વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Daily Archives: એપ્રિલ 22, 2015

( 702 ) ડર્ટી પોલીટીક્સ ! એક વાસ્તવિક મુવી ! …….. વિનોદ પટેલ

આજે સવારે ટી.વી. ઉપર જે સમાચારો સાંભળ્યા અને ઈન્ટરનેટ ઉપર જે સમાચારો વાંચ્યા એ પછી મારા મનમાં જે વિચાર મંથનો અને સંવેદનાઓ જાગી એના પરિણામ સ્વરૂપે આજની આ પોસ્ટ છે .

આજ કાલ દેશની રાજધાની દિલ્હીમાં ખેડૂતોને નામે ખુબ જ ગંદું અને વરવું રાજકારણ ખેલાઈ રહ્યું છે .ખેડૂતોના ખરા હિતેચ્છુઓ કોણ એની ત્રણ મુખ્ય રાજકીય પક્ષો ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે જાણે કે હોડ જાગી છે.

જેને ખેતર,ખાતર કે ખેડૂતના ખ ની જરા પણ જાણ નથી કે જાણવાની તમા નથી  તેઓ ખેડૂતોની મુશ્કેલીઓને પોતાનો રાજકીય રોટલો શેકવા માટેનું એક પ્યાદું સમજી રહ્યા  છે. આ માટે ખેડૂતોને યેન કેન પ્રકારેણ ભેગા કરી મોટી રેલીઓ ભરીને સરઘસો કાઢીને ઉશ્કેરી રહ્યા છે .

જનતા એના પ્રતિનિધિઓને એમના પ્રશ્નો સુલઝાવવા માટે દેશની લોકસભામાં ચૂંટીને મોકલે છે. એ લોકો ત્યાં જઈને શું કરે છે એ તમે લોકસભાની કાર્યવાહી જે રીતે ચાલી રહી છે એમાં જોયું હશે.સત્તા પક્ષના સુઝાવ અને ઠરાવ ઉપર ગંભીર રીતે ચર્ચા કરવાને બદલે બુમ બરાડા પાડીને કાર્યવાહી ખોરંભે પાડી કેટલો બધો પૈસાનો વ્યય તેઓ કરી રહ્યા છે! વિશ્વમાં દેશ માટે આ ખરેખર એક શરમ જનક ચિત્ર રજુ કરે છે.

આ બધા કહેવાતા જનતાના હિતેચ્છુઓ દ્વારા જનતાને ગેર રસ્તે દોરવાનું અને ભડકાવવાનું  શું પરિણામ આવે છે એ નીચેના સમાચારોમાં સ્પષ્ટ દેખાય છે. આ પરિણામ માટે દોષનો ટોપલો એકબીજાને ઓઢાડવાનો પ્રયત્ન થાય છે.

દેશના નેતાઓ માટે આ બનાવ શરમજનક છે.

નીચેના શરમજનક બનાવના સમાચારો વાંચીને તમે જ નક્કી કરો આમાં દોષિત કોણ ?

વિનોદ પટેલ

==============================  

ધરતીપુત્રએ કેજરીવાલની રેલીમાં આપ્યો જીવ અને છતાં ચાલતી રહી રાજનીતિ !!

બુધવાર, 22 એપ્રિલ ૨૦૧૫

KHEDUT -1આમ આદમી પાર્ટીની બુધવારે જન્તર મંતર બોલાવાયેલ રેલી દરમિયાન એક ખેડૂતે આત્મહત્યા કરી લીધી. લગભગ દોઢ વાગ્યે દૌસાના નાંગલ (રાજસ્થાન)થી આવેલ એક ખેડૂતે ઝાડ પર લટકીને જીવ આપવાનો પ્રયત્ન કર્યો. તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો. આ દરમિયાન અરવિંદ કેજરીવાલ ભાષણ આપતા રહ્યા. લગભગ પોણા ત્રણ વાગ્યે તેમનુ ભાષણ ખતમ પત્યુ તો તેમણે રામ મનોહર લોહિયા હોસ્પિટલ જઈને ખેડૂત વિશે માહિતી લીધી. તેમની સાથે મનીષ સિસોદિયા અને સંજય સિંહ પણ હતા. કેજરીવાલના પહોંચવાના થોડાક જ મિનિટની અંદર ખેડૂતનુ મોત થઈ ગયુ.  

આમ આદમી પાર્ટીના જમીન અધિગ્રહણ બિલના વિરોધમાં રેલી હતી. આ દરમિયાન ગજેન્દ્રનુ નામનુ 45 વર્ષીય ખેડૂત ઝાડ પર ચઢી ગયો અને ફંદા પર લટકવાનો પ્રયત્ન કરવા લાગ્યો.  ત્યારે ભીડમાંથી કેટલાક લોકો નીકળ્યા અને તેમણે તેને નીચે ઉતાર્યો. તેને રામ મનોહર લોહિયા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો પણ તે બચી ન શક્યો.  

ખેડૂતને પાસે એક સુસાઈડ નોટ પણ જપ્ત થઈ છે. જેમા લખ્યુ છે.. “મારા ઘરમાં 3 બાળકો છે. ઘરમાં ખાવાનુ કશુ નથી. મારો પાક બરબાદ થઈ ગયો. પિતાએ ઘરેથી કાઢી મુક્યો છે. 

ઘટના છતાં રેલી ચાલતી રહી –  ઘટના બપોરે દોઢ વાગ્યની આસપાસ થઈ. તેમ છતા આમ આદમી પાર્ટીના એક એક નેતા ભાષણ આપતા રહ્યા. કુમાર વિશ્વાસ, સંજય સિંહ ઉપરાંત કેજરીવાલે પોલીસને આ ઘટના માટે દોષી ઠેરવી.  વિશ્વાસે રેલીમાં થયેલ નારાબાજી અને ઘોંઘાટને પણ વિપક્ષી પાર્ટીઓનુ ષડયંત્ર બતાવ્યુ. કેજરીવાલે કહ્યુ કે દિલ્હી પોલીસે માનવતાવાદી દ્રષ્ટિકોણ અપનાવવુ જોઈતુ હતુ.   કેજરીવાલે કહ્યુ, પોલીસની એટલી માણસાઈ બને છે કે તેને બચાવે.  તેઓ એ તો નહી કહે કે અમે દિલ્હી સરકારના કંટ્રોલમાં નથી.

સાભાર-ગુજરાતી.વેબ દુનિયા.કોમ  

===========================

ખેડૂતની આત્મહત્યાઃ મોદી, કેજરીવાલ સામે FIRની માગણી

Written by Chitrlekha | 22/04/2015 |  

KHEDUT-2નવી દિલ્હી – આજે અહીં આમ આદમી પાર્ટીની કિસાન રેલીમાં એક ખેડૂતે કરેલી આત્મહત્યા માટે કોંગ્રેસે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલને સૌથી વધારે જવાબદાર ગણાવીને તેમની સામે પોલીસ FIR નોંધવાની માગણી કરી છે. કોંગ્રેસના પ્રવક્તા સત્યવ્રત ચતુર્વેદીએ ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટીની બેઠકમાં કહ્યું કે કેન્દ્ર અને રાજ્ય સરકાર, બંને સામે આત્મહત્યા કરવા માટે મજબૂર કરવાનો કેસ નોંધાવો જોઈએ. આ આત્મહત્યા માટે બે જણ સૌથી વધારે જવાબદાર છે – વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ. 

બાદમાં પત્રકારોએ ચતુર્વેદીને સવાલ પૂછ્યો હતો કે યુપીએના શાસન વખતે દેશમાં અનેક કિસાનોએ કરેલી આત્મહત્યા માટે ભૂતપૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહ અને ભૂતપૂર્વ કૃષિ પ્રધાન શરદ પવારને પણ જવાબદાર ગણવા જોઈએ કે નહીં? જવાબમાં ચતુર્વેદીએ કહ્યું કે કેજરવાલ અને દિલ્હી પોલીસની હાજરીમાં આત્મહત્યાનો બનાવ બન્યો છે. વડા પ્રધાને તેને રોકવા કંઈ કર્યું નહોતું. 

સાભાર-http://www.chitralekha.com/breaking-news/farmer-suicide/ 

=======================

બોલીવુડમાં એક હિન્દી ફિલ્મ ચાલી રહી છે એનું નામ છે “ડર્ટી પોલીટીક્સ “. એમાં રાજકારણમાં કેવા કાવા દાવા ખેલાય છે એનું ચિત્ર સરસ રજુ કર્યું છે.આ મુવી તો એક કાલ્પનિક વાર્તા ઉપર બન્યું હતું.

પરંતુ ઉપરના ખેડૂતના આપઘાત સુધી દોરી જનાર બનાવ પાછળ જે ડર્ટી પોલીટીક્સ ખેલાય છે અને ખેલાયું છે એ તો નરી વાસ્તવિકતા છે એની કોણ ના પાડી શકે એમ છે ?

બધા નેતાઓની વાતો વચ્ચે મુઝાએલા બિચારા નિર્દોષ ખેડૂતની સ્થિતિ ખરેખર દયાજનક છે .હું એક ખેડૂત પુત્ર છું એટલે એની મુશ્કેલીઓનો મને જાત અનુભવ છે .ખેડૂતના તૈયાર થયેલા પાક ઉપર જ્યારે કમોસમી વરસાદ આવીને એનાં સ્વપ્નાં વેરવિખેર કરી નાખે છે ત્યારે આવા કુદરતના અણધાર્યા કેર સામે ખેડૂત કેવો લાચાર ,ગરીબ અને નોધારો બની જાય છે એ મેં નજરે જોયું છે.

આજના ખેડૂતના નામે ચાલતા આ બધા રાજકીય બખડ જન્તરમાં મને એક ગામઠી કહેવત યાદ આવી ગઈ !

વર મરો, કન્યા મરો પણ  ગોરનું તરભાણું  ભરો !   

મારા મનનો આક્રોશ આ ત્રણ હાઈકુ રચનાઓ દ્વારા વ્યક્ત કરુ છું. 

આખલાઓની

લડાઈમાં બિચારા

ઝાડનો  ખાંડો 

======

કિશાન નેતા

તારી  બચી આબરૂ

ઝાડે લટકી

===========

ખેડૂત નામે

સેવાના દાવ પેચ

મર્યો ખેડૂત !

 

વિનોદ પટેલ