ૮૮ વર્ષની પક્વ ઉંમરે એટલી ઊંચી ભ્રમણકક્ષામાં પહોંચી ચૂક્યા છે કે જ્યાં માન-અકરામોનાં સ્પંદનો કદાચ પહોંચતાં પણ નહીં હોય. નિરંજન ભગતની બે કવિતાઓને ગુજરાતી પ્રજાએ સૌથી વધારે પ્રેમ કર્યો છે. એક તો આઃ

કાળની કેડીએ ઘડીક સંગ,

રે ભાઈ, આપણો ઘડીક સંગ.

આતમને તોય જનમોજનમ લાગી જશે એનો રંગ!

ધરતી આંગણ માનવીના આ ઘડીક મિલનવેળા,

વાટમાં વચ્ચે એક દી નકી આવશે વિદાયવેળા!

તો કેમ કરીનેય કાળ ભૂલે ના એમ ભમીશું ભેળા!

હૈયાનો હિમાળો ગાળી ગાળીને વહશું હેતની ગંગા!

પગલે પગલે પાવક જાગે ત્યાં ઝરણું નેનની ઝારી,

કંટકપંથે સ્મિત વેરીને મ્હોરશું ફૂલની ક્યારી,

એકબીજાને જીતશું રે ભાઈ, જાતને જાશું હારી!

ક્યાંય ન માય રે એટલો આજ તો ઉરને થાય ઉમંગ! રે ભાઈ, આપણો ઘડીક સંગ…

ક્ષણભંગુર જીવન છે, આપણો એકબીજા સાથેનો સંગ પણ ઘડીકનો છે, તો શું કામ ખોટા લોહીઉકાળા કરવા, શા માટે નફરત ને ઈર્ષ્યા ને એવી બધી નેગેટિવ ઇમોશન્સથી સળગતા રહેવું. સામેની વ્યક્તિને જીતી લેવા માટે જો હારવું પડે તો હારી સુધ્ધાં જવાનું! આ કવિતામાં અલ્હડપણું પણ છે અને ઊંડાણ પણ છે. આવું જ કોમ્બિનેશન નિરંજન ભગતની આ બીજી લોકપ્રિય કવિતામાં પણ થયું છેઃ 

હું તો બસ ફરવા આવ્યો છું!

હું ક્યાં એકે કામ તમારું કે મારું કરવા આવ્યો છું!

અહીં પથ પર શી મધુર હવા

ને ચહેરા ચમકે નવા નવા!

– રે ચહું ન પાછો ઘરે જવા!

હું ડગ સાત સુખે ભરવા અહીં સ્વપ્ન મહીં સરવા આવ્યો છું!

જાદુ એવો જાય જડી

કે ચાહી શકું બે-ચાર ઘડી

ને ગાઈ શકું બે-ચાર કડી,

તો ગીત પ્રેમનું આ પૃથ્વીના કર્ણપેટે ધરવા આવ્યો છું!

હું તો બસ ફરવા આવ્યો છું!

ઊંચાં ઊંચાં લક્ષ્યો પાર પાડીએ ને મોટાં મોટાં કામ કરીએ તો જ જિંદગી સફળ થઈ કહેવાય એવું કોણે કહ્યું? થોડા સાચા સંબંધો મળી જાય, આનંદ અને મસ્તીની મુઠ્ઠીભર ક્ષણો મળી જાય તો એટલું પણ કદાચ પૂરતું હોય છે જિંદગી સાર્થક થવા માટે! આત્મસભાન બન્યા વગર, કોઈ પણ ભાર વિના સહજભાવે વર્તમાનમાં જીવવું બહુ મોટી વાત છે!

“હું તો બસ ફરવા આવ્યો છું” એવું ગાનારા કવિ જીવનનાં પંચોતેરમા વર્ષે પાછળ વળીને જુએ ત્યારે એમને શું દેખાય છે? ખાસ તો, હવે આવનારાં વર્ષોનું કેવું ચિત્ર તેઓ જુએ છે? શું હજુય તેમને એવું લાગે છે કે તેઓ તો બસ ફરવા આવ્યા છે? નિરંજન ભગત ‘પંચોતેરમે’ શીર્ષકધારી કવિતામાં લખે છેઃ

આમ ને આમ પંચોતેર તો ગયાં,

હતાં ન હતાં થયાં, છ થયાં.

હજુ બીજાં પચીસ બાકી હોય જો રહ્યાં…

રહ્યાં જ જો હશે

તો ભલે સો થશે,

ને એય તે જો સુખમાં જવાનાં હશે તે જશે.

એક વાર ગાયું હતું, “હું તો બસ ફરવા આવ્યો છું.”

તો અમદાવાદના અનેક જૂના-નવા રસ્તાઓમાં

ને મુંબઈના ફ્લોરા ફાઉન્ટનમાં.

એથેન્સના એગોરામાં

ને રોમના ફોરમમાં,

પેરિસના કાર્તિયે લાતામાં

ને લંડનના ટ્રફાલ્ગર સ્ક્વેરમાં,

ન્યૂ યોર્કના ફિફ્થ એવન્યુમાં

ને ન જોયાં, ન જાણ્યાં એવાં કોઈક નગરોમાં

હજુ થોડુંક ફરવાનું બાકી છે.

વળી ગાયું હતું, “હું ક્યાં એકે કામ

તમારું કે મારું કરવા આવ્યો છું?”

તમારું કે મારું તો નહીં, પણ હજુ થોડુંક કવિતાનું કામ-

છંદ ને યતિ વિનાની,

વિરામચિહ્નો પણ વિનાની,

વાઘા કે ધાગા વિનાની,

મિશ્ર કે મુક્ત લયની,

બોલચાલના ગદ્યની,

સીધી, સાદી, ભલી, ભોલી

એવી કોઈક કવિતાનું કામ કરવાનું બાકી છે.

કવિતાના અંતિમ ચરણમાં કવિ કહે છે-

પંચોતેર વર્ષોમાં ક્યારેક ક્યારેક કેટલાંક સ્વપ્નો વાવ્યાં હતાં,

એમાંથી થોડાંક ફળ્યાં,

વસંતનો વાયુ,

ને વર્ષાનું જલ,

પૃથ્વીનો રસ

ને સૂર્યનું તેજ

એ તો સર્વદા સદાયના સુલભ,

પણ એ સૌની સાથે જો વિધાતાનું વરદાન

ને કાળપુરુષની કરુણા હશે,

તો હજુ થોડાંક સ્વપ્નોને ફળવાનું બાકી છે.

આજે મિત્રોની વચ્ચે કાવ્ય આ ભણી રહ્યો,

વર્ષોથી મૈત્રીના વાણાતાણા વણી રહ્યો,

આજે હવે પછીનાં જે વર્ષો ગણી રહ્યો,

મિત્રોની શુભેચ્છા એ જ મારી શ્રદ્ધા હશે,

પંચોતેર ગયાં ને પચીસ બીજાં જશે,

તો તો જરૂર હા, જરૂર સો પૂરાં થશે.

કવિ જીવનવાદી છે. નિષ્ક્રિયપણે મૃત્યુની પ્રતીક્ષા કરી રહેલા મનુષ્યપ્રાણીનું ચિત્ર એમને મંજૂર નથી. શાંત અપેક્ષાઓ હજુ કશેક સળવળી રહી છે. હજુ થોડુંક ફરવાનું બાકી રહી ગયું છે, હજુ થોડીક કવિતા કરવાની ખ્વાહિશ છે, હજુ થોડાંક સ્વપ્નો સાકાર થઈ જાય એવી ઇચ્છા છે! બે વર્ષ પછી નિરંજન ભગત ઔર એક કાવ્ય રચે છે – ‘સિત્યોતેરમે’. આ બે વર્ષમાં એમની દૃષ્ટિમાં શો ફર્ક આવ્યો છે?

વર્ષે વર્ષે એની એ જ વર્ષગાંઠ,

સિત્યોતેર હોય કે સોળ હોય કે સાઠ.

વર્ષે વર્ષે એનો એ વૈશાખ,

દેહ પર ચોળી એણે એની એ જ રાખ.

એની એ લૂ ને એની એ લ્હાય,

એનો એ જ રૌદ્ર તાપે તપ્યો વાયુ વાય.

વર્ષે વર્ષે એનું એ જ ઋતુચક્ર ચાલે,

આજે પણ એનું એ જ, જેવું હતું કાલે.

વર્ષે વર્ષે એનો એ જ પ્રકૃતિનો શુકપાઠ,

વર્ષે વર્ષે એની એ જ વર્ષગાંઠ.

આ પંક્તિઓમાં ભલે જન્મદિવસ સાથે સંકળાયેલા રૂટિનની નિરાશા હોય, પણ કવિતાના ઉત્તરાર્ધમાં કવિ મૃત્યુય તોડી ન શકે તેવા સંંબંધ જોડવાની વાત કરે છે. સાંભળોઃ

પણ વચ્ચે વચ્ચે નવી નવી ગાંઠ જે મેં બાંધી,

ક્યારે પણ કોઈ છૂટી હોય, તૂટી હોય તો મેં સાંધી.

રેશમની ને હીરની દોરીથી હળવે હાથે,

સગાં ને સ્વજન સાથે, દેશ ને વિદેશ સાથે.

જેમ જેમ બાંધી તેમ વધુ વધુ લાધી,

જેમ જેમ બાંધી તેમ નિત નિત વાધી.

તે સૌ રસી રસી એવી તો મેં સાધી,

તે સૌ કસી કસી એવી તો મેં બાંધી.

મનુષ્યોથી હવે નહીં કદીય તે છૂટી શકે,

મૃત્યુથીયે હવે નહીં એક પણ તૂટી શકે.

શું પક્વ ઉંમરે વિધાતાએ આંકેલી આયુષ્યરેખાના સામા છેડાની રાહ જોવાનું બાકી રહી જતું હોય છે? નિરંજન ભગતે જન્મદિનને કેન્દ્રમાં રાખીને ઔર એક કવિતા લખી છે એનો ઉઘાડ જુઓઃ

જાણું નહીં હજુ કેટલા જન્મદિવસ બાકી હશે,

એટલું તો જાણું કે આ આયુષ્યની અવધ ક્યાંક તો આંકી હશે.

જે વર્ષો ગયાં એમાં શું રહ્યું અને શું ન રહ્યું,

એનો નથી હર્ષ, નથી શોક, જે કૈં થવાનું હતું તે થયું.

જે કંઈ જીવન જિવાયું છે એનો હરખ-શોક ન હોવો તે સારી અને ઇચ્છનીય સ્થિતિ છે. જીવનની સંધ્યાએ પહોંચી ગયેલા કવિને આત્મકથા લખવાની ઇચ્છા ક્યારેય થઈ નથી. કેમ કે,

જે કંઈ જીવ્યા તે લખવું ન્હોય

ને જે ન જીવ્યા તે જ લખવું હોય.

તો શું ‘આત્મકથા’ હોય એનું નામ?

સત્ય જીવવું-જીરવવું હોય દોહ્યલું

ને સત્ય લખવું જો ન્હોય સોહ્યલું,

તો આત્મકથા લખવી જ શું કામ?

પ્રામાણિકતા બન્ને રીતે વ્યક્ત થઈ શકે છે, આત્મકથા લખીને પણ અને ન લખીને પણ. આ પૃથ્વી પર ક્યારેક તો વિદાય લેવાની જ છે અને તે ક્ષણની પ્રતીક્ષા પ્રામાણિકતા અને ગરિમા સાથે થવી જોઈએ, અફસોસ કે કડવાશ સાથે નહીં.

વિદાયવેળા નવ કો વ્યથા હો! નિઃશ્વાસ ના, નીર ના હો નેણમાં,

ના મ્લાન એકે મુખરેખ, વેણમાં કૃતઘ્નતાની નવ કો કથા હો.

બે માનવીનું મળવું અનન્ય! એમાંય જો આદર-સ્નેહ સાંપડે,

ના સ્વર્ગ અન્યત્ર, સદાય ત્યાં જડે, કૃતાર્થ આ જીવન, પર્વ ધન્ય.

અહીં મળે માનવ જે ગમી જતું તો જજો તો બે ક્ષણ ચાહી લેવું

અને પછી સંગ ઉરે રમી જતું જો ગીત, તો બે ક્ષણ ગાઈ લેવું!

હો ધન્ય સૌ માનવલોકમેળા, કૃતજ્ઞાતા, માત્ર વિદાયવેળા!

જીવન જીવતાં જીવતાં કોઈ માણસ ગમી જાય તો હૃદયને રોકવું નહીં, એને ચાહી લેવું. સાચા સંબંધ અને સાચા પ્રેમથી ચઢિયાતું બીજું કશું નથી. મૃત્યુ પછી સ્વર્ગે જવાની ઝંખના પાળવાની જરૂર જ શી છે? જીવતેજીવ સચ્ચાઈભર્યો પ્રેમ અને આદર જડી જવાની સ્થિતિ એ જ સ્વર્ગ છે! 

shishir.ramavat@gmail.com

સૌજન્ય -આભાર ,શ્રી શિશિર રામાવત , સંદેશ.કોમ 

5 responses to “(675 ) હજુ થોડુંક ફરવાનું બાકી છે………. ટેક ઓફ : શ્રી શિશિર રામાવત

  1. pragnaju માર્ચ 12, 2015 પર 5:11 એ એમ (AM)

    બધા સુંદર કાવ્યોમા
    વિદાયવેળા નવ કો વ્યથા હો! નિઃશ્વાસ ના, નીર ના હો નેણમાં,
    ના મ્લાન એકે મુખરેખ, વેણમાં કૃતઘ્નતાની નવ કો કથા હો.
    યાદ આવે વિદાયવેળા …..ટાગોર વૈશ્વિક પ્રેમના કવિ છે. એમને પ્રકૃતિની તરસ છે અને માણસની ભૂખ છે. જીવન અને મરણને એ જોડિયા બાળકરૂપે જુએ છે. ટાગોરની કવિતામાં મરણનો ભય નથી, પણ મરણનું માંગલ્ય છે. માતા જેમ બાળકને એક સ્તન પરથી બીજા સ્તન પર લે એવી જ રીતે આ જીવનમરણ છે. નાથ હે નાથ હે! કશી સરળ તવ વાણી લોક આપની કરે વાત એ ભાષા નહીં પિછાણી તારલિયા તવ સાદ કરે

    Like

  2. Pingback: નિરંજન ભગત, Niranjan Bhagat | ગુજરાતી પ્રતિભા પરિચય

  3. Pingback: 1150- કાવ્ય-સાહિત્ય રસિકોમાં પ્રિય કવિ અને સાહિત્યકાર નિરંજન ભગતની ચિર વિદાય… ભાવાંજલિ | વિનોદ વિ

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: