વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Daily Archives: મે 6, 2015

( 713 ) અડધો કલાક બીજા માટે જીવીએ …….. લલિતકુમાર શાસ્ત્રી

વાત અગત્યની હતી, મોટા સોદાની હતી. ત્યાં અનિલભાઈ ઊઠ્યા અને બોલ્યા : ‘ટપુભાઈ, તમે થોડી વાર વિચારો. એટલીવારમાં એક કામ કરીને આવું છું.’

‘પણ આપણું હવે પતવામાં જ છે ને તમે ક્યાં જાઓ છો ? તમારે માટે આ કામ અગત્યનું નથી ?’

‘અગત્યનું છે…પણ હું જે કામ માટે જઈ રહ્યો છું તે એના કરતાં પણ મહત્વનું છે.’

અનિલભાઈ તો વધુ વાત કરવા રોકાયા વિના સડસડાટ ત્યાંથી ચાલ્યા ગયા, અને ટપુભાઈ જમીનનો નકશો જોતા જ રહ્યા. પૂરા પોણા કલાક પછી અનિલભાઈ પાછા ફર્યા ત્યારે ટપુભાઈનું મોઢું ચઢેલું જ હતું. અનિલભાઈએ ખુરશીમાં જગ્યા લેતાં કહ્યું, ‘બોલો, પછી તમે શું નક્કી કર્યું ?’

ખીજવાયેલા ટપુભાઈએ કહ્યું : ‘હું અહીંથી ચાલ્યો ગયો હોત તો સોદો સોદાને ઠેકાણે રહ્યો હોત.’
‘પણ આ સોદો તો થવાનો છે, એ વાત ઈશ્વરને મંજૂર છે એટલે તમે ગયા નહીં. નહીં તો હું અહીં હાજર હોત તોપણ સમજૂતી ન થઈ શકી હોત.’

તે પછી થોડી જ મિનિટોમાં ટપુભાઈ અને અનિલભાઈ વચ્ચે એક જમીનનો સોદો નક્કી થઈ ગયો. ટપુભાઈ જમીન લે-વેચ કરતા અને અનિલભાઈ મોટાં બાંધકામ કરતા. બધું પતી ગયા પછી ટપુભાઈએ પૂછ્યું : ‘અનિલભાઈ, એવું તે શું હતું કે, તમે સોદો થવાની તૈયારીમાં હતો છતાં મને મૂકીને ચાલ્યા ગયા ?’
‘એ મારી અંગત બાબત છે. જાણીને શું કરશો ?’

‘તમને વાંધો ના હોય તો કહો. મને જાણવાની જિજ્ઞાસા છે.’

“વાત મારા બાપાજીથી શરૂ થાય છે. એમનો પણ મારી માફક બાંધકામનો જ ધંધો. કામ ખૂબ રહે, પણ રોજ રાતે બીજાઓ માટે ટિફિન ભરીને ભાખરી ને મગ લઈ જાય. રિક્ષામાં જાય ને રિક્ષામાં આવે. લગભગ એકાદ કલાકે ઘેર આવે, પછી જ શાંતિથી જમે. એક વાર તેઓ ટિફિન ભરીને રિક્ષામાં બેઠા ત્યાં સિમેન્ટનો એક વેપારી આવ્યો. તે વખતે સિમેન્ટની ખૂબ તંગી હતી. મારા બાપુજીએ સિમેન્ટના વેપારીને કહ્યું : ‘તમે બેસો, હું હમણાં આવું છું. અથવા તમારે બીજું કોઈ કામ હોય તો પતાવી આવો. હું કલાકમાં તો પાછો આવી જઈશ.’

‘મારે બીજે કશે જવાનું નથી.’

‘તો થોડી વાર બેસો….. ચા-નાસ્તો કરો. હું આવી પહોંચું છું.’ સિમેન્ટના એ વેપારી પણ મારા બાપુજી પર ધુંઆપુંઆ થતા બેસી રહ્યા. પોણા કલાક પછી બાપુજી પાછા આવ્યા અને બંને વચ્ચેની સિમેન્ટની ખરીદી પૂરી થઈ. સિમેન્ટના એ વ્યાપારી ગયા પછી મેં મારા બાપુજીને કહ્યું : ‘બાપુજી, તમે જાણો છો કે આપણને સિમેન્ટની કેટલી જરૂર છે, છતાં તમે એમને બેસાડી રાખીને ગરીબોને રોટલા આપવા ગયા ?’ ”

“ ‘દીકરા, ચોવીસ કલાક – આખો દિવસ તો હું મારા માટે જ જીવું છું. પણ એ ચોવીસ કલાકમાંથી માત્ર અડધો કલાક શું બીજાઓ માટે ન રાખું ? વેપાર-ધંધો તો આખી જિંદગી થવાનો છે ! આપણા નસીબમાંથી કોઈ ચોરી જવાનું નથી ! હવે એક વાર નિયમ બનાવ્યો એટલે બનાવ્યો. આપણા સ્વાર્થ ખાતર એમાં વિલંબ કે બાંધછોડ ન ચાલે ! તને પણ કહું છું કે, ધંધામાં ભલે લાખો રૂપિયા કમાય, પણ ચોવીસ કલાકમાં ચોવીસ મિનિટ તો એવી નક્કી કરી રાખજે કે જે બીજાઓ માટે હોય ! એ ચોવીસ મિનિટને કારણે જ આપણે ચોવીસે કલાક ઊજળા ફરી શકીશું….

.’ ટપુભાઈ, મારા બાપુજીએ મને વારસામાં તો ઘણું બધું આપ્યું છે, પણ આ જે વાત વારસામાં આપી છે એનું મારે મન મોટું મૂલ્ય છે. અત્યારે પણ હું ટિફિન લઈને ભૂખ્યાંને ભોજન આપવા જ ગયો હતો. મારા બાપુજી રિક્ષામાં જતા હતા, ઈશ્વરકૃપાથી હું કારમાં જાઉં છું. અને એક વાત સાચી કહી દઉં : આ બધું ભૂખ્યાને ભોજન આપવાનું, વસ્ત્રો આપવાનું, ક્યારેક પૈસા કે બીજી વસ્તુ આપવાનું, એ હું પરલોકનું પુણ્ય કમાવવા નથી કરતો, કે મારા ધંધાનાં કાળાં-ધોળાં ધોવા નથી કરતો, પણ માત્ર મારા જીવના આનંદ ખાતર કરું છું. એટલે મહેરબાની કરીને મારી આ અંગત ટેવની વાત તમે કોઈને કહેશો નહીં. એને લીધે કીર્તિનો ખોટો ફુગાવો થાય છે.”

એટલામાં અનિલભાઈનાં પત્ની આવી ચડ્યાં. જ્યારે એમણે ચર્ચાની વાત જાણી ત્યારે કહ્યું : ‘ટપુભાઈ, તમે હજુ આમને ઓળખતા નથી, એ પણ મારા સસરાજી જેવા જ છે. નિયમ માટે તો લાખો રૂપિયાનો સોદો પણ જવા દે. એ તો ઠીક છે, પણ અમારા લગ્નની રાતે પણ તે વરાનું જમવાનું માણસો પાસે ઊંચકાવીને જાતે જ વહેંચવા ગયા હતા. એટલું સારું હતું કે એમણે એમના આ નિયમની વાત મને પહેલેથી કહી રાખી હતી; એટલે એ બાબતમાં ગેરસમજ થઈ નહિ. અને ખરું કહું ?

શરૂઆતમાં તો મને આ કામમાં કંઈ ખાસ રસ નહોતો. પણ આજે મને પણ એ કામ ગમવા માંડ્યું છે, એટલે ટિફિન ભર્યા વગર મને ચેન પડે જ નહીં.’

ટપુભાઈ જમીનનો સોદો પાકો કરીને અનિલભાઈને ત્યાંથી નીકળ્યા તો ખરા, પણ અનિલભાઈનું પેલું વાક્ય : ‘આખા દિવસમાંથી ખાલી અડધો કલાક પણ બીજાઓ માટે ન રાખી શકીએ તો જીવ્યાનો શો અર્થ ?’ – મનમાં ઘૂંટાતું ગયું….. ઘૂંટાતું જ ગયું.

[‘અરધી સદીની વાચનયાત્રા – ભાગ 4’ માંથી સાભાર.]