હ્યુસ્ટન નિવાસી મારા ૭૫ વર્ષના મિત્ર શ્રી નવીન બેન્કર એમની માતૃભુમી અમદાવાદની યાત્રા પતાવી થોડા દિવસો પહેલાં જ એમની અમેરિકાની કર્મભૂમિના શહેર હ્યુસ્ટન આવી ગયા છે.એમનો એક હાસ્ય રસિક લેખ બહેરી બૈરીએ બાથરુમમાં પુર્યો- વાર્તા ત્રણેક બ્લોગોમાં પ્રકાશિત થઇ હતી એ ઘણા વાચકોએ વાંચી હશે .
જીવનના ડૂબતા સૂર્યની સંધ્યાએ જીવનનાં જૂનાં સંસ્મરણો વાગોળવાની અને એને સહૃદયી મિત્રોમાં વહેચવાની મજા કોઈ ઓર હોય છે .દીલને સારું લાગે છે.
શ્રી નવીનભાઈને મેં મારી છેલ્લી પોસ્ટ “(698 ) જે વીતી ગઈ એ વાત હવે પતી ગઈ” અન્ય મિત્રો સાથે એમને પણ ઈ-મેલમાં વાંચવા માટે મોકલી હતી .
આ ઈ-મેલના જવાબમાં એમણે જે બે ઈ-મેલ મોકલ્યા એ વિનોદ વિહારની
આજની ૭૦૦ મી પોસ્ટનું નિમિત બની ગઈ !
પ્રથમ ઈ-મેલમાં એમણે લખ્યું ….
“આજની આ ઇ-મેઇલે તો જિન્દગીને હચમચાવી મૂકી. બચ્ચનજીના કાવ્યો, આપનો સુંદર અનુવાદ, દાવડાજીનું કાવ્ય….. મને ય ૭૫ વર્ષ થયા છે. પત્ની સાથે ૫૨ વર્ષનું દામ્પત્યજીવન છે. ઘણી સુખદ અને દુખદ યાદો છે. પણ હું કવિ નથી. ગદ્યમાં તો જરુર લખી જ શકું. આજથી જ એ યાદોનું પુસ્તક લખવું શરુ કરી દઉં ?’
અને વળતી બીજી ઈ-મેલમાં જ એમણે ૫૨ વર્ષ પહેલાં ૧૯૬૩માં અમદાવાદ,સાંકડી શેરી,ઝાંમ્પડીની પોળમાં થયેલ એમનાં લગ્નની અમદાવાદની છેલ્લી મુલાકાત વખતે એમને મળી આવેલ કંકોત્રી એટેચ કરી એના વિશેનાં સંસ્મરણો વાગોળતો સરસ ટૂંકો લેખ મોકલ્યો છે એ આ રહ્યો ……
“અમદાવાદના રોકાણ દરમ્યાન, કાગળો ફેંદતાં, આ આમંત્રણ પત્રિકા મારા હાથમાં આવી ગઈ.
મારી પત્નીનું નામ તો કોકિલા છે. પણ મારી બહેનનું નામ પણ કોકિલા હોવાથી, મારા વહાલા દાદીમા- વિદ્યાબા-એ, મારી પત્નીનું નામ વર્ષા રાખ્યું હતું અને એ જ નામે મેં મિત્રો માટે આ કાર્ડ છપાવ્યા હતા- માત્ર પચ્ચીસ કાર્ડ. એક મિત્રએ મિત્રદાવે છાપી આપ્યા હતા. એ મિત્રને મળવા હું અમદાવાદના એના નિવાસસ્થાને ગયેલો. એ મિત્ર વર્ષોથી સંપુર્ણ પથારીવશ છે અને મરવાને વાંકે જિન્દગી પસાર કરી રહ્યો છે. એની પત્ની બિઝનેસ સંભાળે છે.
હા… તો આપણે વાત કરતા હતા મારા લગ્નની કંકોત્રીની.. મારી પત્નીને મેં ક્યારેય વર્ષાના નામે બોલાવી નથી અને તેણે પણ એ નામ સ્વીકાર્યું ન હતું. માત્ર ઘરમાં અને પડોશમાં બધા એને એ નામે બોલાવતા. હું પણ એને કોકી કહીને બોલાવી શકતો ન હતો.’કોકી’ કહેવાથી પેલી ‘કીક’ ન લાગે એટલે મેં એને ‘બકુ’ કહેવું શરુ કરેલું અને એણે પણ મને ‘બકુ’ ના નામે જ સંબોધન કરવાનું શરુ કરેલું જે આજપર્યંત ચાલુ છે. ઘણાં મિત્રોના બાળકો તો આજે ય અમારા અસલી નામ જાણતા જ નથી અને અમને બકુમાસા અને બકુમાસી તરીકે જ ઓળખે છે. સાહિત્યસરિતા કે સિનિયર ગ્રુપમાં પણ બધાં ‘બકુબેન’ તરીકે જ સંબોધન કરે છે.
હમણાં, વિનોદ વિહાર બ્લોગ પર મારા બ્લોગર મિત્ર શ્રી. વિનોદભાઇ પટેલે હરિવંશરાય બચ્ચનના બે કાવ્યો, એના પોતે કરેલા અનુવાદો અને શ્રી. પી. કે. દાવડા સાહેબે પોતાની સદગત પત્નીને અનુલક્ષીને લખેલું કાવ્ય મૂક્યું એ વાંચીને, મને થયું કે હું પણ મારા બાવન વર્ષના ખાટામીઠા દામ્પત્યજીવનની યાદો લખવા માંડું.
બસ…. તો આ સાથે એ કાર્ડ એટેચમેન્ટમાં મૂક્યું છે.
Navin Banker (713-818-4239)
My Blog :
Ek Anubhuti : Ek Ahesas.

લગ્નના ૫૦ વર્ષ બાદ-નવીનભાઈ અને કોકિલાબહેન
શ્રી નવીનભાઈનો પરિચય અને વિનોદ વિહારમાં પ્રગટ એમના લેખ
વાચકોના પ્રતિભાવ