Daily Archives: એપ્રિલ 21, 2015
ડાયાસ્પોરા ગુજરાતી સાહિત્યકારોમાં એક પ્રતિષ્ઠિત હાસ્ય લેખક તરીકે બહુ વંચાતા શ્રી હરનીશભાઈ જાની વિનોદ વિહારના વાચકો માટે પણ અજાણ્યા નથી.
થોડા દિવસો પહેલાં એક મિત્રએ મને ખબર આપ્યા કે શ્રી હરનીશભાઈની તબિયત એકાએક બગડતાં એમને હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા હતા .
મારા ફેસબુક મિત્ર, હરનીશભાઈના ખાસ નજીકના મિત્ર અને જાણીતા કાર્ટુનિષ્ટ શ્રી મહેન્દ્રભાઈ શાહે તો શ્રી હરનીશભાઈનું એમની માંદગીના સમાચાર આપતું એક ચિત્ર એમના ફેસબુક પેજ ઉપર મુક્યું હતું જે મારી સાથે પણ એમણે શેર કર્યું હતું .શ્રી મહેન્દ્રભાઈના આભાર સાથે નીચે પ્રસ્તુત છે એ ચિત્ર.
(ચિત્રને મોટી સાઈઝમાં જોવા એના ઉપર ક્લિક કરો ).

ચિત્રમાં શ્રીમતી હંસાબેન હરનીશભાઈને કહે છે :”તમારા લિટરરી ફ્રેન્ડઝ ખબર કાઢવા આવે છે .. જરા સીરીયસ રહેજો .પાછા જોક મારવા ના બેસી જતા !”
મારા જેવા હરનીશભાઈના અનેક પ્રસંશકો માટે એ આનંદના સમાચાર છે કે હરનીશભાઈ હવે હોસ્પિટલમાંથી સ્વસ્થ થઈને ન્યુ જર્સીના એમના નિવાસ સ્થાને આવી ગયા છે.
શ્રી હરનીશભાઈ સાથે મારે ગઈકાલે સોમવારે ફોન ઉપર વાત થઇ હતી.એમની સાથેની વાત ઉપર એ જાણીને ખુશી થઇ કે હોસ્પિટલમાંથી ઘેર આવ્યા પછી હવે એમની તબિયત સુધારા ઉપર છે અને તેઓ હવે પૂર્વવત સ્વસ્થ થતા જાય છે .
મને એ નવાઈ લાગી કે ફોનમાં તેઓએ ગુજરાત મિત્રમાં નિયમિત પ્રગટ થતા એમના લેખોની વાત કરી અને છેલ્લે મારા બ્લોગમાં પ્રગટ લેખો ઈ-મેલથી એમને વાંચવા માટે મોકલવા મને જણાવ્યું જે મેં એમને મોકલી આપ્યા . આ ઈ-મેલમાં મેં શુભેચ્છાઓ પાઠવવાની સાથે એમને હમણાં પૂરો આરામ કરવા માટે મિત્ર ભાવે નમ્ર સૂચન કર્યું .
હોસ્પિટલનો આ અનુભવ એ શ્રી હરનીશભાઈ માટે માટે કોઈ નવાઈની વાત નથી.અગાઉ એમના હાસ્ય લેખોમાં એમણે જણાવ્યું છે એમ હરનીશભાઈ દિલના-હૃદયના દરદી છે. આ અગાઉ એમને પાંચ વાર એન્જીયોપ્લાસ્ટી અને એક વાર બાય પાસ સર્જરી કરાવવી પડી છે.તેઓ ડાયાબીટીસના પણ દર્દી છે.
એમને એક વાર હાર્ટ એટેક પણ આવી ગયો છે.આમ એમના જીવનમાં એમને હોસ્પીટલના ઘણા ફેરા થયા છે.
સૌના માટે એમનામાંથી પ્રેરણા લેવા જેવી વાત એ છે કે શરીરમાં અનેક વ્યાધિઓ વચ્ચે પણ તેઓ જીવનમાંથી હાસ્ય શોધીને એમના લેખો મારફતે દુખોને હસી નાખે છે એટલું જ નહી એના ઉપર હાસ્ય લેખ લખી દુખ હળવું કરી બધાંને હસાવે છે .
અગાઉના એમના હોસ્પિટલના અનુભવો ઉપર આધારિત એમણે જે બે હાસ્ય લેખો લખેલા –(૧ )દિલ હૈ કી માનતા નહિ અને (૨ )એક દિલ સો અફસાને -એ બન્ને લેખો આજની પોસ્ટમાં નીચેની પિ.ડી.એફ. ફાઈલની લીંક ઉપર ક્લિક કરીને માણો.
આ બે લેખોની ફાઈલો મને મોકલવા બદલ મિત્ર શ્રી ઉત્તમભાઈ ગજ્જરનો હું આભારી છું.
આ લેખો વાંચ્યા પછી તમને પ્રતીતિ થશે કે દિલ-હૃદય-ના દર્દને ગણકાર્યા વિના એમણે એમના દિલની વાતો દિલથી લખી વાચકોના દિલોને કેવું બહેલાવ્યું છે !દુઃખ દર્દમાંથી હાસ્ય નિપજાવવાની કળાના તેઓ માહિર છે.
હરનીશભાઈની માંદગીના સમયે એમનો લેખ –દિલ હૈ કી માનતા નહિ– સુરતના પ્રસિદ્ધ અખબાર ગુજરાત મિત્રની એમની લોકપ્રિય કોલમ ” ફિર ભી દિલ હૈ હિંદુસ્તાની “ માં એપ્રિલ ૧૫, ના અંકમાં આ અખબારમાં પ્રગટ થયો છે એ કેટલું સૂચક છે !
હરનીશભાઈની હાલની માંદગી અને હોસ્પીટલના અનુભવ ઉપર તેઓ એક નવો હાસ્ય લેખ લખી પ્રસિદ્ધ કરે તો નવાઈ નહિ !
ગુજરાત મિત્રના માર્ચ ૨૫, ૨૦૧૫ના અંકમાં પ્રસિદ્ધ થયેલો હરનીશભાઈનો એક બીજો ગમતીલો લેખ ” દુનિયા રંગ રંગીલી -અમેરિકા “ પણ સાથે સાથે નીચે ક્લિક કરીને આસ્વાદો.

શ્રી હરનીશ જાની અને શ્રીમતી હંસા જાની
શ્રી હરનીશભાઈ અને શ્રીમતી હંસાબેનને પ્રભુ તંદુરસ્તી ભર્યું દીર્ઘાયુ બક્ષે અને સૌના પ્રિય હાસ્ય લેખક શ્રી હરનીશભાઈ પૂર્વવત અહર્નિશ હાસ્ય રેલાવતા રહે એવી પ્રભુ પ્રત્યે હાર્દિક પ્રાર્થના છે.
સંપર્ક-
HARNISH JANI
4, Pleasant Drive, Yardville, NJ 08620. USA
E-mail. harnishjani5@gmail.com
વાચકોના પ્રતિભાવ