વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Daily Archives: એપ્રિલ 6, 2015

( 691 ) પતી-પત્ની સંબંધો ઉપરની થોડી રમુજ ……(હાસ્ય યાત્રા )

પતી-પત્ની વચ્ચે રચાએલી સંબંધોની જાળ ખુબ નાજુક હોય છે.સ્ત્રી અને પુરુષ સંસાર રથનાં બે પૈડાં છે . હાસ્ય કલાકાર શાહબુદ્દીન રાઠોડ કહે છે એમ જો સંસાર રથનાં બે પૈડાં એક સરખાં હોય તો સંસાર રથ બરાબર સરખી ગતિએ ચાલ્યા કરે પણ નાનાં મોટાં હોય તો અવાજ કરતો ધીમી ગતિએ ચાલે.

જેમ બધા પુરુષો એક સરખા સ્વભાવના નથી હોતા એમ  બધી સ્ત્રીઓ પણ એક સરખા સ્વભાવની નથી હોતી. સ્ત્રીઓને પુરુષો વિષે કૈક કહેવાનું હોય છે તો પુરૂષોને સ્ત્રીઓ વિષે કૈક કહેવાનું હોય છે.

પતી-પત્નીના સંબંધોને ઉજાગર કરતી  ઘણી રમુજો -જોક્સ -કાર્ટુન -ચિત્રો વી. સોસીયલ મીડિયા, અખબારો અને ઇન્ટરનેટમાં ફરતાં રહે છે .આપણા જાણીતા કાર્ટુનીસ્ટ  અને મારા ફેસ બુક મિત્ર શ્રી મહેન્દ્ર શાહનું આ છે એક મજાનું મારા પેજ ઉપર મુકાએલું કાર્ટુન .

Cartoon-m.shah

 એક નેટ મિત્રએ ઈ- મેલમાં ફોરવર્ડ કરેલ એક મજાની જોક વાંચી જે અંગ્રેજીમાં હતી. આ જોકનો ગુજરાતીમાં અનુવાદ કરીને અત્રે પ્રસ્તુત છે. 

ભગવાન પણ ત્રાહિ મામ પોકારી ગયા !

ઈંગલેન્ડના એક સમુદ્ર કિનારે બીચ ઉપર એક માણસ ફરતાં ફરતાં હૃદય પૂર્વક ઊંડી શ્રધાથી ભગવાનના નામનું સ્મરણ કરી રહ્યો હતો.

એ વખતે એકાએક આકાશમાં વાદળોનો ઢગ દેખાયો અને એમાંથી રણકતા અવાજમાં ભગવાનનો અવાજ આ માણસને ઉદ્દેશીને કહેવા લાગ્યો :

”હે વત્સ, આખી જિંદગી બધી રીતે મને વફાદાર રહેવાનો તેં ખરા દિલથી પ્રયત્ન કર્યો છે ,એટલે તારાથી હું ખુશ છું. તારી કોઈ પણ મનની જે ઇચ્છા હોય એ તું મને કહે , હું એને પૂરી કરીશ.”

આ માણસે કહ્યું :

” પ્રભુ , ઇંગ્લેન્ડથી ફ્રાંસ સુધીનો એક પુલ તૈયાર કરી આપો જેથી એના પર કાર ડ્રાઈવ કરીને  મને ગમે એ સમયે હું ફ્રાંસ ફરવા જઈ શકું .”

ભગવાને કહ્યું :

” વત્સ, તારી આ અરજ પૂરી કરવા મારે ઘણાં સાધનો જોઇએ .આવી જાતનો પ્રોજેક્ટ પૂરો કરવો એ કેટલો મોટો પડકાર છે એનો તેં વિચાર કર્યો નથી લાગતો.પુલના સપોર્ટ માટેના કોન્ક્રીટના  પિલર બનાવવા પડે અને એને ઉભા કરવા સમુદ્રના તળિયા સુધી જવું પડે.એના માટે કેટલું બધું લોખંડ અને કોન્ક્રીટ વાપરવું પડે .આવો પુલ બનાવવા માટે કેટલાં બધાં સાધનો અને કુદરતી પુરવઠો ખલાસ થઇ જાય !

જો હું ધારું તો આવો પુલ બનાવી શકું પરંતુ તારી આવી દુન્યવી ચીજ માટેની વિચિત્ર પ્રકારની માગણીની યોગ્યતા હું સમજી શકતો નથી.

તારે જોઈએ તો વિચારવા માટે થોડો વધારે સમય લઇ શકે છે .વિચારીને કૈક એવું માગ કે જે આપવાથી મારું માન અને તારું ગૌરવ બન્ને સચવાય . “

ત્યારબાદ, આ માણસે લાંબા સમય સુધી વિચાર કર્યા બાદ છેવટે ભગવાન પાસે આ માગ્યું:

“ હે પ્રભુ, એવું કૈક કરો કે હું મારી પત્નીને બરાબર સમજી શકું, એના મનમાં શું ચાલી રહ્યું હોય છે એ હું જાણી શકું,જ્યારે જ્યારે મને એ સાઈલન્ટ ટ્રીટમેન્ટ આપે છે ત્યારે એ શું વિચારતી હોય છે ? અવાર નવાર શા માટે એ રડે છે ?, એ જ્યારે એમ કહે છે કે “ બધું બરાબર છે કશું ખોટું નથી” ત્યારે એ ખરેખર શું એમ જ કહેવા માગે છે ?” પ્રભુ ,મને કશું સમજાતું નથી ….આ સ્ત્રીને હું કેવી રીતે ખરેખર ખુશ કરી શકું ? “

આ માણસની આ માગણીઓ સાંભળી ભગવાન વિચારમાં પડી ગયા અને બોલ્યા :

“ હે વત્સ, ઇંગ્લેન્ડ થી ફ્રાંસ સુધીનો પુલ જે તને જોઈએ છે એ બે લેન વાળો કે ચાર લેન વાળો તને બનાવી આપું !

 જોયું, સ્ત્રીઓને ઓળખવામાં ભગવાન પણ ત્રાહિ મામ પોકારી ગયા !

 

એક રમુજી વક્તા કરે છે સ્ત્રીઓના અને પુરુષોના મગજનું પૃથ્થકરણ  

એક બીજા નેટ મિત્રએ એમના ઈ-મેલમાં એક હાસ્ય રસિક મોટીવેશનલ સ્પીકરના સ્ત્રી-પુરુષ સંબંધોના વિષય ઉપરના હાસ્ય રસિક પ્રોગ્રામના વિડીયોની લીંક મોકલી હતી એ વિડીયો નીચે પ્રસ્તુત છે.

હસતાં હસાવતાં આ વક્તા સ્ત્રીઓ અને પુરુષોની ખાસિયતો ઉપર જે રીતે એની વાત સમજાવે છે એ જોઇને અને સાંભળીને તમને જરૂર હસવું આવશે. 

આ વિડીયો પતિ-પત્નીએ સાથે બેસીને જોવા જેવો અને હસતાં હસતાં માણવા જેવો છે.પતી અને પત્ની એ બન્ને જણને વધતા ઓછા અંશે આ વક્તા જે કહે છે એની સાથે સંમત થવા જેવું કૈક ને કૈક જરૂર મળી રહેશે. 

Brain of a woman and a man 

 

Husband-wife

 ચિત્ર સૌજન્ય – સુ.શ્રી પ્રજ્ઞા વ્યાસ /શ્રી શિરીષ દવે/હાસ્ય દરબાર