વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Daily Archives: માર્ચ 13, 2015

( 677 ) મા–દીકરીનો પ્રેમ …..લઘુ કથા …… વિનોદ પટેલ

 મા–દીકરીનો પ્રેમ …..લઘુ કથા …… વિનોદ પટેલ

ma dikri

 ફોટો સૌજન્ય- ગુગલ ઈમેજ

બેંગ્લોરમાં રહેતી શિલ્પા આજે સવારથી જ ખુબ ખુશ હતી.

ખુશ કેમ ના હોય, કેમ કે અમદાવાદમાં રહેતી શિલ્પાની  પ્રિય માતા શાંતાબેન એમના વ્હાલના દરિયા જેવી એમની દીકરી સાથે દિવાળી ઉપર ઘણા સમય બાદ થોડા દિવસો માટે રહેવા આવવાનાં હતાં.

શિલ્પા સાત વર્ષની હતી ત્યારે જ એક ગંભીર અકસ્માતમાં એના પિતાનું દુખદ અવસાન થયું હતું .શિક્ષકાની નોકરી  કરી વિધવા માતા શાંતાબેને ઘણી આર્થિક મુશ્કેલીઓ વેઠીને શિલ્પા અને એની એક મોટી બેનને ખુબ પ્રેમથી ઉછેર્યા અને બન્ને દીકરીઓને સારું શિક્ષણ અને સંસ્કાર મળે એ માટે ખુબ જીવન સંઘર્ષ કર્યો હતો.કહેવાય છે ને કે ભગવાન જ્યારે બધે પહોંચી વળી ના શક્યો ત્યારે એણે માતાનું સર્જન કર્યું!

સ્કુલ અને કોલેજનો અભ્યાસ અમદાવાદમાં પૂરો કર્યા પછી શિલ્પાને ત્યાં જ એક નાની સોફટ્વેર કંપનીમાં  જોબ મળી તથા મોટી દીકરીને પરણાવી એના સાસરે વળાવી ત્યારે એની માતાને અનહદ આનંદ થયો હતો.

બે વર્ષ અમદાવાદમાં જોબ કર્યા પછી  શિલ્પાને  બૅંગલોરમાં એક જાણીતી મલ્ટીનેશનલ કમ્પનીમાં સોફ્ટવેર એન્જીનીયર તરીકે ખુબ સારા પગારની જોબ મળતાં એ બેંગ્લોરમાં એની એક ખાસ  મિત્ર સાથે એપાર્ટમેન્ટ ભાડે રાખી રહેતી હતી. માતાના ધાર્મિક અને  સેવાના સંસ્કારો શિલ્પામાં બરાબર ઉતર્યા હતા એટલે જોબ સાથે ફાજલ સમયે શિલ્પા એની મનગમતી સેવા પ્રવૃતિઓમાં પણ સમય આપતી હતી .

શિલ્પાને આજે ખબર હતી કે મમ્મી અગાઉ નક્કી કર્યા પ્રમાણેના સમયે આવશે જ પરંતુ આજે ઘડિયાળ જાણે ધીમી ચાલતી હોય એમ એને લાગતું હતું.

હાલ મમ્મી કેટલે આવી છે એ જાણવા માટે શિલ્પાએ એના સેલ ફોનથી શાંતાબેનને ફોન જોડ્યો.

માતા શાંતાબેન દીકરીનો ફોન આવ્યો એથી ખુબ ખુશ થઇ ગયાં.લગભગ ૨૦ મિનીટ સુધી મા-દીકરીની ફોનમાં વાત ચાલતી રહી એની બન્નેમાંથી કોઈને પણ ખબર ન રહી .પ્રેમ આગળ સમય પણ હારી જાય છે !

યાદ આવતાં શિલ્પાએ અધવચ્ચેથી ફોનની વાત અટકાવીને માતાને પૂછ્યું :

”મમ્મી ,તને પૂછવાનું તો ભૂલી જ ગઈ, પણ તું હાલ ક્યાંથી બોલે છે ?”

મમ્મી કહે: “દીકરી , તારા ફ્લેટ નીચે રોડ ઉપરની ફૂટપાથ ઉપરથી જ બોલું છું. “

શિલ્પા કહે :“અરે મમ્મી, હું તારી સાથે ૨૦ મીનીટથી વાત કરી રહી છું, પણ તેં કહ્યું કેમ નહિ કે તું નીચે આવી ગઈ છે ? “

માતા શાંતાબેન કહે: “ દીકરી, તારી સાથે વાતો કરવાના આનંદમાં એ કહેવાનું જ હું તો ભૂલી ગઈ !  “

આવો હોય છે મા-દીકરીનો પ્રેમ !