ગુજરાતી હાસ્ય સાહિત્યમાં ન્યુ જર્સી નિવાસી મિત્ર શ્રી હરનીશ જાનીનુંનામ ખુબ જાણીતું છે. શ્રી દાવડાજી એ એમની પ્રસિદ્ધ પરિચય શ્રેણી “મળવા જેવા જેવા માણસ ” માં શ્રી હરનીશભાઈનો પરિચય કરાવતો લેખ એમના ઈ-મેલમાં મોકલ્યો છે એને આજની પોસ્ટમાં વિનોદ વિહારના વાચકો માટે પ્રસ્તુત કરતાં આનંદ થાય છે.
શ્રી દાવડાજીએ એમના ઈ-મેલમાં સાચું કહ્યું છે કે “હરનીશભાઈનો પરિચય કરાવવો એટલે સૂરજને અરિસો દેખાડવા જેવું છે. તમે જો હાથમાં પાણી લઈને ન હસવાનો સંકલ્પ કરો અને પછી હરનીશભાઈના લેખ વાંચો તો તમારો સંકલ્પ તુટી જશે. “
આ બધા હાસ્ય લેખોથી વાચકોને હરનીશભાઈનો અને એમના હાસ્ય સાહિત્યનો પરિચય છે જ . એમ છતાં શ્રી પી.કે.દાવડા લિખિત એમનો પરિચય લેખ આજે પોસ્ટ કરી એ પરિચય ફરી તાજો કરાવવાની ખુશી છે.
વિનોદ પટેલ
મળવા જેવા માણસ….શ્રી હરનિશ જાની
પરિચય….શ્રી. પી.કે.દાવડા
હરનિશભાઈનો જન્મ ૧૯૪૧માં વડોદરા જીલ્લાના છોટાદેપુરમાં થયેલો. એમના દાદા વિશ્વનાથ જાની રાજપીપલાના રાજાના મંત્રી હતા અને એ હેસિયતે એમની પાસે સેંકડો એકર જમીન હતી. કુટુંબની જાહોજલાલી અનુસાર બાર ઓરડા વાળું ત્રણ માળનું ઘર અને ઘોડાઓવાળી બગી વગેરે પણ હતા એટલું જ નહિં ગામની બસ સર્વીસ પણ એમના નામે હતી. હરનિશભાઈના પિતા સુધનલાલ રાજપીપલાની ક્રીકેટ અને હોકી ટીમોમાં સામીલ હતા. આઝાદી પછી જમીનના કાયદા-કાનૂનમાં ફેરફાર થવાથી મોટાભાગની જમીન હાથથી જતી રહી, છતાં પણ સારી એવી જમીન એમના હાથમાં રહી અને એ જમીનમાં હરનિશભાઈના પિતા ખેતીનું કામકાજ સંભાળતા. હરનિશભાઈના માતા સુશીલાબહેન અતિશય ધાર્મિક મનોવૃતિવાળા ગૃહીણી હતાં .
હરનિશભાઈનું પ્રાથમિક અને માધ્યમિક શાળાનું શિક્ષણ રાજપીપલામાં જ થયેલું. નાનપણમાં રાજપીપલાના ડુંગરોમાં રખડવાનું અને ત્યાંની કરજણ નદીમાં ભુસ્કા મારવાનું એમને બહુ ગમતું. ચોથા ધોરણમાં એમના શિક્ષક શિરવી સાહેબે એમના જીવનના ઘડતરને એક દિશા આપી. હરનિશભાઈ કહે છે, “મારી હાઈસ્કુલનો ૧૯૫૧થી ૧૯૫૮ સુધીનો સમય મારો સુવર્ણ સમય હતો. રાજપીપલા હાઈસ્કુલના ભવ્ય મકાનમાં ભણવા મળ્યું, જ્યાં મારા બાપા– કાકા પણ ભણ્યા હતા. નવમા ધોરણથી જ ફોરેન જવાનો નાદ મનમાં ભરાયો. અને ઈંગ્લિશ બોલવા લખવાની ગુજરાતી સ્કુલમાં જ તૈયારી કરવા લાગ્યો.. ચાર પાંચ યુરોપીયન પેન ફ્રેંડઝ પણ બનાવ્યા.”
૧૯૫૮ માં ફર્સ્ટ કલાસમાં S.S.C. ની પરીક્ષા પાસ કરી વડોદરાની M.S.University માં દાખલ થયા. ત્યાં એક વર્ષ અભ્યાસ કરી, બીજા વર્ષથી ભરૂચની સાયન્સ કોલેજમા એડમીશન લીધું. અહીં ઈન્ટર સાયન્સમાં એંજીનીયરીંગ કોલેજમાં દાખલ થવા જેટલા માર્કસ ન મળતાં એમણે B.Sc. નો અભ્યાસ કરવાનો નિર્ણય લીધૉ, પણ તે ભરૂચમાં રહીને નહિં; કારણ કે ભરૂચમાં માત્ર બે સિનેમા ઘર હતા. એમની પસંદગી દસ ટોકીઝ વાળા સુરત ઉપર ઉતરી. વળી સુરતથી મુંબઈ નજીક હતું, એટલે શનિ-રવીમાં મુંબઈ રખડવા જઈ શકાય. ૧૯૬૨ માં B.Sc. ની પરીક્ષા પાસ કરી યુ. કે. ની બેડફોર્ડ યુનિવર્સીટીમાં એડમીશન લીધું, પણ પૂરતું ફોરેન એક્ષચેંજ ન મળવાથી આખરે એમણે વડોદરાની એંજીનીયરીંગ કોલેજ માં D.T.C. (Diploma in Textile Chemistry) નો અભ્યાસ કર્યો. કરજણ નદીથી એમને લાગેલો તરવાનો શોખ અહીં વડોદરા યુનિવર્સીટીમા એમનો ઉપયોગી થયો. અહીં હરનિશભાઈ યુનિવર્સીટીની તરાકુ ટીમના સભ્ય હતા.
અભ્યાસ પૂરો કરી હરનિશભાઈએ વલસાડના અતુલ પ્રોડક્ટસમાં કલર કેમિસ્ટ તરીકે જોડાયા. નોકરી દરમ્યાન પણ એમણે અમેરિકાની કોલેજોમાં એડમીશન માટે એપ્લીકેશન્સ કરવાનું ચાલુ રાખ્યું. ૧૯૬૭ માં એમના હંસાબેન વ્યાસ સાથે લગ્ન થયા. હંસાબહેને ફર્સ્ટ કલાસમાં M.A. ની ડીગ્રી મેળવી હતી અને એ નવ ગુજરાત કોલેજમાં લેકચરર હતા. લગ્ન બાદ હરનિશભાઈએ નોકરી બદલી અને તેઓ અંબિકા મિલમાં જોડાયા.
૧૯૬૯ માં એક મિત્રની મદદથી એમણે વર્જિનિયાની એક કોલેજમાં એડમીશન મળ્યું. એક વર્ષનો કોર્સ કરી, હરનિશભાઈ ૧૯૭૦ માં ન્યુયોર્કના એક ટેક્ષટાઈલ પ્લાંટમા કલર સુપરવાઈઝર બન્યા. ફરી પાછું N.J.I.T. માં પ્લાસ્ટિક ટેકનોલોજીનો કોર્ષ કરી વિલ્સન ફાયબરફીલ માં રીસર્ચ કેમિસ્ટની નોકરી લીધી. ત્યારબાદ અનેક કંપનીઓમાં નોકરી બદલી આખરે જર્મન કલર કંપનીમાં ટેકનિકલ ડાયરેક્ટરના પદે પહોંયા. એમની આ પ્રોફેશનલ જીવન યાત્રા દરમ્યાન એમને ઘણાં એવોર્ડસ મળ્યા જેમાં વાયર એન્ડ કેબલ એસોશિએશનન એવોર્ડસ મહત્વના છે. ૧૯૯૦ માં ટાટા-વોલ્ટાસના ગેસ્ટ તરીકે ભારતના અનેક શહેરોમાં દોઢ મહિનાની એમની લેકચર ટૂર એમની સર્વોચ્ચ પ્રોફેશનલ કામગીરી હતી.
એમના સંતાનોમાં બે દિકરીઓ, આશિની અને શિવાની, અને એક દીકરો સંદિપ છે. આશિની કોમપ્યુટર સાયન્ટીસ છે અને સરસ કવિતાઓ લખે છે જે ઘણાં સામયિકોમાં છપાય છે. શિવાની ન્યુયોર્કની એક કોસ્મેટિક કંપનીમાં માર્કેટીંગ ડાયરેકટર છે, અને તે પણ લખે છે. દીકરો સંદીપ ડોકટરેટ માટે વિદ્યાર્થી છે.
અમેરિકા આવ્યા પછી હરનિશભાઈનું ગુજરતીમાં લખવા વાંચવાનું છૂટી ગયેલું. ભારત સાથે સંપર્ક પણ બહુ ઓછો હતો. અંગ્રેજી પુસ્તકો વાંચવાનું અને અંગ્રેજી પ્લે જોવાનું બનતું. અગાઉ ભારતમાં હતા ત્યારે ૧૯૬૦ માં એમની એક વાર્તા ચાંદની સામયિકમાં છપાઈ હતી અને ૧૯૬૫ માં ચિત્રલેખાની વાર્તા હરિફાઈમાં એમને પાંચમું ઈનામ મળેલું. છેક ૧૯૯૧માં આદિલ મન્સુરી, રોહિત પંડ્યા અને ડો. આર. પી. શાહ જેવા સાહિત્યકારોના સંપર્કમાં આવ્યા અને ત્યારથી ફરી લખવાનું શરૂ થયું. ૧૯૯૧ થી ૧૯૯૪ સુધી ટી.વી. માં અર્ધા કલાકના ગુજરાતી કાર્યક્રમનું સંચાલન કર્યું, જેમા રાઈટર, ડાયરેકટર અને પ્રોડ્યુસર હરનિશભાઈ જ હતા. ૧૯૯૧ થી લાગલગાટ ૧૨ વર્ષ સુધી અલગ અલગ સ્થળૉએ ૫૦ જેટલા હાસ્ય કાર્યક્રમો આયોજ્યા.
એમનો પહેલો વાર્તા સંગ્રહ “સુધન” (સુધન એમના પિતાજી નામ હતું) છપાયો અને એ વાંચી રધુવીર ચૌધરીએ એમને હાસ્યલેખકનું બીરૂદ આપ્યું. સુધન પુસ્તકને સાહિત્ય એકેડેમીનું બીજું ઈનામ મળ્યું. ત્યારબાદ એમના બા ના નામ ઉપરથી “સુશીલા” નામે નિબંધ સંગ્રહ બહાર પાડ્યું, જેને સાહિત્ય એકેડેમીનું શ્રેષ્ઠ હાસ્ય પુસ્તકનું પ્રથમ ઈનામ અને સાહિત્ય પરિષદનું જ્યોતીન્દ્ર દવે પારિતોષીક મળ્યા. હાલમાં જ ગાર્ડી ઈન્સટીટ્યુટે “હરનિશ જાનીનું હાસ્ય વિશ્વ” નામનો એમના ચૂંટેલા લેખોનો સંગ્રહ બહાર પાડ્યો છે.
હાલમાં સુરતના વર્તમાન પત્રમાં નિયમિત એમની કોલમ પ્રસિધ્ધ થાય છે.
હરનિશભાઈ કહે છે, “ હું લખું છું દિલથી, બોલું છું દિલથી, અને જીવું છું પણદિલથી. એટલે તો પાંચ એન્જીયોપ્લાસ્ટી અને એક બાયપાસ સર્જરી કરાવવીપડી!અમદાવાદથી મુંબાઇ દોડતા ગુજરાત એક્સ્પ્રેસનું હું સંતાન છું, તેથીમાણસ- ભૂખ્યો છું. વાતો ગમે છે. માણસો ગમે છે….”
હરનિશભાઈની ખરી ઓળખાણ મેળવવી હોય તો તમારે એમના લખાણ વાંચવા પડશે .
-પી. કે. દાવડા
==========================================
યુ-ટ્યુબ પર હરનીશભાઈના ઘણા વિડીયો પોસ્ટ કરવામાં આવ્યા છે એમાંથી બે પસંદ કરીને નીચે પ્રસ્તુત કરું છું.
પ્રથમ વિડીયોમાં GLA of NA ના June 2010 માં યોજાએલ “સર્જકો સાથે સાંજ “ના કાર્યક્રમમાં એમનો એક હાસ્ય લેખ રજુ કરતા હરનીશભાઈ ને તમે જોઈ/સાંભળી શકશો.
Harnishbhai Jani @ GLA of NA, Dec. 05, 2010
શ્રી હરનીશભાઈનાં ધર્મપત્ની શ્રીમતી હંસાબેન પણ લેખિકા છે. આ વિડીયોમાં આ જ પ્રોગ્રામમાં તેઓ એમનો એક સુંદર નિબંધ રજુ કરી રહ્યાં છે.
હમણાં હમણાં ભારતના વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના વિદેશ પ્રવાસો બધે બહુ ચર્ચામાં છે. એક વર્ષના વહીવટ ગાળામાં તેઓ ૨૦ થી વધુ દેશોનો પ્રવાસ કરી આવ્યા છે.જુલાઈમાં રશિયા અને બીજા દેશોમાં જવાની યોજનાઓ નક્કી થઇ ગઈ છે.બે ચોપડી ભણેલા લાલુ યાદવ જેવા એમના વિરોધીઓ માટે તો ટીકા કરવા માટે આ એક સરસ મુદ્દો મળી ગયો છે.લાલુ મોદીને એક એન.આર.આઈ વડા પ્રધાન છે એવી ટીકા કરે છે .
સોસીયલ મીડિયા અને બીજાં સમાચાર માધ્યમોમાં પણ મોદીના વિદેશ પ્રવાસો વિષે લેખો ,કાર્ટુનો દ્વારા ટીકાઓ અને કટાક્ષ કરતી વિવિધ સામગ્રી જોવા મળે છે.
બે મહિનાના અજ્ઞાત વાસ પછી એકાએક નોળવેલ સુંઘી તરો તાજા થઈ આવેલ રાહુલ ગાંધી અત્યારે હાલ દેશમાં ફરીને ખેડૂતો પાસેથી જ્ઞાન પ્રાપ્તિ કરી રહ્યા છે. રાહુલ ગાંધી મોદીની “શૂટ –બુટ “ સરકાર અને એમના વિદેશ પવાસો માટે એમની પર મન મુકીને ટીકાઓનો મારો ચલાવી રહ્યા છે. જો કે એમની વાતોમાં થોડું તથ્ય તો છે પણ એના કરતાં તો “ તું ફાવી ગયો અને હું રહી ગયો “ ની ઊંડી દ્વેષ ભાવના વધુ હશે એમ મને લાગે છે.આમે ય રાહુલ બાબાને મોદી સમોવડા થવા માટે તો હજુ દિલ્હી ઘણી દુર છે !
મુંબઈ સમાચારમાં મોદીના વિદેશ પ્રવાસ વિષે શ્રી નીખીલ મહેતાનો એક સરસ કાલ્પનિક કટાક્ષ લેખ ,”મારો અગ્રતાક્રમ વિદેશ પ્રવાસ કરવાનો છે,(પ્રવાસી પીએમની સિક્રેટ ડાયરી)” એ નામે પ્રકાશિત થયો છે એ મારા વાંચવામાં આવ્યો .આજની પોસ્ટમાં લેખક અને મુંબઈ સમાચારના આભાર સાથે વી.વી. ના વાચકો માટે પ્રસ્તુત છે.
આ લેખમાં” પ્રવાસી પીએમની સિક્રેટ ડાયરી ” ની શરૂઆત આ રીતે થાય છે .
“ હમણા જ ચીનનો પ્રવાસ પૂરો કર્યો અને એક પ્રવાસી તરીકેના ઊંડા સંતોષની અનુભૂતિ કરી. છેલ્લા કેટલાક સમયથી હું જોઇ રહ્યો છું કે હું જ્યારે પણ વિદેશ યાત્રાએ જાઉં ત્યારે ઘર આંગણે મારી ટીકા થવા લાગે છે. શા માટે ભાઇ? શું હું કોઇ સામાન્ય માણસ છું? દેશના વડા પ્રધાન વિદેશ પ્રવાસે ન જાય તો કોણ જાય, વિદેશ પ્રધાન? અને વિદેશ પ્રધાન પણ વિદેશ જવાને લાયક તો હોવા જોઇએ ને?
સુષ્મા સ્વરાજને મેં વિદેશ ખાતું આપ્યું ત્યારે એમની સાથે ચોખ્ખી વાત થઇ ગઇ હતી કે તમારે અને વી. કે. સિંહે બન્ને મળીને વિદેશ ખાતાંને લગતી જવાબદારીઓ નિભાવવાની છે. એ માટે જો તમારે વિદેશ જવું પડે તો જવાનું, પણ કોઇ રાષ્ટ્રની સરભરા માણવાની હોય તો એ કામ હું પોતે જ કરીશ.
ખરેખર તો હું વડા પ્રધાન બન્યો ત્યારે જ મેં નક્કી કરી લીધું હતું કે આ પાંચ વર્ષમાં હું એટલા વિદેશ પ્રવાસો કરીશ કે ભવિષ્યમાં કોઇ વડા પ્રધાન મારો રેકોર્ડ ન તોડી શકે. જોકે છેલ્લા એક વર્ષમાં મેં ધાર્યું હતું એટલા વિદેશ પ્રવાસ નથી થઇ શક્યા.”
નીચેના ચિત્ર ઉપર ક્લિક કરીને આ આખો મજાનો કટાક્ષ લેખ વાંચો.
મોદી સરકારનું એક વર્ષ – એક વિડીયો કાર્ટુન .
મોદી સરકારના એક વર્ષના વહીવટ ઉપર અને એમના વિદેશ પ્રવાસ વિશે યુ-ટ્યુબ પર So Sorry નું આ વિડીયો કાર્ટુન પણ ઉપરના લેખના સંદર્ભમાં માણો.
મધર્સ-ડે નિમિતે પ્રતિલિપિ દ્વારા “વહાલી મા – લેખન સ્પર્ધા ” યોજવામાં આવી હતી ,જેમાં કુલ ૯૩ કરતાં વધુ લેખકોએ ભાગ લીધો હતો.
મને જણાવતાં આનંદ થાય છે કે આ લેખન સ્પર્ધાનું પરિણામ આજે જાહેર થયું એમાં મારી વાર્તા “એક અમેરિકન મા.. કે માસી !” તૃતીય સ્થાને રહી હતી .
આ લેખન સ્પર્ધા પરિણામના પરિણામ અંગે પ્રતિલિપિ નાં પ્રતિનિધિ સુ.શ્રી સહૃદયી (શૈલી ) મોદીનું નિવેદન …..
મધર્સ-ડે નિમિતે પ્રતિલિપિ દ્વારા એક લેખન સ્પર્ધાનું આયોજન કરેલ હતુ. જેમાં કુલ ૯૩ કરતાં વધુ લેખકોએ હિન્દી તથા ગુજરાતી ભાષામાં એમની ભાવનાઓને કવિતાઓ – પત્રો – વાર્તાઓ – નિબંધ જેવા વિવિધ સ્વરૂપોમાં અમને લખી મોકલી. આ સાહિત્ય વાચકો સમક્ષ ૧૧મે થી પ્રતિલિપિ.કોમ પર વાચન માટે ખુલ્લું મુકાયું. ૧૧મી મે થી ૨૭ મે સુધી વાચકોએ રીવ્યુ, લાઈક્સ તથા રેટીન્ગ્સ દ્વારા એમની પસંદ અમને નોંધાવી. ૧૭ દિવસમાં અમને મળેલ વાચકોના પ્રતિભાવોને આધારે અમે ટોપ ટ્વેંટી સાહિત્યને અહી આપની સમક્ષ મૂકી રહ્યા છીએ. ટોપ-ટ્વેંટીમાં પસંદગી પામેલ સાહિત્ય કઈ રીતે પસંદગીને પામેલ છે તેના ધોરણો નીચે બતાવેલ છે એ આધારે નક્કી થયેલ છે.
એન્ગેજમેન્ટ ફેક્ટર નીચે જણાવેલ પરિમાણોને આધારે નક્કી થયેલ છે.
૧. કુલ વાચકો – ૫૦%
૨.સરેરાશ રેટિંગ – ૨૦%
૩. કુલ લાઈક્સ – ૨૦ %
૪. કુલ રીવ્યુ તથા વાચકોએ સાહિત્ય પર વિતાવેલ સરેરાશ સમય – ૧૦ %
વહાલી મા – લેખન સ્પર્ધા પરિણામ
વહાલી મા – લેખન સ્પર્ધામાં પ્રથમ આવેલ સાહિત્ય રચના ” માતૃદેવો ભવ “ના લેખક શ્રી કંદર્પ પટેલને પ્રતિલિપિ.કોમ દ્વારા ૨૦૦૦ /- ના મૂલ્યનું સેન્ટ્રલ ( Central ) ગીફ્ટ વાઉચર પુરસ્કાર સ્વરૂપે આપતા અમે સહુ આનંદની લાગણી અનુભવીએ છીએ. સહુ સ્પર્ધકો તથા ટોપ ટ્વેંટી વિજેતાઓને સમગ્ર પ્રતિલિપિ પરિવાર તરફથી ખુબ ખુબ અભિનંદન.
ટોપ ટ્વેંટી સાહિત્ય રચનાઓને ‘ વહાલી મા ‘ પુસ્તકના સ્વરૂપે પ્રતિલિપિ.કોમ પર ૧ જુન, ૨૦૧૫ના રોજ પ્રકાશિત કરવામાં આવશે.
આવો સાથે મળીને ભારતભરને માતૃભાષામાં લખતું અને વાંચતું કરીએ
– સહૃદયી મોદી, પ્રતિલિપિ
————————————————–
તૃતીય સ્થાને રહેલી પ્રતિલિપિમાં અગાઉ પ્રકાશિત મારી વાર્તા “એક અમેરિકન મા.. કે માસી ! ”
નીચેના ચિત્ર ઉપર ક્લિક કરીને વાંચો.
“એક અમેરિકન મા.. કે માસી ! ” (વાર્તા )….વિનોદ પટેલ
માણસ જ્યારે મૃત્યુ પામે છે એટલે મૃતકનાં સગાંઓ અને મિત્રો એના શબ ઉપર ફૂલોની વર્ષા કરે છે પણ મૃતક એને ક્યાં જુએ છે ? એટલે કવયિત્રી કહે છે કે જો તમારે મરનાર પ્રત્યે પ્રેમભાવ બતાવવો હોય તો એના જીવતાં જ ફૂલો મોકલી એ દર્શાવો .જે મૃત્યુ પછીજોઈ શકવાનો નથી એના માટે આંસુ વહાવવા કરતાં એને જ્યારે સહાનુભૂતિની જરૂર હોય ત્યારે એના જીવતાં આંસુ સારી તમારી ભાવના વ્યક્ત કરવી યોગ્ય છે .
એવી જ રીતે મૃતકના સત્કાર્યો માટે જો એને માન આપી કદર કરવી હોય, એના દોષો ભૂલી જો માફી આપવી હોય તો એ જ્યારે જીવતો હોય ત્યારે જ એ કરો તો એનો અર્થ છે કેમ કે એ મરણ પામે એ પછી તમે એને યાદ કરો છો , એના પ્રત્યે લાગણી બતાવો છો એવી બધી તમારી એના પ્રત્યેની સદ ભાવનાઓની મરનારને ખબર પડવાની નથી.ઘણીવાર માત્ર દેખાવ ખાતર એક ચીલા ચાલુ રીવાજ પ્રમાણે મૃતક માટે સારા શબ્દોથી એનાં વખાણ થતાં હોય છે.એના જીવતાં એનાં વખાણ કરવાનું કોઈ પણ કારણે ચુકી જવાય છે.
માણસના જીવતાં એનાં નજીકનાં સંબંધીઓ ઘણીવાર એને માટે જરૂરી થોડો વધારે સમય કાઢી શકતાં નથી પરંતુ પછી જ્યારે એ મૃત્યુ પામે છે ત્યારે એમને અંદરથી પશ્ચાતાપની લાગણી થતી હોય છે કે મરનારની સાથે થોડો વધુ સમય વિતાવ્યો હોત તો કેવું સારું થાત. એટલે કાવ્યના અંતે કવયિત્રી કહે છે કે પાછળથી પસ્તાવો કરવા કરતાં એના જીવતાં જ એની સાથે થોડો ક્વોલીટી સમય વિતાવ્યો હોય તો એના જીવને કેટલી શાંતિ મળે ! હુંફ મળે .
આ કાવ્ય વાંચવામાં સરળ છે ,એમાં કોઈ મોટી કલ્પનાઓ નથી પરંતુ એમાં જીવનની સચ્ચાઈ ,અનુભવ અને જીવન માટે ઉપર કહ્યું છે એમ એક પ્રેરણાત્મક સંદેશ છે.
આવા જ પ્રકારનો જેમાં ભાવ અને સંદેશ છે એવું શ્રી વલ્લભભાઈ ઈટાલીયાનું “માવતર એ જ મન્દીર” કાવ્ય યાદ આવે છે એ પણ એમના આભાર સાથે હું નીચે ટાંકુ છું.
માવતર એ જ મન્દીર
જીવતાં માબાપને સ્નેહથી સંભાળજો, ખવડાવશો–પીવડાવશો;
પછી ગાયના પુંછડે પાણી ઢોળવાથી શો ફાયદો ?
એક વાર ‘રાબ’ ખાવાની ઈચ્છા એમની સ્નેહથી સ્વીકારશો;
પછી ગામ આખાને લાડવા ખવડાવવાથી શો ફાયદો ?
મસ્તક પર હાથ ફેરવી ‘બેટા’ કહેનારના લાડને માણી લેશો;
પછી ચીરવીદાયે પાછળ ‘સપ્તાહ’ બેસાડવાથી શો ફાયદો ?
બેઠા છે ‘ભગવાન’ આપણા જ ઘરમાં એમને ઓળખી લેશો;
પછી અડસઠ તીરથ કાજે દર દર ભટકવાથી શો ફાયદો ?
સમય કાઢી ઘરના એ વૃદ્ધ વડલા પડખે બેસી લેશો;
પછી બેસણામાં ફોટા સામે બેસી–બેસાડીને શો ફાયદો ?
લાડકોડથી ઉછેરનારાં માવતરને સદાય હૈયે વસાવી રાખશો;
પછી દીવાનખંડમાં તસ્વીર રાખવાથી શો ફાયદો ?
હયાતીમાં જ હૈયું એમનું ઠારી સ્વર્ગ સમ સુખ આપશો;
પછી ગંગાજળે અસ્થી પધરાવવાથી શો ફાયદો ?
‘માવતર એ જ મન્દીર’ – આ સનાતન સત્ય સમજી રાખશો;
પછી ‘રામનામ સત્ય છે’ રટવાથી શો ફાયદો ?
–વલ્લભભાઈ ઈટાલીયા
સુ.શ્રી લતા હિરાણીનો પરિચય
લતા હિરાણી
સુ.શ્રી લતા હિરાણીનો પરિચય ગુજરાતી પ્રતિભા પરિચયના સૌજન્યથી
કુતરું એક બુદ્ધિશાળી અને વફાદાર પ્રાણી છે.માણસો જ નહી કુતરા જેવા પ્રાણીઓ પણ એની સામે કોઈ પ્રોબ્લેમ આવે ત્યારે એમાંથી રસ્તો કેમ અને કેવી રીતે કાઢવો એવું માણસની જેમ જ ખુબ વિચારીને પગલાં ભરે છે.
કુતરાને તાલીમ આપવામાં આવે ત્યારે એ સમજી જાય છે .એની વફાદારી ગજબની હોય છે.ઘણા અંધજનો માટે તાલીમી કુતરો એને રસ્તો ક્રોસ કરાવનાર અને દોરનાર એક સાચા વફાદાર મિત્રની ગરજ સારે છે .
નીચેના વિડીયોમાં તમે જોશો કે એક પુલ પાસે મોઢામાં લાંબુ લાકડું પકડીને એક કુતરો એક સાંકડા પુલને ક્રોસ કરવા માટે આવે છે.પુલ ખુબ જ સાંકડો છે , અને મોઢામાં પકડેલ લાકડું ખુબ લાંબુ છે . હવે એની સામે એક પ્રશ્ન છે કે લાકડી મોઢામાં પકડી રાખીને પુલ કેમ પસાર કરવો.. માણસની જેમ જ એ વિચારે છે કે હવે આ પ્રશ્ન કેવી રીતે ઉકેલવો ?
આ કુતરો વારંવાર કોશિશ કરે છે ,અને છેવટે ઉપાય શોધી કાઢે છે . થોડાક પ્રયત્નો કર્યા પછી સફળતા મેળવી લાકડી સાથે ગૌરવ સાથે પુલ ઉપરથી પસાર થાય છે.
આપણે ઘણીવાર અંગ્રેજીમાં એક વાક્ય બોલીએ છીએ ..
We will cross the bridge as it comes …
એનું શ્રેષ્ઠ ઉદાહરણ એ આજનો આ વિડીયો છે.
Dog Thinks Through A Problem
Maggie The smartest dog ever
આ મેગી નામની કુતરી તો ઘણી જ બુધ્દીશાળી છે. ગણિતના પ્રશ્નો પુછાય છે એનો જમીન ઉપર એનો પગ થપ થપાવીને ખરા જવાબ આપે છે.
Meet Maggie the Smartest Intelligent Dog in the world who can do Math .
સૈનિકો એમની લશ્કરની ફરજો બજાવવા કુટુંબીજનોને ઘેર મૂકી લાંબા સમય સુધી દુરના દેશમાં યુદ્ધ મોરચે જાય છે .એમના કુટુંબીજનોમાં કૂતરાનો પણ સમાવેશ થાય છે .
જ્યારે એમની ડ્યુટી પૂરી કરી રજાઓમાં તેઓ ઘેર આવે છે ત્યારે કુટુંબીજનો તો હર્ષ ઘેલાં થાય જ એમની સાથે સૈનિકને કુતરા પણ કેવા વ્હાલથી આવકારે છે એ આ વિડીયોમાં જોઇને તમે કૂતરાંના મનુષ્ય પ્રેમ ઉપર ઓવારી જશો.
Dogs Welcoming Soldiers Home Compilation
અને છેલ્લે ,
A.R. Rahman ના પ્રખ્યાત ગીત જય હો ગીત-સંગીતના તાલે એની માલિક Mary Rayની સાથે ડાન્સ કરતો આ કુતરો તમને મજા કરાવી દેશે .
હું હવે મારી દશાની વાત પણ કરતો નથી કેમ છો? પૂછીજનારા ક્યાં મજામાં હોય છે
* * * * *
અરથ લાગણીનો સમજતાં થયાં છે હવે, પથ્થરો પણ પલળતાં થયાં છે બરડ હોય એનું બટકવું સહજ છે સમય પારખી, લોક નમતાં થયાં છે
* * * * *
ઠીકઠાક છે સઘળું તો આ રઘવાટ શેનો છે છો સાવ હળવા ફૂલ, તો આ ભાર શેનો છે ?
* * * * *
ગઝલોના આ ગમી જાય એવા શેરના રચયિતા અભ્યાસે અને વ્યવસાયે એક ડોક્ટર ડો.મહેશ રાવલ છે. મૂળ સૌરાષ્ટ્રના વતની પણ હાલ ફ્રીમોન્ટ ,કેલીફોર્નીયામાં સપત્ની અને બે પુત્ર અને એમના પરિવાર સાથે સંયુક્ત કુટુંબમાં રહી એમની ગઝલના આ શેરને ચરિતાર્થ કરી બતાવ્યું છે.
“મારૂં” નહીં પણ “આપણું” એ જીવન શૈલી જ સુખદાયક છે.” “સંયુક્ત છે એ શ્રેષ્ઠ છે અને જે શ્રેષ્ઠ છે, એજ સંયુક્ત છે..!”
આવું અનોખું વ્યક્તિત્વ ધરાવનાર ગઝલકાર ડો. મહેશ રાવલનો પરિચય ,ફ્રીમોન્ટ ના નિવાસી મારા મિત્ર શ્રી પી.કે.દાવડાજીએ એમની ખુબ જાણીતી “મળવા જેવા માણસ ” ની શ્રેણીમાં કરાવ્યો છે એને આજની પોસ્ટમાં પ્રસ્તુત કરતાં આનદ થાય છે.
આ પરિચય લેખ મોકલતાં એમના ઈ-મેલમાં શ્રી દાવડાજી લખે છે …..
“આજે હું એક એવી વ્યક્તિનો પરિચય કરાવું છું કે જે વ્યવસાયથી ડોકટર છે, પણ એમણે લખેલી ગઝલોમાં એટલી તાકાત છે કે ગમે તેવી વ્યક્તિના મોઢામાંથી વાહ વાહ નીકળી પડે. એમની ગઝલો, એમના મોઢે સાંભળવી એ એક લહાવો છે. મને એનો લાભ બે ત્રણ વાર મળ્યો છે .”
વાચકોના પ્રતિભાવ