વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Daily Archives: એપ્રિલ 15, 2015

(697 ) સરસ્વતી ….. કાવ્ય ……. પી .કે. દાવડા/ સ્વ. ડો.ચંદ્રલેખાબેન દાવડાને હાર્દિક શ્રધાંજલિ

માણસના જન્મ અને મૃત્યુની તારીખ એ એના હાથની વાત નથી . કુટુંબમાં કોઈ જન્મ થાય ત્યારે આનંદ છવાઈ જાય છે જ્યારે મૃત્યુ દ્વાર ઉપર દસ્તક દે છે ત્યારે સ્વજનોને અંદરથી હચમચાવી જાય છે. મારા એક મુક્તકમાં મેં આ જ વાત કહી છે. 

આમ તો જગતમાં રોજ લાખ્ખો લોકો મૃત્યુથી મરતાં હોય છે ,

ઘરે મૃત્યુ જ્યારે આવે ત્યારે જ, મૃત્યુની વિકરાળતા જણાય છે

એક બીજાની હૂંફમાં જીવન સંધ્યાનો સમય સારી રીતે પસાર કરી રહેલ કોઈ બુઝર્ગ પતી-પત્નીમાંથી એક જણ અણધાર્યું આ જગતમાંથી વિદાય લઇ લે છે ત્યારે જીવિત રહેનાર પાત્રના જીવનમાં જે ખાલીપો વર્તાય છે એ તો જેને એનો અનુભવ થયો હોય એ જ ખરેખર જાણી શકે. રામ બાણ વાગ્યાં હોય એ જ જાણે!

ફ્રીમોન્ટ,કેલીફોર્નીયામાં એમના પુત્ર સાથે નિવાસ કરતા મારા ૭૬ વર્ષીય મિત્ર શ્રી પી.કે.દાવડાના જીવનમાં એક મહિના અગાઉ આવો એક અણધાર્યો આઘાતજનક બનાવ બની ગયો.

ફેબ્રુઆરી ૨૦૧૫ના પહેલા સપ્તાહમાં એમનાં ધર્મ પત્ની ડો.ચંદ્રલેખાબેન સાથે શ્રી દાવડાજી એમનાં સગાં સંબંધીઓને મળવા અને અન્ય અંગત કામો પતાવવા ટૂંક સમય માટે મનમાં ખુબ ઉમંગ અને આનંદ સાથે મુંબઈ અને કલકત્તા ગયા હતા.

કમનશીબે તારીખ ૧૬ મી માર્ચ ૨૦૧૫ ની વહેલી સવારે એમના જન્મ દિવસે જ ડો.ચંદ્રલેખાબેન દાવડાનું હાર્ટ એટેકને લીધે વાતો કરતાં કરતાં જ કલકત્તા ખાતે અચાનક અવસાન થયું હતું. ખુબ આનંદથી પત્ની સાથે વતન ગયેલા શ્રી દાવડા તારીખ ૨૨ મી માર્ચે  દુખી હૃદય સાથે અમેરિકા પરત આવી ફ્રીમોન્ટના એમના નિવાસે  જ્યારે એકલા ઘરમાં પ્રવેશ કર્યો હશે ત્યારે એમના મનની શી સ્થિતિ હશે એની કલ્પના કરી શકાય એમ છે.

ખેર, મૃત્યુ તો એક દિવસ સૌના જીવનમાં વહેલા માંડું આવવાનું જ છે. જીવનની આ એક ફેરવી ના શકાય એવી કરુણ હકીકત છે.

તારીખ ૧૬મી એપ્રિલે ડો.ચંદ્રલેખાબેન દાવડાના સ્વર્ગવાસી થયાને એક મહિનો પૂરો થાય છે .

આ એક મહિના પછી એમનાં સ્વ.પત્નીની માસિક પુણ્ય તિથીએ શ્રી દાવડાજીના મનના ભાવોને આબાદ ઝીલતી એક કાવ્ય રચના એમણે  વિનોદ વિહારમાં પ્રગટ કરવા માટે એમના ઈ-મેલમાં મને મોકલી છે . આ કાવ્ય રચના નીચે પ્રસ્તુત છે. 

Chandrakala Davda

સ્વ. ડૉ.ચંદ્રલેખાબેન દાવડા

સરસ્વતી

નથી  ચૂંટ્યા ફૂલો વન વન જઈને જીવનમાં ,

નથી   ક્રીડા કીધી ફરફર થતી તુજ લટ થકી ,

નથી બેઠા ક્યારે ઝરણ સમીપે  હાથ પકડી,

નથી ગાયાં ગીતો મધુર સ્વરમાં  પ્રણયનાં ,

નથી ક્યારે બેઠા મધુર ઝરતી ચાંદની મહીં,

નથી નાચ્યો મોરો થનગન કરીને મન મહીં,

છતાં આજે આવે પળપળ મને યાદ તુજની?

સદા વહેતી રહેજે સરસ્વતી સમી આજીવનમાં

-પી.કે.દાવડા

======================

શ્રી.પી.કે.દાવડા જ્યારે ઇન્ડિયા જવાની તૈયારી કરતા હતા ત્યારે ફેબ્રુઆરી ૯, ૨૦૧૫ ના રોજ એક ઈ-મેલમાં અને ફોન દ્વારા એમને મેં શુભેચ્છા પાઠવી હતી.એમાં મેં એમને હળવા થઇને પરત આવવાનું કહ્યું હતું.એ વખતે મને સ્વપ્ને પણ ક્યાં ખબર હતી કે તેઓ ભારે હૃદયે અમેરિકા પરત ફરવાના છે ! ભાવિની ભીતરમાં શું છુપાયું છે એ ક્યાં કોઈને ખબર હોય છે !

P.K.DAVDA

P.K.DAVDA

તારીખ ૧૬મી માર્ચે જ્યારે એમનાં ધર્મ પત્ની ડો.ચંદ્રલેખાબેનનું ઓચિંતું અવસાન થયું ત્યાર બાદ શ્રી દાવડાએ એમના સૌ આત્મીય મિત્રોને ઈ-મેલ લખી આ દુખદ બનાવની જાણ કરી હતી.

આ ઈ-મેલ વાંચતાં એ વખતે એમના હ્રદય મનની સ્થિતિનું દર્શન થાય છે.આ રહ્યો દરેક વાંચનારના હૃદયને સ્પર્શી જાય એવો  ખાલીપો શીર્ષક સાથેનો એમનો ઈ-મેલ ..

મિત્રો જોગ,

ખાલીપો

૧૬ મી માર્ચ ૨૦૧૫ ની વહેલી પરોઢે, ૩-૩૪ વાગે અચાનક જ મારા જીવનની બધી ઊર્જાઓ અદૃષ્ય થઈ ગઈ અને જીવનમાં ઠાંસોઠાંસ ખાલીપો ભરાઈ ગયો. અચાનક જ, છેલ્લા ૪૫ વર્ષથી મારા જીવનનું અભિન્ન અંગ, મારી પત્ની ચાંદુ (ચંદ્રલેખા) કાર્ડિયાક એરેસ્ટનો શિકાર બની, આ લોક છોડી પરલોક ચાલી ગઈ. બીજી સવારે સગાં-સંબંધીઓએ મળી અંતિમ ક્રિયાઓને અંજામ આપ્યો. હજી સુધી આ બનાવની સંપૂર્ણ સમજ મારા દિલો-દિમાગમાં ઉતરી નથી.

જરાવાર માટે પણ એકલો પડું તો મન ભૂત-ભવિષ્યમાં ઝોલા ખાય છે. ૪૫ વરસ સુધી ભરાતા આવેલા પટારામાંથી અચાનક એક એક વસ્તુ ઉછળીને બહાર આવે છે, તો કયારેક ભવિષ્ય લાંબી જીભ કાઢીને સામે ઊભેલું નજરે પડે છે.

ઈશ્વર કૃપાએ કુટુંબ અને સમાજ અડીખમ  રીતે આ ક્ષણે તો સાથે ઊભા છે, દુખમાં સહભાગી છે, ભવિષ્ય માટે હૈયાધારણ આપે છે, પણ ખાલીપો એટલો બધો છે કે આ બધી સહાનુભૂતિની અનુભૂતિ આશ્વાશન આપી શકતી  નથી.

૧૯૭૦ ના ૧૨ મી ડીસેમ્બરે, કલકતાની હોમિયોપેથિક ડૉકટર ચંદ્રલેખા ઠક્કર સાથે મારા લગ્ન થયા. બહુ નાની વયે એણે એની માતા ગુમાવેલી, મૃત્યુ સમયે એની માતાની વય માત્ર ૩૮ વર્ષની હતી અને એનાથી નાના બે ભાઈ અને એક બહેનનું વાલીપણું એના માથે આવી પડેલું એટલે નાની ઉમ્મરે જ જવાબદારી ભર્યું વર્તન એના સ્વભાવમાં વણાઈ ગયેલું. પરિણામે ૪૫ વર્ષ સુધી અમારા ઘર અને અમારા બાળકો, એક પુત્ર અને એક પુત્રીના ઉછેરની સંપૂર્ણ જવાબદારી એણે જ સંભાળી લીધેલી; મારૂં કાર્ય ધન કમાવા પુરતું મર્યાદિત રાખેલું. બાળકોનું છેક અમેરિકા સુધીના ઉચ્ચ અભ્યાસની દેખરેખ એણે જ રાખેલી. બદલામાં એને બાળકોએ અબાધિત પ્રેમ કર્યો.

આજે મને ખ્યાલ આવે છે કે મારા જીવનની મહાભારતમાં એ મારી સારથી હતી. એની સૂઝબુઝથી જીવનની ઝટીલ સમસ્યાઓ અમે ઉકેલી શક્યા. વિના શરતનો ત્યાગ એ એનો સ્વભાવ હતો. મારા બે બાળકો અને એના નાના ભાઈ બહેન એના જીવનમાં કેંદ્રબિન્દુઓ રહ્યા.

બધા પરિણીત યુગલોની જેમ અમારે પણ મતભેદ થતા પણ તે અરધા કલાક- કલાકથી વધારે ટકતા નહિં. એક મેક પ્રત્યે સન્માન અને લાગણી એ અમારા સંબંધોનો પાયો હતા.

હું જાણતો હતો કે એક જ સમયે જન્મેલા જોડિયા બાળકો પણ આ દુનિયા અલગ અલગ છોડે છે. અમારા બે માંથી કોણ પહેલા જ્શે એ જાણવું શક્ય ન હતું, પણ એટલૂં ખબર હતી કે એકના ગયા પછી બીજાને ખાલીપાનો અહેસાર શેષ જીવનમાં રહેશે. ઈશ્વરે એ ખાલીપો મને આપ્યો. એની સાથે વિતાવેલા સમયને યાદ કરી એ ખાલીપો ભરવા કોશીશ કરીશ. કુટુંબ અને મિત્રોનો સહાયો એમા સહાયરૂપ થશે એમાં શંકા નથી.

-પી. કે. દાવડા  

શ્રી પી.કે.દાવડાના આ હૃદય દ્રાવક ઈ-મેલના જવાબમાં એમને દિલાસો આપતાં મારા ઈ-મેલમાં મેં આ પ્રમાણે લખ્યું હતું.

પ્રિય દાવડાજી,

શ્રીમતી ચંદ્રલેખાબેન દાવડાના અણધાર્યા અને અચાનક સ્વર્ગવાસના સમાચાર આપતો આપનો ઈ-મેલ દિલને આંચકો આપી ગયો. દુખી હૃદયે આખો ઈ-મેલ વાંચતાં આપની ખાલીપાની સંવેદનાઓ દિલને હલાવી ગઈ .આપની ભારત યાત્રા માટે નીકળવાના આગલા દિવસે જ આપણે ફોન ઉપર વાત કરી હતી ત્યારે મેં તમોને શુભેચ્છાઓ પાઠવી હતી ત્યારે ક્યાં ખ્યાલ હતો કે તમને આવો દુખદ દિવસ જોવાનો આવશે ! ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું છે !

હું પણ તમારી જેમ જ ખાલીપા અને ઝુરાપાના સ્ટેજમાંથી પસાર થયો છું એટલે આપની અત્યારની મનોસ્થિતિ મને બરાબર સમજાય છે. ૩૦ વર્ષના અમારા સુખી દામ્પત્ય પછી એમની ૫૪ વર્ષની ( મારી ૫૫ વર્ષની ) ઉંમરે એપ્રિલ ૧૯૯૨ માં મારાં ધર્મપત્નીનો સ્વર્ગવાસ થયો ત્યારનો એ ખાલીપાનો સમય યાદ આવી જાય છે.

પરંતુ દુઃખનું ઓસડ દહાડા છે. જેનો આપણી પાસે કોઈ ઉપાય નથી એવી પરિસ્થિતિમાં મન ઉપર કાબુ રાખી સંજોગોને અનુકુળ બની જીવવા સિવાય બીજો કોઈ ઉપાય નથી. That can not be cured,should be endured.બાકીની જિંદગી એકલા ગુજારવાની થાય એ કઠે તો ખરું પણ મનને નવી દિશાએ સકારાત્મક રીતે દોરી જીવવાનું જ રહ્યું.

એ સ્પર્શનાં ફૂલો તો ખીલીને ખરી ગયાં

પણ ટેરવે સુગંધનો આસવ રહી ગયો

– કરશનદાસ લુહાર

આપણા મૂર્ધન્ય “વૈશમ્પાયન”ના ઉપનામે ઓળખાતા કવી કરસનદાસ માણેકનું એક કાવ્ય યાદ આવે છે એમાં એ કહે છે “નીરવ જીરવી લેજે ઝુરાપા,જાનારાને જાવા દેજે”

જાનારાને જાવા દેજે:

એકલવાયું અંતર તારું

ચૂપ રહી ચીરવા દેજે !

જાનારાને જાવા દેજે !

લાવજે ના લોચનમાં પાણી;

ધ્રુજવા દેજે લેશ ન વાણી,

પ્રાણના પુષ્પની પાંખડી પાંખડી

છાનોમાનો છેદાવા દેજે !

જાનારાને જાવા દેજે !

નીરવ જીરવી લેજે ઝુરાપા,

છોને પડે તારે કાળજે કાપા:

હૈયાની ધરતી તરસી, તારાં

શોણિતથી સીંચાવા દેજે !

જાનારાને જાવા દેજે !

ઝંખનાની કાળી ઘોર ગુલામી;

વહોરજે ના વેદનાઓ નકામી.

સપનાની તારી વાડી રૂપાળીને

સામે ચાલી વેડાવા દેજે !

જાનારાને જાવા દેજે !

એકલવાયું અંતર તારું

ચૂપ રહી ચીરવા દેજે !

જાનારાને જાવા દેજે !

કરસનદાસ માણેક

યરવડાની જેલમાં જ્યારે કસ્તુરબા હાર્ટ એટેકથી અવસાન પામ્યાં ત્યારે મહાત્મા ગાંધીએ કહ્યું હતું ” બા મારામાં સમાઈ ગઈ છે ” એમ ચંદ્રલેખાબેન અક્ષર દેહે તમારી સાથે જ આજીવન રહેવાનાં છે.

તામારા ઈ-મેલના છેલ્લા પ્રેગ્રાફ્માં તમે જે લખ્યું છે એમા આપની સમજની પરિપક્વતા દેખાય છે.

“હું જાણતો હતો કે એક જ સમયે જન્મેલા જોડિયા બાળકો પણ આ દુનિયા અલગ અલગ છોડે છે. અમારા બે માંથી કોણ પહેલા જ્શે એ જાણવું શક્ય ન હતું, પણ એટલી ખબર હતી કે એકના ગયા પછી બીજાને ખાલીપાનો અહેસાર શેષ જીવનમાં રહેશે. ઈશ્વરેએ ખાલીપો મને આપ્યો. એની સાથે વિતાવેલા સમયને યાદ કરી એ ખાલીપો ભરવા કોશીશ કરીશ. કુટુંબ અને મિત્રોનો સહાયો એમા સહાયરૂપ થશે એમાં શંકા નથી.”

નેટ જગતમાં આપે અગણિત મિત્રો બનાવ્યા છે મારી સાથે એ બધા આપના આ ખાલીપાના સમયે આપની સાથે આપના દુઃખમાં સહભાગી છે.

પ્રભુ સદગતના આત્માને ચીર શાંતિ અર્પે અને આપને તથા આપનાં સૌ કુટુંબીજનોને આ અણધાર્યું આવી પડેલું દુખ સહન કરવાની શક્તિ આપે.

દિલાસા સહ,

વિનોદભાઈ પટેલ.

સાન ડીએગો,૩-૧૭-૨૦૧૫ 

 

સ્વ.ચંદ્રલેખાબેન પી. દાવડાને

હાર્દિક શ્રધાંજલિ