શનિવાર, તારીખ ૨૫ મી એપ્રિલ ૨૦૦૧૫ના ગોઝારા દિવસે દીલને કંપાવી નાખે એવા નેપાળ અને ભારતમાં આવેલ ધરતીકંપની વિશેની વિગતો આ અગાઉની પોસ્ટ માં તમે વાંચી/જોઈ.
આ પોસ્ટના અનુસંધાનમાં, ભારતના ૨૦૦૧ના કચ્છ ના વિકરાળ ધરતીકંપની અસર નીચે લખાએલી કવી શ્રી પ્રબોધ ર. જોશીએ એક કાવ્ય રચના કરી હતી એ અને આ કાવ્યનો સમર્થ સાહિત્યકાર સ્વ.સુરેશ દલાલએ એમની ચિત્રલેખાની કોલમ “હયાતીના હસ્તાક્ષર”માં કરાવેલો આસ્વાદ લેખ આજની પોસ્ટમાં પ્રસ્તુત છે એ તમને ગમશે .
વિનોદ પટેલ
ભૂકંપ-કુદરતનું કાંઈ કહેવાય નહીં.
ક્યારે એ આખું ને આખું વૃક્ષ ઉખેડી નાખે એની કોઈ અટકળ ન કરી શકે. માથા પર વીજળી ક્યારે પડે એ વિશે પણ કાંઈ કહેવાય નહીં.
ધરતીકંપ દૂર દૂર પથરાયેલા પર્વતો આળસ મરડે છે નદીઓ બગાસાં ખાય છે પ્રચંડ પવનના સુસવાટામાં પંચમહાભૂતોનાં ડાકલાં વચ્ચે સદીઓની અરાજકતા બેઠી થઈ જાય છે સફાળી પૃથ્વીના પેટાળમાંથી સૂર્યને પહોંચવા કોઈક અર્દશ્ય હાથ ઊંચો થાય છે પૃથ્વીની કૂખ ચિરાઈ જાય છે બેચેન, બેબસ એ કણસે છે પડખાં ફેરવે છે વારેવારે ત્યારે હૃદય પહોંચી જાય છે પૃથ્વીની નજીક એટલું નજીક એટલું નજીક કે એ કંપે છે! પ્રબોધ ર. જોશી
ઉત્પત્તિ, સ્થિતિ અને લય એ સૃષ્ટિનો ક્રમ છે. બ્રહ્નાને ઉત્પત્તિનો યશ છે. વિષ્ણુને સ્થિતિનો અને મહેશને લયનો. પ્રકૃતિનું આ સમયચક્ર છે. પ્રકૃતિ ક્યારેક વીફરે છે ત્યારે વિષમચક્ર હોય છે. દુષ્કાળ, પૂર, ધરતીકંપ આ બધાં પ્રકૃતિનાં રુદ્ર સ્વરૂપો છે. પ્રકૃતિ રમ્ય પણ છે, સૌમ્ય પણ છે અને રુદ્ર પણ છે. દરિયાની ભીતર વડવાનલ હોય છે. ધરતી પર જવાળામુખી પણ હોય છે. પ્રકૃતિ રમ્ય હોય છે ત્યારે આંખ ધન્ય થઈ જાય છે, પણ એની રુદ્રતા સામે આપણું કશું ચાલતું નથી.
તાજેતરમાં પ્રબોધ ર. જોશીનો ‘…પાછો ઉઘાડ નીકળ્યો આ’ સંગ્રહ પ્રગટ થયો. આ પહેલાં પણ એમનો એક સંગ્રહ પ્રગટ થઈ ચૂકયો હતો અને એનું નામ હતું: ‘મારે કોઈ નામ આપવું બાકી છે’ એ સંગ્રહની સંવધિgત આવૃત્તિ પણ થઈ. પ્રબોધ જોશીનો જન્મ ૭ ઓક્ટોબર ૧૯૫૩ અને આ ૨૦૧૨ની સાલ. સમયના ગાળાની દ્રષ્ટિએ જોઈએ તો એ બહુ જ ઓછું લખે છે. એના અનેક ફાયદા પણ હોય. એ વખારિયા લેખક નથી. ‘ઉદ્દેશ’ના તંત્રી તરીકે એમણે ગુજરાતી સાહિત્યના સામિયકોમાં સારી એવી પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી છે.
કુદરતનું કાંઈ કહેવાય નહીં. ક્યારે એ આખું ને આખું વૃક્ષ ઉખેડી નાખે એની કોઈ અટકળ ન કરી શકે. માથા પર વીજળી ક્યારે પડે એ વિશે પણ કાંઈ કહેવાય નહીં. બધા જ માણસો ક્યારેક આનંદમાં હોય અને ઓચિંતો ભૂકંપનો આંચકો લાગે અને ભલભલાં મકાનો અને માણસો, પશુઓ ધરતીમાં ક્યારે ધરબાઈ જાય એ વિશે કશુંયે કહેવાય નહીં. આપણે છેલ્લામાં છેલ્લો કચ્છનો વિકરાળ ધરતીકંપ જોયો ને ઉદયન ઠક્કર જેવા કવિએ સામૂહિક કરુણ પ્રશિસ્ત લખી. આટલા બધા માણસો બેઘર થઈ ગયા. કેટલાક તો કાયમને માટે દટાઈ ગયા. મોરબીમાં પૂર આવ્યું ત્યારે કેટલાયે તણાયેલા.
આ કવિ સાક્ષીભાવે કોરી આંખે અને ભીના અંતરે ધરતીકંપની નોંધ લે છે. સ્થિર પર્વતો જ્યારે આળસ મરડે ત્યારે એનું કેવું વિનાશક પરિણામ આવે કે નદીઓ બગાસાં ખાય ત્યારે કેવી વિષમ અને વિચિત્ર પરિસ્થિતિ સર્જાય એનો માત્ર ઉલ્લેખ કરે છે, પણ પછી આગળ વધતાં નથી. સંયમ એ કવિની આ કવિતાનો ગુણ છે. પવનના સુસવાટામાં પંચમહાભૂતોનાં ડાકલાં વચ્ચે અરાજકતા સર્જાય છે એની વાત એ છેડીને છોડી દે છે. કવિને માણસ સાથે પરમ નિસ્બત છે, પણ એ નિસ્બત વેવલાઈમાં વહી નથી જતી.
આ બધાની પાછળ કોઈ અર્દશ્ય હાથ ઊંચો થાય છે. પૃથ્વીની કૂખ ચિરાઈ જાય છે. આસપાસની સમગ્ર સૃષ્ટિ જાણે કે હોસ્પિટલ હોય અને એમાં દર્દીની જેમ પૃથ્વી કણસતી હોય, વારંવાર પડખાં ફેરવતી હોય ત્યારે હૃદય પૃથ્વીની નજીક, એટલું નજીક પહોંચી જાય છે કે એ કંપે છે. ધરતીકંપ જાણે કે આકાશકંપમાં ફેરવાઈ જાય છે. અહીં નજીક શબ્દનું ત્રણ વારનું આવર્તન એ અર્થપૂર્ણ છે. ધરતીકંપ પછીનું આ ર્દશ્ય જોવા જેવું નથી અને છતાંયે એને બાજુએ મુકાય એવું પણ નથી.
વાચકોના પ્રતિભાવ