વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Daily Archives: એપ્રિલ 27, 2015

( 706 ) નેપાળ અને ભારતમાં ભૂકંપથી સર્જાએલ વિનાશ ….

કઠમંડુનું ગૌરવ ‘ધરહરા મિનાર’ થયો જમીનદોસ્ત-ફોટો સૌજન્ય-ચિત્રલેખા

કઠમંડુનું ગૌરવ ‘ધરહરા મિનાર’ થયો જમીનદોસ્ત-ફોટો સૌજન્ય-ચિત્રલેખા

હિમાલયની ગોદમાં શાંતિથી સમય બસર કરી રહેલ વિશ્વના એક માત્ર હિંદુ રાષ્ટ્ર નેપાળમાં  શનિવાર, ૨૫ એપ્રિલે આવેલા હચમચાવી મુકનાર ૭.૮ની તીવ્રતા સાથેના ભયાનક ભૂકંપે કાઠમંડુ અને અન્ય જગાઓએ વિનાશ સર્જ્યો છે. નેપાળ અને ભારતમાં ભૂકંપથી જાન માલનું ભારે નુકસાન થયું છે. મિનિટોના ગાળામાં જ હજારો ઇમારતો પત્તાના મહેલની જેમ ધરાશાયી થઇ ગઇ હતી .

આ ભૂકંપે કાઠમંડુમાં ભારે વિનાશ વેર્યો છે.નેપાળની ઓળખસમાન કઠમંડુનું ગૌરવ ‘ધરહરા મિનાર’અને અનેક ઐતિહાસિક ઈમારતોને જમીનદોસ્ત કરી છે કે નુકસાન પહોંચાડ્યું છે. ભારતમાં પણ આ ભૂકંપથી ઘણું નુકસાન થયું છે. 

આ લખાય છે ત્યારે છેલ્લા સમાચાર પ્રમાણે જાનહાનીનો આંકડો ૪૦૦૦ની સંખ્યા વટાવી ગયો છે .જેમ દિવસ જાય છે એમ   મોતનો આંકડો વધી રહ્યો છે. હજુ મોતનો આંકડો ૧૦૦૦૦ સુધી વધે તેવી શક્‍યતા વ્યક્ત થઇ રહી છે. માઉન્‍ટ એવરેસ્‍ટના બેઝ કેમ્‍પ નજીક ઓછામાં ઓછા ૨૨ પર્વતારોહીના મોત થઇ ગયાં છે.

વિશ્વમાં આફતો બે પ્રકારની હોય છે .એક કુદરતી અને બીજી માનવ સર્જિત .ભારે વરસાદ,અતિ વૃષ્ટિ, અના વૃષ્ટિ , પુર ,વાવાઝોડા . દુકાળ અને ધરતીકંપ જેવી આફતો એ કુદરતી આફતો છે જ્યારે યુદ્ધ, આતકવાદ વિગેરેથી થતી જાનહાની એ મનુષ્ય સર્જિત આફતો છે. હાલ યમન અને અખાતી દેશોમાં જે મનુષ્ય હાની થાય છે એ મનુષ્ય સર્જિત છે.

આધુનિક સગવડો ને ટી.વી.માધ્યમોથી આ ભયાનકતાનો ચીતાર સૌને હવે ઘેર બેઠાં મળી જાય છે .ABC NEWS નો આ વિડીઓનાં દ્રશ્યો હૃદયદ્રાવી છે. 

Nepal Earthquake Leaves Thousands Dead

અહીં અમેરિકામાં સુંદર મકાનમાં આરામદાયક સોફામાં બેસી ટી.વી.ઉપર આ કુદરતી આફતનાં દ્રશ્યો જોઈ રહ્યો છું ત્યારે મૃત આત્માઓ અને ઘવાએલ લોકોની આ આપત્તિમાં લાચાર અને અસહાય સ્થિતિ જોઈ મનમાં જે સંવેદનાઓ જાગે છે એને વ્યક્ત કરવા માટે શબ્દો ઓછા પડે એમ છે.

મારી સંવેદનાઓ મારી  આ રચનામાં વ્યક્ત થાય છે . 

માનવ અને કુદરત

ધરતીકંપ જેવી કુદરતી આફતો ત્રાટકે છે જ્યારે,

મનુષ્યની લાચારી અસહાયતા વર્તાય છે ત્યારે!

યુદ્ધ,આતંકવાદ જેવી માનવ સર્જિત આફતોમાં,  

આખાએ વિશ્વની શાંતિ જોખમાઈ રહી છે આજે!

ધ્રુજી ધરા રુદ્રના તાંડવ નૃત્યથી જાણે નેપાળમાં,

જમીનદોસ્ત થયું બધું, પત્તાંનો મહેલ હોય જાણે !

જાન માલ હાનીનાં દ્રશ્યો હૃદય કંપાવી જાય છે,

શબ્દો ઓછા છે ,સંવેદના અભિવ્યક્ત કરવા માટે .

ભૂકંપમાં મૃત આત્માઓને પ્રભુ ચીર શાંતિ આપજો,

આપત્તિમાં પડેલ દુખીઓના દુઃખને સહ્ય બનાવજો.

વિનોદ પટેલ    

આવા કુદરતી સંકટ ના સમયે ચોમેર માનવતાનાં જે દર્શન થઇ રહ્યાં છે એ સરાહનીય છે.દેશ અને દુનિયામાંથી રાહત ટુકડીઓ નેપાળને માનસિક અને ભૌતિક રીતે બેઠું કરવાના સેવા કાર્યમાં લાગી ગઈ છે એ જોઇને થાય છે કે હજુ માનવતા મરી પરવારી નથી.

દેશભરમાંથી ઉત્સાહી યુવકો,સ્વયંસેવકો,ડોકટરો ,આપણા સશસ્ત્ર દળોના જવાનો ઘટના સ્થળે પહોંચી જઈને જરૂરી મદદ અને રાહત કામે લાગી ગયા છે.

nepal  bhukamp -3

લોકો રોકડ નાણાં, સાધનસામગ્રી તથા દવાઓના રૂપમાં રાહત કાર્યો માટેનું યોગદાન આપી રહ્યા છે.રાજકીય પક્ષો પણ મતભેદો ભૂલી બચાવ અને રાહત કામગીરીમાં જોડાયા છે એ શુભ ચિન્હ છે .પાર્લામેન્ટના સભ્યો એમના એક મહિનાનો પગાર રાહત કામો માટે આપવાનું જાહેર કર્યું છે.

સેવાના આ યજ્ઞમાં સૌ શક્ય એટલો ફાળો આપે એવી આશા .  

આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ આકાશવાણીના “મન કી બાત “ મારફતે દેશ જોગ જે પ્રસંગોચિત સંદેશ આપ્યો છે એ નીચેના વિડીયોમાં પ્રસ્તુત છે.  

PM Modi’s Mann Ki Baat, April 2015